બારી બહાર/૭૫. પસંદગી

From Ekatra Wiki
Revision as of 11:06, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૭૫. પસંદગી'''</big></big></center> {{Block center|<poem> ‘સખી રાધા, નહીં શાને કૃષ્ણને તુ શોધતી ? કાય માંહી, પધારી છે કેવી, તારી, વસંતશ્રી ? કામનાકોકિલા યે તે હશે હૈયે ટહુકતી, અને એ સાંભળી વાણી, હશે તુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૭૫. પસંદગી

‘સખી રાધા, નહીં શાને કૃષ્ણને તુ શોધતી ?
કાય માંહી, પધારી છે કેવી, તારી, વસંતશ્રી ?
કામનાકોકિલા યે તે હશે હૈયે ટહુકતી,
અને એ સાંભળી વાણી, હશે તું વિહ્નળે થતી !’
‘ખરી છે વાત તારી એ, સખી, મેં કૃષ્ણ શોધવા
મારાં આ નયણાંને બે ઘણી યે વાર મોકલ્યાં;
પરંતુ એમ કે’તાં એ, જોઈ આવી ફરી ફરી :
તહીં ના એક છે કૃષ્ણ, સેંકડો કા’ન છે તહીં;
રચી છે રાસલીલાને, ઘણી યે ગોપીઓ લઈ.
ફોડતા મટુકી કોઈ, કોઈ વા દાણ માગતા;
રચી વા પગની આંટી કોઈ બંસી બજાવતા.

સખી, આ સાંભળી વતો, પડી છું હું વિમાસણે :
શોધવા કેમ મારાને, કા’નના આ મહાધણે ?
પરંતુ જિંદગાનીની આ વહે જમુના અહીં;
રાહ જોઈશ કા’નાની તેને તીરે ઊભી રહી

જાણું છું, જલમાં તેના, નાગ કાલિય ઘૂમતો,
હજારો જિંદગાનીને મૃત્યુના દંશ આપતો,
હજારો જિંદગાનીમાં કાલફૂટ ભરી જતો.
કા’નો મારો તજી બંસી, રાસલીલા તજી દઈ,
દાણ બાકી બધાં રાખી, કૂદશે નીર આ મહીં :
નાથશે નાગને, એની સહસ્ત્ર ફેણ ચાંપશે,
જિંદગી-જમુનામાંથી બાર’ર એને ફગાવશે.

તે સમે કા’નને મારા ઓળખી હં લઈશ ને
દાણ જે માગશે ત્યારે, બધું યે ચૂકવીશ એ.’