બારી બહાર/૪૫. બી

From Ekatra Wiki
Revision as of 05:17, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૫. બી

ધરાપડતમિસ્રમાં સ્વપન સેવતું બીજ કો
વિશાળ વડનું : જુએ સ્વપનમાં રવિતેજ, ને
અસંખ્ય નવ પર્ણ, ને ચરમ વાંછના શાં ફળો;
અને કિલકિલાટ એ સકલ પંખીનો સાંભળે.

છૂટે ગગનમેઘની સલિલધાર, આવે ધરા;
તૂટે તિમિર શાં પડો, સ્વપન સર્વ થાતાં ખરાં :
ઝૂલે પવનમાં ફળો, હરિત પાન ડાળે ઝૂલે;
વિશાળ વડ આજ એ વિહગગીતને સાંભળે.

પ્રગાઢ તિમિરે પડયું સ્વપન સેવતું બીજ હું
વિરાટ તણું, વાંછતું સકલ વિશ્વમાં વ્યાપવા :
ઊંચે ગગનમાં, નીચે ધરણીમાં, અને સિંધુમાં,
સહુ મનુજ અંતરે ધબકતા સહુ તાલમાં.

દયાસલિલધારથી તિમિર જો નહીં ઓગળે,
પ્રહાર કરી તોડ એ વિરલ પ્રેમના વજ્રથી;
પછી સ્વપ્ન બીજનાં વિવિધ, સત્ય રૂપે ફળે :
નભે, ધરણીમાં, જલે, મનુજ-ઉર વ્યાપી રહે.