ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સૂર્યોપનિષદ ૧–૨

From Ekatra Wiki
Revision as of 05:01, 12 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૂર્યોપનિષદ
હરીન્દ્ર દવે


સાંજના સૂર્યને
પૂછવા ધારેલો સવાલ
મેં મધરાતના તારાને પૂછી લીધો
અને
બ્રહ્માંડનું એક રહસ્ય ખુલ્લું થઈ ગયું.
વજનદાર હવાઓ ખેંચાઈ રહી છે
પોતપોતાની ધરતી તરફ :
શૂન્યતાઓના એક પછી એક
ઊખળતા પડની તળે રહેલું શૂન્ય
બધી જ ધરતીઓનું
આકાશ બની બેઠું છે.

થોડે થોડે અંતરે સળગતા સૂર્યો
એને અજવાળી શકતા નથી :
અંધારાની દુનિયામાં
મારા અવાજનાં આંદોલનો
તરતા ડુંગરો બની અટવાઈ ગયાં છે.
પ્રકાશ અને અંધકાર
અલગ રહી જે જવાબ ગૂંથે છે
એ ઉકેલવા
વાલ્મીકિ હતો, ત્યારથી હું મથું છું.


જીવન અને મૃત્યુ એકસાથે ઊભાં રહી
સાવ અજાણી અને અલગ અલગ
ભાષામાં વાતો કરે છે.
બંને જોડે એકીસાથે વાત કરવાનો પ્રયત્ન કરતાં
હું અવાક્ બની જાઉં છું.
મારા એ સ્તબ્ધ મૌનને
કોઈ ઉદાસીનું નામ આપે છે,
કોઈ કહે છે એને ખુલ્લી આત્મહત્યા :
જાતને નિર્મૂળ કર્યા વિના
હું કેમ જીવી શકું
એ સમજાતું નથી...
એ જિજીવિષાને જ સૌ ગૂંચવે છે
મૃત્યુની ઉત્કટ ઝંખના સાથે.
યાતનાનાં તુમુલ મોજાંઓ પર
ડગમગતી નાવમાં
અસ્થિર પગલે ઊભો રહી
ચીસ પાડીને કહું છું
કે
મારે જીવવું છે!
કિનારા પર રહેલાઓ કહે છે
કે મઝધારમાં સમાધિ લેવાનો
આ સભાન આયાસ છે.

જીવન અને મૃત્યુ બંને સાથે બેસી
વાત કરી રહ્યાં છે –
બંનેની ભાષા અલગ
અને તેઓ સાથે વાત કરવાના પ્રયત્નમાં
હું અવાક્....