ભારેલો અગ્નિ/૧૯ : ગૌતમની મૂંઝવણ

From Ekatra Wiki
Revision as of 11:08, 8 October 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૯ : ગૌતમની મૂંઝવણ

રુદ્રદત્તની પાઠશાળના પારણામાં ભાગ લેવાને દર વર્ષ કરતાં વધારે માણસો ભેગાં થયાં હતા. રુદ્રદત્તને પણ રહેંસી નાખવાની સૂચના કરી સહુને આશ્ચર્યમાં નાખનાર વૃદ્ધ મહાવીર રુદ્રદત્તની સાથે આખો દિવસ રહ્યા. તેમની ચપળ આંખો અને ચપળ વાતચીતથી તેમણે આખી પાઠશાળાને હલાવી મૂકી. રુદ્રદત્ત સ્મિતપૂર્વક તેમની વાતો સાંભળતા, અને એ જૂના મિત્રને પૂરતું મહત્ત્વ આપતા હતા.

પાછલી રાત્રે ભજન ગાતે ગાતે બધી મંડળીઓ વીખરાવા લાગી. મહાવીરની મંડળી પણ સજ્જ થઈ. સૈયદ અઝીઝ અને લશ્કરી યાત્રાળુઓ પણ જવા લાગ્યા. રુદ્રદત્ત અને જવા તૈયાર થયેલા મહાવીર બંને થોડી ક્ષણો એકલા રહી ગયા. મહાવીરે કહ્યું :

‘હવે છેલ્લા મળીએ છીએ.’

‘કેમ? આ જન્મે જીવનયાત્રા પૂરી કરવી છે?’ રુદ્રદત્તે જરા હસીને પૂછયું.

‘ભાઈ! તું તો મુક્ત છે. અમારે જન્મમરણના વારાફેરા રહ્યા.’

‘મારે પણ એમ જ છે. હજી ઇપ્સિત પ્રાપ્ત થયું નથી.’

‘તારે વળી શું બાકી રહ્યું?’

‘વિશ્વશાંતિ!’ મંત્રોચ્ચાર કરતા હોય એવા દૃઢ સ્વરે રુદ્રદત્ત બોલ્યા.

ક્ષણભર મહાવીર આ ઉચ્ચાર સાંભળી રહ્યો. કોઈ મનોહર કલ્પના તેના હૃદયમાં જાગૃત થતી દેખાઈ; રુદ્રદત્તના જાદુને ઓળખતો આ યોદ્ધો સાવધ થયો. તપભંગ કરતી અપ્સરા સમી મોહક કલ્પનાને તેણે દૂર કરી દીધી. તેણે કહ્યું :

‘રુદ્રદત્ત! ત્ર્યંબક અને ગૌતમને મેં આજે ખૂબ ચમકાવ્યા નહિ?’

‘કેવી રીતે?’

‘તને રહેંસી નાખવાની સૂચના કરીને.’

‘એ માત્ર સૂચના નહોતી; એ તારી ઇચ્છા જ હતી.’

‘હું શું કરું?’

‘જીવનની સંધ્યામાં ડૂબકી ખાવા તૈયારી કરતા આપણા વૃદ્ધોને એમાં ચમકાવવાની જરૂર નથી.’

‘ખરું. પણ મને એ વિચાર કરીને વેદના જ થાય છે. જરૂર લાગશે તે વખતે રુદ્રદત્તના હૃદયમાં હું કટાર ખોસી દઈશ. પણ એ નિશ્ચય પછી મને મારા હૃદયમાં કટાર ખૂંપતી લાગશે.’

રુદ્રદત્તને હસવું આવ્યું. ઝાંખો દીવો ભીંત ઉપર આ બંને વૃદ્ધોના મોટા મોટા ઓળા પાડી રાચતો હતો. રુદ્રદત્તે કહ્યું :

‘કૃષ્ણે આખા યાદવકુળનો સંહાર કર્યો.’

‘પણ મારે કૃષ્ણ બનવું નથી. મારે મારું કુળ જીવતું રાખવું છે. મારે કોનો સંહાર કરવો છે તે તું જાણે છે?’

‘હા.’

‘અને તને એ સંહારમાં ભાગીદાર બનાવવાની આશા મેં હજી છોડી નથી.’

‘હજી પણ નહિ?’

‘ના, હજી કેટલાક દાવ રમવા બાકી છે.’

રુદ્રદત્તે ઝડપથી આંખો મીંચી અને ઉઘાડી. આ જૂના મહારથીના યુક્તિભંડારની વિપુલતા રુદ્રદત્ત જાણતા હતા.

કેટલાક માણસ આવ્યા, અને બંને મિત્રોનું એકાંત અદૃશ્ય થયું. જતે જતે રુદ્રદત્ત અને મહાવીર ભેટયા – ખૂબ ભેટયા. બંનેની આંખ પરસ્પરનાં હૃદયોને ખોળી વળતી સામસામે મળતી. એ દૃશ્ય જોનારાઓથી વીસરાય એમ નહોતું. અને બધાના ગયા પછી કલ્યાણીએ તો પૂછયું પણ ખરું :

‘દાદાજી! મહાવીર તમારા કાંઈ સગા થાય?’

‘ના. એમ કેમ પૂછે છે? એ તો મારા મિત્ર છે.’

‘તમારા બંનેના દેખાવમાં કશું મળતાપણું લાગ્યા કરે છે.’

‘એ વૃદ્ધાવસ્થાનું ચિહ્ન છે. નાનાં બાળકોની માફક વૃદ્ધો પણ એકસરખા લાગે.’ રુદ્રદત્તે રમતમાં કારણ બતાવ્યું.

મેળો વીત્યા પછી ગામ ખાલીખમ થઈ ગયું લાગ્યું. મૂળની વસ્તી તો હતી જ; પરંતુ ગમતા મહેમાનો જતાં, ઘર જેવું નઃશબ્દ બની જાય છે તેવું, મેળા પછી ગામ પણ નઃશબ્દ બની ગયું. એક દિવસ થયો. બે દિવસ થયા અને લોકો પોતાના પૂર્વજીવનથી પાછા ટેવાવા લાગ્યા. પાઠશાળામાં અધ્યયન શરૂ થઈ ગયું. રુદ્રદત્તે શિષ્યોને સૂત્રો સમજાવા માંડયા. માત્ર ગૌતમે ગામના યુવકોને ભેગા કરી તેમને લકડીપટા શીખવવાનું વધારે પ્રમાણમાં રાખ્યું. પાઠશાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત ગામના નાના મોટા છોકરાઓથી મેદાન બે-ત્રણ દિવસમાં ઊભરાવા લાગ્યું, અને ગૌતમનો બધો વખત એ રમત શીખવવામાં જ પસાર થવા લાગ્યો.

ગૌતમની આ પ્રવૃત્તિમાં રુદ્રદત્ત તેની ક્ષાત્રપ્રકૃતિ જ નહિ પણ યોજનાશક્તિ અને બળવાની પ્રેરણા જોઈ શક્યા. પાંચેક દિવસ આ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી રુદ્રદત્તે ગૌતમને પૂછયું :

‘ગૌતમ!’

‘જી.’

‘આ કામ ક્યાં સુધી ચાલશે?’

‘અઠવાડિયું – મને જવાનો સંદેશો મળે ત્યાં સુધી.’

‘ચૈત્રમાં તારું લગ્ન આવે છે. જઈને પાછો કેમ આવીશ?’

‘મારું લગ્ન? ચૈત્રમાં?’

‘હા; કલ્યાણી સાથે.’ રુદ્રદત્ત બોલ્યા. રૂસ યુદ્ધમાંથી ગૌતમ પાછો ફરે એટલે તેનાં લગ્ન કલ્યાણી સાથે કરવાની રુદ્રદત્તની ઇચ્છા હતી જ. ગૌતમ અને કલ્યાણીનાં મન રુદ્રદત્ત વતીં ગયા હતા. આંખ અને મુખ એ હૃદયભાવના આલેખનની સર્જનજૂની પાટીઓ છે. સ્વેચ્છા વ્યક્ત કરવાની કળા માનવજાતે જન્મતાં જ સિદ્ધ કરી લીધી છે.

કલ્યાણી સાથે તે વાત કરતો તહો. પોતાના જ લગ્ન સંબંધમાં પણ તે વાત કરી શક્યો, પરંતુ વડીલ અને પૂજ્ય રુદ્રદત્તને શું કહી શકાય તેની ગૌતમને સમજ પડી નહિ. પ્રત્યેક સમાજને સભ્યતાનાં સ્વરૂપો ઘડવાં પડે છે. હિંદુ સભ્યતામાં લગ્ન એ વડીલો આગળની વાચાળતાનો વિષય હોતો નથી. તેની વાચા થોડી ક્ષણો સુધી બંધ રહી પરંતુ તેનું હૃદય રૂંધાઈ ગયું. બોલ્યા વગર તેનાથી રહેવાશે નહિ જ એમ તેને લાગ્યું. મનને વાર્યા છતાં તેનાથી બોલાઈ ગયું :

‘એમ કેમ બનશે?’

‘હું તે જ પૂછું છું. ચૈત્રમાં ન બને તો આ માસમાં જ મુહૂર્ત જોઈએ.’

‘પણ આજકાલમાં જ મારે જવું પડે તો?’

‘આખા દિવસમાં સારું ચોઘડિયું ન મળે એમ બને નહિ.’

ગૌતમ પાછો શાંત બની ગયો. દિવસભરમાં ગમે ત્યારે તેને પરણાવી દે તો? જે સુભગ ક્ષણનાં સ્વપ્ન તેને ભરયુદ્ધમાં પણ આવતાં હતાં તે ક્ષણો શું આવી પહોંચી? તેનો દેહ પુલકિત બન્યો. પુરુષને મનમાનતી સ્ત્રીઅને સ્ત્રીને મનમાનતો પુરુષ મળે એ સ્વર્ગસુખ કરતાંયે અધિક સુખકારી પ્રસંગ કેમ હશે? તેની આંખ આગળ કલ્યાણીની મૂર્તિ રમવા લાગી.

પરંતુ એ આનંદમાં શાનો ખેદ ભળી રહ્યો હતો? ગૌતમ જાણતો જ હતો કે કલ્યાણી તેને ચાહે છે. કલ્યાણીએ ચોખ્ખા શબ્દોમાં – હિંદુ કુટુંબોમાં ભાગ્યે બને છતાં – એ ખાતરી આપી હતી. તે આજ પહેલાં પણ કલ્યાણી સાથે લગ્ન કરી શક્યો હતો. શા માટે તેણે હજી એ તક મેળવી નહોતી?

રણભૂમિ તેને પોકારી રહી હતી. તેનું હૃદય લોલક સમું શૃંગાર અને વીરરસની વચ્ચે ઝોલાં ખાધા કરતું હતું. કલ્યાણીના મુખ સામે જોતાં તેને યુદ્ધનાં શાસ્ત્રલેખન સાંભરી આવતાં અને શસ્ત્રાસ્ત્રાોની ઝડી નીચે ઘૂમતાં તેનાં નયનો કલ્યાણીનું મુખ નિહાળતાં. એમાં ને એમાં એણે જીવનનાં છવ્વીસ વર્ષ તો વિતાવી દીધાં હતાં.

રૂસ યુદ્ધમાં જઈ આવ્યા પછી તેની યુદ્ધતૃષા છીપતી લાગી. કલ્યાણીની મીઠી નજર નીચે જીવન ગુજારવાની તેને લાલસા થઈ આવી. પરંતુ અન્યાય નીચે હિંદીઓને કચરતી કંપની સરકારને ઉથલાવવાની યોજના થતી હોય ત્યાં ગૌતમથી ઘરનો શાંત ખૂણો અને લલનાની મીઠી ગોદ કેમ કરી શોધાય? કંપની સરકારને અદૃશ્ય કરી તે ભલે બંનેને શોધે!

વળી કેટલાક સમયથી ત્ર્યંબક સાથેની મૂર્ખાઈ ભરેલ ઝપાઝપી પછી એકાએક તેને નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ. તે કલ્યાણીને ચાહતો હોય તો તેણે પોતાનું સુખ ઇચ્છવું કે કલ્યાણીનું? યુદ્ધના શોખીન સિપાઈનું જીવતર એ અનિશ્ચિતપણાનો પહેલો નમૂનો. જીવન ક્ષણભંગુર છે એ વાત ખરી; પરંતુ એની સંપૂર્ણ પ્રતીતિ યુદ્ધજીવન જ કરાવે છે, ક્ષણભંગુરતાની પરાકાષ્ઠા ઓળખતા સૈનિકથી કલ્યાણીના જીવનને બાંધી લેવાય ખરું? ગૌતમના હૃદયે અસીમ ઉદારતા અનુભવી. ગૌતમના પ્રેમે નઃસ્વાર્થતાની વિશુદ્ધિ ઓળખી. આત્મભોગમાં જ પ્રેમની પૂર્ણતા છે એનું ગૌતમને ભાન થયું. ગૌતમે ખરેખર ઇચ્છયું કે ગમે તે ક્ષણે મૃત્યુને ભેટનાર સૈનિક કરતાં નિશ્ચલપણે ગાર્હસ્થને સેવી શકે એવા કોઈ યુવક સાથે કલ્યાણીનું ભાગ્ય જોડાય તો જ તેના જીવનને સફળતા મળી શકે. માસ કે બે માસ કે વર્ષની જીવનની અવધ બાંધી જીવતા ગૌતમ સાથે કલ્યાણીને પરણાવવી એ તેના સૌભાગ્યની અવધ બાંધવા સરખું હતું. ગૌતમને લાગ્યું કે કલ્યાણીને પોતે ખરેખર ચાહતો હોય તો તેણે કલ્યાણીને જતી કરવી જોઈએ.

કંપની સરકાર સામે ઊભી થયેલી ચળવળમાં સ્પષ્ટ રીતે જોડાતા ગૌતમને કલ્યાણીનો પહેલો જ વિચાર આવ્યો. કંપની સરકારને ભાંગવી એ દાવાનલને પીવા સરખું દુર્ઘટ હતું. કંપની સરકારને ભાંગતાં તે પોતે ભાંગી જાય એ બહુ જ શક્ય હતું. બે-ત્રણ માસમાં તો ખુલ્લા બળવાની ઘટના બનવાની હતી. ગૌતમને મોખરે સાચવવાનો હતો. દુશ્મનનો ઘા પહેલો એણે જ ઝીલવાનો હતો. ફૂટતી તોપોના ગોળા સામે તેને ધસવાનું હતું. સૈનિકને – વીરને તો એવો પ્રસંગ રોમાંચભર્યો લાગે; એવું મૃત્યુ આલિંગનને યોગ્ય લાગે. પરંતુ એ મૃત્યુ કલ્યાણીના સૌભાગ્યને ભૂંસનાર બને એ ખરા પ્રેમીથી કેમ સહી શકાય? કલ્યાણીને તેણે બીતે બીતે – પોતાનું હૃદય ચીરીને – સૂચના કરી કે તેણે ત્ર્યંબક સાથે લગ્ન કરવું.

પરંતુ એણે કલ્યાણીના પ્રેમને માત્ર સુખશોધન માનવાની ભારે ભૂલ કરી; અને જીવનભર તે ન ભૂલી શકે એવી કલ્યાણીની ક્રોધમુદ્રા તે જોઈ શક્યો. કલ્યાણીની ક્રોધમુદ્રા મૃત્યુ કરતાં પણ વધારે ભયંકર દેખાઈ. ગૌતમથી ફરી એ સૂચન થઈ શક્યું નહિ.

એટલે જ તે ઘણો મૂંઝાતો હતો. કલ્યાણી બીજાની થાય એ અસહ્ય હતું. સ્વાતંત્ર્ય યુદ્ધમાં ગૌતમે પહેલું બલિદાન આપવાનું છે એ ચોક્કસ હતું. બે માસ કે છ માસ માટે જીવનની મુદ્દત લંબાતી જાણનાર પ્રેમીએ પ્રિયતમાને ખાતર અસહ્યને સહ્ય બનાવવાનું – કલ્યાણીની દીર્ઘ સૌભાગ્ય અપાવવું – એટલે કે કલ્યાણીને પારકી બનાવવી – એ જ ધર્મરૂપ લાગ્યા કરતું હતું. તે રાહ જોતો હતો કે સંકેત પ્રમાણે તેને ઘર છોડવાની બળવાખોરો તરફથી સૂચના ઝટ મળે ત્યાં તો રુદ્રદત્તે આવી જરૂર પડયે તે જ દિવસે કલ્યાણી સાથે તેનાં લગ્ન કરવાની સૂચના આપી. લગ્ન થાય તો? એક દિવસ, એક અઠવાડિયું, કદાચ એક માસ તે સ્વર્ગમાં પણ અપ્રાપ્ય એવું સુખ ભોગવે એ નઃસંશય. પરંતુ એક માસ પછી તો કલ્યાણીને જીવનભરની વૈધવ્યચિતામાં બળતી મૂકવી એ જ શું અકથ્ય સુખનો બદલો હતો ને?

શું કરવું? તેનાથી રુદ્રદત્તને કશો જ જવાબ અપાયો નહિ. જગતભરને તે જવાબ આપી શકે એમ હતું; રુદ્રદત્ત આગળ તે નિરુત્તર બની ગયો.

તેને નિરુત્તર રાખીને રુદ્રદત્ત ત્યાંથી ખસી ગયા. ભયભીત ગૌતમને લાગ્યું કે તેનાં લગ્નની તૈયારી થાય છે.

યુદ્ધમાં સામેલ થવાની પ્રતિજ્ઞા તેણે ન લીધી હોત તો? ગૌતમ ટટાર થયો. કંપનીને તોડવી એ તો પહેલી પ્રતિજ્ઞા હતી જ.

‘પ્રતિજ્ઞા ન પાળું તો ભવોભવની અધોગતિ. પ્રતિજ્ઞા ન પાળનારથી કલ્યાણી સરખો આર્યોનો હાથ ઝલાય જ કેમ?