ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ભગવાનનો ભાગ

From Ekatra Wiki
Revision as of 02:46, 11 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભગવાનનો ભાગ
રમેશ પારેખ

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા
બધા ભાઈબંધો પોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા–
–આ ભાગ ટીકુનો.
–આ ભાગ દીપુનો.
–આ ભાગ ભનિયાનો, કનિયાનો...
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા–
‘આ ભાગ ભગવાનનો!’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઈ જાય–એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?

રબીશ! ભગવાનનો ભાગ?
ભગવાન તે વળી કઈ ચીજ છે?

સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું...
અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ...
મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા – ઉજ્જડ.
એકાદ સૂકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.
વાહ! – કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું?’
‘પચાસનો’ હું બોલ્યો
‘અચ્છા...’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં...
હવે લાવ મારો ભાગ!’
ને મેં બાકીનાં પંચાસ વરસ
ટપ્પ દઈને મૂકી દીધાં ભગવાનના હાથમાં!

ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહા –
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો...