ભાષા, સમાજ અને સાહિત્ય/આદિલેખન અને સાહિત્ય

From Ekatra Wiki
Revision as of 17:38, 28 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આદિ લેખન અને સાહિત્ય

મનુષ્ય ટોળી બાંધી રહેતાં શીખ્યો ત્યારે, વિદ્વાનોના અનુમાન મુજબ, પોતપોતાની ટોળીની ઓળખ માટે તેણે કોઈક સંજ્ઞા યોજેલી. તેની માલિકીના જૂજજાજ સરંજામને, ઢોરઢાંખરને આવી કોઈ સંજ્ઞા વડે અંકિત કરેલાં. અન્ય ટોળીના માણસોય તેમને અને તેમના ઢોરઢાંખરને ઓળખી શકે તે માટે ટોળીએ નિશ્ચિત કરેલી સંજ્ઞા- મીંડું, વૃક્ષ કે પક્ષી, સૂર્ય કે ચાંદ—માત્ર જરૂરિયાતમાંથી ઊભી થયેલી. એ લખાણ નહોતું. ટોળીમાં વસનાર મનુષ્યની આગવી મિલકત કાંઈ નહોતી. તેનાં ઢોરઢાંખર પણ સમગ્ર ટોળીનાં જ ગણાતાં, આખી ટોળીનાં બધાં જ સભ્ય તેના નાયકની આણમાં રહેતાં અને ટોળીની બધી મિલકતનો માલિક પણ એ જ ગણાતો. સમય જતાં સંરકૃતિના વિકાસ સાથે ગામ અને શહેરો વિકસ્યાં, ખેડૂત અને પશુપાલક ઉપરાંત કલાકારીગરી જાણનાર વર્ગ પણ ત્યાં ઊભો થયો; એટલે પ્રત્યેક કુટુંબને પોતપોતાની ઓળખ પૂરતી સંજ્ઞાની જરૂર ઊભી થઈ, પોતાની માલિકીની વસ્તુને એ કુટુંબની સંજ્ઞાની મુદ્રા (મહોર) વાગતી. કોઈ ગાંસડી બાંધી તેની ગાંઠ ઉપર માટીનો લચકો ચોંટાડી તેના ઉપર સીલ લગાવવામાં આવતું; તો ઢોરઢાંખરને ડામ દઈ એવું ચિહ્ન કાયમી બનાવાતું, જેમ જેમ લેવડદેવડનો વ્યવહાર અને વેપાર વધતો ગયો તેમ તેમ હિસાબ રાખવાની જરૂર પણ ઊભી થઈ અને જુદી જુદી અંકસંજ્ઞાઓ પણ વિકસી. શરૂ શરૂનાં શહેરો ધર્મપ્રધાન હતાં, પ્રત્યેક ગામને પોતાનોને દેવ હતો અને દેવનું મંદિર હતું. વળી મંદિરમાં આવતી અનેક જણસોને હિસાબકિતાબ કેમ રાખવો એ સમસ્યા હતી. મંદિરનાં ઢોર સૂચવવા બળદની સંજ્ઞા પૂરતાં એ શિંગડા ચીતરી દેવામાં આવે કે પાત્ર માટે ખાલી વાડકી કે તપેલીનું ચિત્ર કરવામાં આવે વગેરે. કુટુંબના સીલને બદલે દેવનું સીલ થયું. એ દેવ એટલે ગામનો દેવ. આમ આવું સીલ કે અંકિત સંજ્ઞા ગામનું નામ પણ સૂચવે. મંદિર શબ્દ સૂચવવા દરવાજો કે છાપરા જેવી નિશાની રહે અને ગામ સૂચવવા એ નિશાની સાથે અન્ય કોઈક સંજ્ઞા જોડવામાં આવે. દરવાજાની નિશાની કરી તેના ઉપર સૂર્યનું ચિહ્ન હોય તો તે ‘લારસા’ સૂર્યના મંદિરવાળું ગામ સૂચવે. વળી સૂર્યને બદલે ‘તારા'ની સંજ્ઞા કરી હોય તો તેનાથી ઉરુક શહેર સૂચવાતું. આમ ચિત્રરેખાંકનો પદાર્થો તેમ જ ગામ સૂચવવા વપરાતાં થયાં. ઈ.સ. પૂર્વે તેત્રીસસો વર્ષને અંદાજે વિદ્યમાન શહેર જમદાત નાસ્રમાંથી મળી આવેલી માટીની તકતીઓ ઉપર આવા પ્રકારનાં નિશાન હતાં. એ ભાષા નહોતી. એ જમાનાની પ્રાથમિક શહેરી સંસ્કૃતિનું એટલા જ લખાણથી કામ નભી રહેતું. ચિત્ર ફક્ત પદાર્થ જ સૂચવતો. તેમાં ભાષાનાં અન્ય અંગો નહોતાં, ચિત્ર ધ્વનિ સાથે જોડવામાં આવ્યાં નહોતાં. ચિત્રને ધ્વનિ સાથે જોડવા ક્રિયા પાછળથી ઉદ્ભવી અને સુમેર અને બૅબિલોનની પ્રજા તેમ જ ઈજિપ્તવાસીઓએ સ્વતંત્ર રીતે એ સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાનું જણાય છે. રેખાંકન પદાર્થના નામને બદલે ધ્વનિ સૂચવતું થયું ત્યારે જ બોલાતી ભાષાનાં બધાં જ અંગોને ધ્વનિને આધારે સાંકળવાનું શક્ય બન્યું. કેટલીક ભાષામાં બધાં જ અંગોને ધ્વનિને આધારે સાંકળવાનું શક્ય બન્યું. કેટલીક ભાષામાં સામાન્યતઃ એક જ ધ્વનિવાળા શબ્દ અનેક અર્થો સૂચવતા હોય છે. આવા શબ્દો અંગ્રેજીમાં હોમોનિમ કહેવાય છે. તેની મદદથી ભાષા કયા પ્રકારે વિકસી તે સમજવા ઈ.સ.પૂર્વે ૩૩૦૦ની સાલની એક જ માટીની તકતીનો દાખલો લઈએ. તેમાં ‘એન-લિલન્તી’ લખાણ છે. ‘એન-લિલ'નો અર્થ ઈશ્વર અને ‘તી'ના બે અર્થ જીવન અને બાણ થાય છે. ‘એન-લિલ’નો અર્થ ઈશ્વર અને ‘તી’ના બે અર્થ જીવન અને બાણ થાય છે. એન-લિલ એટલે કે ઇશ્વરની સંજ્ઞાની સાથે બાણનું ચિહ્ન આંકી, ‘એન-લિલ-તી' શબ્દ બનાવ્યો. તેનો અર્થ થયો ઈશ્વર જિવાડે છે. આમ ‘બાણ' જેવા નામ સૂચવનાર શબ્દ ધ્વનિને આધારે જીવન જેવું ભાવવાચક નામ, અને તે દ્વારા ક્રિયાપદ દર્શાવતો થઈ ગયો. સુમેરિયામાં આવાં અંકનો ભીની માટી ઉપર અણીદાર સાધનથી કોતરવામાં આવતાં. એવાં અંકનો કીલાક્ષરને નામે ઓળખાય છે. તેમાં વળાંક આવતા નથી. આડી, ઊભી અને ત્રાંસી રેખાઓ હોય છે. તેનું કારણ એ પણ હોઈ શકે કે ભીની માટી ઉપર વળાંકો ચીતરવામાં મુશ્કેલી પડતી હોય. એક વાર આ પદ્ધતિ કારગત નીવડે છે એમ જણાયું કે, સુમેરિયાની આજુબાજુના ઘણા પ્રદેશો અને ગામોમાં તેનો વપરાશ શરૂ થયો. અક્કાડ, બૅબિલોન, ઍસીરિયા અને અન્ય લોકોમાં આ પ્રકારની લિપિનો પ્રચાર થયો. ઇ.સ. ૧૧૭૧ પહેલાં ઇલામના લોકોએ ભૌતિક રેખાંકનોની એક લિપિ વિકસાવી હતી. પરંતુ ત્યાર બાદ તો તેમણે પણ વિજેતા–રાજ્યની બૅબિલોનની જ લિપિ સ્વીકારી લીધી. સમય જતાં આ લિપિને શક્ય તેટલી સરળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. સમય જતાં આર્મિયન અને ખાલ્ડિયન તેમ જ ઇરાનના લોકોએ પણ તે સ્વીકારેલી. બૅબિલોનમાં આવતા જતા અનેક પ્રદેશોના લોકોની સગવડ માટે જુદા જુદા પ્રદેશોમાં બોલાતી ભાષાઓને જુદી જુદી લિપિમાં સૂચવતાં અંકનોની સંદર્ભસૂચક તકતીઓ પણ બૅબિલોનમાંથી મળી આવી છે એ જમાનાની કીલાક્ષરી લિપિ આંતરરાષ્ટ્રીય હતી. છેક ઇજિપ્ત સુધી તેનો વપરાશ થતો હતો એવું તેલ-અલ અમર્નાથી મળી આવેલા શિલાલેખો સૂચવી જાય છે. આમ મેસોપોટેમિયાવાસીઓએ માટીની ઈંટો પાડી તેના ઉપર અણીદાર સાધનથી કીલાક્ષરો લખ્યા, આવી ઈંટો ઉપર લખવામાં સુગમતા હતી. ઓછા જોરે, ઘરને છાંયડે બેસી નિરાંતે લખાતું. લખવામાં ભૂલ થાય તો ભીની માટી ઉપર એ સહેલાઈથી સુધારી શકાતું. એવી ઈંટો સુરક્ષિત સ્થળે સંઘરી શકાતી. પથ્થરના ખડક કે ઝાડના થડ ઉપર અક્ષરો કોતરવા કરતાં આ સહેલું હતું, વળી પથ્થર ઉપર તો ભુલ થાય તો સુધારવુંય મુશ્કેલ હતું.

ઈ.સ. પૂર્વે ચારેક હજાર વર્ષ પૂર્વે ઇજિપ્તમાં બે પ્રકારની ચિત્રલિપિ વપરાતી હતી. તેમાંની એક હિઅરોગ્લાઈફિક અને બીજી હિએરેટિક. પહેલીનો વપરાશ ધર્મસ્થળોમાં રાખવામાં આવતા સાહિત્યમાં થયેલો, જ્યારે બીજાનો વપરાશ પેપિરસ ઉપર લખાણ લખવામાં થયેલો. ઈ.સ. પૂર્વે સાતમી સદીમાં એક સરળ લિપિ— ‘ડેમોટિક’ ઉદ્ભવી હોવાનો ઉલ્લેખ હિરોડોટ્સે કરેલો છે. ઈ.સ.ની પાંચમી સદી સુધી તેનું ચલણ રહેલું. તેમાં શબ્દો, ધ્વનિ, વિભક્તિ વગેરે માટે સંજ્ઞાઓ હતી. ઇજિપ્તવાસીઓએ ચિત્રલિપિમાં સાહિત્ય તો વિકસાવ્યું જ પણ તેની નોંધ રાખવા સુંદર પદાર્થ પણ તેમને મળી આવ્યો. તેમણે પાણીમાં ઊગતા બરુ જેવા એક છોડના રેસાઓના ઉપયોગ કર્યો પ્રથમ તો રેસાઓને પાસે પાસે ઊભા મૂકી વેંત જેટલી પહોળાઈ લાવતા. પછી બીજા રેસાઓને તેમાં આડા પરોવી સાદડી જેવું બનાવી પાણીમાં તેમને સારી પેઠે કૂટતા. આમ, કુટાઈ કુટાઈને એ રેસાઓની પાતળી ચાદર બની જતી. એને તેઓ પેપિરસ કહેતા. આજે અંગ્રેજીમાં વપરાતો શબ્દ 'પેપર' ઇજિપ્તના પેપિરસ ઉપરથી નીકળ્યો છે. એ ચાદરની પહોળાઈ માત્ર આશરે ત્રીસ સેન્ટિમીટર હોય તોય, એક નીચે એક એમ ટુકડા સંધાડી ગમે તેટલી લંબાઈ રાખી શકાતી. તેમને બરાબર કાટખૂણે લંચોરસ કાપી તેના ઉપર લખવામાં આવતું. પછી તેના ઉપરના અને નીચેના છેડે એ ગોળ લાકડીઓ ચોડી નકશા જેવું બનાવવામાં આવતું. આવા નકશાને રોમન લોકો ‘વોલ્યુમેન' કહેતા. અંગ્રેજી શબ્દ ‘વોલ્યુમ' તે આવો પેપિરસના લખાણવાળો નકશો કે વીંટો સૂચવે છે. ઈજિપ્ત પાસેથી ફોએનિશિયા અને ત્યાંથી યુરોપના દેશોમાં ખાસ કરીને ગ્રીસ અને રોમમાં પેપિરસનો ધીકતો ધંધો ચાલતો. આ ધંધાનું મુખ્ય મથક બિબલો નામે શહેર હતું. કાળક્રમે ‘બિબલો'નો અર્થ જ પેપિરસનો વીંટો એમ થઈ ગયું, જેના ઉપરથી અંગ્રેજી શબ્દ ‘બુક' બન્યો, યુકિલડનું પુસ્તક ચોથું—એનો અર્થ એટલો જ કે પેપિરસના ચોથા વીંટામાં યુકિલડે લખેલું લખાણ. ગ્રીક લોકોએ પેપિરસ ઉપરાંત બીજાં સાધનોનો ઉપયોગ પણ કરેલો. તેમણે ઝાડની છાલ અજમાવી જોયેલી. સાપની ચામડી ઉપર પણ લખવા પ્રયત્ન કરેલો. ‘ઇલિયડ' અને ‘એડિસી’નાં મહાકાવ્યો મૂળે ચામડાં ઉપર લખાયેલાં. ચામડાં પેપિરસ કરતાં વધારે ટકાઉ નીકળતાં. હજી થોડા સમય પહેલાં જ કેટલાક વીંટા મૃતસમુદ્રની આજુબાજુથી દટાયેલા મળી આવ્યા છે, તેમને કોઠીઓમાં મૂકેલા. એવી દટાયેલી કોઠીઓમાંના ચામડાના વીંટા ઉપર બાઈબલના જૂના કરારનું લખાણ લખાયેલું હતું. ઘેટાં, બકરાં વગેરે જાનવરોનાં ચામડાંને સાફ કરી તેમના ઉપર પણ પુસ્તકો લખતાં. પહેલવી ભાષા તો મોટે ભાગે ચામડા ઉપર જ લખાતી. પહેલવીમાં ચામડું પોસ્તોક કહેવાય છે. સંસ્કૃત શબ્દ ‘પુસ્તક' એ ‘પોસ્તોક' ઉપરથી નીકળ્યો છે.

ઈ.સ.ના ત્રીજા સૈકામાં પુસ્તકોનું સ્વરૂપ બદલાયું. જોશીના ટીપણા જેવા લાંબા વીંટાનું સ્થાન પાટિયાએ લીધું. વીંટાને બદલે પેપિરસના એકસરખા ટુકડા પાટિયાના પૂંઠા સાથે ટાંકાથી સીવી લેવામાં આવતા. ત્યાર બાદ યુરોપમાં ખ્રિસ્તી મઠોએ ગ્રીક અને રોમન સાહિત્યને જીવતું રાખવા પ્રયત્ન કરેલો. મઠમાં રહેતા સાધુઓએ વર્ષોં સુધી લહિયાનું કામ કરેલું. તેમણે લખાણની બાજુની ખાલી જગામાં જાતજાતનાં ચિતરામણ કરેલાં. એવાં શણગારેલાં પુસ્તકોમાં ઠાંસી ઠાંસીને તેમણે કળાસંભાર ભરેલો.

ઈ.સ. પૂર્વે ૨૮૦૦ની આસપાસ શહેનશાહ કુંહાઈના જમાનામાં ચીનમાં ચિત્રલિપિ વિકસેલી. તેમણે શરૂશરૂમાં લખવા માટે ચપટાં હાડકાં, કાચબાની પીઠ અને વાંસની ચીપોનો ઉપયોગ કરેલો. સરળતા ખાતર એ લખાણ ઉપરથી નીચે વંચાય એવી રીતે લખવામાં આવતું. તેનું કારણ સ્પષ્ટ જ હતું. હાડકા કે વાંસની પટ્ટી એટલી પહોળી ન હોય. અન્યાંગ પ્રદેશમાંથી શાંગ વંશના સમયનાં આવાં હાડકાં મળી આવ્યાં છે. તે પૈકી જૂનામાં જૂનાં લખાણ ઈ.સ. પૂર્વે ૧૪૦૦માં થયાં હોવાનું જણાય છે. શાંગ સમયની ચિત્રલિપિમાં ૨૫૦૦ જેટલાં ચિત્રાંકન હતાં. ચાઉ રાજાઓના સમયમાં (ઈ.સ. ૧૦૫૦-૭૦) ચિત્રાંકનોની સંખ્યા ૧૦૫૦ની હતી. ઈ.સ. પૂ. ૧૦૦ના અરસામાં રાજા હો તીના જમાનામાં ચીનમાં ત્સાઈલુન નામના માણસે કાગળની શોધ કરી. શેતૂર વૃક્ષની છાલને કૂટી તેના માવામાંથી તેણે કાગળ બનાવ્યેા. તેની આ શોધથી રાજા એટલા બધા પ્રભાવિત થયા કે તેણે તેને ઉમરાવપદ બક્ષેલું ને તેના મૃત્યુ પછી તેની યાદમાં એક મંદિર બંધાવેલું. થોડા સૈકા વીત્યા બાદ મુસ્લિમ સંસ્કૃતિ સ્થપાઈ ત્યારે ચીનના કાગળનો વેપાર ધમધોકાર ચાલતો હતો. આજે સિનક્યાંગ નામનો પ્રદેશ છે તે એ સમયે ચીની તુર્કસ્તાન કહેવાતો. ત્યાં ચીના લોકોએ કાગળ બનાવવાનું કારખાનું નાખેલું. કાગળ શોધાયા પહેલાં ચીની લોકોએ રેશમ ઉપર લખવાનો અખતરો પણ કરી જોયેલો. એ અખતરો સફળ થયેલ પણ રેશમ મોઘું પડતું એટલે કાગળની શોધ થતાં કાગળનો વપરાશ વધ્યો. ઈ.સ. ૭૫૧માં ચીને સમરકંદ ઉપર હુમલો કર્યો. સમરકંદના મોગલોએ તેમનો સામનો કર્યો અને કેટલાક ચીનાઓને યુદ્ધકેદી તરીકે પકડ્યા. તેમણે અરબ પ્રદેશોને કાગળ બનાવતાં શીખવ્યું ત્યાર બાદ ક્રમશઃ કાગળ બનાવવાની વિદ્યા જગતમાં પ્રસરી. ભારતમાં સિંધુ ખીણના વિસ્તારોમાં ઈ.સ. પૂ. ૨૦૦૦ના અરસામાં ચિત્રાકારોવાળી લિપિ વપરાતી હતી. ત્યાર બાદ એક હજાર વર્ષે બ્રાહ્મી લિપિ વિકસી. એ હજાર વર્ષના ગાળાની ખૂટતી કડી હજી સુધી મળી આવી નથી. ભારતમાં સાહિત્ય ઠીક ઠીક જૂના સમયથી લખાતું આવેલું. ભારત પાસે નહોતા કાગળ કે નહોતા પેપિરસ. ભારતમાં પુસ્તકો તાડપત્ર ઉપર લખવામાં આવતાં. તાડપત્રનાં એકસરખી સાઈઝનાં સૂકાં પાન કાપી તેના ઉપર અણીદાર સળી વડે અક્ષરે કોતરવામાં આવતા. આ કાતરેલા અક્ષરોને વાંચવા તેના ઉપર બારીક કાળી રેતી ભભરાવવામાં આવતી. અક્ષરના કોરાયેલા ખાડામાં રેતી ભરાઈ જાય એટલે અક્ષર સરસ રીતે વંચાતા. આખું પુરતક લખાઈ રહે એટલે તાડપત્રમાં એક કોરી રાખેલી જગ્યાએ કાણું પાડી તેમાં દોરી પરોવી દોરીની ગાંઠ બાંધી લેવામાં આવતી. ગાંઠને સંસ્કૃતમાં ગ્રંથિ કહે છે. તેના ઉપરથી પુસ્તક માટે ‘ગ્રંથ' શબ્દ વપરાતો થયો. કાગળ, પેપિરસ કે માટીની તકતીઓ ઉપર સૌ પ્રથમ કયું સાહિત્ય લખાયું હશે ? ખાસ કરીને લેવડદેવડ અને હિસાબકિતાબનું, પરંતુ ચિત્રલિપિ અને કક્કો વિકસ્યો, લખવાનાં સાધન મળ્યાં ત્યારે પ્રત્યેક પ્રજાએ પોતપોતાની પુરાણકથાઓને લેખનમાં પ્રથમ સ્થાન આપ્યું, આવી પુરાણકથાઓ એ માનવજાતિનો માનસિક અને આધ્યાત્મિક વારસો હતો, અને પરંપરાગત દંતકથાઓમાં સંઘરાયેલો હતો તેને હવે મૂર્તસ્વરૂપ મળ્યું. વિશ્વ અને માનવના ઉદ્ભવની દંતકથાઓ, હળ અને તીરના ઉપયોગની દંતકથાઓ, વાસણ બનાવવાની દંતકથાઓ, સૂર્ય, ચંદ્ર, તારાઓને લગતી દંતકથાઓ, મૃત્યુને લગતી દંતકથાઓ તથા સ્ત્રી અને પુરુષના સૌથી રસિક સંબંધમાંથી જન્મતા પ્રેમ-કામ-ને લગતી દંતકથાઓનો ઉપયોગ સાહિત્યમાં થયો. પ્રભુએ આ સર્વ સર્જ્યું તેવી માન્યતા અને પ્રાણીઓ તથા અચેતનને પણ વ્યક્તિત્વ છે એવી માન્યતા કેન્દ્રમાં રહેવાથી આ બધી દંતકથાઓ અને ધર્મને પહેલેથી નજીકનો સંબંધ રહ્યો છે. ઈશ્વરના કર્તુત્વ કે સર્જનના ખ્યાલની સાથે સાહિત્યના ઉદ્ભવને સંબંધ છે. ધર્મનો ખ્યાલ વિકસતાં દેવળો બંધાયાં અને જગતના ઘણા ભાગોમાં દેવળો પુસ્તકોનાં પહેલાં આશ્રયસ્થાન બન્યાં છે. બીજું સૌથી મહત્ત્વનું અને રસિક તત્ત્વ છે લોકગીતો અને દંતકથાઓ. તે વિશ્વમાં બધે એકસરખાં પ્રકારનાં મળે છે. પૂર્વ અને પશ્ચિમનાં લોકગીતો—દંતકથાઓ એ બધામાં આશ્ચર્યકારક સરખાપણું છે. ભારતીયો, પર્શિયનો, ગ્રીકો, રોમનો, સ્કૅન્ડિનેવિયનો, રશિયનો વગેરેના વડવાઓ એક જ આર્ય ટોળીના હતા. તેથી આ ગીતો તથા કથાઓમાં સરખાપણું આવ્યું હોવાનું મનાય છે. પણ ચીની કે અમેરિકન ઇન્ડિયન જેવી અનાર્ય પ્રજાઓમાં પણ આવાં સરખાં જ તત્ત્વોવાળાં ગીતો અને કથાઓ મળે છે. કદાચ એનો સંતોષકારક ખુલાસો આપવો મુશ્કેલ છે, સિવાય કે હકીકતમાં તો માનવ સદાકાળ સર્વ સ્થિતિમાં અનેક મૂળભૂત સમાન અનુભૂતિઓ ધરાવતો રહ્યો છે. આપણે ગ્રીક પુરાણની કામદેવ અને સાયકીની એક કથા જોઈએઃ સાયકી એટલી રૂપાળી હતી કે સૌંદર્યદેવી વિનસને પણ તેની ઈર્ષા આવી, વિનસે પોતાના પુત્ર કામદેવને આ હરીફને મારી નાખવા સૂચવ્યું. કામદેવ સાઇકીના રહેઠાણે ગયો, પણ તે તેના પ્રેમમાં પડયો. અંધારામાં રાત્રે તે તેને મળતો. કામદેવે સાઇકીને કહેલું કે મારું નામ જાણવાની કે મોં જોવાની ઇચ્છા તારે ના કરવી, નહીં તો કાયમ માટે હું જતો રહીશ. એક રાત્રે દીવાના પ્રકાશમાં તેણે કામદેવનું મોં જોઈ લીધું, પણ કામદેવ જાગી ગયો અને બારીમાંથી ઊડી ગયો. એ પછી તેને ઘણાં દુ:ખ પડ્યાં અને આખરે બન્ને મળ્યાં.

××

આમ, અવગણનાને પરિણામે વિરહ અને છેવટે મિલનની આવી કંઈક કથા ક્રેની અને ઓદુરની નોર્વેની દંતકથામાં અને પુરુરવા અને ઉર્વશીની ભારતીય કથામાં પણ જોવા મળે છે. આવું જ ડાયેના અને એન્ડિમિયનની કથાનું છે. આવી જ અનેક દંતકથાઓનો પ્રયોગ હોમર અને ઓવીડે જ નહીં પણ બ્રાઉનિંગ, લોંગફેલો, મેરિડિથ, વિલિયમ મોરિસ, સ્વીનબર્ન, ટેનિસન અને ખાસ કરીને બાયરન, શૈલી, કીટ્સ તથા રોઝેટીએ પોતપોતાની કૃતિઓના સર્જનમાં કર્યો છે. સાહિત્યની શરૂઆત કોઈ વ્યક્તિએ નહીં પણ સમૂહે કરી હતી. તારાની કથાઓ, બાળક માટે માએ ગાયેલું હાલરડું કે ગીત સૈકા સુધી લોકકંઠે સચવાયા પછી ઝાડની છાલ કે ચર્મપત્ર કે પેપિરસ ઉપર લખાયું હશે. એમાં ઉમેરા-વધારા થતા જ ગયા. કોઈક કુટુંબની એક વ્યક્તિની કથા આખા કુટુંબની કથા બની જાય છે અને તે કુટુંબ વિસ્તરતાં એ કથા આખી ટોળીની કથા બને છે. ક્રમશ: આવી કથાઓ સમાજની કથાઓનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, એમાં ઉત્તરોત્તર સ્વાભિમાન અને ગૌરવના પ્રસગો ઉમેરાતા જાય છે અને કવચિત્ તો તે દેવપદ પણ પામે છે. માનવજીવનના અનેક પ્રસંગો આ પ્રકારે સાહિત્ય બની રહે છે. આપણને પ્રાપ્ત થયું હોય એવું જૂનામાં જૂનું પુસ્તક ઇજિપ્તનું છે, તેનું નામ છે ‘મૃત્યુ પામેલાંઓનું પુસ્તક’ (‘બુક ઑફ ધ ડેડ’). એ પુસ્તક પિરામિડોની રચના થઈ તે સમય જેટલું જૂનું છે. એમાં દેવોને રીઝવવાના મંત્રો, સ્તુતિઓ, પ્રાર્થનાઓ અને પૃથ્વી ઉપર પાછા આવવાની વાટ જોઈ રહેલા આત્માઓના ભૂતકાળના જીવનનું પૃથક્કરણ અને તેમના અનુભવોનું વર્ણન મળે છે. મૃતાત્મા પૃથ્વી પર પાછા ફરતાં માર્ગદર્શન પામે એ દૃષ્ટિએ પુસ્તકને મૃતદેહ સાથે દફનાવવામાં આવતું. ઇજિપ્તનાં મંદિરો ત્યાંના સાહિત્યનું કેન્દ્ર હતાં અને માત્ર સાહિત્ય માટે પણ તેનો અધિષ્ઠાતા દેવ ઇજિપ્તમાં કલ્પાયેલો હતો. પુસ્તકોના ઓરડે ઓરડામાં આ દેવનું સ્થાપન થતું. એને થોથ—હર્મિસ તરીકે ઓળખવામાં આવતો. સાહિત્ય, લોકકથા, નીતિનિયમો વગેરેનું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. કોઈક મોટા માણસની હાજરીમાં કઈ રીતે વર્તવું તે અંગે ‘બુક ઑફ ધ ડેડ' માં આપેલી સૂચનાઓનો એક નમૂનો જોઈએ : “જો કોઈ મોટા માણસને ઘરે તું મહેમાન બનીને જાય, તો તે જે કાંઈ આપે તેને તારા હોઠે અડકાડી માનપૂર્વક સ્વીકાર કરી લેજે. જો તું તેની સામે બેસે તો તેના મોં સામે તાકીને જોઈ ન રહેતો. એમ કરવું આછકલાઈ દર્શાવે છે. તે તને કંઈ પૂછે નહીં ત્યાં સુધી કશું બોલીશ નહીં. તેની નજરમાં શું સારું કે ખેાટું છે તેની શી ખબર? માટે તે જે કંઈ પૂછે તેનો જવાબ આપજે. એમ કરવાથી તેની નજરે તું શાણો ગણાઈશ.”

××

‘બુક ઑફ ધ ડેડ’ ઉપરાંત ઈ. સ. પૂ. ૩૫૫૦માં થઈ ગયેલા પ્તાહ-હોતપના આદેશોનું પણ એક પુસ્તક મળી આવ્યું છે. એ પુસ્તક મૂશાના આદેશો અને ભારતીય વેદો લખાયા તેનાથી બે હજાર વર્ષ પહેલાં લખાયેલું. તેમાં આપેલા આદેશોમાં પરસ્પર મેળપૂર્વક જીવવાનો, કોઈની સાથે દુશ્મનાવટ ઊભી ન થાય તેવાં વાણી અને વર્તન રાખવાનો, રાજા હોય કે રંક તેમની સાથે કાળજીપૂર્વક વર્તન રાખવાનો વગેરે આદેશોના સમાવેશ થાય છે. મેસોપોટેમી સાહિત્યમાં પ્રલયની વાત અને ગિલગેમેશનું વીરરસ કાવ્ય એ પણ ઘણું જૂનું છે. ઈ.સ. પૂ. બે હજાર વર્ષ પર ભારતમાં વેદો રચાયા અને લગભગ એ જ સમયે ઈરાનમાં અવસ્તા સાહિત્ય રચાયું. અને ત્યાર બાદ ચારસો વર્ષે બૌદ્ધ સાહિત્ય રચાયું. લગભગ એ જ અરસામાં ચીનમાં કૉન્ફ્યુશિયસે પોતાના તત્ત્વજ્ઞાન પ્રચાર કર્યો. જગતના આદિ ગ્રંથોમાં આ બધા સાહિત્યનો સમાવેશ થઈ જાય. ત્યાર બાદ ગ્રીસનું સાહિત્ય વિકાસ પામ્યું. તેનો સુવર્ણકાળ ઍલેકઝાન્ડ્રિયાના મહારાજ્ય દરમિયાન હતો. ગ્રીસનું સાહિત્ય સર્વદેશીય છે, તેમાં ઇતિહાસ છે, તત્ત્વજ્ઞાન છે, ગણિત છે, કાવ્ય છે, નાટકો છે. સાહિત્યના એકેએક અંગને તેમણે મૌલિક રીતે વિકસાવ્યું છે. ગ્રીસના સાહિત્યને પગલે પગલે રોમન સાહિત્ય વિકસ્યું. અને એ બે સાહિત્યે આખા યુરોપને સંસ્કૃતિનું ભાથું પીરસ્યું. ભારતમાં વેદની રચના બાદ ઉપનિષદો, દર્શન, ન્યાય, સ્મૃતિ વગેરે સાહિત્ય ઇ. સ. પૂ, ૫૦૦ના અરસામાં પાંગર્યું, તો ઇરાનમાં અવસ્તા, પહેલવી અને પાઝંદ સાહિત્ય અનુક્રમે લખાયું. જગતના આદિ સાહિત્યના બધા જ ગ્રંથો સચવાયા નથી, કેટલાક કાળક્રમે નાશ પામ્યા છે તો કેટલાક યુદ્ધોમાં થતા નાશની આગમાં હોમાઈ ગયા છે, કેટલાક રાજાઓએ પુરાણા સાહિત્યનો નાશ કરાવવામાં ભાગ ભજવ્યો છે, જેનો ઇતિહાસ જાણીતો છે.