અવલોકન-વિશ્વ/સમાજનું પીડાકારી પ્રતિબંબિ – રત્તન તલાશી

From Ekatra Wiki
Revision as of 01:51, 18 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સમાજનું પીડાકારી પ્રતિબંબિ – રત્તન તલાશી


72.-RATAN-TALASHI-IMG-2-3-217x300.jpg


ઝૂ તી ઝોલાન – અખ્તર મોઈ-ઉ-દિન
શહસાવર પબ્લિકેશન, શ્રીનગર, 2014
અખ્તર મોઈ-ઉ-દિન કાશ્મીરી ભાષાના મહાન નવલકથાકાર છે. એમણે ચાળીસથી વધારે રેડિયો નાટકો લખ્યાં છે અને તેમના છ વાર્તાસંગ્રહ પ્રગટ થયા છે. એમણે કાશ્મીરી ભાષામાં ઘણા અનુવાદ કર્યા છે અને કાશ્મીરી ટૂંકીવાર્તાઓનાં સંપાદન પણ કર્યાં છે. એમના કથાલેખનમાં પાત્ર અને પરિસ્થિતિનું વાસ્તવલક્ષી નિરૂપણ અને કથાના તાણાવાણા અને વણાટ કલાત્મક રીતે રજૂ થયાં છે. રોજબરોજની જિંદગીમાં જોયેલાં પાત્રોને વાર્તારૂપ આપતાં એમણે એ સહુને ચોક્કસ સામાજિક સંદર્ભમાં મૂકીને કથારૂપ આપ્યું છે. એમના કથાલોકમાં તાજગી, વિશિષ્ટ શૈલી અને જુદું તરી આવે એવું સંવેદન જોવા મળે છે. એમણે ત્રણ નવલકથા Daud Dag (વ્યથા અને વીતક), Jahnmuk Pnun pnun Naar (પોતે ભોગવવી પડતી જહન્નમની આગ) અને Zu ti Zulaan (સંબંધની સાંકળ) લખી છે

[સમીક્ષ્ય નવલકથા] ‘સંબંધની સાંકળ’ ગઈ સદીના સાતમા દાયકાના ઉતરાર્ધમાં લખાઈ હતી પરંતુ લેખકના અવસાન પછી (2014માં) તે પ્રગટ થઈ. આ નવલકથામાં અખ્તરે મનુષ્યજાતિની સંમુખ આવી ઊભતી સમસ્યાઓનું જુદાં જુદાં પાત્રો મિષે સંકુલ નિરૂપણ કર્યું છે. નવલકથામાં સામાજિકતા સાથે પાત્રોના પરસ્પર સાથે લાગણીના સંબંધો પણ વર્ણન-વિષય બન્યા છે. આ નવલકથા આપણા સમાજને મૂલપર્યંત જુએ છે. નવલકથામાં આઝાદી પૂર્વેના કાશ્મીરના ગ્રામીણ પ્રદેશનું વર્ણન કરતાં એ પ્રજામાં ‘નીલગિરિના ભિખારીઓ’ તરીકે જાણીતા બંધુઆ મજૂરોની ભયગ્રસ્ત મન:સ્થિતિનું સચોટ નિરૂપણ કર્યું છે. આ ભિખારીઓની અવદશા અને ભય નવલકથાના કેન્દ્રમાં ન હોવા છતાં, કથાનાં અન્ય પાત્રોનાં જીવન પર એનો ઓળો પથરાયેલો રહે છે.

નાનાં નાનાં પંદર પ્રકરણોમાં પથરાયેલી આ નવલકથાની મુખ્ય કથા ઉત્તર કાશ્મીરના શીલવટ ગામનાં ત્રણ પાત્રોના સંકુલ આંતરસંબંધોની આસપાસ ગુંથાઈ છે. યુવાન રમઝાન રાજા, પાંસઠ વરસની વિધવા મોગલા હાંઝીની અને આધેડ વયનો, ભયાનક દેખાતો મલ્લા કબીર. નામચીન લુંટારા પિતાના અવસાન પછી રમઝાન રાજા ચડાવી મારેલા બાળક જેવો તોફાની થઈ ગયો. જો કે બાળપણથી જ એ હિંસક હતો. ગામનાં છોકરાં એનાથી બીતાં તેથી એનાથી દૂર રહેતાં. સંજોગોએ એને એવી સ્થિતિમાં હડસેલી દીધો કે એની મા માટે એને નહોતું માન કે નહોતો પ્રેમ. રમઝાનના જીવનનો ઘટનાક્રમ એવો ચાલ્યો કે, એમના ગામના યુવાનોને ભ્રમિત કરી ઉત્તર તરફના પહાડોમાં મજૂરી માટે લઈ જતા, ગામનાં સહુને ભયંકર લાગતા મલ્લા કબીર સાથે હળી જવાને કારણે, જેમની સાથે લોહીના સંબંધો હતા એમાં ઓટ આવી. મલ્લા કબીર જેવો ગામમાં દેખાતો કે મા-બાપ એમનાં છોકરાંને સંતાડી દેતાં. ગામનાં લોકો માનતાં કે એ પિશાચ છે, અનિષ્ટ છે અને છોકરાંને લલચાવીને અજાણી જગ્યાએ લઈ જશે અને પછી છોકરાં ક્યારેય પાછાં નહીં આવે. મલ્લા કબીર બ્રિટિશ સૈન્ય માટે મજૂરો પકડી લાવનારો દલાલ હતો. પર્વતોથી ઘેરાયેલા આ પ્રદેશમાં કાતિલ ઠંડી પડે તેથી ત્યાં ગયેલો કોઈ જુવાન ભાગ્યે જ પાછો આવતો. તેથી જ ગામવાસીઓ માનતાં કે મલ્લા કબીર ગામના જુવાનિયાઓને હડપ કરી જનાર પિશાચ છે.

દોરી વગરના પતંગની જેમ મલ્લા કબીરને આ ગામનું કોઈ બંધન ન હતું કે ગામનાં લોકો સાથે સંબંધ ન હતો. રમઝાન સાથે જોડાયા પછી મલ્લા કબીરને જિંદગી અર્થપૂર્ણ લાગી હતી. આ બંને પાત્રો એક યા બીજા પ્રસંગે સભ્ય સમાજ સાથે સંબંધ કાપતાં રહે છે. અને સમાજ પણ તેમને નકારે છે. મલ્લા કબીર અને રમઝાન માટે માનવસંબંધો અને સામાજિક પરંપરાનું કોઈ મૂલ્ય નથી. થોડો વખત તો બંને આ સમાજને છોડી દેવા મથે છે. પણ મનુષ્યની એ નિયતિ રહી છે કે ક્યારેક ને ક્યારેક એને સમાજનો ભાગ બનવું પડે છે. સમાજ જો વ્યક્તિને વેગળી કરે તો તે વ્યક્તિની હયાતી જ અર્થહીન થઈ જાય અને વ્યક્તિ સમાજને નકારે તો પણ પરિણામ જુદું ન આવે. આ નકાર-સ્વીકારની પ્રક્રિયામાં વ્યક્તિ અને સમાજ નિકટ આવે છે અને તેમાંથી રચાય છે સંબંધોનું એક નવું જ જાળું. માણસ માટે સમાજથી વિમુખ થવું કોઈ કાળે શક્ય નથી, એ આ નવલકથાનું હાર્દ છે. સુકાની વગર જેમ વહાણ ન ચાલે તે જ રીતે માણસ માટે પણ સંબંધો અનિવાર્ય છે.

રમઝાનના પિતાના અવસાન પછી એની મા એના પિતાએ ઊભી કરેલી લુંટારુ ટોળકીના સહારે જીવે છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને પૈસા એ લોકો આપતા. રમઝાન કંઈક હુન્નર શીખી ગુજારો કરે એમ મા ઇચ્છતી. બીજી તરફ લુંટારુ ટોળકી પણ દબાણ કરતી કે તે એમની સાથે જોડાઈ જાય અને એના પિતાની જેમ ટોળીનો સરદાર થાય. પણ બધી સલાહો અને દબાણ રમઝાનના બહેરા કાને અથડાતાં. એ ઘરથી દૂર નાસી જતો અને મલ્લા કબીર સાથે ઉત્તરની પહાડીઓમાં રખડતો. વસંત સમયે એ પાછો આવતો ત્યારે એનો વેશ અને દીદાર બદલાયેલાં હોય.

પછીનાં વર્ષોમાં, રમઝાન, પાનખરમાં મલ્લા કબીર સાથે ઉત્તરની પહાડીઓમાં બ્રિટિશ લશ્કરી છાવણીમાં મજૂરી કરવા ચાલી જતો અને વસંતમાં પાછો ફરતો. મજૂરીમાંથી એ ખપજોગું રળી લેતો. એનામાં મદદ કરવાની ભાવના પણ ખરી. ગામનાં જરૂરિયાતમંદોની એ મદદ કરતો. પણ માને ન મળતો.

હિમાડે હાડ ગળે એવી મજૂરી કરી એકવાર વસંતમાં રમઝાન જ્યારે પાછો આવ્યો ત્યારે મુગલીનો ઘરડો, દુર્બળ, નાવિક પતિ એને મળવા આવ્યો. રમઝાન સહુને મદદ કરતો એ જાણતો. જો કે એને મન રમઝાન દયાળુ નહી પણ મૂરખ અને ઉડાઉ હતો. એણે રમઝાનને પોતાનાં વીતક કહ્યાં. એને મોટી ચિંતા લગ્નલાયક બે દીકરીઓની હતી અને હાથમાં એક પૈસો ન હતો. રમઝાને એને પૈસા અને ચીજવસ્તુઓ આપવાનું વચન આપ્યું. એ અવારનવાર થોડાઘણા પૈસા મોકલતો પણ ખરો. એક શિયાળામાં જ્યારે રમઝાન પહાડોમાં મજૂરી કરવા ગયેલો ત્યારે એની મા મારી ગઈ. રમઝાન વસંતમાં પાછો આવ્યો. માના મોત પર એ સહેજેય ઢીલો ન પડ્યો. જાણે માને કશું નથી થયું એવું એનું વર્તન હતું. ખરેખર તો સમાજ અને કુટુંબથી એનો નાતો તૂટ્યો તેથી રાહત થઈ. મુગલીના કુટુંબ પાછળ હવે એ બેફામ પૈસા વાપરવા માંડ્યો. એ વસંતમાં જ મુગલીનો પતિ પણ મૃત્યુ પામ્યો. ત્યાર પછી રમઝાને મુગલીની હોડી સંભાળી લીધી. મુગલીની દીકરીઓને પરણાવવા સારુ રમઝાને વારસામાં મળેલી વડવાઓની મિલકત વેચી મારી.

નામ વગરના સંબંધે બંધાયેલું આ ઘરડી મુગલી અને જુવાન રમઝાનનું જોડું ગામનાં લોકોની વાતોનો વિષય બન્યું. ગામનાં લોકોની કુથલીથી ત્રાસીને મુગલી રમઝાનને છોડી દેવા મન મનાવી લે છે. લોકોએ મૂકેલા આરોપની વાત એ રમઝાનને કરે છે. ગુસ્સે થયેલો રમઝાન મુગલી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરે છે. એમનો નિકાહ કરાવવા ગામના કાઝી ના પાડે છે ત્યારે એ બંને ગામ છોડી, એમની બોટમાં શ્રીનગર શહેરથી દૂર જતાં રહે છે.

દરમિયાન ગામના એક છોકરા પાસેથી કબીર જાણે છે કે રમઝાન અને મુગલી નાસી ગયાં છે. એ બંનેને શોધવા જાય છે. બીજી સવારે ઈમામ મુગલી અને રમઝાનના નિકાહ પઢે તે પહેલાં કબીર શ્રીનગર પાસે, જેલમ નદીમાં, બોટમાં બેઠેલાં બંનેને જોઈ જાય છે. કબીર રમઝાન અને મુગલી પાસે બોટમાં પહોંચી જાય છે. અંતે રમઝાનને બદલે કબીર મુગલી સાથે નિકાહ કરે છે, અને ત્રણેય એક કુટુંબની જેમ રહેવા માંડે છે. આ રીતે એ ત્રણેય સભ્ય સમાજમાં પાછાં ફરે છે.

કથાની સંરચના એટલી ચુસ્ત છે કે ઘટનાક્રમ ગોઠવેલો ન લાગે. નવલકથા વાંચવી શરૂ કરીએ કે ઘટનાઓ આપણને અંત તરફ દોરી જાય છે. પીઠ-ઝબકારની રચનારીતિને કારણે કથા ક્રમશ: ઊઘડતી આવે છે. આ જ રચનારીતિ લેખકે એમની અન્ય નવલકથા ‘વ્યથા અને વીતક’માં પણ પ્રયોજી છે પણ તે નવલકથામાં કથાના તાણાવાણા અને વણાટ નબળાં રહી જાય છે. પ્રસ્તુત નવલકથામાં, પીઠઝબકારની રચનારીતિ પર નવલકથાકારની પકડને કારણે કથામાં ‘હવે પછી શું?’ની અનિશ્ચિતતા સાથે વાચકનો રસ જળવાઈ રહે તે રીતે કથાનિરૂપણ થયું છે. નવલકથાકાર અખ્તર સરેરાશ વાચકની ‘હવે પછી શું?’ની જિજ્ઞાસાને પૂરતું મહત્ત્વ આપે છે. આ નવલકથા ‘વ્યથા અને વીતક’ સાથે અંશત: મળતી આવે છે. આ નવલકથાનો કબીર અને ‘વ્યથા અને વીતક’નો અબ-ગની, બંનેને સમાજ ધિક્કારે છે, નફરત કરે છે, અને બંને બીજાં પાત્રોના જીવનમાં ખળભળાટ મચાવી દે છે. ‘વ્યથા અને વીતક’માં લંપટ અબ-ગનીથી સ્ત્રીઓ બી મરે છે જ્યારે આ નવલકથામાં મલ્લા કબીરને જોતાં જ સહુ ગ્રામજનો છળી મરે છે. તે છતાં બંને પાત્રોમાં બદલાવાની શક્યતા છે અને બંનેમાં વિધેયાત્મક પરિવર્તન આવે છે. ‘વ્યથાનાં વીતક’ સાથે સરખાવીએ તો આ નવલકથામાં પાત્રોનાં નિરૂપણમાં અખ્તરની વિશ્લેષણાત્મક શક્તિ જુદી જ તરી આવે છે.

મનુષ્યની પરસ્પર માટેની લાગણી, ધિક્કાર, અનુકંપા અને ક્રોધ વ્યક્ત કરતા પ્રસંગોથી ઊભી થતી અસર વાચકને મંત્રમુગ્ધ કરી દે છે. આ નવલકથામાં આપણને કાશ્મીરના ગ્રામવિસ્તારનો ભૂતકાળ અને પરંપરિત કથાઓ, એમની ગરીબી, આર્થિક વિટંબણા, સામાજિક સમસ્યાઓ અને મનોવૈજ્ઞાનિક તાણની ઝાંખી જોવા મળે છે. શાંત જળની ભીતર વહેતા પ્રવાહ જેવું ગદ્ય અને વિશિષ્ટ વર્ણનો વાચકને શાંતરસની અને પૂર્ણતાની રસાનુભૂતિ કરાવે છે. આપણા આજના જીવનનાં દુ:ખદર્દ પણ નવલકથામાં પડઘાય છે. નવલકથા વાંચતાં વાચકને અવસાદ અને સુખાનુભૂતિ થવાની સાથે સાથે તેની સામાજિક ચેતના પણ અંકુરિત થાય છે. મૂળમાં કે પછી અનુવાદિત રૂપે વાંચતાં આ નવલકથા કાશ્મીરના સમાજનાં સાધારણ પાત્રોનાં જીવનનો સાક્ષાત્કાર કરાવે છે. હાથમાંથી નીચે મૂકવાનું મન ન થાય તેવી સરસ આ નવલકથા છે.

*

રત્તન તલાશી લેખનો [1]
કાશ્મીરી વિવેચક, સંપાદક.
પૂર્વ-અધ્યાપક, કાશ્મીર યુનિ., શ્રીનગર.
હઝરતબાલ, કાશ્મીર.
talashirattan@gmail.com
94191 93668

*
  1. અંગ્રેજીમાંથી અનુવાદ: બિપિન પટેલ, અમદાવાદ, ફોન: 9925213941