અવલોકન-વિશ્વ/એકરૂપતા અને ઉલ્લંઘન – રાજેન્દ્ર પટેલ

From Ekatra Wiki
Revision as of 02:15, 13 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એકરૂપતા અને ઉલ્લંઘન – રાજેન્દ્ર પટેલ


8-The-Door–Margarette-Atwood-Cover.jpg


The Door – Margarette Atwood
London, 2007
The poet has come back to being a poet/After decades of being virtuous instead.

(કવિ પાછો ફર્યો છે, કવિને નાતે/ દાયકાઓ પછી, સદાચારી રહ્યાં છતાં)

એક કાવ્યનો આરંભ, માર્ગરેટ એટવૂડ ઉપરની પંક્તિઓથી કરે છે. આ પંક્તિનો અંતિમ શબ્દ ‘ને બદલે’(instead)કવિની એક આગવી ઓળખ અને નિસબત દર્શાવે છે. સરળ વાક્યોમાં સાદા અને સહજ શબ્દોને, વાક્યના ચોક્કસ સ્થાને મૂકી, એક આગવો અર્થ તારવી લેવાની ક્ળા, એમની બેનમૂન ભાષાસૂઝ દર્શાવે છે. સર્જનાત્મકતાના નર્યા ઉન્મેષમાત્રથી નહીં પણ જીવાતા સમાજજીવનની સભાન સંવેદનાઓને અંકે કરીને એમાં કાવ્યાત્મક વ્યંજના નિસ્પંદિત કરવી એ એમનાં કાવ્યોની આગવી ઓળખ છે.

કેનેડિયન કવયિત્રી એટવૂડે બાર કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યાં પછી, બાર વર્ષના અંતરાલ બાદ ‘ધ ડોર’ નામનો આ તેરમો સંગ્રહ પ્રકાશિત કર્યો. જાણે એકરૂપ જીવન સાથે, પોતાની જાતનું પુન:મૂલ્યાંકન કર્યું હોય એમ કવિ આ સંગ્રહમાં પોતાના જીવનનો પટ ખોલીને બેઠાં છે. કાવ્યસંગ્રહ પાંચ વિભાગમાં વિભાજિત છે, જાણે એમની જીવનયાત્રાનાં પાંચ પાસાંનાં લેખાંજોખાં અહીં અભિવ્યકત થાય છે, છતાં વાત તો એ મનુષ્યની માંડીને બેઠાં છે. આરંભે ટાંકેલી કાવ્યપંક્તિઓ જેમાં છે એ: ‘The poet has come back…’ કાવ્યમાં અંતે કવિ કહે છે:

‘Welcome back, my dear/Time to resume our vigil,/time to unlock the cellar door,/time to remind ourselves/that the God of poets has two hands:/the dexterous, the sinister.’
‘(પુન:પધારો, મારા વ્હાલા/સમય પાકી ગયો છે, સચેત થવાનો/ ભોંયરાનાં બંધ દ્વાર ખોલવાનો સમય છે આ/સમય છે સ્વયંને યાદ દેવડાવવાનો/કે કવિના ઈશ્વરને બે હસ્ત હોય છે:/એક વિચક્ષણ અને બીજો ભયાવહ.’)

કવિના બે હાથ માટે જે શબ્દો પ્રયોજ્યા છે (the dexterous અને sinister) તે એક સર્જકના પોતીકા અવાજ માટે કેટલી બધી સૂચક વાત બને છે!

પ્રસિદ્ધિના શિખરે આવીને જાણે દસેક વર્ષ પછી કવિ પાછાં ફરે છે, અને કાવ્ય દ્વારા અનેક સંવેદનાની મંજૂષા ખોલે છે. નોબેલ પ્રાઈઝ માટેની સંભવિત યાદીમાં અત્યારે એમનું નામ આગળ છે. કેનેડાનાં આ પ્રસિદ્ધ નવલકથાકાર પોતાને પ્રથમ કવિ તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. એક કાવ્ય ‘The Singer of owls’ (ઘુવડનું ગીત ગાનારો)ની અંતિમ પંક્તિમાં એ કહે છે:

You sang out of necessity/As I do. You sang for me,/And my thicket, my moon, my lake./Our song is night song./Few are awake.
(તું ગાય છે તારી મજબૂરીને કારણે/ મારી જેમ. તેં મારા માટે અને મારા વન, મારા ચંદ્ર, મારા સરોવર માટે ગાયું છે./આપણું ગીત રાત્રિનું ગીત છે./થોડાંક જણ જ જાગે છે.)

થોડાંક ખબરદાર અને જાગતાં જણમાંનાં આ કવિ એક છે. એમ કહેવાય છે કે એમની નવલકથાઓની શૈલી કાવ્યાત્મક છે અને કાવ્યોની બાની કથનાત્મક છે. પરંતુ એમની ખરી નિસબત તો કેનેડાના મૂળ નિવાસીઓ પ્રતિ અને અમેરિકન ઇન્ડિયન વિશે છે. એમની સર્જકચેતના, જંગલનાં પ્રાણીઓ તરફ, કુદરતની ભયાનકતા માટે અને નારીજગતની બદલાતી ભૂમિકા ભણી રહેલી છે. અનુવસાહતી વાતાવરણમાં પીડિતો અને શોષિતો માટે એ પોતાના સર્જનમાં સતત સંવેદના વ્યક્ત કરે છે. એમણે નારીસંવેદનાની ઠોસ અભિવ્યક્તિ કરી હોવા છતાં તે પોતાને નારીવાદી તરીકે ઓળખાવવાનું પસંદ કરતાં નથી. ‘A poor woman learns to write’માં અભણ, શ્રમજીવી સ્ત્રી, પોતાના નામનો પ્રથમ અક્ષર ધૂળમાં પાડવા નિષ્ફળ પ્રયત્ન કરે છે એ જોઈ કવિ કાવ્યના અંતે એના અસ્તિત્વની ઊંચાઈ કેવી ગરિમાપૂર્ણ રીતે મૂકે છે!

What does the mud say?/Her name. We can’t read it./But we can guess. Look at her face:/Joyful Flower? A Radiant One? Sun on water?
(માટીનો લોંદો શું કહે છે?/તેનું નામ, જે આપણે ઉકેલી શકતા નથી/પણ અનુમાન કરી શકીએ છીએ/તેનો ચહેરો જુઓને:/ખુશખુશાલ ફૂલ?/ઝગારા મારતું?/જળમાં પ્રતિબિંબાતા સૂરજની જેમ?)

એટવૂડના નામે એકવીસ નવલકથાઓ, આઠેક અભ્યાસલક્ષી પુસ્તકો, છ બાળસાહિત્યના ગ્રંથો અને તેર કાવ્યસંગ્રહો છે. એમનો જન્મ 1939માં ઓટોવા(કેનેડા)માં થયેલો, ટોરેન્ટોમાં અંગ્રેજી સાથે ભણ્યાં, હાવર્ડમાં પીએચ.ડી. કર્યું અને કોલંબિયામાં અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું. 1961માં એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘Double Persephone’ અને પહેલી નવલકથા ‘The Edible Woman’ 1969માં પ્રકાશિત થઈ. એમનો The Circle Game’ (1966) કાવ્યસંગ્રહ ખૂબ આવકાર પામ્યો અને એમની સર્જનયાત્રા આજ સુધી અવિરત ચાલતી રહી છે.

એ માને છે કે The poet speaks simultaneously from a private & cultural or civic consciousness.’ એમની કાવ્યવિભાવના ખૂબ સ્પષ્ટ છે, કવિતા લાગણીના પ્રદર્શન અર્થે નથી પણ એ લાગણીઓ જગવવા માટે છે. તેથી જ એમનાં સાદાં અને સરળ દેખાતાં કાવ્યોમાં સૂક્ષ્મ છતાં તીવ્ર ચાબખા અનુભવાય છે. સામાજિક રૂપકો(social metaphors) અને તેની સામાજિક નિસબત (social concern) એમનાં કાવ્યોમાં જોવા મળે છે. The Doorમાં ખૂલતું અને બંધ થતું બારણું એક પ્રતીક તરીકે પ્રસ્તુત છે અને આ કાવ્યોમાં સ્વ-જીવનના અને સમાજજીવનના વિવિધ સ્તરોનાં સંવેદનો છે.

પ્રથમ વિભાગમાં દસ રચનાઓ છે. શૈશવનાં સ્મરણો અને એના સંદર્ભો સાથે વ્યક્ત થતી સંવેદના. આ વિભાગના છેલ્લા કાવ્ય ‘તમરાં’(crickets)માં ચરમ સીમાએ પહોંચે છે. તમરાંનો અવાજ, તેના અસ્તિત્વની અસર અને કવિ-ચેતનામાં શૈશવનો સંદર્ભ – એમ ત્રણ વાનાં સરળ શબ્દોમાં આ કાવ્યમાં વ્યકત થાય છે. તમરાંનો અવાજ જાણે કહે છે:

Singing to one another:
Here, hear, here, here.
(એકબીજાં માટે ગાતાં
અહીં, અહીં, અહીં, અહીં.)

અંધારા, ઠંડા વાતાવરણમાં એ ભૂખે મરતાં જીવો પરસ્પરને જાણે સાંત્વના આપે છે…

Wait, wait, wait, wait, they say.

નાનકડાં જીવ શૈશવનો જીવતો એક ખંડ છે અને જાણે અસ્તિત્વનો અવિભાજ્ય ભાગ છે એટલે જ અંતે કવિ તેમને પોતાના આ હૃદયધબકારને પાછા આવવા પોકારે છે. જાણે શૈશવ, તમરાના રૂપક દ્વારા વર્તાય છે.

Late, late, late, late/Somewhere in the bedsheets,/In the bedsprings, in the ear,/The hordes of the straved dead/ Come back as our heartbeats.
(મોડા, મોડા, મોડા, મોડા/ ક્યાંક પથારીની અંદર/ પલંગની પાટીમાં, કાનમાં/ભૂખે મરતાં ટોળાં/ પાછી ફરો અમારી દિલની ધડકનો.)

બીજા વિભાગમાં કવિની સાહિત્યિક યાત્રા અને તેની સંવેદનાઓનો આલેખ છે, જેના નિર્દેશરૂપ કાવ્ય આ લેખના આરંભે ટાંક્યું છે. આ વિભાગમાં નવ રચનાઓ છે. એમાં Poetry reading, The poets hang on અને The Singer of Owls મહત્ત્વનાં કાવ્યો છે. ‘પોએટ્રી રિડીંગ’માં જાણે આપણે ત્યાં ચાલતાં કવિસંમેલનોનો પડઘો છે, પણ અંતિમ પંક્તિઓ આપણને ઝકઝોરી નાખે છે:

Watching the poet – the well-known poet –

Ransacking his innards, laying out/his full stock of destructive thoughts/and shamefaced lusts/his stale hatreds,/his weak but shrill ambition,/you don’t know whether to be scornful or grateful:/he’s doing our confessions for us.
(કવિને સાંભળતા/એક પ્રખ્યાત કવિને/પોતાના ભયાનક ભીતરને લૂંટાવતો/એના વિનાશકારી વિચારોના જથ્થાને ઠાલવતો/અને નિર્લજ્જ ચહેરાની ચમક બતાવતો/તેની વાસી વેરભાવનાઓ દેખાડતો/તેની સામાન્ય પણ કર્કશ મહત્ત્વાકાંક્ષાઓ દર્શાવતો,સાંભળો છો/તમને સમજાતું નથી તેને વખોડવો કે વખાણવો/એ તો આપણો જ એકરાર કરી રહ્યો છે આપણે માટે.)

જીવાતા જીવનની કરુણતા ત્રીજા વિભાગનાં 15કાવ્યોમાં જોવા મળે છે. કુદરતની ભયાનકતા, યુદ્ધની વિભીષિકા અને રાજકીય સ્થિતિ પરના કટાક્ષ એમાં તીવ્રપણે વર્તાય છે. ‘વોર ફોટો’ની બે રચનાઓ છે. પહેલી રચનામાં જમીન પર ધૂળમાં રગદોળાયેલી મૃત સ્ત્રીનો દેહ જોઈ કવિ કહે છે:

relaxed into a lovely gesture/a dancer might well study for years/and never attain. (સુંદર ભંગિકામાં એ પડી છે/ તે નૃત્યાંગનાએ કદાચ વરસો સુધી રિયાઝ કર્યો હશે/ પણ ક્યારેય રજૂઆત કરી નહીં હોય.) અને કાવ્યના અંતે તેને અંજલિ આપતાં કહે છે:

although I’ll never know your name,/I won’t ever forget you./Look: on this cheap grey paper/I’m placing a small stone, here: O. (જોકે હું તારું નામ કદી જાણી શકીશ નહીં./હું કદી તને ભૂલી શકીશ નહીં/ જો, આ સામાન્ય પીળા કાગળ ઉપર / હું એક સ્મૃતિચિહ્ન મૂકુ છું: O.)

કાવ્યની છેલ્લી પંક્તિ પછી સ્ટોનના પ્રતીકરૂપ ‘O’નું નિશાન છે!

‘The Weather’ કાવ્યનો આરંભ જ કુદરતની સહજ છતાં એની ભયાનકતા બતાવતાં શરૂ થાય છે

We used to watch the birds; now we watch the weather.

સૂતરના સફેદ ટી-શર્ટ ઉપરની એક રચના છે. આ ખાદીનું ટી-શર્ટ હિંસામાં રગદોળાઈને ચોખ્ખું થઈને આવેલું છે! પણ આ વાત તો આપણા સમાજને ય લાગુ પડે એમ છે:

White cotton T-shirt: an innocent garment then./ It made its way to us from the war, but we didn’t know that. …Ignorance makes all things clean.
(સફેદ સૂતરનું ટી-શર્ટ – નિર્દોષ પહેરણ/ એણે આપણા સુધી પહોંચવાનો રસ્તો કર્યો છે યુદ્ધમાંથી/ પણ આપણે એ જાણતા નથી કે… અજ્ઞાનતા બધી વસ્તુને ચોખ્ખી કરી દે છે.)

ચોથા વિભાગની છ રચનાઓમાં બે દીર્ઘ રચનાઓ છે. તેમાં ત્રીજા વિભાગનાં કાવ્યોમાં વ્યકત થતી એક પ્રકારની ખિન્નતાનું વિસ્તરણ થયું હોય એમ લાગે છે. એક રચનામાં આ જીવન અને સમાજનું વૃત્તાંત કવિની દૃષ્ટિએ રજૂ થાય છે:

I’ll tell your story/your story that was once so graceful/ but now is dark/that’s what I do:/I tell dark stories/ before and after they come true. (હું તારી કથા કહીશ/તારી કથા જે એક વાર ગરિમાપૂર્ણ હતી/હવે નથી./એ જ કામ હું કરું છું/હું ગમગીન કથાઓ કહું છું./તે સાચી પડે તે પહેલાં અને એ પછી.)

કવિ આ વૃત્તાંતોમાં આગાહી પણ કરે છે અને પછી સત્ય પણ નિર્દેશે છે. આ વિભાગનાં કાવ્યો આગળનાં કાવ્યો કરતાં વધુ સૂક્ષ્મ અને ઊંડાણવાળાં છે. ‘The Line: Five variations’, કાવ્યસંગ્રહના પાંચ વિભાગની જેમ આ રચના પાંચ સ્તબકમાં છે. The line is a white thread,/the line is a lifeline/the line is black/ the line’s for fishing/that was some line you fed us! (એક રેખા સફેદ દોરાની/એક રેખા જીવનદોરી/એક રેખા કાળી/એક માછલી પકડવાની દોરી/એવી કેટલીક રેખાઓ છે જે આપણને થકવી કાઢે છે.) વાસ્તવમાં કવિને મન જીવનનો આ ધાગો સમય જતાં અર્થહીન થતો જાય છે અને અંતે આ સૃષ્ટિના સર્જનને બગાડતો જ લાગે છે. ‘Another visit to the Oracle’ કાવ્યના છઠ્ઠા વિભાગના પહેલા ખંડને અંતે કવિ કહે છે: what I do: I see/in darkness. I see/darkness. I see you. (હું શું કરું?/હું જોઉં/અંધારામાં. હું જોઉં/અંધકાર./હું તને જોઉં છું.) આઇરીશ કવિ સીમસ હીનિનો કાવ્યસંગ્રહ ‘Door into the Dark’(1969)ની એક રચના યાદ આવે છે. તેની એક પંક્તિમાં એ કહે છે: All that I can do is to see door into the dark! કવિ એટવૂડ પણ આ અંધકારની મુખોમુખ છે. જે છેલ્લા વિભાગનો વિષય છે. આ અંધકારની યાત્રા કવિ અંતે જુદી રીતે અનુભવે છે.

‘જહાજનું ગીત’માં ડૂબતા જહાજની અંતિમ ક્ષણોમાં માત્ર હવે સંગીત રહ્યું છે. જીવન બસ આ ચાલ્યું. દીવો બુઝાવાની ક્ષણો આવી ગઈ છે. મૃત્યુના વિષયને પ્રયોજતી આવી રચનાઓ મુખ્યત્વે આ છેલ્લા વિભાગમાં મૂકવામાં આવી છે. ‘Boat Song’ નામના પહેલા કાવ્યના આરંભે જ કવિ કહે છે, so why not spend the last few moments/practicing our modest art/ as we have always done…(તો શા માટે આ અંતિમ થોડી ક્ષણો પસાર ન કરવી/ આપણી શિષ્ટ કળાના અભ્યાસમાં/ જે આપણે હંમેશાં કરતાં આવ્યાં છીએ) જાણે કવિ જીવનના છેલ્લા પડાવ પર છે, ડૂબતા જહાજના રૂપક દ્વારા. પણ હવે શું કહેશે?

Whatever it is, that’s us with the violins/ as the lights fade and the great ship slides down/and the water closes in.
(જે કંઈ પણ હોય તે, આપણે વાયોલીન સાથે છીએ/જેમ જેમ પ્રકાશ ઝાંખો થતો જાય છે અને જહાજ ડૂબતું જાય છે/અને જળ નજીક આવે છે.)

છેવટે જળ સમીપે ધસતા કવિ, અંત દર્શાવે છે કે નવી શક્યતાની વાત કરે છે? વાયોલીન સાથે છે તો જળસમાધિ નવજીવન જ ઇંગિત કરતું હશે ને? આ સંગ્રહનું નામ જે રચના ઉપરથી આપવામાં આવ્યું છે તે કાવ્ય આ સંગ્રહનું એક ઉત્તમ કાવ્ય છે. દ્વાર ખૂલે છે, બંધ થાય છે. બારણું છે પણ ઝૂલતું છે. એક લય, ખોલ બંધ થતા બારણામાં છે. કાવ્યનું શીર્ષક ‘The Door’ છે, માત્ર ‘Door’ નહિ. આઠ સ્તબકમાં આઠ વખત બારણું ખૂલે છે અને બંધ થાય છે. એ દરેક ખોલ-બંધ વચ્ચે જુદીજુદી પ્રક્રિયા ઘટે છે. જાણે કે આરંભથી અંત ભણી વહેતું જીવન. પહેલા સ્તબકમાં અંધકારની પ્રત્યક્ષ થતાં ડર લાગે છે. બીજામાં ઝળહળતા વિશ્વમાં એ ખૂલીને બંધ થાય છે તે ખબર જ પડતી નથી. સંસાર ચાલે છે, પતિ-પત્ની-બાળકો છે એટલે જાણે માપસર પડતા વરસાદનું સુખ અનુભવાય છે. પછીના સ્તબકમાં શોધ શરૂ થાય છે. શું હશે જીવનનું રહસ્ય? વસંત આવે છે તેની પછવાડે વ્યસ્ત થઈ જવાય છે. ફરી વધુ એકવાર અંધારાની વચ્ચે કશું ચળકે છે. જળ હશે? હવે મરણ પ્રવેશે છે. કૂતરા પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે છે અને બગીચાને ય ભૂલી જવાય છે, સૂઈ જવાનો ડોળ કરવામાં આવે છે, તેમ છતાં જાગતાં પડી રહ્યાં છીએ. અંતે છેલ્લીવાર દ્વાર ખૂલે છે અને બંધ થાય છે. અને શું થાય છે?

The door swings open/O god of hinges./God of long voyages,/You have kept faith/It’s dark in there./You confide yourself to the darkness./You step in./The door swings closed. (દ્વાર ખૂલે છે ઝૂલતું/ઓ મિજાગરાના ઈશ્વર./ ચિરકાલ યાત્રાના ઈશ્વર,/તમે શ્રધ્ધા રાખી છે./અંદર અહીં અંધકાર છે/તમે પોતાની જાતને અંધકારને ભરોસે મૂકો છો./તમે અંદર પ્રવેશો છો/બારણું હિલ્લોળાતું બંધ થાય છે.)

બંધ થતા બારણા પછવાડે અંધકાર સાથે કદાચ એકાકાર થયાં હોઈશું? બારણું બંધ થાય છે પણ સાથે સાથે એક નવા ઉઘાડની શકયતા પણ વર્તાય છે.

માર્ગરેટ એટવૂડનાં કાવ્યોમાં કવિ શબ્દો થકી જીવનની એકરૂપતા સામે પડકાર કરી, પોતાના રૂઢ ઢાંચાનું ઉલ્લંઘન કરે છે. Offredનામના એક વિવેચકે એટવૂડની કાવ્ય-ભાષા અંગે ખાસ નિરીક્ષણ રજૂ કર્યું છે: Language, for Atwood, is like a habit, hard to break/ but it can always be twisted and trangressed. એમનાં કાવ્યોના સાદા અને સરળ શબ્દોની અંદર, સપાટી ઉપર નહીં, પરંતુ તેની ભીતર, એમના સર્જનનો આગવો અવાજ વરતાયા વગર રહેશે નહીં, જો સાંભળી શકીએ તો.

*

રાજેન્દ્ર પટેલ
કવિ.
ઔષધિ-વ્યવસાય, અમદાવાદ.
અમદાવાદ.
rajendrapatel.ceo@gmail.com

93270 22755
*