કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૫. તણખલું

From Ekatra Wiki
Revision as of 01:51, 15 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. તણખલું

ગીચ રસ્તા — (સાંભળ્યો છે આ જ કોલાહલ ક્યહીં!)
— પર
માણસો મોટર સહિત સરતાં ઝપાટાબંધ;
(જાણે દેવ સૌ ફરતા વિજયમાં અંધ!)
અહીં આ ગીચ રસ્તા પર,
(કશું કૌતુક!)
ચળકતું તણખલું, (બે ઈંચ બસ!)
બે ધારવાળું, તીક્ષ્ણ, અણિયાળું.
સૂસવતો માતરિશ્વા (બ્યુક મોટરનો ઝપાટો)
ને ઉપર સળગે સૂરજ,
(અંગાર જાણે રાજ્યસત્તાનો બળે!)
ડામર બધો યે ખદબદે છે તાપમાં;
તોયે તણખલું આ,
નહીં ચસકે, નહીં સળગે, નહીં પીગળે!
(અજબ આ દૃશ્ય!... શું હું ઊંઘતો?
ના...ના) દબાતાં ડગ ભરી
રખડુ કવિ, હું તણખલાને હાથમાં લેતો
હથેળીમાં ધરી, જ્યાં શોચતો હું (ઇન્દ્ર સરખો),
ત્યાં હૃદય ને મન વચોવચ કોઈ સંધ્યા —
(સ્વર બધા રણકે છ!) — ધીમે શબ્દ ત્રણ કહી જાય છેઃ
“આ સત્ય છે.”



(બે — ધારવાળું — તીક્ષ્ણ — નાનું — તણખલું?)
આ સત્ય છે.
ગીચ રસ્તા પર ફરી મૂકી દઉં છું તણખલું.

૧૯૫૨
(સાયુજ્ય, પૃ. ૫-૬)