કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૩૪. જેસલમેર-૧

From Ekatra Wiki
Revision as of 02:38, 17 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૪. જેસલમેર-૧

મરુથલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોનાં તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બે-ચાર બકરાં શ્યામ
ડેલી બહાર ડ્હેકાર દે કામઢું ઊંટ.
વચલી વંડીએ સુકાય રાતાં ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

જાન્યુઆરી, ૧૯૬૩
(અથવા અને, પૃ. ૯૭)