કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪૪. બુદ્ધનું પુનરાગમન

From Ekatra Wiki
Revision as of 01:37, 21 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૪. બુદ્ધનું પુનરાગમન

“આવો, બુદ્ધ !”
વદતી માતા વૃદ્ધ;
“બહુ રહ્યા પરદેશ તમે એ માનું મારો વાંક.
આવો જો પાછા તો મળશે પાછું મારું નાક.
પચ્ચીસ સો વર્ષો વિત્યાં આ આંખો ઊઘડતાં,
તેજ જીરવવા તારું શક્તિ આજે છે, બેટા !
ચણીશ મોટા સ્તૂપ;
નવા થાંભલા આરસ-રૂપ,
જ્યાં જ્યાં તેં પગલાં પાડ્યાં’તાં, ત્યાં ત્યાં લખશું શિલાલેખ,
અબુધ હું, પણ વચમાં જોઈ જાણી છે ગાંધીની ભેખ.”
યહૂદીઓમાં કથા એક છેઃ પાછો રખડુ પુત્ર મળે,
માતપિતા હરખાઈ ધિંગાં ઘેટાં મૂકે કાપ ગળે.
ઘર બેઠેલા ખાય િનસાસા, રખડુને મળતાં સ્વાગત;
પામરના આવા છે મત.
તમે નહીં ભાગ્યા’તા, માતા ભાગેડુ પાછી આવી;
ઘેટાંનો નહીં ભોગ કેમ કે ઘેટાંને હૃદયે લાવી
મૈત્રી, પ્રેમ, અહિંસા કેરાં આપે આપ્યાં’તાં દર્શન.
પણ માતા ભાગેડુને મન
શાન્તિ સ્થાપવા તમે પધારો,
પગે પડો, જીતો કે હારો
કશી નથી તમને પરવા.
રખડુ મા, દીકરા ગરવા.
દેશવટો આપ્યો’તો દેશે.
સૂર્ય ઢાંકવા દલીલ વેષે
શંકર ચાલ્યા એક દિશાથી
ચાર ધામ તક ફરી વળ્યા.
સ્થળ સ્થળ પણ પળ એ ઊકળ્યાઃ
“ગૌતમનું કહેવું છે સાચું;
પણ વૈદવાક્યમાં સઘળું સાચું.
બુદ્ધ તણું નહીં નવું નિશાન !
હિન્દ ! લહે પોતાનું ભાન !
ધર્મ એક છે, નવા નામમાં ગળતું પરંપરાનું માન !”
ચકમક બુદ્ધિ તેજે આંજ્યું
બૌધ્ધો ઊંડેરું જ્ઞાન.
જન્મભૂમિ છોડીને ચાલ્યો ગૌતમનો વચગાળો ધર્મ;
અર્ધ જગતને અપનાવીને,
દ્વેષ મહીં શાન્તિ લાવીને,
કરી રહ્યો નિષ્કામી કર્મ.
અંદરથી ઘરને તાળું, ને વીતી ગઈ પચ્ચીસ સદીઃ
આજે માતા ફરી વદીઃ
“આવો પુત્ર ન પામી કદી.”
તમે પૂછ્યો’તો પ્રશ્ન પ્રથમ.
પ્રથમ તમે સમજાવ્યું માણસનું મન.
બ્રાહ્મણને પડકારી,
મુક્ત કરી ભારતની નારી,
વર્ણભેદને, પરંપરાને, આંખ વિનાની શ્રદ્ધાને,
માત્ર તર્કને મ્હાત કરીને તમે દીધાં ડહાપણનાં દાન
પ્રથમ સર્વથી. સ્થાપ્યું જ્ઞાન
રૂઢિ હઠેલી. વઋષલબાળને આપ્યું માન.
ભેદભાવના કાદવમાં કો’ કમળ ખીલ્યું’તું !
કાદવ પાછો પથરાયો.
રૂઢિ તણો ચીલો ધાયો
રથ ગૌતમનો સપડાવા
પચ્ચીશ સદીના પાદર સુધી.
કાળચક્ર છે ફરી ગયું, ભારતમાં જુદી ભાત.
જીરવવા તમ બોધ ભારતે તોડી નાખી નાત.
આજે ફરી થયો ઉજાશ !
થાતાં બુદ્ધદેવના ભાસ !

૨૪-૫-’૫૬
(કોડિયાં, પૃ. ૨૭૩-૨૭૪)