કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૮. બધું જ બધા માટે

From Ekatra Wiki
Revision as of 16:37, 18 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બધું જ, બધા માટે

તમે મચ્છી ખાઓ કે ભાત
ચાહે માંસ ખાઓ
ચાહે ધાન્ય
જમીન પર કૂદકે કૂદકે દોડતી
મરઘીની ટાંગ ખાઓ
કે પછી જમીનથી ઊંચે ઝળુંબતાં
લેલૂંબ ફળ
ઈંડાં ખાઓ કે બટાકા
બધું પચી જાય
તમને એવી મજબૂત હોજરી મળી છે.

તમે દિવસે ઊંઘો કે રાતે
ચાહે સપનાં જુઓ
ચાહે ટી.વી.
દીવાલ પર ગોળ ગોળ સરકતી
ગરોળીની જાંઘ જુઓ
કે પછી મલઇકાની છાતી
બધું ગમી જાય
એવી આંખ મળી છે તમને.

તમે ઓજાર રાખો કે હથિયાર
ચાહે રંધો હથોડો ખુરપી રાખો
ચાહે AK ૪૭
ટેબલ પર કમ્પ્યૂટર રાખો
અને કબાટમાં પુસ્તક
સતત છાતી સાથે જડી રાખો મોબાઇલ
પાસે ઊભેલા માણસની વાત સાંભળવા
કાનમાં ઇયરફોન રાખો
બધું રાખી શકાય
તમને એવી સગવડ મળી છે.

તમે ઊભા રહો કે ચાલો
રસ્તો મળી ગયો છે
એમ માની ચાલ્યા કરો
કે રસ્તો જડતો નથી
એમ માની ઊભા રહો
આજુબાજુ વૃક્ષો ઊભાં છે
એમ તમે પણ ઊભા રહો.
જરા ખસીને, રસ્તાની ધારે
જેથી ચાલનારાં વાહનોને મુશ્કેલી ન પડે
આટલું તો તમે કરી શકો
એવી સમજણ જરૂર મળી છે તમને.

તમે મૂંગા રહો કે બોલો
બધું સરખું છે
તમે હા પાડો કે ના
કોણ પૂછે છે?