પૂર્વાલાપ/૭૯. સ્મિતપ્રભાને

From Ekatra Wiki
Revision as of 15:32, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૭૯. સ્મિતપ્રભાને


ક્યારે મળું, ક્યારે મળું, એની એ જ ઝંખનામાં
સ્વપ્ન વિશે એક વાર ભેટ પ્રિયાની થઈ;
ઝટ દોડી ઝાલ્યો હાથ એટલે તો પાછી ચાલી
પરમ પ્રયાસ વતી હાથ છોડાવી દઈ;
પિયુ ઝંખવાણો પડયો, પરિતાપ તેનો જોઈ
ભીતિ બધી દૂર કરી સસ્મિત પાસે ગઈ;
સ્મિતપ્રભા જોવા આડે બીજું કૈં કરી ન શક્યો
એટલામાં અરે, હાય! આંખ ઊઘડી ગઈ.

એ જ સ્મિતે હર્યું હશે કૃષ્ણનું રાધાએ ચિત્ત,
સુભદ્રાએ કુંતીપુત્ર મોહિત કર્યો હશે;
એ જ સ્મિતે દુષ્યન્તની ફેરવેલી હશે વૃત્તિ,
એ જ સ્મિતે નળરાય સતીથી ઠર્યો હશે;
એ જ સ્મિતે પુરૂરવ લુબ્ધ થયો ઉર્વશીમાં,
એ જ સ્મિતે વિશ્વામિત્ર દર્પને હર્યા હશે;
નહિ જોઉં એવું સ્મિત ફરી ફરી એમ જાણી,
પ્રીતમ મદાલસાનો ઘેલો થઈ ફર્યો હશે.