કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૧૫. ઓર્ફિયસ

From Ekatra Wiki
Revision as of 01:30, 17 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૫. ઓર્ફિયસ

કૂતરાં વગરની વસતિમાં ભસ્યા કરે છે કાળા અક્ષરો,
કોઈક – કદાચ કોઈક પારખે છે મારું પગેરું.
ઓળખે છે મને આ જંગલોમાં.
તમે વરસોથી ફરી રહ્યા છો મારી પાછળ,
વરસોથી મારો પીછો પકડ્યો છે.
તમે શું પારખ્યું?
મારી ગંધ? મારા લોહીમાં તો નથી માટીની જરીકે વાસ.
કઈ નિશાનીએ દોડ્યા આ બાજુ?
મારાં પગલાં તો પડ્યાં છે હજારો પગલાંની છાપમાં,
એના ૫૨ ફર્યાં છે હજારો વાહનોનાં પૈડાં,
કંઈ એંધાણી જડી, કંઈ નિશાની?
મારો પડછાયો તો હું નિયમિત કપડાં જોડે પહેરી લઉં છું,
અડખેપડખેની હવાને
વાઢી નાખું છું દાતરડા જેવા શ્વાસે,
તમને હું ક્યાં જડ્યો?
તારાઓ સાથે મેં નથી કરી દોસ્તી
સૂરજને મેં હંમેશ આપી છે ગાળો
ચન્દ્રને ખાઈ જવા હંમેશ કર્યું છે ડાચિયું.
હું કોઈની સાથે રહ્યો નથી.
કોઈની સાથે ચાલ્યો નથી-બોલ્યો નથી – મારી સાથે પણ નહિ.
તો પછી તમને કોણે કરી ગુસપુસ?
અંધારા ઓરડામાં રિસાઈ બેઠેલ આંસુઓ વચ્ચે
મેં તમને પહેલવહેલા વરતી કાઢ્યા હતા,
બોરડીનો કાંટો કાઢી આંગળી પર ઊપસેલું લોહીનું ટીપું
જોવામાં હું મશગૂલ હતો ત્યારે તમે એ પી જવા કહ્યું હતું,
અર્ધી રાતે
ઘરની પાછળના કતલખાનામાં
બકરાંને તમે જગાડ્યાં હતાં?
અને વહેલી સવારે લીમડે ચડી તમે ઊંઘતા હતા?
પહેલા વરસાદમાં અળસિયું થઈને તમે નીકળ્યા હતા?
નિર્જન ટેકરીઓમાં આવળના ફૂલમાં પતંગિયું થઈ
તમે સંતાયા હતા?
તમે જગાડી હતી જિજ્ઞાસા
પાંદડાંના રેસા ઉખાડી કશુંક શોધવાની?
મોરપીંછને તાંતણે તાંતણે છૂટું પાડવાની?
કાદવમાં જામેલ પાણીમાં
અજાણી ભાષામાં અજાણ્યું લખવાની?
કદાચ તમે જ મને રૂપાળી રાતે
એકલા રખડવાનું કહ્યું હતું.
તમે કહ્યું હતું મને રાહ જોવાનું?
હું કોને શોધી રહ્યો હતો ટોળામાં?
તમે મને પડવાનું કહ્યું હતું રૂપમતીના તળાવમાં,
ઊંચી ટેકરીઓ પરથી નીચી પગદંડીઓ ૫૨ કૂદવાનો
ઉત્સાહ તમે જગવ્યો હતો?
હું દરિયાની સામે ઊભો હતો
ત્યારે સરુના જંગલમાં તમે ગાઈ રહ્યા હતા?
બદામીમાં ઢળતી સાંજે તમે મને
ડમણિયાના કિચૂડાટ સાથે પગ મેળવતા મળ્યા હતા
પણ તમે આટલે લગી મારી પાછળ આવશો
અને તમે જ આવશો
એની ખાતરી નહોતી.
અને છતાં તમે આવ્યા.
પણ તમે હંમેશ મારી પાછળ કેમ ઊભા રહો છો?
તમારું મોં તો દેખાડો!

ઑક્ટોબર, ૧૯૬૩
(અથવા અને, પૃ. ૩૬-૩૮)