કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૧૨. કબ્રસ્તાનમાં

From Ekatra Wiki
Revision as of 01:26, 17 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨. કબ્રસ્તાનમાં

માણસો ભાંગ્યા અને ધૂળ થઈ એના પેટમાંથી લીલાં લાબરાં અને પીળા
થોરના હજા૨ હજા૨ રાક્ષસો નીકળ્યા. સરગવાનું માંસ ખાઈને
શીળા પવનો નાસી ગયા. ગીધની વાંકી ડોક જેવા, સડેલા લીમડાઓની
બખોલોમાં કીડીઓએ કથ્થાઈ ઘર બાંધ્યાં.
પથરા ખખડી ગયા અને એના ૫૨
કોતરેલાં નામો પણ હવે તો આકાશની છાતી જેવાં ચપટાં થઈ ગયાં.
નવી નાખેલ લાલ માટીમાં પાણી બેચાર દિવસ ટક્યું, ત્રીજે દિવસ તો
તરસ્યાં, ભૂખાળવાં એટલાં બધાં વાદળ ઊમટ્યાં કે બધું પાણી પી ગયાં.
આંધળી કીકીઓ જેવા વાડના સીમાડા
મૂંગા, ઉદાસ, મડદાલ ઊભા રહ્યા.
છેલ્લે છેલ્લે તો આથમતા ખૂણાના છીંડામાંથી પ્રવેશતા ઘોરખોદિયાના
પગમાં પેસીને શાન્તિ બધી કબરો પર સૂઈ ગઈ. અત્યારે મોટા ઝાંપાના
બાંકડાની તિરાડોમાં અને નકૂચાઓમાં પણ એણે થાણાં કર્યાં છે.
ઉપર, નીચે, આજુબાજુ, હવાનાં ઢીલાં અંગોને ભીંસતી, ગ૨નાળે વસતા
હડકાયા કૂતરાની આંખોની જેમ ભસતી, આ શાન્તિ કાદવની જેમ
બધે પથરાઈ ગઈ છે. કાંઈ દેખાતું નથી, બસ, કાદવ, કાદવ, કાદવ...

જાન્યુઆરી, ૧૯૬૨
(અથવા અને, પૃ. ૩૦)