ભાષા, સમાજ અને સાહિત્ય/સંરચનાવાદી ભાષાવિજ્ઞાન—સુસુરથી ચોમ્સ્કી

Revision as of 02:39, 29 November 2023 by Meghdhanu (talk | contribs)


પરિશિષ્ટ : ૨

સંરચનાવાદી ભાષાવિજ્ઞાન
—સુસુરથી ચોમ્સ્કી

(માત્ર અછડતી નોંધ)

‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાન' એવો પ્રયોગ પહેલી વખત ક્યારે થયો તે જાણી શકાતું નથી પરંતુ ‘બોલનાર અને સાંભળનારની વચ્ચે અસ્તિત્વ ધરાવતી ધ્વનિઓની શ્રેણીઓની વ્યવસ્થારૂપ ભાષાને વર્ણવવાનો પ્રયત્ન' એવા વ્યાપક અર્થમાં એ પ્રયોજાયો છે. વારંવાર પુનરાવર્તન પામતી અને દરેક વખતે (બોલનાર, સાંભળનાર અને પરિસ્થિતિ અનુસાર) ભિન્ન જણાતી છતાં એક જ સંદેશાનું અવગમન સાધનારી મનાતી ઉક્તિઓની રચનાની વ્યવસ્થાની તપાસ એ આ અભિગમનું ધ્યેય ગણાયું છે. બોલાતી ઉક્તિઓના પૃથક્કરણની મદદથી એ ઉક્તિની રચનાની વ્યવસ્થામાં સંકળાયેલાં ઘટકતત્ત્વોને વર્ગીકૃત કરવાં અને એ રીતે ભાષાની વ્યવસ્થાની સંરચના(structure)ને તપાસવી એવો અર્થ પણ કરવામાં આવ્યો છે. ભાષા એ ઘટનાનું ખુલાસાઓ દ્વારા વર્ણન નહીં પરંતુ ભાષાના અભ્યાસીને સંભળાતી કે સંભળાયેલી ઉક્તિનાં ઘટકતત્ત્વોના વર્ગીકરણ દ્વારા વર્ણન એ ‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાન'નું અભ્યાસક્ષેત્ર મનાયું છે. માત્ર ઐતિહાસિક હકીકતોને આધારે જ ભાષાનો અભ્યાસ થઈ શકે એમ નહીં પરંતુ સમયના કોઈ પણ બિંદુ ઉપર ઉપયોગમાં લેવાતી હકીકતોની રચનાને વ્યવસ્થા તરીકે તપાસી શકાય એવા અભિગમનો વ્યાપક પ્રચાર જેની વિચારણાથી અસ્તિત્વમાં આવ્યો એ સ્વીસ વિદ્વાન ફર્ડીનાન્ડ ડી. સુસુરે (૧૮૫૭–૧૯૧૩) ભાષાની એકકાલીન (synchronic) અને એક કરતાં વધુ ભાષાની મદદથી, એક કરતાં વધુ ભૂમિકાની એટલે કે ભાષાની ઐતિહાસિક (diachronic) વિચારણા એવા ભાષાના અભ્યાસના બે અભિગમોને સ્પષ્ટ કર્યા. તેણે ભાષાને, વિભાવો અને શ્રૃતિચિત્રોના જોડાણના બનેલા સંકેતોની વ્યવસ્થા તરીકે ઓળખાવી. ‘Something which stands for something else' એ અર્થમાં જેને આપણે સંકેત કહીએ છીએ એવો સંકેતનો અર્થ તેના મનમાં ન હતો. વિભાવો કે જે કશાકની મદદથી સૂચવાય છે, જેઓ segnified છે તેઓ content રૂપે હોય છે. અને જે શ્રૃતિચિત્રોની મદદથી તેઓ સૂચવાય છે, જેઓ segnifier છે તે તેનું form ગણાય. આ વિભાવ અને શ્રુતિચિત્રનું જોડાણ મૂળભૂત રીતે યાદચ્છિક હોવાથી અને એ જોડાણને તે સંકેત કહે છે તેથી તેણે ભાષાના સંકેતોને યાદચ્છિક કહ્યા. તેણે બીજી મહત્ત્વની વાત એ કરી કે સંકેતો શ્રેણીમાં ક્રમબદ્દ એક પછી એક એમ આવે છે. સંકેતોની યાદચ્છિકતા અને ક્રમબદ્ધતાના મુદ્દાઓ પાછળથી ઠીક ઠીક ચર્ચાયા અને એ ચર્ચાનો એક મહત્ત્વનો મુદ્દો એ નોંધી શકાય કે સુસુર પછીના ભાષાવિજ્ઞાનીઓએ સંકેતો વ્યવસ્થામાં ગોઠવાય છે એટલે કે forms, systemમાં ગોઠવાય છે અને વિભાવો (contents) અર્થરૂપે (substance રૂપે) અસ્તિત્વમાં આવે છે એમ ભાષાને form અને system તથા content અને substanceની ચતુષ્કોણ રચના તરીકે વણવી.1 [1]

આ સંકેતોના સંબંધોની વ્યવવસ્થા દ્વિપરિમાણ હોય છે એવી બીજી મહત્ત્વની બાબત સુસુરે સ્પષ્ટ કરી. દા. ત. ‘બાપ' એ શ્રેણીમાં ‘બ' અને 'પ'ના સંબંધો અમુક રીતે ગોઠવાયેલા છે જે એ શ્રેણીની બહાર ભાષાના સમગ્ર માળખાના સંદર્ભમાં જુદી રીતે ગોઠવાયેલા છે. એટલે કે ભાષાની ‘પાપ’ નામની અન્ય શ્રેણીના સંદર્ભમાં ‘બ’ અને ‘પ'ના સંબંધની જે વ્યવસ્થા છે તે અને ‘બાપ, એ શ્રેણીમાં અંદર અંદર ‘બ' અને 'પ'ના સંબંધની જે વ્યવસ્થા છે તે બન્નેનાં પરિમાણ જુદાં છે. ‘ફૂલ' કે ‘બેન' જેવાં formsને તેઓ કોઈક વિભાવને સાંકળે છે તેથી સુસુરની પરિભાષામાં સંકેત કહીએ તો ‘બેન ફૂલ સૂંઘે છે' એવી શ્રેણીમાં ‘બેન’ અને ‘ફૂલ'નો જે સંબંધ છે તેની વ્યવસ્થા અને ભાષાના સમગ્ર માળખામાં ‘બેન’ અને ‘ફૂલ’નો જે સંબંધ છે તેની વ્યવસ્થા જુદી છે. સુસુર પહેલા પ્રકારની વ્યવસ્થાને એટલે કે શ્રેણીમાં અંદર અંદર એ ઘટકોની જે વ્યવસ્થા હોય છે તેને (એટલે કે એક કર્તા છે, બીજું કર્મ છે એવા સંબંધોને) syntagmatic સંબંધો તરીકે અને ભાષાના સમગ્ર માળખામાં એમના સંબંધોથી જે વ્યવસ્થા છે (એટલે કે બંને સંજ્ઞા છે) તેને paradigmatic સંબંધોની વ્યવસ્થા તરીકે ઓળખાવે છે. ભાષા બે સ્તર ઉપર અસ્તિત્વ ધરાવતી હોય છે તેવો વિચાર આ વિચાર સાથે સાંકળી શકાય. સંકેતોના જે paradigmatic સંબંધો હોય છે તેના નિયમો અમૂર્તરીતે ભાષકના ચિત્તમાં અસ્તિત્વ ધરાવતા હોય છે, જે નિયમો તેણે જે તે ભાષાસમાજમાંથી હાંસલ કર્યાં હોય છે. આ નિયમોની ભાષકના ચિત્તમાં રહેલી વ્યવસ્થાને ‘ભાષા' langue તરીકે સુસુર ઓળખાવે છે. આ નિયમોને આધારે આ સંકેતો કે ઘટકોને ભાષક ભાષાવ્યવહાર વખતે ક્રમબદ્ધ શ્રેણીનારૂપમાં વાપરતો હોય છે જે ભાષાનો ખરેખરો વપરાશ કે સંભળાતી ધ્વનિશ્રેણીઓરૂપે અસ્તિત્વ ધરાવતું ભાષાનું વાસ્તવિક રૂપ હોય છે જેને સુસુર વાણી parole તરીકે ઓળખાવે છે. જો કે સુસુરે langue અને paroleને આટલો સ્પષ્ટ તફાવત આંગળી મૂકીને બતાવ્યો નથી પરંતુ વિદ્વાનો અત્યારે ઘણી જાણીતી થયેલી ચોમ્સ્કીની વિચારણા સાથે સુસુરની વિચારણાને સાંકળવાના મૂડમાં હોય છે ત્યારે આટલે સુધી પહોંચી જાય છે ખરા. ગમે તેમ સુસુરે ભાષાની વ્યવસ્થાનું આંતરિક સ્તર અને બાહ્ય સ્તર એવા બે વિભાગ કર્યાં હતા એ હકીકત છે. સુસુરે પોતે તો કોઈ ગ્રંથ લખ્યો નથી પરંતુ તેના મૃત્યુ બાદ તેના વિદ્યાર્થીઓએ તેણે આપેલાં વ્યાખ્યાનોની નોંધને આધારે મૂળ અંગ્રેજીમાં નહીં એવો ‘કોર્સ ડી લિંગ્વિસ્ટિક જનરાલે' (કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક) ગ્રંથ ૧૯૧૬માં પ્રગટ કર્યો. આજ સુધી સુસુરની છૂટીછવાઇ વિચારણા સંપાદિત અને પ્રકાશિત થયા કરે છે અને ભાષાવિજ્ઞાનની વિચારણામાં એક મોટા વળાંક તરીકે આજેય તેની ઉપર નોંધી તે વિચારણાનું ઘણું મૂલ્ય છે. પ્રાણવિચારધારાએ ધ્વનિઘટકના વિભાવને ઘણો સ્પષ્ટ કર્યો. બ્રિટિશ ધ્વનિશાસ્ત્રીઓ હેનરી સ્વીટે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અને ઓટો યેસ્પર્સને ઉચ્ચારાતા ધ્વનિથી, ચિત્તમાં સમજાતા ધ્વનિને અળગા રાખવા અંગેના વિચારો રજૂ કર્યા હતા. પરંતુ ધ્વનિના ભૌતિક અભ્યાસથી ધ્વનિના શ્રૃતિચિત્રરૂપના અભ્યાસને, તેના ચિત્તમાં રહેલા રૂપના અભ્યાસને ‘ફોનીમ'ના આજના વિભાવની લગોલગ મૂક્યો તે તો બોદૂઇન કોર્ટનેએ. ટુબેટ્સ્કોયે ‘ફોનીમ'ના સિદ્ધાંતને ઘણી રીતે ચર્ચ્યો. રશિયામાં જન્મેલા ટુબેટ્સ્કોય, રોમાન જાકોબ્સન (મોસ્કો-૧૮૯૬) અને આન્દ્રે માર્તિનેં પ્રાગવિચારધારાના મુખ્ય વિદ્ધાનો ગણાય. ભાષાની ધ્વનિવ્યવસ્થાના પૃથક્કરણ માટેનો વિગતપૂર્ણ આદર્શ ઘડવા ઉપરાંત શૈલી, સાહિત્યની ભાષા, ઐતિહાસિક ભાષાવિજ્ઞાનના કેટલાક મૂળભૂત પ્રશ્નોને તેમણે ચરચ્યા જાકોબ્સને એફેસિયા અને બાળભાષાનો અભ્યાસ પણ કર્યો. ખાસ કરીને આ વિચારધારાએ ભાષાની કામગીરીના અભિગમને રજૂ કર્યો. ભાષાના કાર્યમાં તેનાં કેટલાંક ઘટકતત્ત્વોની કામગીરી જ નહીં પરંતુ ભાષાપ્રવૃત્તિની કામગીરીને પણ તેમણે દૃષ્ટિ સમક્ષ રાખી. બોલનાર, સાંભળનાર, પરિસ્થિતિ કે સંદર્ભ, અવગમનની સાંકળ જે દ્વારા રચાય છે તે ધ્વનિશ્રેણીઓ અને માનસિક પ્રક્રિયા, સંકેતો પોતે અને સંદેશો એને છને નજર સામે રાખીને ભાષાનાં અભિવ્યક્તિ (પ્રત્યુત્તરના રૂપમાં), આજ્ઞા, કશોક પદાર્થ, વસ્તુ કે વિભાવ દર્શાવવો કે કશાકને વિશે વિધાન કરવું, પોતે બોલનારને સાંભળે છે તેવા ‘હા’ કે ‘હં’ કે બરાબર કે ‘પછી?’ જેવા ઉદ્ગારો દ્વારા અવગમનની સાંકળ ચાલુ રાખવી, કવિતા રચવી વગેરે છ કાર્યોને વર્ણવ્યાં. આ વિદ્વાનોનું કાર્ય functional linguisticsને નામે ઓળખાય છે. ધ્વનિઘટકને ઉપયોગી કે કારક ( functional) ઘટક તરીકે માર્તિનેએ ઓળખાવ્યો. પહેલા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં સપીર અને બ્લુમફીલ્ડ ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં માર્ગસૂચક સ્તંભો તરીકે બહાર આવ્યા. તે પહેલાં વીસમી સદીની શરૂઆતમાં ફ્રાન્ઝ બોઆસે એમેરિકન ઇન્ડિઅન ભાષાઓ વિશે જે કામ કરેલું તેમાં વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનના અભ્યાસ માટેની મહત્ત્વની પાયાની સામગ્રી હતી. તેણે ૧૯૧૭માં ‘ઇન્ટરનેશનલ જર્નલ ઑફ અમેરિકન લિંગ્વિસ્ટિક' શરૂ કરેલું. મૂળ તો જર્મન જ્યૂ એડવર્ડ સપીર (૧૮૮૪) કોલંબિયા યુનિવર્સિટીનો વિદ્યાર્થી. નૃવંશશાસ્ત્ર અને ભાષાવિજ્ઞાન ઉપરાંત સંગીત, વિવેચન અને કવિતાનાં ક્ષેત્રોમાં પણ એણે પ્રવૃત્તિ કરેલી. એણે ‘લેંગ્વેજ' (૧૯૨૧) પુસ્તકમાં ભાષાઓના પરસ્પર સંબંધો, સંસ્કૃતિ અને ભાષા, સાહિત્ય અને ભાષા, પરિવર્તન વગેરે મુદ્દાઓને ચર્ચ્યા છે. ‘ભાષા વિના વિચારી શકાય ખરું?' એવો પ્રશ્ન કરીને; ભાષા માત્ર વિચારનું માધ્યમ નથી, વિચારને ઢાળવાનું, ઘડવાનું પણ એ માધ્યમ છે' એવી વિચારણાનું બી નાખનાર એણે ૧૯૩૩માં ‘ધ્વનિઘટકની માનસિક વાસ્તવિકતા'નો મુદ્દો ચર્ચ્યો હતો અને ‘કોઈ એક ચોક્કસ સ્થળે અને સમયે અસ્તિત્વ ધરાવતું ભાષાસ્વરૂપ ઘણા સંકુલ અને દીર્ઘ ઐતિહાસિક વિકાસનું પરિણામ હોય છે જેના સતત સંદર્ભ વિના એ ભાષાસ્વરૂપને સમજી શકાય નહીં એવો મત ઉચ્ચાર્યો હતો. ૧૯૩૩માં બ્લુમફીલ્ડ પણ ‘લેંગ્વેજ' નામનું છસો પાનાંનું પુસ્તક લઇને આવે છે અને જેને અમેરિકન સંરચનાવાદ કરે છે તેના મુખ્ય પુરસ્કર્તા બને છે. ભાષા વિશેના સામાન્ય પ્રશ્નો, ધ્વનિવિચાર, વ્યાકરણ, અર્થ, ભાષાભૂગોળ, તુલનાત્મક પદ્ધતિ, આદાન, ભાષાપરિવર્તન વગેરે મુદ્દાઓને તેણે વિગતે ચર્ચ્યા છે. મનોવિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો ભાષા તરફનું સપીરનું વલણ ‘ચિત્તવાદી’ હતું. તો બ્લુમફીલ્ડનું ‘વર્તનવાદી' હતું. ભાષાને તેણે ઉદ્દીપન અને પ્રત્યાઘાત (stimulus અને response)ની પરિભાષામાં સમજાવી છે. જીભ ભૂખી થઈ છે અને સફરજન જુએ છે જે ઉદ્દીપન છે. વાસ્તવિક સફરજનને, પ્રત્યાઘાતરૂપે લઈ લેવાને બદલે પ્રત્યાઘાતની અવેજીરૂપે તે ભાષા પ્રયોજે છે. જેક માટે એ ભાષા ઉદ્દીપનની અવેજીરૂપે આવે છે અને વાસ્તવિક પ્રત્યાઘાતરૂપે એ સફરજન લઈને જીભને આપે છે. આમ ભાષા એક વ્યક્તિએ અનુભવેલું ઉદ્દીપન, બીજી વ્યક્તિને એના વાસ્તવિક પ્રત્યાઘાત આપવાને શક્તિમાન બનાવે છે. આને કારણે શ્રમવિભાજન અને માનવસમાજની આખી રચના શક્ય બની છે. ભાષા વિશેની આ વિચારણાની ઘણી વ્યાપક અને દીર્ઘ અસર થઈ હતી અને ભાષાને ‘ટેવોના સમુચ્ચય રૂપે' જોવાની વિચારણાનો પાયો પણ અહીં જ નંખાયો. વ્યાકરણી ઘટકના વિભાવને એણે વિગતે ચર્ચ્યો તેનું પુસ્તક આ સદીનાં ભાષાવિજ્ઞાનનાં પુસ્તકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વ્યાકરણી રૂપના નાનામાં નાના ઘટકને ટેગ્મીમ કહી શકાય. સપીરના વિદ્યાર્થી કેન્નેથ લી પાઇકે બ્લુમફીલ્ડના આ વિભાવને વિસ્તૃત રીતે રજૂ કર્યો. ઉક્તિને એકસાથે ત્રણ સ્તર ઉપર તપાસી શકાય. તેની શબ્દરચનાના સ્તર ઉપર રૂપઘટકો એ નાનામાં નાના ઘટકો હોય છે, તેની ધ્વનિશ્રેણીના સ્તર ઉપર ધ્વનિઘટકો નાનામાં નાના ઘટકો હોય છે અને તેના વ્યાકરણના સ્તર ઉપર ગ્રામીમ અથવા ટેગ્મીમ એ નાનામાં નાનો ઘટક હોય છે. પાઈકનું સૌથી વધુ પ્રચારમાં આવેલું કામ તો ધ્વનિઘટક તારવવા માટેના સિદ્ધાંતોને વ્યવહારુકાર્ય દ્વારા વિસ્તૃત રીતે સમજાવવાનું છે. ધ્વનિઓની સાથે ઉચ્ચારાતા સહવર્તી ધર્મોના અભ્યાસનો આરંભ પણ મહદ્અંશે એનાથી થયો. બ્લેાક, ટ્રેગર, ચાઓ, હીલ, ગ્રીનબર્ગ, બોલીન્ગર, ગાર્વીન વગેરે અન્ય અમેરિકન સંરચનાવાદી ભાષાવિજ્ઞાનીઓમાં ઝેલિગ સબેતાઈહેરિસ અને ચાર્લ્સ ફ્રાન્સીસ હોકેટનાં નામ મહત્ત્વનાં છે. હેરિસે એના ‘સ્ટ્રકચરલ લિંગ્વિસ્ટિકસ'માં ભાષાની વ્યવસ્થાને ધ્વનિઘટકોના, રૂપઘટકોના અને બંધારણના એકમોના સૌથી નજીકના સંબંધોના પૃથક્કરણને ઘણા સામર્થ્યથી અને પૂરી શક્તિથી રજૂ કર્યું છે. ભાષાની વ્યવસ્થાના વર્ગીકરણ અને વર્ણનની સફાઈદાર વૈજ્ઞાનિક પદ્ધતિને રજૂ કરતું એ મહત્ત્વનું પુસ્તક બન્યું. સામાન્ય ભાષાવિજ્ઞાન, ધ્વનિઘટક અને રૂપઘટકનાં પૃથક્કરણો, વ્યાકરણની સૈદ્ધાંતિક ચર્ચા અને ભાષાવિજ્ઞાનને ગણિત, મનોવિજ્ઞાન અને બાયોલોજી સાથે સંબંધ દર્શાવતી વિચારણા દ્વારા પ્રસિદ્ધ અને સતત ગતિશીલ વિચારોને રજૂ કરવાનું માન જેતે ફાળે જાય છે તે હોકેટ બ્લુમફીલ્ડના સિદ્ધાંતોથી માંડી ચોમ્સ્કીના સિદ્ધાંતો સુધીની વિચારણાનો ઊંડો અભ્યાસી છે. બ્રિટનમાં ધ્વનિવિજ્ઞાનના પ્રકાંડપંડિત ડેનીઅલ જોન્સની વિચારણા ઉપરાંત જે.આર ફર્થ અને તેની વિચારધારા ધ્યાન ખેંચે છે. આમ તો મોટે ભાગે યુરોપ-અમેરિકાના સંરચનાવાદનાં વલણોની સાથે સંકળાયેલો અભ્યાસ બ્રિટનમાં થયો છે પરંતુ ફર્થ અને હાલીડેની વિચારણા મહત્ત્વની છે. મુખ્યત્વે તો અનેક વ્યવસ્થાઓના આંતરસંબંધોની વ્યવસ્થા તરીકે ભાષાને જોવાનું વલણ નોંધપાત્ર છે. એક બાજુ ધ્વનિવ્યવસ્થા છે, બીજી બાજુ શબ્દરચનાની વ્યવસ્થા છે, ત્રીજી અર્થની વ્યવસ્થા છે અને ચોથી વાક્યની વ્યવસ્થા છે. આ બધી વ્યવસ્થાઓના આંતરસંબંધોની વ્યવસ્થા તે ભાષા હોવાથી આંતરસંબંધોની તપાસના મહત્ત્વ તરફ આ વિચારણાએ ખાસ ધ્યાન ખેંચ્યું. ફર્થે અર્થના અભ્યાસને ઘણું મહત્ત્વ આપ્યું અને ‘પરિસ્થિતિના સંદર્ભો’ના વલણને કેન્દ્રમાં રાખીને અર્થની વિચારણામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. હેરીસે એના ‘સ્ટ્રકચરલ લિંગ્વિસ્ટિકસ'ના આમુખમાં હસ્તપ્રત તૈયાર કરવામાં મદદ કરવા માટે તેના જે વિદ્યાર્થી ચોમ્સ્કીનો ઉલ્લેખ કર્યો હતો તેને સંરચનાવાદી ભાષાવિજ્ઞાનના એક રીતે ઉત્તમ વારસ તરીકે ગણાવી શકાય. સંરચનાવાદી અભિગમે વાક્યની તપાસમાં જે કેટલીક અપૂર્ણતાઓ એમની એમ રહેવા દીધી તેની પૂર્તિરૂપે ચોમ્સ્કીનો રૂપાંતરણીય અભિગમ આવ્યો. ૧૯૨૮માં જન્મેલા ચોમ્સ્કીનું સ્થાન આ સમયના જ નહીં, સમગ્ર આધુનિક ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં માર્ગસૂચક સ્તંભો તરીકે ઓળખાવી શકાય તેવા વિદ્વાનોમાં પણ અનોખું છે. ભાષાવિજ્ઞાન, ગણિત અને તત્ત્વજ્ઞાનના આ અભ્યાસીએ વ્યાકરણને વર્ણવાની અત્યાર સુધીમાં પ્રયોજાયેલી પદ્ધતિઓમાં ક્રાંતિકારી ફેરફાર આણ્યો અને ગણિતની રીતે ભાષાની વિચારણાને તેના અમૂર્તરૂપમાંય ખૂબ ઝીણવટભરી ચોકસાઈથી ઘાટ આપ્યો. તેણે ભાષાને વાક્ય નામના ઘટકને છેડેથી વર્ણવવાનું પસંદ કર્યું. એણે પણ સુસુરની માફક કેટલાંક શબ્દયુગ્મો રજૂ કર્યા. વાક્યનું આંતરિક માળખું ભાષકના ચિત્તમાં હોય છે જેને એ ખરેખરી ધ્વનિશ્રેણીના રૂપમાં વાક્યતા બાહ્યમાળખારૂપે ઉચ્ચારે છે. અત્યાર સુધી સંરચનાવાદી ભાષાવિજ્ઞાનીઓ વાક્યના આ બાહ્યમાળખા રૂપે ઉચ્ચારાતા વાક્યનું પૃથક્કરણ અને વર્ણન કરતા હતા. ચોમ્સ્કીએ દર્શાવ્યું કે એ તો ઘણું ઉપરછલ્લું છે અને એ કારણે સમાનાર્થ ધરાવતાં કે વિસંવાદી જણાતાં વાક્યોનું પૃથક્કરણ કરવાનું માંડી વાળવું પડે છે. ભાષકે સાંભળેલી ભાષાને આધારે તારવેલાં અને ચિત્તમાં ગોઠવી રાખેલાં ભાષાની કામગીરી અંગેનાં નિયમો અને નિયમનોને આધારે તે વાસ્તવિક વાગ્વ્યવહાર કરતો હોય છે એ કારણે જ ક્યારેય ન સાંભળ્યાં હોય તેવાં વાક્યો સાંભળીને તેનો અર્થ સમજી જતો હોય છે અને ન સાંભળ્યાં હોય તેવાં વાક્યો સરજીને બોલી શકતો હોય છે. જેને આપણે ભાષા કહીએ છીએ તે ભાષકે સાંભળેલી ભાષાની સામગ્રીમાંથી તેણે તારવેલા નિયમો-નિયમનોને આધારે કામ કરતી તેની ભાષાસૂઝ હોય છે. વ્યાકરણ એટલે ભાષકની આ ભાષાસૂઝનું વર્ણન. આપણે આ પુસ્તકના પહેલા લેખમાં જોયું તેમ ચોમ્સ્કીની આ વિચારણાએ ભાષાનું સ્વરૂપ સમજવામાં ઉપયોગી, ભાષા કેવી રીતે હાંસલ થાય છે? અને તે કેવી રીતે પ્રયોજાય છે? એ બંને પ્રશ્નોનો ઉત્તર આપી શકાય તે દિશામાં આપણને દોર્યા. ચોમ્સ્કીએ દર્શાવ્યું કે માનવબાળ પાસે ભાષાસૂઝ હાંસલ કરવાની જન્મજાત શક્તિ હોય છે. વારસો અને ઉછેર ઉપરાંત ઘણાં પરિબળોને આધારે એ શક્તિ ઓછીવત્તી હોઈ શકે પરંતુ મૂળભૂત રીતે એ શક્તિ દરેક માનવબાળમાં હોય છે અને તેને આધારે ભાષાસૂઝ (intuition) ઘડાતી હોય છે. અમુક ઉંમરે એ ભાષાસૂઝનું સામર્થ્ય (compitance) મેળવે છે અને પછી આખી જિંદગી એની મદદથી ભાષાનો વાસ્તવિક વપરાશ (performance) તે કરે છે, બાળક જ્યારે ભાષા સાંભળે છે ત્યારે ભાષાનાં ઘટકતત્ત્વોની વ્યવસ્થાના નિયમો એનું ચિત્ત તારવે છે. એ નિયમોને આધારે જરૂર પડે ત્યારે પરિસ્થિતિ, સંદર્ભ, સાંભળનાર અને પોતાની મનઃસ્થિતિ પ્રમાણે પેલા ઘટકતત્ત્વોના આંતરસંબંધોમાં રૂપાંતર કરીને એ ખરેખરા વાક્યનું નિર્માણ કરતો હોય છે એટલે કે ભાષાનાં ઘટકતત્ત્વનું રૂપાંતર (transformation) બે સ્તર ઉપર થાય છે. એક તો ચિત્તમાં પોતાની જરૂરત પ્રમાણે તે ઘટકોના સંબંધને રૂપાંતરિત કરીને ગોઠવી લે છે અને પછી ચિત્તમાં ગોઠવાયેલા એ ઘટકોનું વાસ્તવિક પ્રયોગ રૂપે રૂપાંતર કરે છે. એક રીતે આ રૂપાંતર નિર્માણ પણ હોય છે એટલે એમ પણ કહેવાય કે ભાષક એના એ ઘટકતત્ત્વોની મદદથી નવાં તે નવાં વાક્યોને generate કરે છે. નિર્મે છે, સર્જે છે. ચોમ્સ્કીએ ભાષાને સુસુરની માફક બે સ્તર ઉપર અસ્તિત્વ ધરાવતી વ્યવસ્થા તરીકે તપાસી એ દૃષ્ટિએ તથા સુસુરની માફક તેણે પણ પોતાની વિચારણાને રજૂ કરવા કેટલાંક વિશિષ્ટ શબ્દયુગ્મો પ્રયોજ્યાં તે દૃષ્ટિએ સસુર અને ચોમ્સ્કીની વિચારણાને સાથે સાથે મૂકવાનો ઘણા વિદ્વાનો પ્રયત્ન કરે છે. પરંતુ આપણે જાણીએ છીએ તેમ ચોમ્સ્કીની વિચારણાનો વ્યાપ, ઊંડાણ અને અમૂર્ત વિચારણાની સૂક્ષ્મતા દાદ માગે તેવાં છે. જોકે તેમાં પણ હવે સુધારાવધારા સૂચવાવા માંડ્યા છે ખરા. ચોમ્સ્કીના ‘Syntactic structure' (૧૯૫૭) અને ‘Aspects of the theory of syntax' (૧૯૬૫) પછી ભાષાવિજ્ઞાનમાં ચોમ્સ્કીનાં પોતાનાં પણ બીજાં કેટલાંય પુસ્તકો અને લેખો તથા અન્ય ભાષાવિજ્ઞાનીઓનાં પુસ્તકો બહાર આવ્યાં છે. ભાષા શું છે? એ રહસ્યને તાગવાની આ બધી મથામણ છે. આ મથામણે આપણી ભાષા વિશેની સમજ વધારવામાં ચોક્કસપણે ઉપયોગી ફાળો આપ્યો છે. એ મથામણથી કોઈ અંતિમ નિર્ણય પર ન આવ્યાનો ખેદ વિજ્ઞાનના અભ્યાસીને ભાગ્યે જ થાય કારણ કે એ જાણે છે કે વિજ્ઞાનનો અભ્યાસ રહસ્યને પામવા મથે છે અને એ મથામણ જ એની કયારેક તો ફલશ્રુતિ હોય છે.


  1. 1 જેને કોપનહેગન વિચારધારા તરીકે ઓળખાવાય છે તે ભાષાવિજ્ઞાનીઓએ આ મુદ્દાને વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. ડેન્માર્કના સુખ્યાત ભાષાવિજ્ઞાની હીમસ્લેવ આ વિચારધારાના નોંધપાત્ર ભાષાવિજ્ઞાની ગણાય છે. આપણે અહીં એ વિચારધારાની નોંધ લીધી નથી.