ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/નૂતન ૨૦૨૭ વર્ષ

Revision as of 14:37, 11 November 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નૂતન ૨૦૨૭ વર્ષ
રાધેશ્યામ શર્મા

નિઃશબ્દતાના નકશીદાર દ્વાર પર
શબ્દને ટકેારા કરી શકે તો
વહી આવતા વંટોળને થીજવીને
ટમટમતાં કોડિયાંની દીપશિખાને
સંકોરી ઝળહળતી કરી શકાય
બોલું બોલું કરતી સિંહાસન બત્રીશી
વીર વિક્રમની આણને સાચવી લેતી
સંવતના સૂરજોની કિરણાવલિ પ્રગટાવે
અને ત્યારે
આકાશની ભીની ભૂરાશ પીધેલ તારકોની
ધરાના લીલા લાવણ્ય પર બીજવર્ષા સંભવે
ઉલૂકોની આંખમાં રા’ થયેલાં તારકમંડળ
આંગણામાં ઊગેલા રાગના સાથિયાને
સળગીને એચિંતા પ્રગટ કરી દે
તેના અજવાસે દાંતેનો પે...લો દરજી
ગજકાતરને કોરાણે મેલી
‘શિવ શિવ’ કરતો સીવવા માંડે!