કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૫. ઘરજાત્રા

From Ekatra Wiki
Revision as of 01:28, 20 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. ઘરજાત્રા

પાર કર્યો પહેલો મહેરામણ
અમુક્ત માનસ નીતરવા;
ઘર લથડેલો નીચો ઝંડો
પર ઓથે ઊંચો કરવા.
ફૂલ મળ્યાં, આશ્વાસન પામ્યો,
ના એકલ હું, સમજાયું;
લડાઈ સૌની જુદી જુદી,
એક થતાં સત રોપાયું.
અખબારો આહ્લેક પુકારે,
બીજો સમદર વીતી આવ !
દોડધામની દુનિયામાં તું
અનહત હિન્દી ઢોલ બજાવ !
દુશ્મનના ધડકારા વચ્ચે
અહીં તહીં ગાયા સાચા સૂર;
રોજિંદી એ કલમે મારા
ના ઊતર્યાં હૈયાનાં પૂર.
ત્રીજે ટેકે રચ્યાં પુસ્તકો
અર્થશાસ્ત્ર ઇતિહાસ ભરી;
ચોથો દરિયો પાર કરીને
પરભાષાને આપ્ત કરી.
આત્મકથા સરજાવી ત્યારે
જમણી મારી ફરકી આંખ;
વાત અનોખી સૂણી પૂર્વની
પરદેશોએ લીધો પાંખ.

નવલકથા નાટક સર્જાતાં
ઓળંગ્યા બે દરિયા સાથ;
પરભાષામાં મળ્યાં ચુંબનો,
પરભાષામાં લીધી બાથ.
પરદેશણના ભર્યા જોબને
પરદેશીએ માંડી મીટ;
આંખ વીંચાણી એ તંદ્રામાં
શિર પર ત્યાં તો ડગ્યો કિરીટ.
યાત્રા કેરો અંત જણાયો,
સર્વ જીત્યો એવું જ્યાં થાય;
સાત સમુંદર ઓળંગેલી
કવિતાની કેડી પરખાય.
કમાન જેવો દેહ પાતળો,
પકડું, પકડું, છટકી જાય;
પકડી, આળોટ્યાં જ્યાં, નીચે
સ્વભોમનું ધ્રો-ખડ પથરાય !
ઊખડેલા નવ આંબા ઊગે !
ઘરે ઊગેલા આભે પૂગે !

૧૬-૯-’૪૮
(કોડિયાં, પૃ. ૨૦-૨૨)