ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કંકુના થાપા જેવા દિવસો
કંકુના થાપા જેવા દિવસો...
શ્યામ સાધુ
કંકુના થાપા જેવા દિવસો
દૈયડના ટહુકાઓ ભલે સાંભળ્યા કરે!
શેમળાની છાંયડીને વિસામો
હવે પાળિયો થઈને
તમારે ગામ ગોફણ વીંઝ્યા કરે છે.
માવઠાનું મોંજોણું
મારી રાયણની ડાળોમાં
ડબક ડબક
આંસુઓ પાડ્યા કરે છે
ને...
રાત્યુંની વેલ્યું
તારોડિયાની ચૂંદડી ઓઢી
ગાડા ખેડુનાં દુખણાં લેતી
કંકુના થાપા જેવા
દિવસોને શોધ્યા કરે છે...
સાંભળ્યું છે :
પેલા દૈયડના ટહુકા
હવે
શેમળાને વિસામે વિસામે
તારું નામ બોલ્યા કરે છે!