Becoming
‘એકત્ર' સંકલિત શ્રેણી
વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ
Becoming
Michelle Obama
મિશેલ ઓબામા
યુનાઈટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડીના પ્રેરણાદાયક, બલિષ્ઠ અને અંગત સંસ્મરણો.
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: નિસર્ગી મ્હેડ
લેખિકા વિષે
પુસ્તક વિષે
બિકમિંગ (૨૦૧૮) મિશેલ ઓબામા - જન્મે રોબિન્સનની - વાત કરે છે. શિકાગોના મધ્યમ વર્ગીય ઇલકામાં, સ્નેહાળ માતા-પિતાને ઘેર જન્મ, અને મોટાં થઈને એક સબળ અને સ્વતંત્રતાપ્રિય વ્યક્તિ બન્યાં, જે બરાક ઓબામા નામના વ્યક્તિને મળ્યાં અને એમના પ્રેમમાં પડ્યાં. આ એવી મહિલાની વાત છે જેણે કોઈ દિવસ પ્રથમ આફ્રિકન-અમેરિકન ફર્સ્ટ લેડી બનવાનું વિચાર્યું જ ન હતું, તેમ છતાં દરેક અસાધારણ અને જટિલ સંજોગોમાં, એ એમના અનન્ય અવાજને પહોંચડવાના રસ્તાઓ શોધી લેતાં હતાં.
પરિચય:
મુખ્ય મુદ્દાઓ:
૧) મહત્ત્વાકાંક્ષી શરૂઆત
૧૯૬૦નું દશક પૂરું થવા આવ્યું હતું, અને આ શિકાગોનો સાઉથ શોર વિસ્તાર હતો. આ સમય રાજકીય ખળભળાટનો હતો, સામાજિક ઊથલ-પાથલનો હતો, પણ ઘરની બહાર જે પણ કંઈ થઈ રહ્યું હતું એ સમજવા માટે મિશેલ ઘણાં નાનાં હતાં. અરસ-પરસ સ્નેહભાવવાળા એમના પરિવારમાં એમનાથી બે વર્ષે મોટા એમના ભાઈ, ક્રેગ હતા; એમના પિતા હતા, જે પાણીના ફિલ્ટરેશન પ્લાંટમાં નોકરી કરતા હતા અને શિકાગો કબ્સ બેસબૉલ ટીમના ચાહક હતા; અને એમનાં માતા હતાં, જે સિવણ કામમાં નિપુણ હતાં અને સામાજિક કાર્યો માટે ભંડોળ ઊભું કરવા કાર્યરત રહેતાં. આ કુટુંબના સભ્યોને એકબીજાની નજીક લાવવામાં સંગીતનો મોટો ફાળો હતો. ઘરે એમના પિતા હમેશા જૅઝ સંગીતની રેકૉર્ડ વગાડતા; અને એમના દાદાને ત્યાં સ્ટીરીઓ સિસ્ટમ સાથે જોડેલાં સ્પિકારો દરેક રૂમમાં મૂકેલાં હતાં; અને જ્યારે કુટુંબ ભેગું થતું હતું ત્યારે સંગીતના સૂરો અને હૉર્નોના ઘોંઘાટથી ઘર ગાજી ઉઠતું હતું: એલા ફિટ્સજેરલ્ડ, જોન કોલટ્રેન, માઇલ્સ ડેવિસ. મિશેલને એમની પહેલી રેકૉર્ડ એમના દાદા, જેમને બધા ‘સાઉથસાઈડ’ના નામથી ઓળખતા હતા, એમણે આપવી હતી, સ્ટીવી વનડરની ટૉકિંગ બુક. પણ સંગીત શીખવું એ અલગ વાત હતી. વળી રોબી જડ અને કડક હતાં. એમનું શરીર એકદમ ટટ્ટાર અને ગળે લટકતા એમનાં બેતાળાં ચશ્માં – જાણે સતત તમારી ચકાસણીની ધમકી આપતાં હોય! વારેઘડીએ વિદ્યાર્થીઓને વઢે, ધમકાવે પણ ખરાં. તો પણ મિશેલ એમનું અનુમોદન મેળવવા માટે આતુર હતાં. તમે પિયાનો શીખ્યા હો તો તમને ખબર હશે કે મિડલ ‘સી’ની કી શોધવી એ આ પ્રક્રિયાનું પહેલું પગથિયું છે. મિડલ ‘સી’ એ સીમાચિન્હ છે જેને લીધે પિયાનો ઉપર આંગળીઓની બરાબર ગોઠવણી થાય. પણ તમે જ્યારે ચાર વરસના હો ત્યારે ૮૮માંથી મિડલ ‘સી’ કી શોધવી સહેલી નથી. સદનસીબે રોબીના પિયાનોની મિડલ ‘સી’ કી થોડી તૂટેલી હતી, એટલે મિશેલને એ તરત મળી જતી. મોટા ભાગે મિશેલ એક સારા વિદ્યાર્થી હતાં, અને જલદી શીખી જતાં-----રોબીના મંતવ્યમાં જરા વધારે જ જલદી! થોડા વખતમાં મિશેલ એમની સંગીતની પુસ્તિકામાંથી આગળનાં ગીતો વગાડવા માંડ્યાં. પણ રોબી પ્રભાવિત થવાને બદલે વધારે ચિઢાયાં, અને મિશેલને એ કહે એમ જ કરવાનું સૂચન આપ્યું અને એક એક ડગલું આગળ વધવાની સલાહ આપી. પછી તો મિશેલને પહેલી વાર એક જલસામાં ભાગ લેવાનો વારો આવ્યો. રોબી દર વર્ષે રૉસવૅલ્ટ યુનિવર્સિટીના મ્યુસિક હૉલમાં પ્રેક્ષકો સમક્ષ એમના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ ગોઠવતાં હતાં. મિશેલે ચોટલીઓ કરી, સરસ કપડાં પહેર્યાં. બધા ઉપર છવાઈ જવા તૈયાર! પણ જ્યારે એ પિયાનો વગાડવા બેઠાં ત્યારે એમને આંચકો લાગ્યો, એક પણ કી તૂટેલી ન હતી. મિડલ ‘સી’ કઈ? ત્યાં જ રોબી તેમની વ્હારે આવ્યાં. તેઓ શાંતિથી મંચ ઉપર આવ્યાં, અને કી બતાડી. અને મિશેલ વગાડવાનું શરૂ કરી શક્યાં.
૨) આત્મવિશ્વાસની તાલીમ
એનો એક દાખલો જોઈએ: મિશેલ જ્યારે બીજા ધોરણમાં આવ્યાં ત્યારે એ વર્ગ તોફાની છોકરાઓથી ભરેલો હતો, અને એમના શિક્ષક પણ એ છોકરાઓને કાબુમાં નહોતા રાખી શકતા. સદનસીબે મિશેલે જ્યારે એમનાં માં સામે આ અંગેનો અણગમો વ્યક્ત કર્યો ત્યારે એમણે એમની દીકરીની વાત સાંભળી અને આગળની પરીક્ષા લેવડાવીને મિશેલને ત્રીજા ધોરણમાં મૂકી દીધાં, જેમાં ભણવામાં, નવું શીખવામાં રસ ધરાવતા છોકરાઓ હતા. મિશેલને હજી પણ વિચાર આવે છે કે જો તેમની માં વચ્ચે પડીને આમ ન કર્યું હોત તો એમનું જીવન કેવું હોત. એ ભણવામાં આગળ આવતાં ગયાં અને આખરે એમને વ્હિટની એમ. યંગ હાઇસ્કૂલમાં પ્રવેશ મળ્યો, જે એક પ્રગતિશીલ અભિગમ ધરાવતા શિક્ષકોવાળી, બધાને સમાંતર તક આપતી શાળા હતી, અને એમાં શહેરના હોંશિયાર છોકરાઓ આવતા હતા. પણ હવે જ્યારે એમને બંધબેસતી નિશાળ મળી ત્યારે એમણે પોતાને એમાં ગોઠવાવાનું પણ હતું. પહેલી વાર મિશેલ શિકગોની ઉત્તરમાં રહેતા પૈસાદાર છોકરાઓના પરિચયમાં આવ્યાં; એવા છોકરાઓ કે જેમની પાસે પાસપોર્ટ હતા, અને સ્કીઇંગ થઈ શકે એવી જગ્યાઓમાં રજાઓ ગાળતા; એવા છોકરાઓ જે ડિઝાઈનવાળાં પાકિટો રાખતા અને જેમનાં ઘર ગગનચુંબી ઈમારતોમાં હતાં. તેમ છતાં મિશેલને એમના એક સહ-વિદ્યાર્થિની જોડે મિત્રતા થઈ. સેન્ટીટા જેક્સન, એક અગ્રણી રાજકારણી, જેસી જેક્સનના પુત્રી હતાં, અને મિશેલને ઉત્સાહ અને ઉલ્લાસભર્યા જેક્સન પરિવારમાં સ્નેહભર્યો આવકર મળ્યો. એક વાર તો કાળઝાળ ગરમીમાં એમણે સેન્ટીટા અને બીજા જેસી જેક્સનના સમર્થકો સાથે બડ બિલિકેન ડે પરેડમાં પણ ભાગ લીધો હતો. મિશેલ માટે રાજકરણની જીવનશૈલીનો આ પહેલો પરિચય હતો. અને સાચું કહીએ તો એમને એ સહેજે આકર્ષક નહોતું લાગ્યું. જેક્સન ગૃહમાં સદંતર અફરાતફરીનો માહોલ હતો અને નોકર-ચાકરો આમ-તેમ દોડ્યા કરતાં, એમાં શાંતિ અને સ્થિરતા હતી જ નહીં. એક શિષ્ટ છોકરી, જેનામાં સંયમની વૃત્તિ હતી, એ સમજી ગઈ કે આ દુનિયા મારા માટે નથી. ઉચ્ચતર શાળામાં મિશેલનો બૌદ્ધિક આત્મવિશ્વાસ વધવા માંડ્યો. એ શીખી ગયાં કે એ જેટલી મહેનત કરશે, એટલા એ એમના ધોરણમાં આગળ આવી શકશે. એ આગળની ધોરણોમાં આવ્યાં, સીનિયર થયાં, એટલે વર્ગનાં ખજાનચી ચૂંટાયાં, નેશનલ ઑનર સોસાઇટીમાં સ્થાન મેળવ્યું અને તેઓ વર્ગનાં પહેલા દસ ટકામાં આવવાની તૈયારીમાં હતાં. હવે એમને પ્રિનસ્ટ્ન તરફ નજર કરવા જેટલો આત્મવિશ્વાસ આવી ચૂક્યો હતો. જોકે એમને માર્ગદર્શન આપતા કાઉન્સલર આ વિચારથી સહમત ન હતા. એમને લાગતું હતું કે પ્રિનસ્ટ્નમાં જે જોઈએ એ મિશેલમાં ન હતું. પણ મિશેલને વિશ્વાસ હતો કે એમના કાઉન્સલર ખોટું વિચારે છે. મિશેલે અરજી કરી દીધી. એ મહેનત કરતા રહ્યાં અને આખરે પ્રિનસ્ટ્નએ એમને સ્વીકાર્યાં.
૩) નવી સ્કૂલ નવો આદર્શ
પહેલે દિવસે મિશેલ ડૉર્મિટરીમાં પોતાનો સમાન મૂકીને બારીની બહાર જોયું, એમને વિદ્યાર્થીઓનું ટોળું દેખાયું, લગભગ બધા જ ગોરી ચામડીવાળા, બધા જ પુરુષો, કેમ્પસમાં સામાન લઈને આવતા હતા. મિશેલ માટે શ્વેત લોકોની વચ્ચે એક માત્ર અશ્વેત હોવાનો અનુભવ નવો હતો, એ લાગણી નવી હતી. હકીકતમાં મિશેલનાં ફ્રેશમૅનના વરસમાં વર્ગમાં નવ ટકાથી પણ ઓછા અશ્વેત વિદ્યાર્થીઓ હતા. એ અનુભવ એમને માટે ચોખાના વાટકામાં રાઈનો દાણો હોવા સમાન હતો. પણ શરૂઆતની અગવડો છતાં એમને કેમ્પસમાં જ આવેલી એક સંસ્થા, થર્ડ વર્લ્ડ સેન્ટરનો (ટીડબલ્યુસી) સહારો મળ્યો. મિશેલ એ સંસ્થા ચલાવનાર મહિલાનાં મદદનીશ તરીકે નોકરી કરવા માંડ્યાં, અને તરત જ મિશેલ માટે તે એક પ્રેરણાસ્ત્રોત અને સલાહકાર બની ગયાં. ચર્ની બ્રસલ, મિશેલના નવાં ઉપરી, એક બાહોશ અને સુંદર બ્લેક મહિલા હતાં, જે હંમેશાં કાર્યરત રહેતાં. હોઠ વચ્ચે સિગારેટ રાખી, પેપરોનો થપ્પો બગલમાં દબાવી, એક મિટિંગમાંથી બીજી મિટિંગમાં દોડતાં જ હોય. ચર્ની અત્યંત ઉત્સાહી હતાં, એમનામાં એવી તો કુદરતી શક્તિઓ હતી કે એ ક્યારે થાકતાં ન હતાં. એ સિંગલ મધર હતાં, એકલે હાથે સંતાનને ઉછેરતાં, તો પણ એ બધે જ પહોંચી વળતાં. ન્યુ યોર્ક શહેરની મુલાકાત વખતે મિશેલ ચર્નીના વર્તનથી ખાસ પ્રભાવિત થયાં હતાં. મિશેલ ક્યારે બિગ એપલ નહોતાં ગયાં, અને એ શહેરે એમને મંત્રમુગ્ધ બનાવ્યાં, અને થોડું ચિંતિત પણ. હોર્ન વાગ્યા કરે. લોકો બૂમાબૂમ કરે. એની ગતિ અવિરત અને ઝડપી હતી. પણ ચર્નીને આ ગાંડપણ ભરેલી દોડધામની કોઈ જ અસર ન હતી, એમનો તો આ દોડધામથી જાણે જુસ્સો ઓર વધતો હતો. એ તો ટેકસીઓ અને રાહદારીઓ વચ્ચેથી ગાડી કાઢે, બીજી ગાડીઓની પાછળ ઊભી રાખીને દુકાનમા જઈ આવે, જાણે કે એ બધું સામાન્ય હતું. એક વાર જ્યારે બીજી ગાડીની પાછળ પણ મુકાય એવી જગ્યા ન હતી, ત્યારે ચર્નીએ મિશેલને સ્ટીઅરિંગ વ્હીલ સોંપી દીધું અને કહ્યું કે એ એક કામ પતાવીને આવે એટલી વાર મિશેલ બ્લૉકના બે-ચાર આંટા મારે. મિશેલ પહેલા તો થોડા હેબતાઈ ગયાં. પણ પછી એમણે ચર્નીનું મોઢું જોયું અને ડ્રાઇવરની સિટમાં બેસી ગયાં. ચર્નીનું મોઢું એમને જાણે કહેતું હતું, “ સ્વસ્થ થા અને થોડું જીવી લે.” મિશેલ પ્રિનસ્ટ્નમાંથી સોશ્યોલોજી સાથે ઉત્તીર્ણ થયાં, પછી હાવર્ડ લૉ સ્કૂલમાં જવાનું વિચારેલું. ચર્ની પાસેથી એમણે જીવન વિષે ઘણું બધુ જાણેલું, શિખેલું. મિશેલ જાણતાં હતાં કે એ માતા બનશે, તો પણ એમનું કામ ચાલુ રાખશે-----અને આ બેન્ને કર્તવ્યો સહજતાથી અને સરસ રીતે કેવી રીતે નભાવી શકાય, એને માટે ચર્નીનો દાખલો એમની સમક્ષ હતો જ.
૪) યાદ રાખવા જેવી તારીખ
એમને મળ્યાં તે પહેલેથી મિશેલે આ આકર્ષક યુવાનનાં વખાણ સાંભળ્યાં હતાં, પણ એમને એ વાતો ઉપર પૂરો ભરોસો ન હતો. હાવર્ડના પ્રોફેસરો પ્રમાણે એ ઘણા હોશિયાર હતા અને એ લોકોને એની સાથે કામ કરવાનું ગમતું હતું. પણ મિશેલનો અનુભવ હતો કે જો થોડીઘણી બુદ્ધિ હોય અને પહેરવેશમાં થોડી વ્યવસ્થિતતા હોય તો ગોરા પ્રોફેસરોને એ અશ્વેત વ્યક્તિ માટે થોડું માન થતું હતું. તે ઉપરાંત એ એમની પહેલી જ અપૉઇન્ટમેન્ટ માટે બિન્દાસ્ત મોડાં પડ્યાં. અને સૌથી ખરાબ બાબત એ કે એમને સિગરેટ પીવાની ટેવ હતી! પણ આખરે જ્યારે બરાક ત્યાં પહોંચ્યાં એટલે તરત જ ખ્યાલ આવ્યો કે એ બીજા કરતાં થોડા અલગ છે. ભણવામાં બે વરસનો ગાળો પાડ્યા પછી એ હાવર્ડ લૉમાં જોડાયા હતા, એટલે એ મિશેલ કરતાં થોડા મોટા હતા. એમનામાંથી આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા ઝરી રહ્યાં હતાં. એટલે સુધી કે ફર્મમાં બધાને પોતાના કામ માટે એમનો અભિપ્રાય લેવાનો અત્યંત ઉત્સાહ હતો. તેમ છતાં એમના અને મિશેલના વિચારો મળતા હતા, અને ઝડપથી બંને વચ્ચે સારો તાલમેલ સધાયો. એ શિકાગોની સાઉથ સાઈડથી પરિચિત હતા, એમણે સામુદાયિક કાર્યક્રમોમાં આયોજક તરીકે ત્યાં કામ કરેલું હતું. અને તેઓ દેખાવડા તો હતા જ. તો પણ, મિશેલને તરત તો તે પ્રેમપાત્ર વ્યક્તિ ન લાગ્યા. પણ થોડાં આઠવાડિયાં પસાર થયાં, તેમની સાથે થતી બધી જ મિટીંગ સરળ રહેતી હતી, અને આખરે મિશેલે એમનો પ્રસ્તાવ સ્વીકાર્યો: એમની સિગરેટ પીવાની ટેવની અવગણના કરીને એમની સાથે બહાર જવા સહમત થયાં. પહેલી વાર સાથે બહાર ગયા ત્યારે મિશેલ થોડા સાવધ રહ્યાં. આમ જોઈએ તો આખી જિંદગી એ એક સાંકડી કેડી ઉપર ચાલેલાં, એક પછી એક કારકિર્દીનાં મુકામો સર કરવાની લ્હાયમાં લાગેલાં રહ્યાં. હવે થોડા વખતથી એમને વિચાર આવવા માંડેલો કે એમણે એમની જાતને તો પૂછ્યું જ નથી કે શું ખરેખર એમને આ બધું ગમે છે. એમણે લીધેલાં રસ્તા માટે મિશેલના મનમાં હવે સંશય ઊભો થવા માંડેલો, અને બરાકનો આત્મવિશ્વાસ અને એમનો સરળ સ્વભાવ એમને થોડો અસ્વસ્થ બનાવી દેતો. પણ ધીરે-ધીરે એ થોડાં ઓગળ્યાં. મિશેલ ટેવાયાં હતાં એના કરતાં જુદી રીતે બરાક વિચારતા હતા. એ માત્ર હોશિયાર જ ન હતા, જે નવરાશના સમયમાં શહેરી આવાસ વિષે વાંચતાં, પણ એમને પૈસાની પણ નહોતી પડી. એમની કંઈક કરી છૂટવાની વૃત્તિ એમની પૈસા કમાવવાની વૃત્તિ ઉપર હાવી હતી. એટલે હવે, પહેલી વાર, મિશેલના મનમાં વિચાર આવ્યો કે એમને પોતાને ખરેખર શું કરવું છે. આખરે, એક સહકર્મીને ત્યાં બાર્બિક્યૂ વખતે, મિશેલ બરાકને બાસ્કેટબૉલ રમતા જોઈ રહ્યાં હતાં અને એમને લાગ્યું કે હવેથી એ બરાકની ધીમી ગતિ અપનાવી શકશે. બરાકમાં જે હતું એને ‘હવાઈયન કેશુયલનેસ’ કહી શકાય. એ દિવસે, મોડેથી બંનેએ આઇસ્ક્રીમ ખાધો અને પહેલી વાર ચુંબન કર્યું. અને તરત જ, સહજતાથી, એમના ભાવિ પતિ માટેનો સંદેહ મિશેલના મનમાંથી નીકળી ગયો.
૫) થોડા ફેરફારો અને થોડું દુ:ખ
બંને દૂર-દૂર રહીને આ સંબંધને મહત્તમ માણવાનો પ્રયત્ન કરતાં હતાં, ત્યાં મિશેલને થોડા ગમગીન સમાચાર મળ્યા. એમના પિતાને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મિશેલ જાણતાં હતાં કે એમના પિતા ‘મલ્ટિપલ સ્કીલ્રોસિસ’ સામે ઝઝૂમી રહ્યા હતા, પણ હવે દુખાવો એટલો અસહ્ય હતો કે ઊભા નહોતું થવાતું. બે અઠવાડિયાં સુધી મિશેલ રોજ હૉસ્પિટલ જતાં અને એમના પિતાની દિવસે-દિવસે બગડતી સ્થિતિને જોતાં. એમના જીવનમાં રહેલા આ તાકાતવાન, અતૂટ વ્યક્તિ માત્ર પંચાવન વરસના જ હતા, પણ કેટલા નબળા લગતા હતા. એ બોલી નહોતા શકતા, પણ એમની આંખોથી, અને વારંવાર મિશેલનો હાથ ચૂમીને બધું વ્યક્ત કરતા. એ મિશેલથી સ્નેહભરી વિદાય લઈ રહ્યા હતા. પ્રિયજનની મૃત્યુ પછી આગળ વધવું સહેલું નથી, પણ ૧૯૯૧માં સમય બદલાયો. બરાક શિકાગો પાછા ફરયા, અને આખરે બંનેને જોડે રહેવાનો આનંદ માણવાની તક મળી. બરાકને ઘણી નોકરીઓ મળે એમ હતું, પણ એ તો હતા એવા જ રહ્યા, પરગજુ અને પરોપકારી. એમને સારા પગારવાળી લૉ ફર્મમાં નોકરી કરવાને બદલે કોઈ મિત્રની સામાજિક પ્રવૃતિમાં મદદ કરવાનું વધારે ગમતું. દરમિયાન મિશેલને પણ પોતાની કારકિર્દીમાં ફેરફાર કરવાના વિચારો આવવા માંડ્યા હતા. એ સ્પષ્ટ હતું કે એમને કંપનીઓના કરારોનું પૃથક્કરણ કરવાને બદલે લોક સંપર્ક થકી સૌને મદદ કરવાનું વધારે પસંદ હતું. સદનસીબે ૧૯૯૧ની સાલમાં જ એમને વેલરી જેરેટ મળ્યાં, એમના જીવન ઉપર અસર કરનાર એક બીજા વ્યક્તિ. મિશેલની જેમ, વેલરી પણ એક વકીલ હતાં અને લોકોની સેવા કરવા માટે એમણે સારા પગારવાળી નોકરી છોડી દીધી હતી. એમની મિત્રતા ઝડપથી વધી અને વેલરીની મદદથી મિશેલને શિકાગોનાં મેયર, રિચર્ડ ડેલી જુનિયરનાં મદદનીશની નોકરી મળી. પણ આ તો વેલરી સાથે જીવનભરના સંબંધોની શરૂઆત હતી, અમૂલ્ય મિત્રતાના સંબંધની, એક સાચા સલાહકારના સંબંધની. પરિવારની વાત : ૧૯૯૨ના ઑક્ટોબરમાં મિશેલ અને બરાકનાં લગ્ન થયાં, પણ હનીમૂન માટે બહુ ઓછો સમય હતો. એ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી આવતી હતી અને બરાક ‘પ્રોજેકટ વોટ્!’ની ઝુંબેશમાં જોડાયા હતા, જે અશ્વેત લોકોને મતદાર યાદીમાં નોંધણી કરાવવામાં મદદ કરવા માટે શરૂ કરાઈ હતી. બરાકે એમાં અથાગ પ્રયત્નો કરીને પહેલે જ અઠવાડિયે ૭૦૦૦ લોકોની નોંધણી કરવી હતી. બે વરસ સિટી હૉલમાં કામ કર્યા બાદ, ૧૯૯૩માં, મિશેલને નવી નોકરી મળી, ‘પબ્લિક ઍલાઈઝ’ નામની એક સ્વયંસેવી સંસ્થામાં ઇગ્ઝેક્યુટિવ ડિરેક્ટરની. પબ્લિક ઍલાઈઝનું કામ હોશિયાર યુવાનોને સાર્વજનિક ક્ષેત્રોમાં કામ કરતા માર્ગદર્શકો સાથે ભેગા કરવાનું હતું. મિશેલે જાતે અનુભવેલું કે યોગ્ય વ્યક્તિ મળે તો જીવન કેટલું બદલાઈ જાય, એટલે આ સંસ્થાનો ઉદેશ એમનો ઘણો પ્રિય હતો, અને એ કામ કરવામાં એમને ઘણો સંતોષ મળતો હતો.
૬) બેચેન સંમતિ
એ મહિલાઓને પોતાની વાત સમજાવતા બરાકને, મિશેલ અચરજથી જોઈ રહ્યાં. એમને રાજકીય લડત આપવાની વાત કરી. તમે છોડી દેવાના છો કે પછી સારી દુનિયા માટે લડત આપવાના છો? એમણે એમને મત આપવા માટે વિનંતી કરી અને પોતાના પ્રતિનિધિ ઉપર દબાણ ચાલુ રખવાનું કહ્યું. એમણે એમની વાત પૂરી કરી ત્યારે એ મહિલાઓની બૂમ પડી, “એમન”. એ દિવસે મિશેલને એમના પતિની સામેવાળાને પ્રભાવિત કરવાની અને પ્રેરિત કરવાની શક્તિઓનો ખ્યાલ આવ્યો. એમની આ ક્ષમતાને લીધે ઘણા દરવાજાઓ ખૂલ્યા, પણ એના કારણે કોઈક વાર એમના લગ્ન જીવનની કસોટી પણ થતી. પ્રોજેકટ વોટ્!ની ઝુંબેશ પછી ‘શિકાગો’ સામયિકએ બરાકની ક્ષમતાઓની નોંધ લીધી. એ લેખમાં તો આ યુવાનને ચૂંટણીમાં ઊભા રહેવાની સલાહ આપી હતી. પણ બરાકે એને ધ્યાનમાં ન લીધું. એ વખતે એમનું ધ્યાન એમના નાનપણનાં સંસ્મરણોનું પુસ્તક લખીને પૂરું કરવામાં હતું. એમને માટે એ પૂર્ણ કરવાનું અગત્યનું તો હતું જ, પણ એ પૂરું કરવાનું એક બીજું પણ કારણ હતું: જો એ પુસ્તક જલદી પૂર્ણ ના થાય તો પ્રકાશક પાસેથી એમણે લીધેલી $૪૦,૦૦૦ની આગોતરી રકમ પછી આપવાની થાય. આખરે એ પુસ્તક, ડ્રીમ્સ ફ્રોમ માય ફાથર, સમયસર પૂર્ણ થયું અને ૧૯૯૫માં એ પ્રકાશિત થયું. એજ વર્ષે એમને ઔપચારિક રીતે રાજકરણમાં જોડાવવાનું આમંત્રણ મળ્યું. ઘણાં કારણોસર મિશેલને આ વિચાર બરાબર નહોતો લાગતો. પહેલું તો એ કે રાજકારણીઓ વિષે અને રાજનૈતિક પ્રક્રિયા વિષે એ જે જાણતાં હતાં, અને એમણે જે વાંચેલું હતું, એ એમને નહોતું ગમ્યું. મોટા ભાગના રાજકારણીઓમાં અમર્યાદ સ્વાર્થવૃત્તિ હતી, અને ઘણાં ઓછાં લોકોમાં સક્રિય પરિબળો જોવા મળતાં. વળી જેક્સન પરિવારના એમના અનુભવને લીધે એ જાણતાં હતાં કે રાજકારણીઓને ઘરે રહેવાનું ઓછું બનતું. એમના મતે બરાક કોઈ રાજકારણીની ગૂંગળામણ-ભરી ઑફિસને બદલે કોઈ એનજીઑના વડા તરીકે વધારે સારું કામ કરી શકશે. તો પણ આ બહુ મોટી તક એમની સામે આવીને ઊભી હતી. ઇલિનોઈસ સ્ટેટ સેનેટમાં એક જગ્યા ખાલી પડવાની હતી------હાઈડ પાર્કની, એ રહેતા હતા તે ડિસ્ટ્રિક્ટની. મિશેલે બરાકને ચેતવ્યા હતા કે એ ગમે તેટલી મહેનત કરશે, કોઈ ફરક નથી પાડવાનો, અને એમને નિરાશા જ મળશે. બરાકે બેદરકારીથી ખભા હલાવતા કહ્યું, “કદાચ. પણ કદાચ હું કંઈક કરી પણ શકું. કોને ખબર?” આની સામે તો કશું બોલાય એવું હતું જ નહી. અંતે મિશેલે સહમતી આપી. જોકે એમના મનમાં થોડો સંદેહ તો રહ્યો જ અને એ પણ ચિંતા હતી કે એમના આદર્શવાદી અને નિષ્ઠાવાન પતિને બધા ખાઈ જશે. પણ એમને પોતાનાં કાર્યોથી બદલાવ લાવવા ઇચ્છતા વ્યક્તિના રસ્તાનો અવરોધ નહોતું બનવું.
૭) રાજકરણનું ગમગીન પાસું
શરૂઆતની આવી ઘટનાઓમાંની એક ઘટના, જે ૧૯૯૯ના અંતમાં બનેલી અને મિશેલ ઉપર એની ગહન અસર થઈ હતી. હાઉસ ઑફ રેપ્રિઝેન્ટટિવમાં સીટ માટે બરાક પ્રાથમિક ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. એમની વિરુદ્ધમાં ડેમક્રેટ પાર્ટીનાં એમનાં સાથીદારો બોબી રશ અને ડોન ટ્રાટર હતાં. રજાઓ દરમિયાન, એકાએક ઇલિનોઈસ સેનેટે બહુ ચર્ચિત ગન કંટ્રોલ બિલ ઉપર મતદાન કરી લેવાનું નક્કી કર્યું અને ઝડપથી બધુ થવા માંડ્યુ. તે વખતે બરાક અને મિશેલ હવાઈ એમના સગા-સંબંધીઓને મળવા ગયાં હતાં અને એમની નવી જન્મેલી પુત્રી, માલિયાને કાનમાં ઇન્ફેકશન થયું હતું. મિશેલનો પ્રથમ ગર્ભ મુશ્કેલ હતો અને બંનેએ વિટ્રો ફર્ટિલાઇઝેશનનો ઉપયોગ કરવાનું નક્કી કરેલું, એટલે માલિયાની આ માંદગી થોડી ચિંતાજનક હતી. માલિયાથી પ્લેનની યાત્રા કરાય એવું ન હતું, એટલે બરાકે પરત ફરવાને બદલે એની સાથે રહેવાનું નક્કી કર્યું. આ બિલ માટે એમણે ઘણી લડત આપી હતી, પણ હવે તે એને માટે મતદાન નહીં કરી શકે. આ નિર્ણય લેવો એક અઘરું કામ હતું, પણ એમને ખાતરી હતી કે એમણે પરિવારને વધારે મહત્ત્વ આપ્યું, એ બરાબર જ કર્યું. અને તરત જ બરાકના ચરિત્ર ઉપર અઢળક હુમલાઓ શરૂ થઈ ગયા. સ્થાનિક છાપના એક સંપાદકીયમાં એવું પણ કહેવામાં આવ્યું કે જે મત આપવા ના આવે એને ‘ગટલેસ શીપ’, એટલે કે હિમ્મત વગરનું ઘેટું, કહેવાય. અને બરાકના વિરોધીઓએ તો વ્યક્તિગત આક્ષેપો પણ કર્યા. બોબી રશે બરાકની વ્યાવસાયિક નૈતિકતાનો પ્રશ્ન ઉપાડયો અને એમને “શિક્ષિત મૂર્ખ” (એડ્યુકેટેડ ફૂલ) કહ્યા. ડોન ટ્રાટરનો આરોપ હતો કે એમણે પોતાની સંતાનનું બહાનું કાઢીને કામે જવાનું ટાળ્યું હતું અને એ કાળા મોઢવાળો ગોરો માણસ છે. એવું કહેવાય તો ખરું જ કે બરાકનો આ નિર્ણય, એમની જ વિરુદ્ધ વાપરી શકાય એવી યુદ્ધ સામગ્રી હતી. પણ મિશેલને બહુ લાગી આવ્યું હતું. એ હુમલાઓ દ્વેષ ભરેલા અને સદંતર ખોટા હતા. પ્રાથમિક ચૂંટણી તો એ હારી ગયા, પણ રાજ્યની સેનેટમાં એ કાર્યરત રહ્યા. અને વધારે અગત્યની વાત એ હતી કે જૂન ૨૦૦૧માં એ પરિવારની બીજી દીકરીનો જન્મ થયો: નતાશા મરિયન ઓબામા. જે સાશા તરીકે ઓળખાય છે.
૮) હૃદય પરિવર્તન
એ વખતે મિશેલને બરાકની જીતની બિલકુલ આશા ન હતી, પણ એમણે એ વાત ના કરી, આમ તો હમણાં જ એ કૉંગ્રેશનલ પ્રાઇમરી હારી ગયા હતા. એટલે મિશેલ સહમત થયાં, પણ એમની પાસે એક વચન લીધું કે જો એ હારી જાય તો એ રાજકરણ છોડી દેશે અને લોકોની સવા કરવાનો બીજો કઈ રસ્તો શોધશે. પણ એમનું નસીબ કે એમના રિપબ્લિકન વિરોધી આ દોડમાંથી બહાર નીકળી ગયા. યુએસ સેનેટર તરીકે બરાક વધારે વ્યસ્ત રેહવા લાગ્યા, અને એમના પરિવાર માટે સમયની અછત એક મુદ્દો બની ગયો. “હું રસ્તામાં છું” કે “લગભગ પહોચવામાં છું” કહીને નિયમિત ફોન કરતાં, અને મિશેલે એ શબ્દોનું અર્થઘટન કરતાં શીખવું પડ્યું હતું. એમનો સાચો અર્થ તો હતો કે એ પાછા આવવા નીકળે અને ગાડીમાં બેસે તે પહેલા કોઈ સહકાર્યકર સાથે કલાક લાંબી ચર્ચામાં ઉતરી જવાની સંભાવના છે. પણ ત્યાં તો ૨૦૦૪નું ડેમક્રેટિક નેશનલ કન્વેન્શનમાં( ડીએનસી) રાષ્ટ્રપતિ માટેના ઉમેદવાર, જોન કેરીએ બરાકને મહત્ત્વનું કીનોટ ભાષણ આપવાનું કહ્યું. આ એક આશ્ચર્યજનક અને જોખમ ભરેલું પગલું હતું, કારણ કે ઈલીનોઇસ સિવાયના બીજા રાજ્યોમાં રહેતા અમેરિકનોને એમનો પરિચય ન હતો. તે ઉપરાંત ટેલિપ્રોંપ્ટરનો ઉપયોગ કરવામાં એ હજી માહિર ન હતા, અને પ્રાઇમટાઈમ ટેલિવિઝનમાં પણ ઝળકવાનો અવસર હજી નહોતો મળ્યો. ૨૦૦૪નું સાલ બરાક માટે શુભ હતું, એમ કહેવાય તો ખરું, પણ એ અલ્પોક્તિ પણ થાય; એવું લાગતું હતું કે કોઈ દૈવી શક્તિઓ અહીં કામ કરી રહી છે. હકીકત એ હતી કે બરાકે આખી જિંદગી ડીએનસીમાં ભાષણ આપવાની મહેચ્છા સાથે વિતાવેલી, એટલે એમનું ભાષણ પ્રભાવશાળી હતું. હા, એમને એ ભાષણ ગોખવું તો પડ્યું હતું, પણ એ દિલથી બોલતા હતા. મિશેલને એ ભાષણ સાંભળીને નવાઈ નહોતી લાગી, એ એમના પતિની અદભૂત ક્ષમતાઓથી વાકેફ હતા. પણ હવે આખા રાષ્ટ્રને એનો અનુભવ થયો અને રાતોરાત એ પ્રખ્યાત થઈ ગયા. એનબીસીના કૉમેન્ટેટર ક્રિસ મેથ્યૂસે એ ભાષણ સાંભળીને કહ્યું હતું “મેં પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિને જોઈ લીધા.” અને પછી ચૂંટણીઓ આવી ત્યારે બરાકે એમની ઉમેદવારી જાહેર કારી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહ્યા. એ દિવસ સખત ઠંડી હતી, તો પણ ૧૫,૦૦૦ લોકો આવ્યા. એ જોઈને મિશેલ થોડાં હેબતાઈ ગયાં. એમને એવું લાગ્યું કે એમનો પરિવાર અચાનક ‘રોક બેન્ડ’માં ફેરવાઈ ગયો! આ ક્ષણે મિશેલનું રાજકરણને લઈને હૃદય પરિવર્તન થયું. એમને સમજાયું કે આ લોકો એમના ઉપર આધાર રાખે છે. એમના મનમાં લાગણી જાગી, જવાબદારીની લાગણી, પ્રતિબદ્ધતાની લાગણી. લોકો માટે એમના પતિ આશાની દીવાદાંડી સમા હતા; એમણે એ અમેરિકનોને ટેકો આપવો જ પડે અને બરાકનો સંદેશો, એમની વાત કહેવા માટે એમણે વધારે સક્રિય થવું જ પડશે.
૯) સામાન્યપાણાની લડત
મિશેલ આ વધારાની સુરક્ષાનાં કારણો સમજાતાં હતાં, પણ એમને એ પણ ચિંતા હતી કે આ પ્રચારને લીધે જે અસાધારણ જીવનશૈલી થઈ છે એની એમની છોકરીઓ ઉપર શું અસર થશે. એટલે જ્યારે આખો દેશ એમની દરેક ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યું હતું, ત્યારે મિશેલ જેટલી શક્ય હોય તેટલી જીવનમાં સામાન્યપણું જાલવાનો પ્રયાસ કરતાં હતાં. વર્ષ ૨૦૦૮માં જુલાઈની ચોથી તારીખે એ મોંટાનામાં પ્રચાર કરી રહ્યાં હતાં, ત્યારે એમણે માલિયા માટે એક પિકનિક ગોઠવી તેની વર્ષગાંઠ ઉજવવાનો પ્રયત્ન કર્યો હતો. એ ત્યાં એક ચીસ બર્ગરની સામે બેઠી હતી, એક અપરિચિત લોકોનું ટોળું ‘હેપી બર્થડે’ ગાઈને એને શુભેછા પાઠવી રહ્યું હતું, અને સિક્રેટ સર્વિસના રક્ષકો નજીક ઊભા હતા. શું આ વર્ષગાંઠની યાદો એને ખરેખર આનંદ આપશે ખરી? પણ દીકરીઓએ આ પ્રચાર પ્રક્રિયામાં દરમિયાન એમની માનસિક સ્વસ્થતા જાળવી રાખેલી, એટલે આ પ્રક્રિયા થોડી આનંદદાયક બની રહી. એમને પ્રચાર કાર્યકર્તાઓ જોડે પત્તાં રમવાનું ગમતું અને નવા શહેરમાં જાય એટલે આઈસક્રીમની દુકાન શોધવામાં મજા પડતી. સિક્રેટ સર્વિસના માણસો એમના મોટી વયનાં મિત્રો બની જતાં. અને સૌથી અગત્યની વાત એ હતી કે આ બધી જ ગતિવિધિઓના કેન્દ્ર બિંદુમાં એમના પિતા હતા એની તેમને પડી જ નહોતી. અલબત્ત, બરાક ચૂંટણી જીતી ગયા એટલે બધું પાછું બદલાઈ ગયું. એ તો તરત જ સ્પષ્ટ થઈ ગયું હતું કે વાઇટ હાઉસમાં રહેવાનું એટલે એક બીજી, નવીન દુનિયામાં પગ મૂકવાનો હતો. આ વાસ્તવિકતામાં, સાદામાં સાદી ક્રિયા, જેમ કે આગળના દરવાજેથી બહાર જવું કે જન્મ દિવસ માટે કાર્ડ ખરીદવા જવું, સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટકૉલનું તાલમેલ માંગી લેતું વ્યવસ્થાતંત્ર. મિશેલ અને બરાકની સ્વાયત્તા ઉપર, એમના ખાનગી જીવન ઉપર થોડી અસર થાય એ એક વાત હતી, પણ મિશેલ એમનાં છોકરાઓનું જીવન બને એટલું સામાન્ય રાખવા માટે કટિબદ્ધ હતાં. મિશેલે સાશા અને માલિયાને શરૂઆતમાં જ સમજાવી દીધું કે એની ભવ્યતા છતાંય વાઇટ હાઉસ એમનું ઘર છે. એટલે એની પરસાળમાં રમાય અને નાસ્તાઓ માટે રસોડામાં ખાંખાંખોળાં કરાય. એમના મિત્રોને સહેલાઇથી બોલાવી શકે એને માટે વ્યવસ્થિત ગોઠવણ કરવાનું મિશેલનાં પ્રથમ કાર્યોમાંનું એક હતું. વાઇટ હાઉસનાં નિયંત્રણો અને નિયમો ને લીધે છોકરાઓનો ઉછેરવાનું થોડું અઘરું હતું. પણ શરૂઆતના દિવસોમાં જ મિશેલે કંઈક જોયું, જેનાથી એમને થોડી રાહત મળી. એ શિયાળાના દિવસો હતા, મિશેલ બારીની બહાર જોયું તો સાશા અને માલિયા રસોડામાંથી એક મોટી ટ્રે લઈ આવ્યાં હતાં અને એ લઈને સાઉથ લૉનમાં બરફથી ઢંકાયેલા ઢાળ ઉપરથી લપસી રહ્યાં હતાં. એમને વિચાર આવ્યો કે એમના છોકરાઓ માટે આ અનુભવ કદાચ એટલો ખરાબ નથી.
૧૦) ફર્સ્ટ લેડી
પણ હવે ફર્સ્ટ લેડી તરીકે મિશેલ સામે એક નવો અને અનન્ય પડકાર હતો. કમનસીબે, આ નોકરીના નિયમો નક્કી નથી હોતા. તો પણ મિશેલ જાણતાં હતાં કે આખી દુનિયાની નજર એમની ઉપર છે. અને એ માત્ર ફર્સ્ટ લેડી જ ન હતા, પણ પ્રથમ આફ્રિકન-અમેરિકન ફર્સ્ટ લેડી હતાં, એટલે એમની ઉપર બધાની ચાંપતી નજર હશે, અને એ કોઈ ભૂલ કરે એની રાહ જોઈને બેઠા હશે. ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિનટ્ને એમને સંભવિત મુશ્કેલીઓ વિષે સાવચેત કરેલાં. એમાં એક હતું કે શાસનનાં અજેન્ડામાં બહુ માથું નહીં મરવું. વકીલ તરીકે એમનાં અનુભવોને ધ્યાનમાં રાખીને હિલેરીને આરોગ્ય અને બીજા મુદ્દાઓની નીતિઓ ઘડવામાં ભાગ લેવો હતો, તે માટે એમની ઘણી નિંદા થઈ હતી. એમનો અનુભવ હતો કે જનતાને ફર્સ્ટ લેડી ચૂંટાયેલા અધિકારીની જેમ વર્તે એ નહોતું જોઇતું. એટલે ભલે આમ જુદા હોય, પણ શાસનની નીતિઓમાં મદદરૂપ થાય એવાં કાર્યો મિશેલ બહુ સાવચેતીથી હાથમાં લેતાં. અમેરિકન છોકરાઓમાં મેદસ્વીપણાની સમસ્યા વધતી જતી હતી અને છેલ્લા ત્રીસ વરસમાં એનું પ્રમાણ ત્રણઘણું થઈ ગયું હતું, એટલે દર ત્રણ છોકરાઓમાં એક છોકરાનું વજન ઘણું વધારે હોય. એને નાથવા મિશેલે ‘લેટ્સ મૂવ!’ની ઝુંબેશ ઉપાડી. મિશેલને વાઇટ હાઉસમાં બગીચો બનાવવો હતો, જે આ ઝુંબેશનું કેન્દ્ર બન્યું. આ બગીચો માત્ર તાજું અને સાત્વિક ખાવાનું પ્રોત્સાહન આપવા માટે ન હતો, પણ એ મિશેલના વાઇટ હાઉસને કિલ્લાને બદલે ઘર જેવું બનાવવાના પ્રયત્નોમાં પણ મદદરૂપ હતો. થોડી વાટાઘાટો થઈ ને બગીચાની યોજના માટે વાઇટ હાઉસની સાઉથ લૉનમાં ૧૧૦૦ સ્ક્વેરફૂટ જમીન ફાળવવામાં આવી. વસંતઋતુ આવી એટલે મિશેલ અને એક સ્થાનિક સ્કૂલ, બાનક્રોફટ એલિમેંટરી સ્કૂલના પંચમી કક્ષાના વિદ્યાર્થીઓએ ખૂરપીઓ અને પાવડા લઈને વાવણી માટે જમીન તૈયાર કરી. થોડાં અઠવાડિયાં પછી, પત્રકારોની હાજરીમાં ગાજર, લેટ્સ, કાંદા, પાલખ, બ્રોકોલી, વરિયાળી, કાલર્ડ ગ્રીન્સ (એક જાતનું કોબીચ જેવુ શાક), વટાણા, જુદા-જુદા (બોર જેવા) ટેટાઓના છોડ અને સ્વાદ માટે વપરાતી એનેક જડીબુટ્ટીઓની વાવણી કરી. પ્રેસે બગીચાની વાવણીને સારો એવો પ્રતિભાવ આપ્યો, જે આ ઝુંબેશ માટે ફાયદાકારક હતું. પણ એની સાથે એક ચિંતા પણ ઊભી થઈ; જેમ દરેક માળી જાણે છે, બિયાં નાખ્યાં છે એટલે શાકભાજી ઊગશે જ, એવું નક્કી નહીં. જો બગીચો સાથ ન આપે તો પ્રેસ શું કરશે એની કલ્પના મિશેલ સહેલાઈથી કરી શકતાં. અને ફર્સ્ટ લેડી તરીકેની એમની શરૂઆત જ શરમજનક થશે. પણ સદનસીબે બધાં શાકના રોપાઓને એમનો ભાગ ભજવ્યો. દસ અઠવાડિયાં પછી ૯૦ પાઉન્ડનો પહેલો ફાલ ઉતર્યો અને વાઇટ હાઉસમાં જમવામાં પીરસાયા. મિશેલે વાઇટ હાઉસ છોડ્યું ત્યારે એ બગીચામાંથી વર્ષે ૨૦૦૦ પાઉન્ડ શાક-ભાજી ઉતરતાં હતાં.
૧૧) એક અંગત મુલાકાત અને એક કડવું સૂચન
પણ એ કર્યું એટલે જાણ્યું કે એ બહુ યોગ્ય ન હતું. રાષ્ટ્રપતિની મોટરકેડને લીધે ન્યુ યોર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક રોકવો પડ્યો, અને રેસ્ટરૉમાં અને નાટ્યગૃહમાં લોકોએ સુરક્ષા તપાસ કરાવવી પડી. એ શરમજનક તો હતું જ, પણ પ્રેસમાં નકારાત્મક અહેવાલો માટે દરવાજો ખૂલી ગયો. બીજી વાર ચૂંટાયા હતા અને એની શરૂઆતમાં ઓબામા પરિવાર વાઇટ હાઉસથી ટેવાઇ રહ્યા હતા, પણ મિશેલને હજી સમજણ નહોતી પડતી કે એમના પ્રેસમાં આવતા અહેવાલો વિષે એ શું કરી શકે. એમની વ્યગ્રતાનું એક ખાસ કારણ હતું, મીડિયાનાં માધ્યમો એમના પતિ વિષે અધમ અફવાઓ ફેલાવી રહ્યાં હતાં. એમનું કહેવાનું હતું કે એમના જન્મસ્થળ વિષે એમણે ખોટી માહિતી આપી છે, અને કોઈક રીતે એમણે ખોટો જન્મનો દાખલો ઊભો કર્યો છે અને એ જ રીતે હવાઈનાં છાપાંઓમાં એમના જન્મનો ખોટો અહેવાલ છાપાવ્યો છે. આ આરોપો દુઃખદ તો હતા જ પણ એ બરાકને હિંસાત્મક ધમકીઓ આપતા ખતરનાક લોકોને પ્રોત્સાહિત પણ કરતા હતા. ૨૦૦૮ની સાલથી આ અફવા વહેતી તો હતી જ, પણ ૨૦૧૧ના શિયાળામાં જ્યારે એણે વળી પાછો વેગ પકડ્યો, ત્યારે એક વ્યક્તિએ સેમીઑટૉમેટિક રાઈફલથી વાઇટ હાઉસના રહેણાંકીય ભાગ પર ગોળી ચલાવી. મહિનાઓ સુધી સમારકામ નહોતું થઈ શક્યું, અને એ આખો વખત મિશેલનાં વાંચનકક્ષની બુલેટ-પ્રૂફ બારીમાં નિશાન દેખાયા કર્યું. એ ગોળીનું ભદ્દું ચિન્હ એક પ્રતીક હતું, શિષ્ટાચાર અને સુરક્ષા કાર્યપ્રણાલીની જરૂરિયાતનું ચિન્હ. એક વરસ પછી, મિશેલે બંદૂકોને લીધે થતી હિંસા વિરુદ્ધ ઝુંબેશ ઉપડવાનું નક્કી કર્યું. જાનુયારી ૨૦૧૩ની શપથ વિધિમાં ૧૫ વર્ષીય હાદિયા પેંડલટેન પણ હાજર હતી. થોડાક દિવસો પછી, શિકાગોમાં, એ બંદૂકની ગોળીનો ભોગ બની અને મૃત્યુ પામી; શિકાગોમાં એ માહિનામાં આવી હિંસાનો ભોગ બનેલી વાયક્તિઓમાં એ ૩૬માં ક્રમે હતી. મિશેલ હાદિયાની અંતિમવિધિમાં હાજર રહ્યાં, અને પછી એમણે એમના ચીફ ઑફ સ્ટાફને શિકાગોના મેયર, રાહામ ઈમેનુયાલની સાથે રહીને શહેરના આ જોખમી વાતાવરણમાં રહેતા છોકરાઓને મદદ કરવાનું સોંપ્યું. મિશેલ સ્થાનિક નેતાઓને મળ્યાં, અને બધાના સહિયારા પ્રયત્નોથી શહેરમાં યુવાઓ માટેના કાર્યક્રમો માટે ૩૩ મિલ્યન ડોલર ભેગા કર્યા. મિશેલે શિકાગોની સાઉથ સાઇડમાં સ્થિત હારપર હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને વાઇટ હાઉસ આવવા માટે અને હાવર્ડ યુનિવર્સિટીની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું. ફર્સ્ટ લેડીના આવકારથી કોઈના પ્રશ્નોનો ઉકેલ નહોતો આવવાનો. પણ એમને એ છોકરાઓને બહેંધારી આપવી હતી કે તમે સાઉથ સેઈડના હોવ એનો અર્થ એ નહિ કે તમારા નસીબને મહોર લાગી જાય છે. આવા અસામાન્ય વાતાવરણમાં છોકરાં ઉછેરવા કે બરાકના અજેન્ડામાં રહીને પોતાનો અવાજ કાયમ રાખવો, સહેલું ન હતું. પણ મિશેલ એ કરી શક્યાં એનો એમને ગર્વ છે. શરૂઆતમાં એમના મનમાં શંકા થતી હતી કે તેઓ આ નિભાવી શકશે કે નહી. પણ ફરી એક વાર “હા, હું કરી શકીશ” ના વિશ્વાસ સાથે એ આગળ વધ્યાં. તેમ છતાં, મિશેલને રાજકરણ નથી ગમતું અને કોઈ પણ હોદ્દા માટે ચૂંટણીમાં ઊભા રહેવાની એમની સહેજે ઈચ્છા નથી.
ઉપસંહાર
એમના જીવન ઉપર નજર નાખે તો વાઇટ હાઉસમાં ગાળેલા એમના સમયને મિશેલ સફળ ગણાવે છે. એમના ‘લેટ્સ મુવ!’ ઝુંબેશ અંતર્ગત ૪૫ મિલ્યન છોકરાઓને શાળાઓમાં સાત્વિક ભોજન મળતું થયું અને નિશાળ પૂરી થયા પછી જે આને સંલગ્ન કાર્યક્રમો હતા એમાં પણ ૧૧ મિલ્યન છોકરાઓ જોડાયા હતા. તેની સાથે, ‘જોઇનિંગ ફોરસિસ’ ઝુંબેશ થકી ૧.૫ મિલ્યન નિવૃત્ત સૈનિકો અને એમનાં પતિ/પત્નીઓને નોકરીઓ મેળવવામાં મદદ મળી. તે ઉપરાંત, આખી દુનિયામાં છોકરીઓ માટે સ્કૂલનો પ્રવેશ-માર્ગ અનુકૂળ બનાવવા માટે અને શિક્ષાને લીધે સામર્થ્ય પ્રાપ્ત થાય તે માટે એમણે ‘લેટ ગર્લ્સ લર્ન’ ઝુંબેશ ઉપાડી અને અબજો ડૉલરનું ભંડોળ ભેગું કર્યું. નિઃસંદેહ આ સિદ્ધિઓ મહાન છે. પણ મિશેલને મન આ બધા કરતાં પણ મોટી એક સિદ્ધિ છે, કે ઘણો સમય માંગી લે એવા સાર્વજનિક હોદ્દા ઉપર હોવા છતાંય, એ અને એમના પતિ, બે અદ્ભુત પુત્રીઓને ઉછેરી શક્યાં.
સારાંશ
આ પ્રતિબદ્ધતાની વાત છે, ધ્યેય સુધી પહોંચવાની વાત છે, કંઈક કરી છૂટવાની વાત છે. આ પુસ્તકમાં વાચકોને એક અસાધારણ મહિલાના અંગત અને વ્યવસાયિક જીવનમાંથી ઘણું જાણવા મળે છે; એક એવી મહિલા જેણે પોતાના લાલિત્યથી અને નિષ્ઠાથી ઘણાને પ્રભાવિત કર્યા છે.
મુખ્ય મુદ્દાઓ: ૧ બાલ્યાવસ્થા અને પરિવાર: મિશેલ ઓબામા સાઉથ સાઈડ શિકાગોમાં એમના ઉછેરની વાત કરે છે. એમનાં માતા-પિતા શિક્ષણ અને સામાજિક ભાઈચારાનાં મૂલ્યો ઉપર ઘણો ભાર મૂકતાં હતાં. મિશેલ ઉપર એનો શું પ્રભાવ પડ્યો એનું પણ વર્ણન આ પુસ્તકમાં છે. ૨ ભણતર અને વ્યવસાય: એ પ્રિનસ્ટ્ન યુનિવર્સિટી અને હાવર્ડ લૉ સ્કૂલ સહિત પોતાની શૈકક્ષણિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરે છે. વકીલ તરીકે એમની શરૂઆતની કારકિર્દી અને સાર્વજનિક કર્યો માટે એમની ઉત્કંઠાની વાત કરે છે. ૩ બરાક ઓબામાની મુલાકાત આ પુસ્તકમાં મિશેલ અને બરાક કેવી રીતે મળ્યાં અને નજીક આવ્યા, એ વાત કરાઈ છે. સાથે-સાથે સામાજમાં અને રાજકારણમાં બદલાવ લાવવાની બંનેની મહેચ્છાની વાત પણ આ પુસ્તકમાં થઈ છે. ૪ વાઇટ હાઉસનું જીવન લેટ્સ મુવ અને રીચ હાયર જેવી ઝુંબેશોની વાત કરીને અને સતત લોકોની નજરમાં રહેવાના પડકારો અને એના લાભોને આપણી સમક્ષ લાવીને, મિશેલ ઓબામા ફર્સ્ટ લેડી તરીકે એમના જીવનની એક ઝલક આપણને આપે છે. ૫ અંગત સંઘર્ષો એ નિખાલસપણે એમના અંગત સંઘર્ષોની ચર્ચા આ પુસ્તકમાં કરે છે, પછી એ પરિવારિક અને જાહેર જીવન વચ્ચે સંતુલન બનાવી રાખવાની વાત હોય કે એમણે અનુભવેલા જાતિવાદના અને વર્ગીકરણના ભેદભાવની.
નોંધપાત્ર સુવાક્યો:
મારે કઈક ‘બનવા’ માટે કશેક પહોંચવાનું કે કોઈ લક્ષ્ય સિદ્ધ કરવાનું પર્યાપ્ત નથી. પણ એને લીધે મને આગળ વધવાની પ્રેરણા મળે છે, એ મારી વિકાસ પ્રક્રિયાનું માધ્યમ છે, સતત પોતાની જાતને બહેતર બનાવવાનો માર્ગ છે.
મહેનત કરવવાનો એક જ રસ્તો છે, મારી કાર્યક્ષમતા માટે સંદેહ ઉઠાવવો.
હું ભાગ્યશાળી છું કે મને વિપુલ માત્રામાં અસમાન્ય અને પ્રવીણ લોકો મળ્યા છે.......અને હું જે શીખી છું તે છે કે: એ બધાને શંકા કરનારાઓ તો મળે જ.
મોટા વાયક્તિઓ બાળકોને ઘણીવાર પૂછે છે.......મોટો થઈને શું બનીશ? મારા મંતવ્યમાં આ સૌથી વ્યર્થ પ્રશ્ન છે. જાણે કે મોટા થવાની પ્રક્રિયાની કોઈ મર્યાદા હોય. તમે કશુક બની જાવ એટલે ત્યાં અંત નથી આવતો.