બારી બહાર/૬. ઘેરૈયા

From Ekatra Wiki
Revision as of 01:36, 18 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬. ઘેરૈયા

અમે તો ઘેરૈયા : ગગન મહીં જે રંગ ઊડતા,
અને જે રંગો આ અવનિપટ રંગીન કરતા,
અમારાં છંટાયે ઉર સકલ એ રંગ થકી, ને
અમે યે રંગાઈ અવનિનભ જેવા બની જતા.

મહા ઘેરૈયા કો વિધવિધ લઈ રંગ ઘૂમતો,
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા;
કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો,
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો.

અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઊડતાઃ
ઋતુ છંટાતી, સૌ દિન-રજનિ એ રંગ ધરતાં;
અને ઊઠે રંગો તૃણ, કુસુમ, પર્ણે, ફળ મહીં;
વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા.

અમે ઘેરૈયા સૌ બહુ ઘૂમી શોધ કરતા :

કહીં ઘેરૈયા એ ? કહીં છૂપવિયો રંગનિધિ આ ?