સંવાદસંપદા/રાજ ગોસ્વામી

From Ekatra Wiki
Revision as of 02:10, 3 October 2023 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


રાજ ગોસ્વામી સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS Raj Goswami.jpg





રાજ ગોસ્વામી સાથે વાર્તાલાપ - ૧





રાજ ગોસ્વામી સાથે વાર્તાલાપ - ૨




મારું નામ રાજેન્દ્ર જશવંતભાઈ ગોસ્વામી. ઉમાશંકર જોશી ‘ઉ.જો.’ લખે, લાભશંકર ઠાકર ‘લા.ઠા’ લખે, સુરેશ જોશી ‘સુ.જો.’ લખે. એના ચાળે ચઢીને રાજેન્દ્રમાંથી ‘રા’ અને જશવંતમાંથી ‘જ’ને જોડીને ‘રાજ’ બનાવેલું. ઉપરાંત, રાજ કપૂર, રાજ કુમાર, રાજ બબ્બરનાં નામોનો પણ વહેમ. આણંદ નજીક ગોપાલપુરા નામના નાનકડા ગામમાં ૨૫ જુન ૧૯૬૩ના રોજ જન્મ થયેલો. ફાટેલાં કપડાં અને ચપ્પલ સાંધીને વર્ષ ચલાવવાં પડે તેવી ગરીબી. એ સામાજિક લઘુતાગ્રંથિમાંથી ઉભરવાનો રસ્તો જ્ઞાનમાં દેખાયો હતો. ગામની આખી લાઈબ્રેરી વાંચી નાખી હતી. એ પછી કોલેજની, મ્યુનિસિપાલિટીની અને ગામની એમ ત્રણ લાઈબ્રેરીઓનાં કાર્ડ મારી પાસે હતાં. એક જ સમયે હું ત્યારે ત્રણથી ચાર પુસ્તકો વાંચતો હતો. રદ્દીઓની દુકાનોમાં ફરતો. છ ધોરણ સુધી ગામમાં, સાતમું, આઠમું, નવમું અને દશમું બાજુમાં વડોદ ગામ છે ત્યાં કર્યું. અગિયારમુ અને બારમું આણંદની ડી. એન. હાઈસ્કૂલમાં. ‘આર્ટ્‌સમાં તો છોકરીઓ જાય’ એવું સાંભળી સાંભળીને ભૂલમાં આણંદની કોમર્સ કોલજમાં દાખલ થઈ ગયો, પણ ગણિત આવડે નહિ એટલે કવિતાઓ લખતો રહેતો એટલે પહેલાં જ વર્ષે નાપાસ. હિંમત કરીને વલ્લભ વિદ્યાનગરની નલિની એન્ડ અરવિંદ આર્ટસ કોલેજમાં નવેસરથી દાખલ થયો. ત્યાં અંગ્રેજીમાં ગ્રેજ્યુએટ થયો. દિલાવરસિંહ જાડેજા સાહેબ તેના પ્રિન્સિપાલ હતા. ત્યાં લખવા-વાંચવાની ટેવને મોકળું મેદાન મળ્યું. ભણવા કરતાં ઈતર પ્રવૃત્તિઓમાં વધુ રસ હતો. એ પછી શું થયું તેની વિગતો ઇન્ટરવ્યુમાં છે.

એક પુત્ર દેવ ગોસ્વામી છે, જે દિલ્હીમાં ઇન્ડિયા ટુડેના ડિજીટલ ન્યૂઝ પોર્ટલમાં સિનિયર આસિસ્ટન્ટ એડિટર છે. પત્નીનું નામ ઉલ્કા ગોસ્વામી છે. - રાજ ગોસ્વામી


પ્રશ્ન: રાજભાઈ, આપણે ચર્ચાની શરૂઆત પત્રકારત્વની તમારી યાત્રાથી કરીએ. તમારી આ યાત્રાના મુકામ તમારી દૃષ્ટિએ કયા, અને તમારી આ યાત્રા દરમ્યાન તમે અખબારી પત્રકારત્વને કઈ રીત બદલાતું જોયું, એની વાત પણ કરો. જરૂર. તમારો આ પ્રશ્ન બે ભાગમાં છે. પહેલો ભાગ મારી કારકિર્દીને લઈને છે, અને બીજો ભાગ પત્રકારત્વનું જે સ્વરૂપ છે એને લઈને છે. મને લખવા-વાંચવાનો શોખ નાનપણથી જ ખરો. મારી કારકિર્દી શરૂઆત થઇ હું જયારે કૉલેજમાં ભણતો હતો ત્યારે. વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સીટીની આર્ટસ કૉલેજમાં હું જ્યારે પહેલા વર્ષમાં હતો ત્યારે કૉલેજમાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતો અને યુનિવર્સિટીનું સામાયિક હતું એમાં અવારનવાર લખવાનું પણ થાય. નાની-મોટી સ્પર્ધાઓમાં ભાગ લઉં એટલે મિત્રોને અને પ્રોફેસરોને એટલી ખબર કે હું લખું છું અને વાંચું પણ છું. એ દરમ્યાનમાં આણંદમાંથી ‘નયા પડકાર’ નામનું એક દૈનિક શરૂ થયેલું, અત્યારે પણ છે. ચરોતરના સૌથી મોટા સમાજવાદી નેતા ચીમનભાઈ પટેલ, એમણે એ અખબાર શરૂ કર્યું. એમાં એક અનુવાદકની જરૂર હતી, જે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી શકે. ગુજરાતી પત્રકારત્વની એક અગત્યની વાત એ છે અને અંગ્રેજી પત્રકારત્વથી એ જુદું એટલા માટે પડે છે કે આપણે ત્યાં અનુવાદનું મહત્વ ખૂબ છે, કારણકે દૂનિયાની ઘણી બધી માહિતી અંગ્રેજીમાં હોય છે. એટલે ગુજરાતી પત્રકારની જો કોઈ પહેલી લાયકાત હોય તો એ અનુવાદની છે. એટલે મને એક પ્રોફેસરે કહ્યું કે તારી ઇચ્છા હોય તો અનુવાદ કરવા આવ. એ મને ગમતી પ્રવૃત્તિ હતી એટલે બીજા વર્ષમાં હતો ત્યારે હું ‘નયા પડકાર’માં જોડાયેલો.

ત્યાં દિગંતભાઈ ઓઝા મારા પહેલા એડિટર હતા, એમને હું ત્યારથી ઓળખું. દિગંતભાઈએ મને લખતો કર્યો એવું કહી શકાય. પરિવાર સાથે હું ફરવા દિલ્હી ગયો હતો, તો ત્યાં સાંસદ અમિતાભ બચ્ચનને મળવા ગયો પણ કોઈક મિટિંગના કારણ મળવાનું ન થયું. પાછો આવ્યો ત્યારે દિગંતભાઈએ મારી પાસે એ લખાવ્યું હતું. મારી એક અઠવાડિક કોલમ પણ દિગંતભાઈએ શરૂ કરેલી. એટલે પત્રકારત્વમાં એ મારા પહેલા ગુરુ હતા. અને બીજા ગુરુ વજ્ર માતરી હતા, જે આપણા મોટા ગઝલકાર જલન માતરીના ભાઈ થાય. એ પણ સારા કવિ હતા અને બીજા એડિટર તરીકે આણંદ આવેલા. પછી વજ્રભાઈ ‘નયા પડકાર’ છોડીને મુંબઈમાં ‘ગુજરાત સમાચાર’માં જોડાયા અને ત્યાંથી એમણે મને મુંબઈ બોલાવ્યો. ભારતના કોઈપણ ગામડાનાં છોકરાને મુંબઈ જવાનો શોખ હોય. મને પણ હતો. એટલે મારી બીજી નોકરી એમણે મને આપી. પૈસા ઓછા હતા, નાની નોકરી હતી, પણ હું ૧૯૮૬માં ત્યાં ગયો.

ત્યાં મારા કામની વિધિવત શરૂઆત થઈ એમ કહેવાય. અને પછી તો કામ કામને શીખવે એમ ચાલ્યું. અનુવાદનું કામ, બીજાં પણ ઘણાં કામો હતાં. એ બધું હું શીખતો ગયો, મને જેમ હથોટી આવતી ગઈ એમ હું આગળ વધતો ગયો અને છેક ૨૦૦૩ સુધી હું ત્યાં ‘ગુજરાત સમાચાર’માં હતો. હું ‘ગુજરાત સમાચાર’ મુંબઈમાં એડિટર પણ બન્યો. એ વચ્ચે બે-ત્રણ વર્ષનો મારો કાર્યકાળ વડોદરામાં ‘ગુજરાત સમાચાર’માં પણ ખરો. ૨૦૦૩માં અમદાવાદમાં ‘દિવ્યભાસ્કર’ શરૂ થયું અને એમણે મને આમંત્રણ આપ્યું, એટલે હું ત્યાં જોડાયો. પછી વડોદરામાં ‘દિવ્યભાસ્કર’ ના એડિટર તરીકે હું આવ્યો અને પછી પાછો અમદાવાદમાં ‘સંદેશ’ના આમંત્રણથી હું ત્યાં એડિટર તરીકે ગયો. એમ કરતાં કરતાં ત્રીસેક વર્ષનો ગાળો થયો. મારે ક્રીએટીવ લખવું હતું એટલે મેં સક્રિય પત્રકારત્વમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું અને સંપૂર્ણપણે લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે હવે હું ઘરે બેસીને લખું છું અને વિવિધ અખબારોમાં મારી કોલમો ચાલે છે. અનુવાદ મારો પહેલો પ્રેમ અને હવે ફરી હું એ જ કરી રહ્યો છું અને બીજાં પણ મૌલિક પુસ્તકો પર કામ ચાલે છે.

પ્રશ્ન: હવે મારા પ્રશ્નના બીજા ભાગ પર આવીએ- જે ત્રીસ વર્ષના ગાળાની વાત તમે કરી એ દરમ્યાન તમે પત્રકારત્વમાં પરિવર્તનો જોયાં. પત્રકારત્વ કઈ રીતે બદલાયું? ભારતના બીજા પ્રદેશોનું અથવા તો જે અંગ્રેજી પત્રકારત્વથી આપણે પરિચિત છીએ, એ બૌદ્ધિક અને લોકશાહીના કેટલાક સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. એમાં ખાસ્સું એવું વૈચારિક અને સૈદ્ધાંતિક તત્ત્વ હોય છે. એની સરખામણીમાં, સ્વતંત્રતાનો જે ગાળો હતો એ દરમ્યાન ગુજરાતી પત્રકારત્વ પાસે એક મિશન હતું, એક સામાજિક નિસ્બત હતી. એટલે ગુજરાતમાં ફૂલછાબ, સુરતમાં ગુજરાતમિત્ર, મુંબઈમાં મુંબઈ સમાચાર કે જન્મભૂમિ-પ્રવાસી, કચ્છમાં કચ્છમિત્ર, અમદાવાદમાં જનસત્તા, જેવાં અખબારોઅલગ અલગ શહેરોમાં હતાં, એમની ભૂમિકા એવી હતી કે સ્વતંત્રતા ચળવળમાં એમણે રાષ્ટ્ર ઘડતરમાં અથવા સમાજ ઘડતરમાં યોગદાન આપવાનું છે એટલે એમની પાસે એક ચોક્કસ પ્રકારનો હેતુ હતો, એક દિશા હતી. ગુજરાતી પત્રકારત્વને સમજવા માટે તમારે ગુજરાતના સમાજને પણ સમજવો પડે. કારણ કે એ બે અલગ નથી. આપણે નેગેટીવ રીતે એવું કહીએ છીએ કે ગુજરાતી લોકો પૈસાને બહુ માને. ગુજરાતી પરિવારોમાં પૈસાનું મહત્ત્વ ખૂબ છે, આપણી ઓળખ મની-માઈન્ડેડ લોકો તરીકેની છે. હું આને નકારાત્મક મુદ્દો નથી ગણતો, પણ એ આપણી સંસ્કૃતિમાં છે. એટલે એ સાહસવૃત્તિ ગુજરાતમાં છે. એટલે એ બાબત પત્રકારત્વમાં પણ આવી. એને લીધે શું થયું કે સ્વતંત્રતાના સમય પછી તો આપણું પત્રકારત્વ મોટેભાગે આર્થિક પરિબળો દ્વારા સંચાલિત થયું, એમાં આર્થિક લાભાલાભથી ચાલતું પત્રકારત્વ છે. હું આને નકારાત્મક કે હકારાત્મકની દૃષ્ટિએ નથી મૂલાવતો, પણ આ હકીકત છે. એટલે એમાં વ્યવસાયિક હિતો ખૂબ આવ્યાં. એટલે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ જેવાં મોટાંમોટાં અખબારોએ આર્થિક રીતે દૃઢ થવા માટે અમુક પ્રકારના પત્રકારત્વનો અમલ કર્યો. જેમાં લોકોને મજા પડે, લોકોને મનોરંજન મળે, લોકોનો સમય પસાર થાય. આપણે જ્યારે પત્રકારત્વનો વિચાર કરીએ ત્યારે આપણા મનમાં એવો વિચાર હોય કે આ એક બહુ ઉમદા વ્યવસાય છે, એમાં ખૂબ આદર્શો હોય છે, ખૂબ સામાજિક નિસ્બત હોય છે, સમાજને બહેતર બનાવવા માટે પત્રકારત્વ કામ કરે છે. આ બધું ઘણે અંશે સાચું છે, પણ આપણા કિસ્સામાં-ગુજરાતમાં પત્રકારત્વ થોડું વ્યવસાયિક થયું, એટલે હું ગમે તેટલું સારું લખું પરંતુ લોકો જો એ ન વાંચવાના હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે સમાચારથી લઈને કોલમ લેખન સુધી લોકભોગ્ય લખાવું જોઈએ, લોકોને જે ગમે છે, એમને જે જોઈએ છે એ આપો. એ એક મોટું પરિબળ કામ કરતું હતું, કામ કરે છે અને મારા સમયમાં તો એ વધારે ને વધારે બળવત્તર થતું ગયું. એટલા માટે જ, બીજાં અખબારો જે ન કરી શક્યાં તે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશે’ કર્યું; ગુજરાતનાં પ્રમુખ શહેરોમાં સ્વતંત્ર આવૃત્તિઓ શરૂ કરી અને જીલ્લા પ્રમાણે પૂલ-આઉટ શરૂ કર્યાં. હિન્દીમાંથી આવેલા ‘દિવ્ય ભાસ્કર’ને પણ એ જ મોડેલ અનુસરવાની ફરજ પડી.

આજે તમે જુઓ તો ગુજરાતનાં જે મોટાં અખબારો છે એ આર્થિક રીતે ખૂબ સદ્ધર છે. ભારતમાં કોઈપણ પ્રદેશમાં જોઈએ તો મોટેભાગે બે અખબારો હોય, એ બે વચ્ચે સ્પર્ધા હોય. કોઈપણ બજારનો સહજ સ્વભાવ એવો છે કે એમાં બે વચ્ચે જ સ્પર્ધા હોય. પણ ગુજરાતમાં ત્રણ-ત્રણ ચાર-ચાર મોટાં અખબારો ચાલે છે કારણકે આપણે ત્યાં ખૂબ પૈસા છે. એવું કહેવાય છે કે બજારમાં કોઈ પણ નવી બ્રાંડ આવે તો એમના પ્લાનિંગમાં સૌથી મોટું પ્લાનિંગ ગુજરાતનું હોય છે કારણકે સૌથી વધુ પૈસા અહીંથી આવે છે. એટલે હું કહેવા એમ માંગુ છું કે આપણું પત્રકારત્વ હમેશાં માર્કેટ દ્વારા સંચાલિત અથવા વાચકો માટેનું રહ્યું છે. એટલે વાચકોને ગમે એવું આપીએ તો વધુ ને વધુ વાચકો આપણી પાસે આવે. દાખલા તરીકે તમે ગુજરાતનાં ત્રણ કે ચાર અખબારોની પૂર્તિ ઉપાડી લો અને તમે જો અખબારોનું નામ કાઢી નાંખો તો તમને ખબર ન પડે કે આ કયું અખબાર છે. કારણકે એના લેખો સરખા છે, એનાં લખાણો પણ સરખાં છે, એના વિષય પણ સરખા છે, એનો દેખાવ પણ સરખો છે. એટલે મેં એ આખો ગાળો જોયો કે જેમજેમ હું આમાં આગળ વધ્યો એમ એમ અખબારને આર્થિક રીતે સફળ બનાવવાનાં પરિબળો મજબૂત થતાં ગયાં. ગુજરાત કદાચ વધુ સુખી પ્રદેશ છે અને સુખી લોકોમાં જરા મનોરંજન વધારે હોય એવું હોઈ શકે એમ મને લાગે છે.

પ્રશ્ન: તમે તમારી પોતાની વાત કરી એમાં તમે કહ્યું કે તમે હવે સક્રિય પત્રકારત્વમાંથી નિવૃત્તિ લઈને લેખન તરફ વળ્યા છો, એનાથી મને ખુશવંત સિંઘનું એક વાક્ય યાદ આવ્યું. એમણે ‘ખુશવંત નામા’ પુસ્તકમાં પત્રકારત્વ ઉપરના પ્રકરણમાં કહ્યું છે કે ‘જર્નાલિઝમ ઈઝ લિટરેચર ઇન અ હરી’- પત્રકારત્વ એ ઉતાવળિયું સાહિત્ય છે. આપણા ગુજરાતમાં એવું વારંવાર જોવા મળે છે કે આપણે પત્રકારોને સાહિત્યકારોની પંગતે બેસાડી દેતા હોઈએ છીએ. આ સંબંધે તમારા વિચાર જાણવા છે. ખુશવંત સિંઘે જે વાત કરી હતી એ એક જુદી ભૂમિકા પરથી કરી હતી. તેઓ પોતે અંગ્રેજી પત્રકારત્વના એડિટર રહ્યા હતા, એમની પાસે પ્રાદેશિક ભાષાઓના પત્રકારત્વનો અનુભવ નહોતો. અંગ્રેજી પત્રકારત્વનું પોત જુદા પ્રકારનું છે. ઘણા બધા આદર્શો, મૂલ્યો, ઘણી બધી સૈદ્ધાંતિક વિચારધારા, પશ્ચિમના દેશોમાંથી આવેલી ઘણી બધી મુક્ત વિચારધારાની પરંપરાના એ ભાગ હતા. એટલે એમણે કહેલું કે અંગ્રેજી પત્રકારત્વ એ ઉતાવળે લખાયેલું સાહિત્ય છે તે એ અર્થમાં કે અંગ્રેજી પત્રકારત્વના સ્વરૂપમાં ભાષાનું મહત્વ, એમાં વાક્યરચનાનું મહત્ત્વ, એમાં શબ્દનું મહત્ત્વ, એમાં શૈલીનું મહત્ત્વ, એમાં વિષયનું મહત્ત્વ, એમાં જેને લીટરરી ફ્લેર કહેવાય એનું મહત્ત્વ છે. અખબાર સાત-આઠ કલાકમાં તૈયાર થતું હોય અને દરેક વસ્તુ ડેડલાઇન પ્રમાણે ચાલતી હોય, એટલે એ અર્થમાં એ ઉતાવળમાં લખાયેલું સાહિત્ય છે. ઘણા અંગ્રેજી પત્રકારો સારા સાહિત્યકારો રહ્યા છે, ખુશવંત સિંઘ પોતે સારા સાહિત્યકાર છે. ખુશવંત સિંઘમાં તમે સાહિત્યકાર અને પત્રકારને છૂટા પાડવા જાવ તો તમને ખબર ન પડે કે ક્યાં પત્રકાર પૂરો થાય છે અને ક્યાંથી સાહિત્યકાર શરૂ થાય છે. એટલે ઘણા અંગ્રેજી ભાષાના પત્રકારો સારા લેખકો રહ્યા છે અને એક સારો તંત્રી હમેશા એક સારો વાચક હોય છે. એની અસર એના કામ પર પડે, એટલે એના અખબારના લેખનનું સાહિત્યિક મૂલ્ય પણ હોય. હવે આને જો આપણે ગુજરાતી અખબારો સાથે જોડવા જઈએ તો થોડુંક નિરાશાજનક એટલા માટે છે કે મેં અગાઉ જે જમાનાની વાત કરી એ સમયના પત્રકારો અને તંત્રીઓ સારા સાહિત્યકારો હતા. એટલે એ સમયના પત્રકારત્વ વિષે તમે એવું કહી શકો કે એ ઉતાવળે લખાયેલું સાહિત્ય, પણ પછી જે રીતે વ્યવસાયિક હિતો વધવા લાગ્યાં એટલે ગુજરાતમાં એવું થયું કે એ પ્રકારના પત્રકારો અને તંત્રીઓ જેમની પાસે ભાષા હોય, જેમની પાસે વિચાર હોય, એમનું મહત્ત્વ થોડું ઘટતું ગયું. અનેએવો સમય આવ્યો કે અમારે તો પેપર ચલાવે એવા લોકો જોઈએ. એમાં તમારી ભાષા ખરાબ હોય તો પણ ચાલી જાય. આજે તમે જુઓ લગભગ તમામ છાપાંઓની ભાષામાં તમને એટલી બધી નિરાશા થશે કે આને તો ઉતાવળે લખાયેલું સાહિત્ય પણ ન કહેવાય. આમાં તો ક્રિમીનલ નિગલીજન્સ –ગુનાહિત બેદરકારી છે. મને એક અખબારમાં એવું કહેવામાં આવેલું કે આપણે એક અખબારમાં પાંચ-પાંચ પ્રૂફરીડરોની જરૂર શા માટે છે? હૃસ્વ ઇ છે કે દીર્ઘ ઈ છે એનાથી શું ફરક પડે છે? જો વાચકને વાત સમજાઈ જતી હોય તો શબ્દની જોડણી અથવા વાક્યરચનામાં ભૂલ હોય તો ચાલશે એવું મને કેહવામાં આવેલું. એટલે ઉતાવળે લખાયેલું સાહિત્ય તો આવું ન હોય કે જ્યાં તમે ભાષાની દરકાર પણ ન કરો અને કહો કે ભાષા ખોટી હોય તો પણ ચાલે. જ્યારે ‘દિવ્યભાસ્કર’ અમદાવાદમાં શરૂ થયું ત્યારે એના માલિકો બિન-ગુજરાતી હોવાથી એમને ભાષાશુદ્ધિની ચિંતા હતી અને એમને પ્રૂફરીડર જોઈતો હતો. એટલે જ્યારે બીજાં ગુજરાતી અખબારોમાં પ્રૂફરીડિંગ ડીપાર્ટમેન્ટ બંધ થઈ રહ્યા હતા ત્યારે દિવ્યભાસ્કરે પ્રૂફરીડિંગનો ડીપાર્ટમેન્ટ શરૂ કર્યો. એ એમની જરૂરિયાત હતી. પણ ટ્રેજેડી એ થઈ કે એમને પ્રૂફરીડર મળતા નહોતા. ગુજરાતમાં પ્રૂફરીડર મળતા બંધ થઈ ગયા છે. ગુજરાતમાં પ્રૂફરીડર નામની જે પ્રજાતિ હતી તે આખી ખતમ થઈ ગઈ છે. આજે પણ ગુજરાતી અખબારોમાં પ્રૂફરીડર નથી. તો મારો મુદ્દો એ છે કે ખુશવં