બારી બહાર/૫૪. અબોલા

Revision as of 05:28, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૫૪. અબોલા

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે,–આંખે માંડી વાત !

આંખોને યે વારું ત્યારે,–જોવું ના તુજ દિશ,
એમ કર્યું તો,–સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ.

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
–નીર ફર્યાં એ પાછાં તેથી ઊભરાતાં મુજ નેન.

અંતર મારે ભય જાગે : શું બંધો જાશે તૂટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
–સઘળું નિજનું તુજને, લૂંટી ?