બારી બહાર/૪. હતે તું સંગાથે !

From Ekatra Wiki
Revision as of 01:32, 18 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪. હતે તું સંગાથે !

કદી સંધ્યાટાણે,
કદી વા કો વા’ણે,
થતું હૈયે એવું, નીરખી નભશોભા પ્રસરતી :
હેત તું સંગાથે!

સ્ફુરે કોઈ જ્યારે
ઉરે ગીતો મારે,
થતું હા ! તે વારે મુજ મન મહીં એમ સહસા :
હતે તું સંગાથે !

નિશાશોભા જોઈ,
કદી નિદ્રા ખોઈ,
ભમે નેનો આભે : કંઈક દિલ એવું લવી જતું :
હતે તું સંગાથે !

નિહાળી કૈં ભવ્ય,
નિહાળી વા રમ્ય,
સ્ફુરે મારે પ્રાણે ચકિત : મુજ આનંદ મહીં જો
હતે તું સંગાથે !

વસંતે હૈયાના,
શિયાળે વા ત્યાંના,
ઊઠે જાગી ઇચ્છા પ્રબળ, મધુરી એક, ઉરમાં :
હતે તું સંગાથે !