કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૧૩. અવલોકિતેશ્વર

From Ekatra Foundation
Revision as of 15:25, 20 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૩. અવલોકિતેશ્વર

ઉચ્છ્‌વાસતો કાનન-મર્મર-ધ્વનિ,
શરૂ-તરુનાં વન વીંધતો વહે;
લળી જતો મંજરી ભાર વેરી,
ઊંચા ઊંચા સાગ નીચા નમી રહે.
પ્રચ્છન્ન રૂપે પગદંડી પાતળા,
તૃણાંકુરોમાં અટવાતી આથડે;
કરી રહ્યો નિર્ઝર કલ્કલ ધ્વનિ,
કો ગહ્વરેથી જલ-ધોધવા દડે.
મધુસ્વરે સોહિની ગાય શ્યામો,
નિબિડથી નીલમ દેવદારુની,
અને હિમાદ્રિ શતશૃંગ ટોચે,
ચડી પડે પ્રાતર-બ્હેન આરુણી.
આગે બઢ્યો હું કરી સ્નાનસંધ્યા,
તિબેટની પ્રાંતસીમા જરા વીંધી;
કુલી દૂરે ટેકરીઓ વચાળે,
દેખાડતો દેવળ આંગળી ચીંધીઃ
“સામે જુઓ તે જ દલાઈ લામા,
આરૂઢતા ત્યાં અવલોકિતેશ્વરઃ
અહીં ઊભો હું, જઈને ત્વરાથી,
આટોપી લ્યો સત્ત્વસ્વરૂપ દર્શન !”
(તંદ્રા)
આકાશનો ઘુમ્મટ ઘેર સાંધી,
બાંધી લીધું મેઘધનુષ્ય તોરણેઃ
મરાલનો મૉડ ધર્યા વિમાને
મૂકી દીધીં મત્તમયૂર વીંઝણે.
વીણા લઈ ગાંધરવો બજાવે,
ઊડી કરે ગાયન અંતરીક્ષમાં;
પદે પદે તાલ ધરી મૃદંગે,
કરી રહ્યા કિન્નર તા પ્રદક્ષિણા.
મંદારની માલ્ય કરે ધરીને,
અશ્વિની ઊભા કરતા પ્રતીક્ષાઃ
શચિ, શુચિ, અગ્નિ, અરુણ, વાયુ,
આતુર હસ્તે ગ્રહી દિવ્ય દીક્ષા.
અસ્તાચળે, ઉગમણી દિશાન્તે,
મૂકી દીધા સૂરજ-ચંદ્ર દીવડાઃ
પૃથ્વી થકી ઊર્ધ્વ ધસંત કેડીએ,
વૈતાલિકો હાર કરી રહ્યા ખડા.
જન્માન્તરોની ફૂદડી ફરીને,
આજે પધારે અવલોકિતેશ્વર;
મનુષ્યનો દેહ ત્યજી દઈને,
જતા હતા મોક્ષ-સ્વધામ ઈશ્વર.
અને હવામાં ઊડતી પતાકા,
વિમાનનો મંગલ શબ્દ ગુંજતો,
વૈતાલિકો ગાન ધરેઃ મૃદંગે
પદે પદે કિન્નરતાલ ઊઠતો.
આકાશમાં ઝાલર ઘંટ વાગે,
ને ગાજતો મંગલ શંખનો ધ્વનિ;
દેવાંગના આરતીને સમારતી
ગજાવતી વિશ્વ કરી હુલુધ્વનિ.
“ખમા, ખમા ! પ્રેમલ બોધિસત્ત્વ !
જયો ! જયો ! ઓ અવલોકિતેશ્વર !”
પુકારતા દેવગણો જયધ્વનિ,
ગાજી ઊઠ્યું ત્યાં સઘળું ચરાચર.
ને મોક્ષના ઉંબરમાં પગો ધરી,
જ્યાં થોભતા’તા અવલોકિતેશ્વરઃ
પૃથ્વી થકી હાય ઊઠંત આકરી,
નિશ્વાસતાં દુઃખિત નારીઓ નર
આંખો મીંચીને મુખ ફેરવી લીધું,
ખેંચી લીધા પાય ત્વરિત તાનમાં;
ને મોક્ષના ઉંબરથી ફરી જઈ
પૃથ્વી ભણી એ પળતા વિમાનમાં.
“પૃથ્વી તણો દુઃખિત પ્રાણ છેલ્લો,
ન મોક્ષના ઉંબર માંહી જ્યાં લગી;
દુખાર્ત સંગે બનું એક હું દુખી,
ન મોક્ષનો લોભ શકે મને ઠગી !”
મંદારની અશ્વિનીમાલ્ય તો સરી !
ને સાથમાં બે નભતારલી ખરી !


કુલી ઊભો’તો દ્વય આંખ ફાડી
દેખાડતો મંદિર ચીંધવી કરઃ
“અહીં ઊભો હું, જઈને ત્વરાથી,
આટોપી લ્યો સત્ત્વસ્વરૂપ દર્શન.”
“લે ચાલ તું, દર્શન તો પૂરું થયું !”
આશ્ચર્ય એનું ઊલટું વધી ગયું !

૨૯-૬-’૩૩
(કોડિયાં, પૃ. ૭૩-૭૬)