The Myth of Sisyphus
વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ
The Myth of Sisyphus
Albert Camus
સિસિફસનું મિથક
આલ્બેર કામૂ
જીવનની અર્થહીનતાને જીવવા લાયક સાબિત કરતી એક શાનદાર અસ્તિત્વવાદી કૃતિ
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: રાજ ગોસ્વામી
લેખક વિશે સંક્ષિપ્તમાં:
આલ્બેર કામૂ એક ફ્રેન્ચ ફિલસૂફ, નવલકથાકાર અને પત્રકાર હતાં. તેમનું લેખન અસ્તિત્વવાદી વિષયોની આસપાસ કેન્દ્રિત હતું. તેઓ કદાચ તેમના સાહિત્ય સર્જન માટે સૌથી પ્રસિદ્ધ છે, ખાસ કરીને તેમની કૃતિઓ ધ સ્ટ્રેન્જર, ધ પ્લેગ અને ધ ફોલ વિશ્વ પ્રસિદ્ધ છે. 1957માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પુસ્તક વિશે:
પશ્ચિમની આધુનિક તત્ત્વજ્ઞાનાત્મક પરંપરામાં, અસ્તિત્વવાદ અને નિરર્થકતા (એબ્સર્ડિઝમ) નામની બે ધારણાઓ છે. અસ્તિત્વવાદ કહે છે કે આપણું અસ્તિત્વ નિરર્થક છે, પરંતુ જીવન જીવવા માટે આપણે જે વિકલ્પોની પસંદગી કરીએ છીએ, તેનાથી જીવનને અર્થપૂર્ણ બનાવાનું શક્ય છે. એબ્સર્ડિઝમ કહે છે કે આપણે અર્થ શોધવાની જરૂર જ નથી, આપણે જીવનની નિરર્થકતા સામનો કરવો જોઈએ અને તેની સામે વિદ્રોહ કરવો જોઈએ. એ બંને ધારણાઓને કેન્દ્રમાં રાખીને, 1942માં પ્રકાશિત, ધ મિથ ઓફ સિસિફસ આલ્બેર કામૂની એક પ્રભાવશાળી કૃતિ છે. તેના કેન્દ્રમાં એક અસ્તિત્વવાદી પ્રશ્ન છે: નૈતિક અર્થના અભાવવાળી આ દુનિયામાં જીવતા રહેવાનો શો અર્થ છે અને એ નિરર્થકતામાં આત્મહત્યા એકમાત્ર ઉચિત પ્રતિક્રિયા નથી? આ પ્રશ્નની છણાવટ કરીને કામૂ છેવટે નિષ્કર્ષ આપે છે કે અસ્તિત્વની અર્થહીનતાનો ઉપાય આત્મહત્યામાં નથી. બલ્કે, એ અર્થહીનતાની અવસ્થા જ માણસને સ્વતંત્ર રીતે, ઉત્કટતાથી અને ખુશીથી જીવવા માટે પ્રેરે છે, કારણ કે નિરર્થક જીવનને અર્થપૂર્ણ બનાવવું એ જ તેનું અંતિમ ધ્યેય છે.
પુસ્તક પ્રવેશ:
આ પુસ્તક એ લોકો માટે છે જે લૌકિક જીવનને વધુ ઉત્કટતા અને સ્વતંત્રતા સાથે જીવવા ઈચ્છે છે.
ધ મિથ ઓફ સિસિફસમાં, કામૂ એ મુદ્દાને સ્પર્શે છે, જેને તે તેના સમયની બૌદ્ધિક વ્યાધિ ગણે છે: અર્થાત, ધર્મનિરપેક્ષ સમાજોમાં, મોટા ભાગના લોકો નિરર્થકતાની એક ઊંડી લાગણીથી પરેશાન છે.
તેમાંથી એક પ્રશ્ન ઉભો થાય છે કે માણસે નિરર્થકતાની આ લાગણી બાબતે શું કરવું જોઈએ. તેની સાથે જીવવાની ટેવ પાડવી જોઈએ, કે પછી માણસે ધાર્મિક આસ્થા તરફ પાછા વળવું જોઈએ? શું આપણે એક નિરર્થક દુનિયામાં ઉત્તમ જીવન જીવી શકવા સક્ષમ છીએ, કે પછી વહેલી તકે જીવનને ત્યજી દેવું જોઈએ?
આ પુસ્તકમાં, એ સમજવા મળે છે કે આવતા જન્મની આશા રાખ્યા વગર પણ એક ઉત્તમ જીવન જીવવું સંભવ છે એટલું જ નહીં, પરંતુ એ નિરર્થકતા પોતે જ આ પૃથ્વી પર એક સમૃદ્ધ અને વધુ ઉત્કટ જીવન જીવવા માટેનો અવસર પૂરો પાડે છે.
એક સૂચન: કામૂનાં લખાણમાં વારંવાર આત્મહત્યાના વિચારનો ઉલ્લેખ આવે છે. તે વાંચતી વખતે તમે તમારી સકારાત્મક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરજો. આ પુસ્તકમાં તમને ત્રણ બાબતોની સ્પષ્ટતા મળશે:
• કામૂ માટે કેમ જીવનમાં આશાવાદી હોવું અને આત્મહત્યા કરવી એ બંને તાત્વિક રીતે સમાન પ્રતિભાવ છે.
• પુસ્તકમાં, કુખ્યાત ભોગવાદી માણસ, ડોન જુઆન, આપણે કેવી રીતે જીવવું જોઈએ તે શીખવે છે અને
• કેવી રીતે માનવીય જીવનની દુર્દશા તાત્વિક રીતે દેવતાઓ તરફથી મળેલી સૌથી કઠોર સજા છે
મુખ્ય મુદ્દાઓ:
૧. જીવન નિરર્થક છે તેવી ભાવના જીવનના અમુક અનિવાર્ય અનુભવોનું પરિણામ છે.
જો તમે કોઈને પૂછો કે “તમે શા માટે જીવો છો?” તો તમને જુદા-જુદા જવાબો મળશે. અમુક લોકો કૌટુંબિક જવાબદારીને આગળ ધરશે. બીજા લોકોને જીવનમાંથી શું મળે છે તે જાણવાની ઉત્સુકતા હશે અને અમુક એવા પણ હશે જેમણે ક્યારેય આવો પ્રશ્ન વિચાર્યો નહીં હોય અને તમારી સામે આંખો ફાડીને જોયા કરશે. કામૂનો તર્ક એવો છે કે મોટાભાગના લોકો એવી ભાવનાથી જીવન જીવતા હોય છે કે તે જે કરી રહ્યા છે તે તેમના જીવનનું સૌથી મહત્વનું કામ છે. તે વખતે આપણામાં મહત્વાકાંક્ષાઓનો જોશ હોય છે. આપણને એવું વિચારીએ છીએ આપણે પ્રગતિ કરી રહ્યાં છીએ અને આપણી પ્રવૃતિઓ પાછળ ઉત્તમ હેતુઓ છે.
પરંતુ વ્યક્તિના જીવનમાં એક એવો સમય પણ આવે છે જ્યારે આ આશાવાદ બાબતે તેનામાં અમુક શંકા-કુશંકાઓ પેદા થવા લાગે છે. વિશેષ કરીને બે અનુભવો એવા હોય છે, જે જીવનની સાર્થકતા અંગે આપણામાં સંદેહ ઊભો કરે છે: એક, ઘાંચીના બળદની જેમ ચાલતી દૈનિક જીવનની ઘટમાળ, અને બે, આપણી નશ્વરતાનો નક્કર બનતો જતો અહેસાસ.
અહીં સમજવા જેવું આ છે: જીવન નિરર્થક છે તેવી ભાવના જીવનના અમુક અનિવાર્ય અનુભવોનું પરિણામ છે.
રોજની નવથી પાંચ વાગ્યાની ઘટમાળમાં વ્યસ્ત રહીને ખાવું-પીવું, કામ કરવું અને ઊંઘવું એ આપણું એક એવું રૂટિન બની જાય છે કે જીવનમાં એક તબક્કે તે બોરિંગ બની જાય છે. આપણે જાણે મશીનની જેમ તેને રાખીએ છીએ. એ બોરિંગ ઘટમાળ આપણા ઉત્સાહને શોષી લે છે. એક સમયે જે કામ મને આનંદ આપતું હતું, તે હવે મારા માટે વેઠ બની ગયું છે. દિવસભરની દોડધામના અંતે તન-મનથી થાકી-હારીને હું જાતને પૂછું છું કે આ બધું હું શેના માટે કરી રહ્યો છું?
બાકી હોય તેમ, આપણે જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ મૃત્યુની અનિવાર્યતા પડછાયો બનીને આપણી પર ઝળુંબે છે. એ આપણને લગાતાર યાદ આપાવે છે કે આપણે જીવનમાં જે પણ કરીએ છીએ તેનો લાંબા ગાળે કોઈ અર્થ રહેવાનો નથી.
આ બે અપ્રિય અનુભવોને જોતાં, એક વ્યક્તિને તેના જીવનનો સંઘર્ષ અને કષ્ટ નિરર્થક લાગે તેમાં આશ્ચર્ય નથી.
અંતત: જીવનનું કોઈ મૂલ્ય કે અર્થ નથી એવી આ લાગણીને જ કામૂએ એબ્સર્ડ કહી છે.
પ્રસ્તુત ચર્ચામાં એબ્સર્ડની આ ભાવના નિર્ણાયક છે કારણ કે તેનો સીધો સંબંધ આત્મહત્યાના મુદ્દા સાથે છે.
ઘણી વખત એવું માનવામાં આવે છે કે જો જીવનનો કોઈ અર્થ ન હોય, તો પછી તેને જીવવું જરૂરી નથી.
જો આ સાચું છે, તો પછી જે લોકો તેમના જીવન વિશે આવી રીતે વિચારતા હોય તેમના માટે એક દુવિધા ઉભી થાય છે. શું તેમણે તેમના વિચારો અને લાગણીઓને કનડતા આ કષ્ટદાયક સત્યને નજરઅંદાજ કરીને ‘કશું બન્યું નથી’ એમ માનીને જીવતા રહેવું જોઈએ, કે પછી જીવનનો અંત આણી દેવો જોઈએ?
પુસ્તકનાં આ પ્રકરણોમાં એ સમસ્યાની ઊંડી ચર્ચા કરવામાં આવી છે કે શું નિરર્થકતાનો અર્થ અયોગ્યતા થાય છે, કે પછી નિરર્થક દુનિયામાં પણ ઉત્તમ જીવન જીવવું સંભવ છે?
૨. દુનિયાને સમજવાની માણસની ઝંખના અને તેનો વિરોધ કરતી દુનિયા વચ્ચેના ટકરાવમાંથી એબ્સર્ડનો જન્મ થાય છે.
અત્યાર સુધી, આપણે મૂલ્યની ભાવનાના દ્રષ્ટિકોણથી એબ્સર્ડ અનુભવની છણાવટ કરી. કામની કંટાળાજનક ઘટમાળ અને મૃત્યુના કષ્ટદાયક અહેસાસ વચ્ચે, આપણે આપણાં કામકાજના મૂલ્યનું બાષ્પીભવન થતું જોઈએ છીએ. જોકે તે સિવાય એક ત્રીજો પણ એબ્સર્ડ અનુભવ છે, જેનો સંબંધ મૂલ્ય સાથે ઓછો અને દુનિયા વિશે એક શાશ્વત સમજણ કેળવવાની અશક્યતા સાથે વધુ છે.
અહીં સમજવા જેવું આ છે: દુનિયાને સમજવાની માણસની ઝંખના અને તેનો વિરોધ કરતી દુનિયા વચ્ચેના ટકરાવમાંથી એબ્સર્ડનો જન્મ થાય છે.
આ પ્રકારના એબ્સર્ડ બૌદ્ધિક અનુભવો ક્ષણિક અને અતાર્કિક હોય છે. ઉદાહરણ તરીકે, આપણને ઘણીવાર અરીસામાં ખુદને નહીં ઓળખવાનો ક્ષણિક એબ્સર્ડ અનુભવ થાય છે. અથવા,
ક્યારેક એક સેંકડ માટે આપણને આપણું કોઈ ઘનિષ્ઠ પ્રિયજન એકદમ અપરિચિત નજર આવે.
આ અનુભવોમાં એક વાત સમાન છે. આપણી નજર સામે જે વસ્તુઓ છે, તે થોડા સમય માટે તેમનો એ અર્થ ગુમાવી દે છે, જે આપણે સામાન્ય રીતે તેમાં જોતા હોઈએ છીએ. તેનાથી વિપરીત, આપણે તે ક્ષણમાં તેને તેની નગ્ન ભૌતિકતામાં શુદ્ધ વસ્તુઓ તરીકે જોઈએ છીએ.
આવા અનુભવો એ વાતની પુષ્ટિ કરે છે કે ભૌતિક બ્રહ્માંડ ખુદમાં અર્થહીન છે. તેના બદલે, મનુષ્યનું મન વિશ્વ પર અર્થ અને વ્યવસ્થા થોપે છે, જેથી આપણે તેના વિશે એક સમજ કેળવી શકીએ. દાખલા તરીકે, એક વ્યક્તિને “મિત્ર,” બીજાને “પ્રેમી” અને કશાકને “જૂતાં” એવાં નામ આપીએ છીએ. આવાં લેબલો આપવાથી આપણી આજુબાજુની દુનિયા સાથે દૈનિકધોરણે સુચારુરૂપે પનારો પાડવામાં આપણને સરળતા રહે છે.
સમસ્યા એ છે કે આપણે આપણી મર્યાદિત ક્ષમતાથી તેને જેટલું સમજીએ છીએ તેના કરતાં વિશ્વ અનંત રૂપે ઘણું વૈવિધ્યસભર અને જટિલ છે. આપણે લગાતાર એ સંકુચિત લેબલો અંગે પુનઃ વિચાર કરવો પડે છે. કારણ કે તેમાં નવી ચીજવસ્તુઓનો ભરાવો થતો રહે છે. “મિત્રો” કાયમ મિત્રો નથી રહેતા, “પ્રેમી” અજાણ્યા બની જાય છે, “જૂતાં” ઘસાઈ-ફાટીને કચરો બની જાય છે.
એમાં જયારે બ્રહ્માંડ શા માટે અસ્તિત્વમાં છે એવા મોટા પ્રશ્નોની વાત આવે છે, ત્યારે તેને સમજવાના આપણાં પ્રયાસો વ્યર્થ સાબિત થાય છે. કામૂ વિશ્વને સમજવાનો પ્રયાસ કરતી એક વ્યક્તિની તુલના એવા તલવારબાજ સાથે કરે છે, જે બંદૂકધારીઓની એક પલટનને પરાજિત કરવા પ્રયાસ કરી રહ્યો. સંખ્યાની દ્રષ્ટિએ બંને પક્ષ અસમાન છે અને તલવારબાજની સામે જે સંકટ છે તેનો સામનો કરવા માટે તે અસમર્થ છે.
આમ, કામૂ એબ્સર્ડિટીની વ્યાખ્યા એક તરફ અર્થની ખોજ કરતા માણસ અને બીજી તરફ તેની સમજને સતત ખોટી પાડતા વિશ્વ વચ્ચેના ટકરાવ તરીકે કરે છે.
એટલે, જે વ્યક્તિ આ પ્રકારની બૌદ્ધિક સમજમાં વિશ્વને નિરર્થક મહેસુસ કરતી હોય, તેને વિશ્વ કાયમ માટે સમજાઈ ગયું હોવાનો દાવો કરતી કોઈપણ થિયરી નકલી લાગે. સંભાવના તો એવી છે કે અસ્તિવનો શો અર્થ છે તેનો કોઈ સંતોષજનક જવાબ આપણને ક્યારેય નહીં મળે.
તો શું કરવાનું?
૩. આપણી આવી એબ્સર્ડ પરિસ્થિતિમાં આસ્થાનો આશરો લેવો એ બેઈમાની છે.
આપણો એબ્સર્ડ અનુભવ મૂળભૂત રીતે કષ્ટદાયક છે. તેનો અર્થ એ થયો કે જીવનના હેતુ અને તેની સમજણની ખોજ કરવાની આપણી ધીકતી ઝંખના સંપૂર્ણપણે ક્યારેય પૂરી નહીં થાય.
અમુક લોકો માટે, આ હકીકતનું ભાન હોવું અસહ્ય હોય છે. એટલે, તેઓ એ વિકટતામાંથી બચવાનો રસ્તો શોધે છે. તેનો એક વિશેષ ઉપાય આસ્થાના માધ્યમથી ધર્મ અને ફિલસૂફીના સિદ્ધાંતોમાં શરણ લેવાનો છે.
એક રીતે, સિદ્ધાંતમાં આસ્થા કેળવવાથી સમસ્યાનું સમાધાન મળી જાય છે કારણ કે તેમાં લોકોને જીવનની સાર્થકતા મળે છે અને જીવન જીવવા માટેની અગાઉથી નક્કી થયેલી એક રૂપરેખા પણ પ્રાપ્ત થાય છે. કામૂને નિરર્થકતાના આ “સમાધાન” સાથે સમસ્યા છે. તેની દ્રષ્ટિએ, આ સમાધાન ત્રાસમાંથી આવ્યું છે, તર્કમાંથી નહીં.
અહીં સમજવા જેવું આ છે: આપણી આવી એબ્સર્ડ પરિસ્થિતિમાં આસ્થાનો આશરો લેવો એ બેઈમાની છે.
અહીં કામૂનો ઉદ્દેશ્ય ધર્મો અથવા ફિલસૂફીઓને ખોટા પાડવાનો નથી. તે એટલું જ કહે છે કે ધાર્મિક અને ફિલોસોફિકલ પ્રણાલીઓ બંને અંતત: એ ધારણાઓ પર નિર્ભર છે જે જીવિત માનવ અનુભવથી પર છે અને એટલે કોઈપણ વ્યક્તિ માટે નિશ્ચિતરૂપે તેને જાણવી અસંભવ છે.
એક માત્ર ચીજ જેના વિશે આપણે નિશ્ચિંત થઈ શકીએ છીએ તે છે આપણાં પ્રત્યક્ષ સંવેદનાત્મક અનુભવ અને તેની અંદર સમાવિષ્ટ તત્ત્વો. તેથી, એવો કોઇપણ દાવો કરવાનો પ્રયાસ અનુચિત છે જે આપણા અનુભવથી પર હોય.
અલબત્ત, નિશ્ચિતતા પ્રત્યે આવો સખત લગાવ રાખવાની ઉપયોગીતા પર પ્રશ્ન ઉભો થઈ શકે. જો કોઈ વ્યક્તિ ધાર્મિક આસ્થા સાથે વધુ આરામદાયક અને આનંદદાયક જીવન જીવતી હોય, તો શું તે ઔચિત્ય પૂરતું નથી?
ખેર, કામૂ માટે સમસ્યા એ નથી કે અંધ વિશ્વાસ એ સત્ય સાથે વિશ્વાસઘાત છે. સત્ય આમ પણ હંમેશા અનિશ્ચિત હોય છે. સમસ્યા એ છે કે આસ્થાનું તરણું ઝાલવું એ પોતાની જાત સાથે દગો છે. લોકો જયારે જીવનની નિરર્થકતાથી બચવા માટે આસ્થાના શરણે જાય છે, ત્યારે તેઓ ઊંડેથી બેઈમાની કરી રહ્યાં હોય છે. તેઓ એક અર્થમાં પોતાની જાત સાથે જૂઠું બોલે છે. તેઓ ખરેખર દિલથી જે માને છે તે મુજબ જીવી રહ્યાં નથી.
કામૂ કહે છે કે અસ્તિત્વનો કોઈક હેતુ છે એવો ભ્રમ પાળવાથી તેની નિરર્થકતાને દૂર ન કરી શકાય. નિરર્થકતાનો એકરાર કરવો અને તેને અપનાવી એ જ એક સાચી પ્રતિક્રિયા છે. વ્યવહારમાં, આના ત્રણ અર્થ થાય: સારા ભવિષ્ય માટે આશાનો સંપૂર્ણ અભાવ, જીવનનો અર્થ હોવાનો દાવો કરતા કોઈપણ સિદ્ધાંતનો સતત અસ્વીકાર અને સભાન અસંતોષ, જે ક્યારેય જતો નથી.
ભલે આ એક નીરસ જીવન માટેનો નુસખો લાગતો હોય, નિરર્થકતા કોઈ વ્યક્તિને સમૃદ્ધ અને સંતોષી જીવન જીવવાથી રોકતી નથી. કામૂનો તર્ક છે કે નિરર્થકતા સામે વિદ્રોહ કરવાનો એકમાત્ર રસ્તો તેને અપનાવીને જીવનને ભરપૂર રીતે જીવવાનો છે.
૪. એબ્સર્ડિટી એ ગહન સ્વતંત્રતા માટેની અવસ્થા છે.
આપણે હમણાં એ જોયું કે એબ્સર્ડથી બચવા માટે ધાર્મિક આસ્થાનું શરણું લેવું એ જાત સાથે કેમ બેઈમાની છે.
જોકે, કોઈપણ વ્યક્તિ તેની પ્રમાણિકતાના મૂલ્ય પર સવાલ કરી શકે. જો કોઈ વ્યક્તિ ભગવાનમાં અને પુનર્જન્મમાં આસ્થા રાખીને સુખેથી જીવતી હોય, તો પછી તે અપ્રમાણિક હોય તોય શું ફરક પડે છે?
ખેર, વ્યવહારીક રીતે કહીએ તો, એબ્સર્ડ સાથે પ્રમાણિકતાથી જીવવાના લાભ છે. બાકીનાં બે પ્રકરણોમાં, આપણે પ્રમાણિક રીતે જીવવાના બે પ્રમુખ ગુણોની ચર્ચા કરીશું: સ્વતંત્રતા અને ઉત્કટતા.
અહીં સમજવા જેવું આ છે: એબ્સર્ડિટી એ ગહન સ્વતંત્રતા માટેની અવસ્થા છે.
ધાર્મિક સિદ્ધાંતો આપણાં જીવનને અર્થ બક્ષીને કદાચ એબ્સર્ડના કષ્ટને સહ્ય બનાવે તે શક્ય છે, પણ તે આપણને વાસ્તવિકતાની તેમની ધારણાઓ સુધી સીમિત પણ કરી દે છે. આપણે કોણ છીએ અને આપણે કેવી રીતે જીવવું જોઈએ તેની પૂર્વ-નિર્ધારિત વાર્તા આપીને ધાર્મિક આસ્થાઓ વ્યક્તિને એકવિધ અને ટેવવશ જીવવામાં સીમિત કરી દે છે.
તેના બદલે, આપણે જયારે જીવન પર અર્થ અને વ્યવસ્થા થોપવાના તમામ પ્રયાસોને ફગાવી દઈએ છીએ, ત્યારે આપણે અમુક રીતે જ જીવવાના બંધનને પણ ફગાવી દઈએ છીએ. ભગવાન હોય, નસીબ હોય કે નૈતિકતા હોય, આપણાં જીવનનું નિયંત્રણ કરવાના કોઈ ઉચ્ચ શક્તિના અધિકારને આપણે જયારે નકારીએ છીએ, ત્યારે કેવી રીતે જીવવું એ માત્ર આપણી જાતે જ નક્કી કરવાનું હોય છે.
આ તર્કને તેના જીવલેણ નિષ્કર્ષ પર લઈ જનારનું ઉદાહરણ શોધવા માટે કામૂ એક કલ્પિત કથા તરફ વળે છે. રશિયન લેખક દોસ્તોયેવસ્કીની નવલકથા The Possessedમાં, કિરિલોવ નામનું એક પાત્ર છે, જે ‘તાર્કિક આત્મહત્યા’ કરે છે.
કિરિલોવ એવો તર્ક કરે છે કે જીવનના અર્થ માટે ભગવાનનું હોવું જરૂરી છે, પરંતુ તેને ભગવાનના હોવામાં વિશ્વાસ નથી, એટલે તે માને છે કે જીવનનો અર્થ નથી. તેના પરથી તે નિષ્કર્ષ કાઢે છે કે તો પછી તેણે જીવવું ના જોઈએ- અને તે ખુદને મારી નાખે છે. તે એવો પણ, કંઈક અંશે એબ્સર્ડ તર્ક કરે છે કે, આત્મહત્યા કર્યા પછી તે ભગવાન બની જશે, કારણ કે તેની આત્મહત્યાથી એ પુરવાર થશે કે તેના પોતાના જીવન પર તેની અબાધિત સ્વતંત્રતા અને પ્રભુત્વ છે.
કામૂ કિરિલોવના તર્ક સાથે સંમત થાય છે, પણ ધ્યાન દોરે છે કે મુક્તિ માટે વાસ્તવમાં આત્મહત્યા કરવાની જરૂર નથી. એબ્સર્ડ પ્રત્યે જાગૃત થવું પર્યાપ્ત છે.
આમ, આપણને અહીં આત્મહત્યાને લગતા પ્રશ્નનો જવાબ મળે છે. કામૂની દ્રષ્ટિએ, જીવનની નિરર્થકતાને લઈને આત્મહત્યા કરવી એ ઉચિત પગલું નથી, કારણ કે આત્મહત્યામાં આપણી એ જ સ્વતંત્રતાનો ભોગ લેવાય છે, જે નિરર્થકતામાંથી મળી છે. એ અર્થમાં, આશાવાદી આસ્થાની જેમ નિરાશાવાદી આત્મહત્યા પણ નકલી જ છે. આ વાત ભલે વિપરીત લાગે, તેમાં સામ્ય એ છે કે બંનેમાં એ સ્વતંત્રતતાનો છેદ ઉડી જાય છે જે એબ્સર્ડમાંથી આવે છે.
૫. મરણોત્તર જીવનમાં આશાનો અભાવ આ જીવનને વધુ ઉત્કટતા (passion) તરફ દોરી જાય છે.
જેવી રીતે સ્વતંત્રતા એ એબ્સર્ડ જીવનનું તાર્કિક પરિણામ છે, તેવું જ ઉત્કટતાનું પણ છે.
અહીં ઉત્કટનો અર્થ વર્તમાન ક્ષણથી સંપૂર્ણપણે સભાન થવું અને આપણી દુનિયા જેવી પણ હોય તેની સાથે પ્રત્યક્ષ સંબંધ કેળવવો તે.
આવું એબ્સર્ડ વલણ આપણને બીજા જન્મમાં વધુ સારા ભવિષ્યના ભ્રામક દ્રષ્ટિકોણોથી મુક્ત કરીને વર્તમાન ક્ષણની વધુ કદર કરવા સક્ષમ બનાવે છે.
અહીં સમજવા જેવું આ છે: મરણોત્તર જીવનમાં આશાનો અભાવ આ જીવનને વધુ ઉત્કટતા તરફ દોરી જાય છે.
મરણોત્તર જીવન શાશ્વત હશે અને અધિક સુખદ હશે તેવી કલ્પના વર્તમાન જીવનનું મહત્ત્વ ઓછું કરી નાખે છે. આ ભ્રમણા આપણને આપણી પાસે જે જીવન છે તેની કદર કરતાં અને તેનો વધુ સારો ઉપયોગ કરતાં અટકાવે છે.
તેનાથી વિપરીત, આપણે જયારે મરણોત્તર જીવનની આશા છોડી દઈએ છીએ, ત્યારે આપણી સામે માત્ર અહીં પૃથ્વી પરનું સીમિત જીવન જ બાકી રહે છે- તેથી આપણે તેનો પૂરેપૂરો ફાયદો - લાભ લેવો જોઈએ.
એ સાચું કે આપણું આ જીવન નશ્વર છે તેવી સભાનતા કષ્ટદાયક હોય છે, પરંતુ તેનાથી આપણામાં એક ઉતાવળ પણ પેદા થાય છે કે મરતાં પહેલાં હું તેનો ભરપૂર રીતે આનંદ લઈ લઉં.
કામૂ જેને ગુણવત્તામાંથી માત્રા તરફ જવાનું કહે છે તે આ સુખવાદની ધારણાને મજબૂત કરે છે.
એબ્સર્ડનો એક તાર્કિક નિષ્કર્ષ એ છે કે કોઈ એક અનુભવ બીજા કોઈ અનુભવ કરતાં સ્વત: વધુ મૂલ્યવાન નથી હોતો. વસ્તુલક્ષી મૂલ્યો જેવું કશું હોય છે કે નહીં તે જાણવાનું જો સંભવ ન હોય, તો પછી એવું પણ નિર્ણાયક રીતે કહી ન શકાય કે એક અનુભવ બીજા અનુભવ કરતાં ચડિયાતો છે. આમ એબ્સર્ડ તમામ અનુભવો વચ્ચે પૂરી સમાનતા પેદા કરે છે.
આનાથી એક અજીબ પ્રકારની નૈતિકતા પેદા થાય છે. જીવવાની શ્રેષ્ઠ રીત કઈ છે તે જાણવાનું શક્ય નથી, એટલે મરતાં પહેલાં આપણે શક્ય એટલા અનુભવો કરી લઈએ તે જ સારું છે.
અનુભવની ગુણવત્તા નહીં, તેની માત્રા અગત્યની છે તેવી નૈતિકતા પ્રમાણે જીવનારાના ઉદાહરણ તરીકે કુખ્યાત ડોન જુઆનનું નામ આપવામાં આવે છે. આ એક આવું પાત્ર છે, જેને આદર્શ પ્રેમ મેળવવામાં કોઈ રુચિ નથી. તેના બદલે, તેને માત્ર મૃત્યુ પહેલાં શક્ય હોય તેટલા ટૂંકા ગાળાના પણ કામુક સંબંધોની મજા લેવામાં જ રસ છે. તે તેની જિંદગીને
કામવાસનામાં સમર્પિત કરી દે છે અને ક્ષણમાં જ જીવે છે.
અહીં એ નોંધવું અગત્યનું છે કે કામૂ ડોન જુઆનને અનુકરણ કરવા માટેના એક આદર્શ તરીકે રજૂ નથી કરતો, પરંતુ એક વ્યક્તિ ધારે તો કેવી રીતે ઉત્કટતાથી ભૌતિક સુખ મેળવી શકે છે તેના દાખલા રૂપે તેની વાત કરે છે. જીવનમાં આપણે કેવા પ્રકારના અનુભવો મેળવવા છે એ તો છેવટે આપણી ઉપર છે.
૬. સિસિફસની પીડા માનવજાતિ માટે એક પ્રતિકના રૂપમાં કામ કરે છે
ગ્રીક પૌરાણિક કથાઓમાં, સિસિફસ કોરિન્થ શહેરનો એક પ્રખ્યાત રાજા હતો. તેની બુદ્ધિમત્તા અને ધૂર્તતાથી તેણે દેવતાઓને ક્રોધિત કર્યાં હતાં.
તેણે દેવતાઓને કેવી રીતે નારાજ કર્યાં હતાં તેની અલગ-અલગ વાર્તાઓ છે. એક વાર્તા પ્રમાણે, એવું કહેવામાં આવે છે કે તેણે મૃત્યુને સાંકળોમાં જકડી દીધું હતું, જેનાથી પૃથ્વી પર અસ્થાયી રૂપે મૃત્યુનો અંત આવ્યો હતો અને દેવતાઓને તેમાં હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.
જો કે, સિસિફસ તેનાં દુષ્કૃત્યો માટે પ્રેતલોકમાં મળેલી સજા માટે વધુ પ્રસિદ્ધ છે. તેને એક ખડકને ધક્કો મારીને પર્વતની ટોચ પર લઈ જવાની સજા ફરમાવામાં આવી હતી. ખડક પાછો ગબડી પડે એટલે તેણે ફરીથી ધક્કો મારવાનો.
અહીં સમજવા જેવું આ છે: સિસિફસની પીડા માનવજાતિ માટે એક પ્રતિકના રૂપમાં કામ કરે છે.
દેવતાઓ એવું માનતા હતાં કે તેમણે સિસિફસને શક્ય હોય તેટલી બદતર સજા કરી છે. સજાનું સૌથી મોટું કષ્ટ તેનો શારીરિક પરિશ્રમ નહોતો, પણ સિસિફસની એ સભાનતા હતી કે તે જે કરી રહ્યો છે તે તદ્દન વ્યર્થ અને નિરાધાર છે. તે ક્યાં સુધી ખડકને ધક્કા મારતો રહેશે?
સિસિફસની આ સભાનતા જ તેને એબ્સર્ડનો હીરો બનાવે છે, કારણ કે તે તેના નિરાશાજનક ભવિષ્યથી સંપૂર્ણપણે વાકેફ છે, અને તેમ છતાં તે તેનું શ્રમજીવન ચાલુ રાખે છે. અલબત્ત, સિસિફસની સજામાં, કામૂને સમગ્ર માનવજાતની નિયતિ દેખાય છે. આપણે નવથી પાંચ વાગ્યાની ઘટમાળમાં કામ કરતા હોઈએ કે નહીં, આપણે સૌ રોજે રોજ એકનાં એક કામ અને સંઘર્ષમાં એવી રીતે રચ્યાપચ્યા રહીએ છીએ, જે એક વ્યાપક અર્થમાં પર્વત પર ખડક ચડાવવા જેટલું જ એબ્સર્ડ અને વ્યર્થ છે.
આમ તો આ અવસ્થા નિરાશાજનક લાગે તેવી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે ઉદાસ થઈ જવાનું છે, કારણ કે ખુદ સિસિફસનો શાશ્વત પરિશ્રમ પણ સાવ દુઃખદ નથી. મજાની વાત એ છે કે તેની નિરાશાજનક અવસ્થામાં નાસીપાસ થવાના બદલે સિસિફસ તેમાંથી આઝાદ થઈ જાય છે. કામૂ કહે છે કે ભવિષ્ય ત્યારે જ અસહ્ય નજર આવે, જયારે આપણામાં ઉત્તમ ભવિષ્યની આશા હોય. સિસિફસ તો આવા ભ્રમથી મુક્ત છે. તેને ખબર છે કે વર્તમાનમાં તેનું જેવું પણ જીવન છે, તેનાથી કશું વધુ ભવિષ્યમાં હોવાનું નથી. એટલે તેના દિલો-દિમાગમાં ઉત્તમ ભવિષ્યની કોઈ સરખામણી નથી. તે પોતાની અવસ્થાને સ્વીકારી લે છે અને એ સ્વીકારમાં જ તેની મુક્તિ છે.
કામૂ કલ્પના કરે છે કે નીચે ગબડી પડેલા ખડકને પાછો ઉપર લાવવા માટે સિસિફસ જયારે પર્વત પરથી નીચે ઉતરતો હોય છે, ત્યારે તેને એક અજીબ સંતોષનો અહેસાસ થાય છે. એક વ્યર્થ પરિશ્રમ છતાં, ખડક સાથે તેને લગાવ થઈ ગયો છે. આપણને એનું જરાય આશ્ચર્ય ન થવું જોઈએ કે જે સિસિફસ તેની અવસ્થાથી ખેદ અનુભવે છે, તે જ સિસિફસ ક્યારેક પ્રસન્નતા પણ અનુભવે છે.
સિસિફસની જેમ, આપણે પણ સંઘર્ષમાં આનંદ અને સંતોષ મેળવી શકીએ છીએ.
સમકાલીન સંદર્ભમાં આ વાત સમજવી હોય તો, 2000માં, હોલિવૂડની એક ફિલ્મ ‘કાસ્ટ અવે’માં તેનો હીરો ચાર્લ્સ નોલાન્ડ (ટોમ હન્ક્સ), એક નિર્જન ટાપૂ પર ફસાઈ જાય છે. ત્યાં તેની કંટાળાજનક અને અધકારમય જિંદગીમાં તે તેના સમાનમાંથી એક વોલીબોલ સાથે ‘દોસ્તી’ કરે છે અને તેને વિલ્સન નામ આપીને તેની સાથે રોજ સંવાદ કરે છે. એ રીતે તે તેના કષ્ટમય દિવસોને સહ્ય બનાવે છે.
અંતિમ સારાંશ
કામૂના મત અનુસાર, વિશ્વની જટિલતા આપણી સમજશક્તિ કરતાં હંમેશાં વધારે રહેવાની. વધારામાં, ફક્ત આપણી આસપાસના વિશ્વનું નિરીક્ષણ કરીને આપણે જીવનનો છેવટનો અર્થ ક્યારેય શોધી શકીશું નહીં. તેનો અર્થ એ થયો કે આપણી પાસે ત્રણ વિકલ્પો છે: આપણા જીવનને અર્થ બક્ષવા માટે નિરાધાર સિદ્ધાંતોમાં આસ્થા કેળવીએ; આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી દઈએ; અથવા બહાદૂર બનીને અસ્તિત્વની વ્યર્થતાને તે જેવી છે તેવી જ સ્વીકારી લઈને. કામૂ માને છે કે ત્રીજો વિકલ્પ સૌથી વધુ પ્રમાણિક છે, પણ તેનો અર્થ એ નહીં કે આપણે કષ્ટમય અને દુઃખી જીવન જીવતા રહેવું જોઈએ. આપણી મુંઝવણ અને કષ્ટનું મૂળ જીવનના એબ્સર્ડ અનુભવોમાં છે તે સાચું, પરંતુ આ પૃથ્વી પર એક મુક્ત અને ઉત્કટતાથી ભરપૂર જીવન જીવવા માટેની તે ઉચિત અવસ્થા પણ છે.
વ્યવહારિક બોધપાઠ: જીવનમાં કોઈને કોઈ પ્રકારના સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેવું.
કામૂ માટે, સર્જનાત્મક કાર્ય સૌથી શુદ્ધ પ્રકારનું જુનૂન અને જીવન જીવવા માટેનું આવશ્યક અંગ છે. સર્જનાત્મક વૃત્તિ સર્જકને ઊંડાણથી વિચારવા અને તેને ઉપલબ્ધ ચીજો સાથે ઉત્કટતાથી લગાવ કેળવવા માટે ફરજ પાડે છે. સર્જનાત્મકતા માણસના જીવનને એવાં અજાણ્યાં પાત્રો, સુદૂરની દુનિયા અને રસપ્રદ વિષયોથી તરબોળ કરીને સમૃદ્ધ કરે છે, જેનો સામાન્ય રીતે તેના રોજીંદા જીવનમાં સામનો થતો નથી. એટલે, તમારી કળાનું માધ્યમ લેખિત શબ્દ હોય, નૃત્ય હોય કે પછી નાટક, જાતને એક પ્રવૃત્તિમાં ડૂબાડી દો અને સર્જનાત્મક સ્નાયુઓને હાથ-પગ મારવા દો. "ધ મિથ ઓફ સિસિફસ" આલ્બેર કામૂનો ફિલોસોફિકલ નિબંધ છે. તે 1942માં પ્રકાશિત થયો હતો. તે અસ્તિત્વવાદના વિષય અને માનવ અસ્તિત્વની એબ્સર્ડિટીની ચર્ચા કરે છે. આ નિબંધમાં મુખ્ય ગ્રીક પૌરાણિક પાત્ર સિસિફસ છે. દેવતાઓએ તેને એક ખડકને પર્વત પર ચડાવાની સજા ફરમાવેલી છે. એ ખડક વારંવાર નીચે ગબડી પડે છે અને સિસિફસ અનંતકાળ સુધી તેને ઉપર ચડાવતો રહે છે. કામૂ સિસિફસની આ વાર્તાને મનુષ્યની અવસ્થાના રૂપક તરીકે ઉપયોગ કરે છે. તે એવી દલીલ કરે છે કે જીવન તાત્વિક રીતે નિરર્થક અને એબ્સર્ડ છે, કારણ કે આપણા પ્રયાસો અને ઉદ્યમો અનંત: શૂન્યતામાં પરિણમે છે. એબ્સર્ડિટીની આ અવસ્થામાં, કામૂ એ પ્રશ્નનો જવાબ શોધવા પ્રયાસ કરે છે કે જીવન જીવવા જેવું છે કે નહીં. જીવન મૂળભૂત રીતે નિરર્થક હોવા છતાં, કામૂ સુચન કરે છે કે આપણે વિદ્રોહ કરીને અને સભાનપણે વિકલ્પો પસંદ કરીને જીવનનો હેતુ અને અર્થ શોધી શકીએ છીએ. કામૂ જીવનની એબ્સર્ડિટીના જવાબમાં આત્મહત્યાના વિકલ્પને નકારી કાઢે છે. તેના બદલે, તે એબ્સર્ડને સ્વીકારીને ભરપૂર રીતે જીવન જીવવાની હિમાયત કરે છે. તે સમજાવે છે કે આપણે સિસિફસને તેના અનંત પરિશ્રમ વચ્ચે પણ એક આનંદી, હેતુલક્ષી અને સંતોષી જીવ તરીકે જોવો જોઈએ. જીવનની એબ્સર્ડિટીને સ્વીકારીને અને આપણા ખુદના અર્થનું સર્જન કરીને આપણે નિરર્થકતા સામે વિદ્રોહ કરી શકીએ છીએ અને વર્તમાન ક્ષણમાં પરિપૂર્ણતા મેળવી શકીએ છીએ. "ધ મિથ ઓફ સિસિફસ" વાચકોને જીવનમાં અર્થ અને હેતુના અસ્તિત્વલક્ષી પ્રશ્નોનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે એક વિચારને પ્રોત્સાહન આપે છે કે એબ્સર્ડિટી હોવા છતાં, આપણી વર્તમાન માનવીય અવસ્થામાં આપણાં ખુદનાં મૂલ્યોનું સર્જન કરવાની અને સુખ પ્રાપ્ત કરવાની આપણને સ્વતંત્રતા છે.
‘ધ મિથ ઓફ સિસિફસ’ પુસ્તકમાંથી નોંધપાત્ર અવતરણો:
- “ઊંચાઈઓ તરફનો સંઘર્ષ પોતે જ માણસના હૃદયને રોમાંચિત કરવા પૂરતો છે. આપણે સિસિફસની કલ્પના એક ખુશમિજાજી હીરો તરીકે કરવી જોઈએ.”
- “વાસ્તવમાં આત્મહત્યા જ એક માત્ર ગંભીર ફિલોસોફિકલ સમસ્યા છે.”
- “માનવીય જરૂરિયાત અને દુનિયાના અનુચિત મૌન વચ્ચેના ટકરાવમાંથી એબ્સર્ડનો જન્મ થાય છે.”
- “ બુદ્ધિજીવી એ વ્યક્તિ છે જેનું મન પોતાનું નિરીક્ષણ કરે છે.”
- “એબ્સર્ડ પોતાની સીમાઓને ધ્યાનમાં રાખીને એક સાફ ઔચિત્ય તરીકે સાબિત થાય છે.”
- “સંપૂર્ણ સ્વતંત્રતા ખુદની મજાક કરે છે.”
- “એબ્સર્ડ એક અઘરું ડહાપણ પૂરું પાડે છે; ‘નકામું’ જ કશુંક સર્જવું અને કામ કરવું, માટીનું શિલ્પ બનાવવું, મારા સર્જનનો કોઈ ભવિષ્ય નથી તેની સભાનતા હોવી, એક જ દિવસમાં પોતાના સર્જનને એવી સમજ સાથે નષ્ટ થતું જોવું કે વર્ષોની મહેનતથી કશું બંધાયું હોય તેના કરતાં તેનું મહત્ત્વ વધુ નથી. એબ્સર્ડ સર્જક પાસે એક સાથે આ બે કામો કરવા માટેનો એક જ રસ્તો છે કે એક બાજુ તેને નકારવું અને બીજી તરફ મોટું કરવું.”
- “એબ્સર્ડ માણસ આત્મહત્યા ન કરે; તે પોતાની કોઈ પણ નિશ્ચિતતાને છોડ્યા વગર, ભવિષ્ય વગર, આશા વગર, ભ્રમ વગર અને... સમર્પણ પણ કર્યા વગર જીવવા માંગે છે. તે ઉત્કટતાથી મૃત્યુ તરફ જુવે છે અને તેનો આ મોહ તેને મુક્ત કરે છે. તે સજા પામેલા માણસની 'દૈવી બેજવાબદારી'નો અહેસાસ કરે છે.”
- “અંતત: માણસે તેના જીવનનો શો અર્થ છે એવું ન પુછવું જોઈએ, પણ સમજવું જોઈએ કે એ પ્રશ્ન તેને પૂછવામાં આવે છે. બીજી રીતે કહીએ તો, જીવન દરેક માણસને આ પ્રશ્ન પૂછે છે અને તેણે જીવી બતાવીને તેનો જવાબ આપવાનો હોય છે.”
“આપણી આસપાસ દરેક ચીજવસ્તુઓની એબ્સર્ડિટીનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે, એક જરૂરી અનુભવ છે, પણ ત્યાં અટકી જવાનું નથી. એમાંથી એક એવો વિદ્રોહ પેદા થવો જોઈએ જે ફળદ્રુપ સાબિત થાય.”
- “આ એવાં તથ્યો છે જે હૃદય અનુભવી શકે છે; તેમ છતાં તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે જેથી તે બુદ્ધિમાં સ્પષ્ટ થાય.”
- “ઊંચાઈઓ તરફનો સંઘર્ષ પોતે જ માણસના હૃદયને રોમાંચિત કરવા પૂરતો છે. આપણે સિસિફસની કલ્પના એક ખુશમિજાજી હીરો તરીકે કરવી જોઈએ.”
- “એક બુદ્ધિજીવી વ્યક્તિ, તેના મૃત્યુની ક્ષણે, હંમેશા તેની છેલ્લી અને એક માત્ર નિશ્ચિતતા પર પહોંચે છે- જે તેના જીવનની નિશ્ચિતતા છે.