છિન્નપત્ર/૪૪

From Ekatra Wiki
Revision as of 09:27, 30 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪| સુરેશ જોષી}} {{Poem2Open}} માલા, આપણા સ્નેહને મરણ જ શું વળ નથી ચઢ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૪

સુરેશ જોષી

માલા, આપણા સ્નેહને મરણ જ શું વળ નથી ચઢાવતું? ઘણી વાર હું મરણને બહુ નિકટતાથી અનુભવું છું. એક શ્વાસ જેટલો જ વચમાં અન્તરાય હોય છે. એને ઠેકી જાઉં તો સામી બાજુએ પહોંચી જવાય. આટલે નિકટથી મરણની મોઢામોઢ ઊભો હોઉં છું ને એને જોતો હોઉં ત્યારે તારી પરિચિત મુખમુદ્રાના કેટલા બધા અંશો એ ચોરી બેઠું છે – કદાચ મને લોભાવવાને જ – તેનો મને ખ્યાલ આવે છે. તારા સ્પર્શની સ્મૃતિ ભેગો એકાદ તન્તુ મરણ પોતાનો પણ ગૂંચવી નથી દીધો? તારાં આંસુ ને તારું મૌન મારા મરણને પુષ્ટ નથી કરી ગયાં? પણ માલા, હું તને ઠપકો નથી આપતો. આજની આ સૂની સાંજે શહેરના ઘોંઘાટની વચ્ચે બેઠો બેઠો હું જાણે ધીમે ધીમે લય પામતો જાઉં છું. આ કોઈ તેજાબના જેવી વેદના નથી. આ ઓગળ્યે જવાનું સુખ છે એમ પણ નહીં કહું. આ અનુભવમાં કેટલું બધું એક સાથે છે – કદાચ મરણ ન જીરવી શકાય એવો સંવેદનોનો સંચય નહીં હોય! પણ માલા, હું ગભરાઈ જાઉં છું. વેદનાનું આપણે બહુવચન કરીએ છીએ ત્યારે બધી વેદનાઓને આપણે એકાકાર કરી નથી મૂકતાં, આપણે દરેકનાં જુદાં નામ પાડીએ છીએ, એ સાથે જુદી જુદી વ્યક્તિઓને સાંકળીએ છીએ. મરણ આ બધું એકાકાર કરી નાખે છે. કેટલીક વાર આ ભિન્નતાનો ભાર મારે માથેથી ઉતારી નાખવાનો ઉપકાર કરવા મરણ એ બધું ભૂંસી નાખવા હાથ ઉપાડે છે. શરૂમાં તો મને એ ગમે છે પણ બધી રૂપરેખાઓને ભુંસાઈ જતી જોઉં છું કે તરત ફફડી ઊઠીને મરણનો હાથ ઝાટકી નાખું છું. ને છતાં આ ભીતિને સહ્ય જ નહીં, આવકાર્ય પણ બનાવવી પડશે. અજાણી ધરતીનો સ્પર્શ, દૂરદૂરનો પવન ને આંખમાં અસીમને આંજી દેતી નીલિમા – આ બધું મને વિહ્વળ બનાવી મૂકે છે. જો મારી આ સ્થિતિની સ્મૃતિને સંચિત કર્યે જાઉં તો મરણ બહુ અજાણ્યું નહિ લાગે કદાચ. પણ માલા, આ અનુભવમાં આપણે સાથે નહીં રહી શકીએ? મરણ બધાંનો સમાવેશ કરે છે, એ બધાં ભેગાં આપણે એમાં ‘આપણે’ કહેવા જેવી સ્થિતિએ રહી શકીશું ખરા? તું તો એ કબૂલ નહીં રાખે. ઘણી વાર જ્યારે છૂટા પડવાનું મને બહુ અઘરું લાગે ને એને સહ્ય બનાવવા હું બાળકની જેમ મથતો હોઉં છું ત્યારે તું કેટલી બધી આસાનીથી જાણે પાંચ પચ્ચીસની ગાડી પકડવાની અનિવાર્યતા હોય તેમ મારી તરફ નજર કર્યા વિના, જવાની દિશામાં જ જોતી, ‘આવજે ત્યારે’ બોલીને જતી રહે છે. હું કોઈની નજરે ન ચઢું માટે આગળ ડગલાં ભરુ છું, પણ પછી ઊભો રહી જાઉં છું ને ભીડ વચ્ચે ખોવાઈ જતા તારા આકારને જોઈ રહું છું. આવું જ કંઈક મરણમાં બનતું હશે? તારી બંધ આંખોમાં પુરાઈ જવું એને જો મરણ કહેવાતું હોય તો કેવું સારું? તો તો તારાં આંસુ જોડે મૈત્રી થઈ જાય ને કદિક તને ફોસલાવીને બહાર પણ ટપકી જઈ શકાય. તું મને કે આંસુને ક્યારેય રોકી શકી છે?