ગામવટો/૨૪. વીરેશ્વર – સારણેશ્વર

From Ekatra Wiki
Revision as of 03:24, 24 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૪. વીરેશ્વર – સારણેશ્વર

ઈડરના પથ્થરિયા પહાડો જોતાં જોતાં ઘણી વાર ‘કાન્ત'ના ‘ચક્રવાક મિથુન'ની ચક્રવાકીનો આર્ત્તનાદ સંભળાય છે : ‘પોષાણોમાં નહીં નહીં. હવે આપણે નાથ રહેવું...’ ને કોઈ ઉદાસ સાંજે સુકાઈ ગયેલા ઝરણાની જડ જળલિપિ વાંચતા બેઠા હોઈએ ત્યારે ‘અધિકતર આર્દ્ર જ્યાં હોય દૈવ' એવા મુલકમાં જઈને વસવાનું મન થાય છે ખરું. ‘સદૈવ સૂર્ય તપતો હોય' એવા પ્રદેશની શોધમાં હોવું એટલે કે ‘સુખ નામના પ્રદેશની' શોધમાં હોવું એમ થયું. ને એવી શોધ તો પ્રત્યેક માનવના રસનો વિષય છે અને રહેશે. પણ એ શક્ય છે ખરું? ધીર ચક્રવાકે આપેલો ઉત્તર : ‘લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિઓ દીર્ઘ તેવી આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય આશા જ કેવી !' પમાય છે. ઈડરના ડુંગરો ઉપર વનરાજી નથી. એને ઈશ્વરનો શાપ ગણીશું? કે માનવોની બેકાળજીભરી જડતા? પથ્થરોમાં પણ આકારગત સૌંદર્ય હોય છે એ ખરું, પણ ક્યાં વૃક્ષ અને ક્યાં પથ્થર ! જીવન અને મરણ જેવો ભેદ છે બન્નેમાં. ઈડરની પૂર્વમાં જઈએ તો ચાળીશેક કિલોમીટરે શામળાજી આવે. ભરપૂર વનશ્રીવાળાં આ પહાડો મંદિરને જ નહીં, સમગ્ર નગરનેય ખોળામાં રમાડતા બેઠા છે. આ પર્વતોની વૃક્ષાચ્છાદિત ખીણોમાં જઈએ ત્યારે ‘કાન્ત'ની પંક્તિમાં આવતો ‘નિષ્ઠુર પ્રાણ કાલ’ સમજાય છે. સાચે જ ‘ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુર પ્રાણ કાલ’ ચાક્ષુષ થઈ ઊઠે છે. ઈડરથી પૂર્વોત્તરમાં વિશેક કિલોમીટરે જઈએ પછી ગાઢ જંગલોનો વિસ્તાર શરૂ થાય છે. જંગલોની આ પહોળી પહાડી પટ્ટી છેક વિજયનગર સુધી લંબાયેલી પડી છે. અહીં વીરેશ્વર–આંતરસુબા–સારણેશ્વર–પોળો જેવાં જૂનાં ને જાણીતાં પ્રકૃતિસ્થ શિવાલયો કે પ્રાચીન મંદિરો આવેલાં છે. શામળાજી અને વિજયનગરના જંગલો પહાડોથી જોડાયેલાં છે, આમેય ગુજરાત અને રાજસ્થાનની મોટા ભાગની સરહદ વનશ્રી ભરપૂર પહાડોથી આવૃત્ત છે. અહીંથી રાજસ્થાન દૂર નથી. આદિમતાની અનુભૂતિ કરાવે એવી કરાડો અહીં મળે, આદિવાસીઓનું પ્રાકૃત જીવન નફિકરાઈભર્યું દેખાય અહીં. જીવન અને કવિતા અહીં તદ્દન પાસ પાસે વસે છે/શ્વસે છે, પણ એની પરખ કરનારો તો આ તરફ ભૂલો પડે ત્યારે જ ને. આપણો આજનો કવિ તો નગરમાં બેસીને પ્રકૃતિની કવિતા કરવા પ્રવૃત્ત થાય છે. પછી એમાં સાહિજકતા કેટલી હોવાની? ઉશનસ્ અને જયન્ત પાઠક જેમ વનપદને/અરણ્યને છાતીમાં ભરવા નીકળી પડનારા કેટલા છે વારુ? કવિતા જો જીવનની નોળવેલ છે તો પ્રકૃતિ કવિતાની નોળવેલ છે. જડીબુટ્ટી છે એ ભુલાવું ન જોઈએ. વનની વચ્ચેથી પસાર થતી સડક (તરત જ ઉશનસની સૉનેટમાળા સાંભરવાની) કાયા સંકોરીને ચાલતી મુગ્ધા જેવી, પણ હૈયામાં ભય હોય, કોઈ ફડક હોય એમ એ ઊભી રહ્યા વિના જ ચાલી જાય, વૃક્ષો એના ઉ૫૨ ઝૂકી આવે પણ એ તો ભારે શરમાળ. નગરવટો પામેલા સૂનમૂન થાંભલાઓ અહીં વૃક્ષોથી ઉપેક્ષિત લાગે. રાતે મુસાફરી કરતાં કોઈ નાનકડું ગામ આવે તો લાગે કે થાંભલે થાંભલે વળગેલા વગડા ઉપર વેલાઓ ઉવીજળીનાં પુષ્પો ખીલી ઊઠ્યાં છે. યંત્રસંસ્કૃતિનો પગપેસારો થયો છે ખરો પણ વનવાસીની ‘સંસ્કૃતિ’નો હાથ અહીં હજી ઉપર જ છે. બસમાંથી તમે જોઈ શકો કે આદિવાસી કન્યાઓ નદીમાં સહજ રીતે જ સ્નાન કરતી હોય, કે પછી મરક મરક મલકતી હોય, મોગરાના પુષ્પ જેવું ને એ પણ કારણ વગર. મનમાં કંઈ માની લઈએ તો ભોંઠા પડીએ. ઓઢણીને અવગણીને ડોકિયાં કરતા એમના ઉરોજ અને એવી જ ઉત્સુક આંખો – હંમેશાં નિર્દોષ ન પણ હોય. વનાન્તે વસેલાં ચોરીવાડ જેવાં ગામોમાં સંકર– ૪ કપાસનાં ખેતરોમાં એ લોકો દૂર દૂરથી કામ કરવા આવે એટલે હવે તો સભ્યજનના સહવાસમાં ‘સભ્ય લોહી’નો સ્વાદ એમનામાંય ઊગતો વાંચી શકાય. પહેલાં આ પ્રદેશના દેવ ભોળાનાથ શંકર હશે, આજે તો સંક૨–૪ કપાસ જ સૌનો દેવ છે. ને આ નવા દેવતાએ ઈડર તાલુકાને ભારોભાર સમૃદ્ધ કરી મૂક્યો છે. પણ ધનની સમૃદ્ધિ કેટલાક કુસંસ્કારો પણ લાવતી હોય છે એટલે ચેતવા જેવું ખરું. ગામનું નામ પણ કેવું, ચોરીવાડ. ચોર કે ચોરી સામે વાડ – રક્ષણ. ચોરીવાડ એટલે ઈડર તાલુકાની પૂર્વોત્તર સરહદનું છેલ્લું ગામ. જૂના વખતનું થાણું! ગામ ઘણું જ સમૃદ્ધ ને પ્રગતિશીલ. એક નાનકડું ટાઉન જ જાણે. આ ચોરીવાડની ઉ.મા. શાળામાં એક મિત્ર છે રેવુભાઈ પટેલ. એમને ત્યાં મુકામ કરીને વર્ષમાં ચાર–છ વખત વીરેશ્વર–સારણેશ્વર જવાનું. વર્ષા અને પાનખરમાં તો કાવ્યયાત્રા જ જાણે. આંતરસુબા, હરણાવ નદી, પોળોનાં જંગલો/મંદિરો, નષ્ટ થયેલા નગરના અવશેષોમાં રખડવાનું, દિશા કે કેડી વિના રઝળવાનું. પ્રકૃતનો પ્યાલો ગટગટાવ્યા કરવાનો. સાંજે રેવુભાઈના ઘરમાં જમવાની ને કવિતાની મિજબાની ચાલે. આ બધાનો કેફ ઊંડી ઊંઘ લાવે ને સવારનું પુષ્પ ઊઘડે ત્યારે આપણેય ગલગોટા જેવા જ લાગીએ. ચોરીવાડથી વીરેશ્વરના ડુંગરા દેખાય – ‘ડાર્કબ્લ્યૂ’ ઝાંયમાં એ સ્વયં વરસી પડવા ઉત્સુક હોય એવા લાગે છે... વર્ષો જૂની ઝાડી, પ્રાચીન તરુવરો આકાશને આંબતાં ઊભાં છે. દીવાલ જેવાં ઘઉંઆવનાં મૌન શિખરો નિમંત્રણ આપતાં ઊભાં જ છે...

‘મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો
ધસે ધારો ઊંચી તુહિન તહીં ટોચે તગતગે.’

જન અને વન ઊભયની પ્રીતિ નિરૂપતી ઉમાશંકરની કવિતા (ભલે શૃંગો ઊંચાં, રહ્યાં વર્ષો, ગયાં વર્ષો... વગેરે કાવ્યો ને કેટલાંક ગીતો)–ની સમગ્ર સૃષ્ટિની આ જ તો જનકભૂમિ છે. લેનારને તો પ્રકૃતિ ખોબે ખોબે ભરપૂર આપે છે. વીરેશ્વર તો પહાડની કૂખમાં સ્થિત નાનકડું અને પ્રાચીન નહીં એવું શિવાલય છે. અહીં નિવાસોની વ્યવસ્થા સારી છે. ચારેબાજુ ભરપૂર વનશ્રી ને લીલાશનાં મોજાં ઉપર મોજાં ઉછાળતો એનો દરિયો અંગે શૃંગેથી આપણી તરફ વહી આવે, ને ક્યારેક ફેલાતો જાય દૂર ક્ષિતિજપટ સુધી. ગાઢી ગીચ ઝાડીમાં ઊંડાં ઊતરી જતાં ઝરણાંનો નાદ અમૃતમય લાગે, એને પ્રકૃતિની વાચા જ કહીશું ને?! વીરેશ્વર એક રીતે તો પિકનિક પ્લેસ છે. લોકો દાળ–બાટી ખાવા અહીં આવે છે. દર્શનને બહાને પ્રકૃતિદર્શન. ઘણી વાર સહકારી મંડળીઓવાળા અહીં મિટિંગ રાખે, કાર્ય પૂરું થાય પછી દાળ–બાટી–ઘી ને લસણચટણી ભરપેટ જમે ને છાંયાઓ ઓઢીને ઊંઘી જાય. મંદિરના ઉપરના ભાગમાં ઊમરાનું એક મહાકાય વૃક્ષ છે. એના થડમાંથી નીકળી બારેમાસ નિર્મળ જળનું ઝરણું વહ્યા કરે છે. લોકોને મન આ ઝરો પણ પવિત્ર! અહીંના ઠાકરડા માનતા માને છે ને ઝરણા સાથે ઊમરાની પરિક્રમા કરે છે. આ ઝરણાના અંશને કૃત્રિમ રીતે મંદિરમાં વાળીને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એક ફુવારો પણ એનું જ પરિણામ છે. ફુવારાના સાંનિધ્યમાં શિવજીનું સ્થાન શીતળ રહે છે, બાજુમાં પતરાંની નીચે ભીડભંજન હનુમાનજી લાલપીળા કાગળના થોકડાથી શણગારેલા ને કેસરમિશ્રિત તેલથી રગદોળાયેલા ઊભા છે. હિન્દુ મંદિરોની આ વિશેષતા છે કે એમાં એક સાથે અનેક દેવ–દેવીઓ બહુધા હાજર હોય છે. તમે ચાહો એને નમન કરો/આરાધો. પેલું ઝરણું ચોમાસામાં ભારે ઘોષ સાથે ધસમસતું બાજુની વનરાજિમાં ખોવાઈ જાય છે. ધર્મશાળાની અગાશીમાં દેખાય ભૂરું ઊંડું આકાશ. ને સામેના ભરપૂર પહાડી ઢોળાવો પરથી વહી આવતી ભીની લીલપને ખોબેખોબે પી શકાય. ઢળતી સાંજનો વરસતો તડકો તો ખોબામાં પણ શેં સમાય ?! વૃક્ષોનાં થડ જ નહીં, સમગ્ર અરણ્યને ઈશ્વર એની પીંછીથી રંગતો દેખાય છે અહીં. લીલા રંગનાં કેટલાંય રૂપ–સ્વરૂપ! એની નાનાવિધ ઝાંયને કીકીમાં કેદ કરતા રહો. પાનખરનો પીળો રંગ પણ અહીં સહસ્ત્રધારે વહેતો રહે છે. કેસૂડામાંથી મશાલ પ્રગટે છે ને જંગલમાં વસંતનું અજવાળું લીંપાય છે. નગરસંસ્કૃતિ તો સીમાન્તે અટકી ગઈ. આ તો નર્યાં અરણ્યોનો અડાબીડ પ્રદેશ. ‘વિધાતાના વાળ્યાં અસલ અટવી ઊઘડી રહ્યાં.’ ઉશનસની ‘અનહદની સરહદે’ સૉનેટમાળાને અહીં બેસીને વાંચીએ તો કવિતામાં ઊતરેલી પ્રકૃતિનું અને કવિતાનું રોમહર્ષણ રૂપ પ્રતીત થાય. જો કે આ પ્રદેશમાં જંગલ સાફ કરીને વસાહતો ઊભી કરવામાં આવી રહી છે – સરકાર વડે. એક બાજુ વસતિ ને બીજી બાજુ વન. જયન્ત પાઠકની ‘વગડાનો શ્વાસ મારા શ્વાસમાં' તમને સાંભરે જ સાંભરે. કવિની કવિતાને સમજવા એની ભોમ સુધી જવાની વાતને હું બે અર્થમાં જોઉં છું, એક તો કવિની હૃદયભૂમિ ને બીજી એની સંવેદનાની પ્રેરક પોષક કે જનકભૂમિ. ’૭૯ના ઑક્ટોબરમાં ઉશનસને અમે વીરેશ્વર લઈ આવેલા. પાછા વળતાં બસ ન મળે. થોડું ચાલવાનું થયું. અસ્થમાની પ્રકૃતિ છતાં કવિતાની પ્રકૃતિ વચ્ચે ઉશનસ્ ઠીક ઠીક ચાલેલા. રસ્તામાં અનેક સર્જકોની પ્રીતિકથાઓની રસિક વાતો પણ સહજ રીતે નીકળેલી. સડકને ઓળંગીને જતાં નિર્ઝરો ત્યારે તો સુકાઈ ગયેલાં, પણ એની લિપિ વૃક્ષોની વચ્ચે વંચાય એમ પડેલી. કવિએ વૃક્ષો સાથે દોસ્તી કરવી પડે તો જ અરણ્યની કવિતા થઈ શકે. એટલે જ કવિને ખરતાં પર્ણોમાં વૃક્ષોની ખખડતી ડુગડુગી સંભળાય છે. ચાંદની રાતે વીરેશ્વરમાં નિવાસની અગાશીમાંથી જંગલને સાંભળી રહેવાનું મન થાય, નિર્ઝરોનું નિદ્રાગીત સંભળાયા કરે ને વન તો ચાંદનીને અંગે અંગે લપેટે, મસળે ને નાહ્ય. જયન્ત પાઠકના ‘બોડા ડૂંગરા’ તરત જ સ્મરણે ચડે... ચાંદનીમાં નાહતા ને વર્ષામાં વસ્ત્રો બદલતા ડુંગરા. ઈડરના ડુંગરા. ફાલુ કે શિયાળ, ઘૂવડ કે ઘોના અવાજો લોહીને પ્રકંપિત કરી દે. ‘કંસારી તમરાંના અવાજો’ વળી પાછા ‘કાન્ત’ના ‘વસંતવિજય’ની સૃષ્ટિ સાથે આપણને જોડી દે. એ પ્રકૃતિ પણ આવા જ કોઈ પ્રદેશની હશે. એકલું અટૂલું વહેતું ઝરણું હોય. વર્ષામાં એને કાંઠે રાતે જઈને બેસીએ, તો લાગે કે તંબૂરો અને મંજીરાં લઈને કોઈ ભક્તમંડળી ધીમી હલકે ઈશ્વરસ્તવન કરી રહી છે. વનનાં વૃક્ષો હજાર આંખે તાકતાં રહે આપણને. ગળાઈને આવતા તડકા વડે રચાતી ભાત ઈશ્વરનો પર્યાય લાગે છે. વનના ભીતરમાં ઊંડા ચાલ્યા જઈએ તો ‘વગડાનો શ્વાસ’ રોમેરોમ ગંધીલાં પુષ્પો પ્રગટાવે; ‘નાડીમાં નાનેરી નદીઓનાં નીર' લયબદ્ધ વહેવા લાગે; થોડો ઉજાસ ને થોડો અંધકાર શ્વાસમાં તોરણ ૨ચે... રોમે રોમે પતંગિયાં ઊગી આવે ને આંગળીમાં આદિવાસીના તીણા તીરનો અનુભવ તરસ લઈને બેઠો થઈ જાય! સારણેશ્વરની પાસેનાં પોળોનાં જંગલોમાં આવી અનુભૂતિ મને ઘણી વાર થઈ છે ને ત્યારે ત્યારે હું ઉત્કંઠિત થઈ ઊઠ્યો છું – કવિતા માટે, કવિતા જેવા નિર્મળ પ્રેમ માટે. સારણેશ્વર તો સાતસો આઠસો વર્ષ જૂનું શિવમંદિર છે. એનો ઘણોબધો ખરો ભાગ તો તૂટી પડેલો છે. પણ એની જાહોજલાલીની ચાડી ખાતા શિલ્પો, દરવાજા, ચૉક, કોટ ખંડેરાવસ્થામાં મોજૂદ છે. જનારને રહેવા–જમવાની સગવડ મળે એવી વ્યવસ્થા છે. મંદિર અપૂજ નથી, એક વૃદ્ધ બાવાજી ત્યાં વર્ષોથી રહે છે. ૧૧૦/૧૧૨ વર્ષની ઉંમર છતાં એ કાર્યરત રહે એટલા સ્વસ્થ છે. એ કહે છે કે ઈડરથી પાછું ફરતું મહમદ બેગડાનું સૈન્ય રાજસ્થાન જતાં આ પ્રદેશનાં મંદિરોને છિન્નભિન્ન કરી ગયું હતું. નજીકમાંથી વહેતી નદી હરણાવ વિજયનગર તરફના પહાડોમાંથી આવે છે, હરણના જેવી તરલ ચંચલ અને આડીઅવળી વહેતી એની ગતિ! એટલે જ નામ પણ હરણાવ. આ નદી તો લોહીમાં લય બનીને ઊતરી ગઈ છે. નસ/નાડી બનીને શરીરમાં ઘર કરી ગઈ છે, એ તો મારા વતનની મહીસાગર, પણ એનો તો ઠસ્સો જ જુદો. જ્યારે આ તો ભોળી, નાની બહેન જેવી, તોફાન–મસ્તી કરીએ એવી. આની પડખે તો મોટા પહાડો છે... આ પહાડો ઉપર ઉનાળાની રાતે દવ લાગેલો (કહેવાય છે કે આદિવાસીઓ ‘જંગલ નવડાવવાની' બાધા રાખે છે, ને પછી અગ્નિથી જંગલને નવડાવે છે – તે જ આ દવ) જોયો છે ને ત્યારે ‘નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર વનો...’ની વેદનાથી છટપટાતી હરણાવને છાતીમાં ટળવળતી અનુભવી છે. તો એપ્રિલના તાપમાં કણજીઓની છાંયમાં વહેતી હરણાવમાં દવને બુઝાવવા નાહ્યા છીએ, ને શીતળતા ઓઢીને કાંઠે ઊંઘ્યાનોય રોમાંચક અનુભવ ગયા એપ્રિલમાં જ કૉલેજના દસેક અધ્યાપક મિત્રો સાથે કર્યો છે. સારણેશ્વરની આસપાસ કેસૂડાં ઘણા થાય, વસંતની મશાલ લઈને ઊભેલા દૂતો જેવા. મહુડાનાં વનો પણ આ ઋતુમાં કેફી ગંધથી મનને તરબર કરી દે છે. ક્યાંક શેરડીનાં ખેતરો દેખાય. ચોમાસે કપાસ પકવવા અહીં સુધી પટેલો આવ્યા છે. ‘પટેલ બાર ગાઉ સુધી ઉજ્જડ તાકે' એ કહેવત જાણે સાચી પડેલી લાગે. તળેટીઓ, વહેળાવાંઘાની કિનારો કે નદીના કાંઠાઓ સાફ કરીને એમણે ખેતર બનાવ્યાં. અરણ્યમાં રહેવાનો આનંદ ખેતી સાથે બેવડાતો હશે. અહીં કેટલાંક દુર્ગમ જંગલો છે. પહાડો ન ચઢાય એવા છે. એમાં નામ વગરનાં ઝાડ ને નામ વગરના નિર્ઝરો/ઝરાઓ અપરંપાર છે. સંસ્કૃતિનું વસ્ત્ર ફગાવી દઈને ફરવા માટેનો આ પ્રદેશ છે. જીવનની માંસલ અનુભૂતિઓની ધારને પણ નગરજીવને બુઠ્ઠી કરી દીધી છે. એ ધારને તેજ કરવા અસલિયતના આ આદિમ પ્રદેશમાં ફરવું પડે. પાંદડાં અને કૂંપળોને મસળીને ગંધને ચાખવી પડે, નિર્ઝરોની નિખાલસતા શીખી લેવી પડે. કેટલાંય પુષ્પોની ગંધને ગોખી લેવાનું મન થાય છે અહીં. તો અજાણ્યાં વૃક્ષોની છાંયાને ડિલે વીંટાળી લેવાની લાલચ રોકી શકાતી નથી. આ જ વૃક્ષોમાં આયુર્વેદની સામગ્રી પડી છે. અહીંથી નજીક ધોલવાણીનાં જંગલો છે જ્યાં અનેક પ્રકારનાં ઔષધ વૃક્ષો/વેલા–વેલીઓ મળે છે. એક ચોમાસામાં (મોરબી ડૂબ્યું એ દિવસે જ) યુવાન નવલકથાકાર મિત્ર રામચન્દ્ર પટેલને લઈને રેવુભાઈ સાથે વરસતે વરસાદે આ પ્રદેશ ખૂંદ્યો છે. આંતરસુબા પાસે પણ એ જ હરણાવ વહે છે, રેતીમાં સહિયર સાથે કૂકા રમતી બાળા જેવી. એને ઘણી સહિયરો પણ અહીં આવીને મળે છે– વર્ષામાં. અહીંનાં પ્રાચીન મંદિરોમાં શિલ્પો જોવાનું રામચન્દ્રને ભારે આકર્ષણ. વિષ્ણુ ને વરાહ, તેમ જ એવી બીજી કેટલીય શિલ્પાકૃતિઓનો પરિચય થયો. આપણી શિલ્પ પરંપરાનાં વિવિધ તરાહમાં થયેલાં શિલ્પો/તોરણોની રામચન્દ્રે વાતો કરી. અમે પ્રસન્ન થયા હતા. હરણાવમાં કમરપૂર પાણીમાં ઊતર્યા ને ઉપરથી વરસાદે ભીંજવ્યા. પવને એની શક્તિનો પરિચય છત્રીનો કાગડો બનાવીને આપ્યો. મત્ત પવન ને પાગલ મેઘ રાન પર એકચક્રે રાજ કરે. એની વચ્ચે અમે આઠ દસ માઈલ ચાલ્યા. બસ પકડવા જ સ્તો. રસ્તામાં રામચન્દ્ર નવલકથાના પ્લૉટ અને પાત્રોની વાતો કરે, હું કવિતાની પંક્તિઓથી ઠંડીને ઉડાડવા મથું, પણ એનાથી રેવુભાઈનાં (એ બી.એસસી. છે) વસ્ત્રો સુકાતાં નહોતાં એમ એ કહે. પણ એનું નામ જ મજા છે. વન ઉપર ઝળૂંબતા શ્યામ મેઘને તે દિવસે શિખરે શિખરે જોયો. ડાર્ક બ્લ્યૂ વનની નતમસ્તકે ઊભેલી વનશ્રી પિયુના અભિષેકને ઝીલતી હતી. ક્યારેક અશ્વ જેવા હણહણાટ સાથેની વનની એ જળક્રીડાએ મનને એવું તો પરવશ કરી દીધું હતું કે પછી તો બધું જ એકાકાર...

‘ન મારું યાદા'વે અવ નગરનું નામ જ મને...’

અમદાવાદથી ઊપડીને રાણી કે વિજયનગર જતી બસ ઈડર આવે/ઈડર છોડે ને પછી શરૂ થાય આ નિબંધમાં નિરૂપેલા પ્રદેશો. બસ વહી જાય સોંસરી – આરપાર. તમે આવશો? આવો તો મને બોલાવજો. આપણે સાથે જ...

તા. ૧૪–૩–૯૯