દ્વિરેફની વાતો - ભાગ ૧/લેખક-પરિચય
રામનારાયણ વિશ્વનાથ પાઠક (જ.૮ એપ્રિલ, ૧૮૮૭ – અવ. ૨૧ ઑગષ્ટ ૧૯૫૫) અનેક દિશાઓમાં જેમની શક્તિ પ્રગટ થઈ હતી એવા આપણા એક બહુમુખી પ્રતિભાવાળા સાહિત્યકાર હતા. સાહિત્યઅને ફિલસૂફીના અભ્યાસી રા. વિ. પાટકે આરંભે થોડાંક વર્ષ સાદરામાં વકીલનો વ્યવસાય કર્યો, પછી આઝાદીની લડતમાં જોડાયા ને પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું.
મુખ્યત્વે વિવેચક, પણ એમણે ‘શેષ’ એવાઉપનામેકવિતાલખી, ‘દ્વિરેફ’ નામે વાર્તાઓ લખી, ‘સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખ્યા. છંદશાસ્ત્રનો એમનો ગ્રંથ’ બૃહત્પિંગળ’ એ વિષયનો ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ ગણાય છે.
દરેક સ્વરૂપમાં એમણે ઉત્તમ કૃતિઓ આપી. વિવેચક તરીકે એમનું સ્થાન આજ સુધીના અગ્રણી વિદ્વાનોમાં આગલી હરોળમાં ગણાય છે. એ ગાંધી યુગના કાવ્યગુરુનું બિરૂદ પામેલા. ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓના વિવેચન ઉપરાંત સંસ્કૃતસાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓવિશે પણ એમણે ઉત્તમ અભ્યાસો આપેલા છે. ‘પ્રસ્થાન’ સામયિકના તંત્રી તરીકે એમણે પંડિતયુગ અનેગાંધીયુગની સાહિત્ય- પ્રવૃત્તિને એક દિશા આપી.