એક અજાણ્યા ગાંધીની આત્મકથા/પરિશિષ્ટ ૨: અમેરિકામાં ગુજરાતી સાહિત્ય

From Ekatra Wiki
Revision as of 02:17, 12 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરિશિષ્ટ ૨: અમેરિકામાં ગુજરાતી સાહિત્ય
ગુજરાતી લિટરરી અકદામી

૧૯૭૭માં દેશમાંથી કવિશ્રી સુરેશ દલાલ અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. એમણે સૂચન કર્યું કે અહીંના સાહિત્યરસિકોએ વારંવાર મળવું જોઈએ અને સાહિત્યિક પ્રવૃતિઓ જાળવી રાખવી જોઈએ. એ સૂચનને ખ્યાલમાં રાખી અમે થોડા સાહિત્યરસિક મિત્રોએ ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નૉર્થ અમેરિકા નામે એક સાહિત્યિક સંસ્થા સ્થાપી. આ અકાદમી રામભાઈ ગઢવી અને અશોક મેઘાણીના પ્રશંસાપાત્ર નેતૃત્વ નીચે દર બે વરસે જુદાં જુદાં શહેરોમાં ગુજરાતી સાહિત્યનુ સંમેલન યોજે છે. આ સંમેલનમાં દેશમાંથી જાણીતા કવિ લેખકોને અમેરિકામાં બોલાવાય છે અને અમેરિકાનાં મોટાં શહેરોમાં એમની બેઠકો યોજાય છે. આ રીતે અકાદમીના આશ્રયે સર્વશ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક,’ ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે, નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ, ચિનુ મોદી, રતિલાલ બોરીસાગર જેવા ખ્યાતનામ સાહિત્યકારો અમેરિકામાં આવી ગયા. વધુમાં સુરેશ દલાલ, બકુલ ત્રિપાઠી, સિતાંશુ યશશ્ચન્દ્ર, ચંદ્રકાન્ત ટોપીવાળા, ધીરુભાઈ પરીખ, બળવન્તરાય જાની જેવા જાણીતા સાહિત્યકારો પણ અમેરિકા આવી ગયા છે. અને એમની અહીંની ઉપસ્થિતિનો લાભ આપે છે. કેટલાક તો એકથી વધુ વાર. આમાંના કેટલાક લેખકોના યજમાન થવાનો લાભ અમને મળ્યો છે.

અકાદમી તેમ જ બીજી સંસ્થાઓને આશ્રયે જુદાં જુદાં શહેરોમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ થતી રહે છે. ફિલાડેલ્ફિયાની એક જાણીતી સંસ્થા ‘ફ્રેન્ડ્સ ઑફ ફિલાડેલ્ફિયા’ વરસે બે વરસે અહીંના જાણીતા સાહિત્યકારોનું મૂલ્યાંકન કરતા સુંદર કાર્યક્રમો યોજે છે. આ પ્રવૃત્તિમાં પન્ના નાયક, મધુ રાય, અને બાબુ સુથારના સુંદર કાર્યક્રમો સાહિત્યપ્રેમી સુચી (સુચેતા) અને ગિરીશ વ્યાસના નેતૃત્વ નીચે થઈ ગયા. આ ઉપરાંત ફિલાડેલ્ફિયામાંથી બે ગુજરાતી સામયિકો—કિશોર દેસાઈ સંપાદિત ગુર્જરી ડાયજેસ્ટ અને બાબુ સુથાર સંપાદિત સંધિ નીકળે છે, જેમાં ગુર્જરી તો છેલ્લાં પચીસથી પણ વધુ વરસથી નીકળે છે! સંધિ જેવું ઉચ્ચ કક્ષાનું મૅગેઝિન આધુનિક ગુજરાતી સાહિત્યમાં મળવું મુશ્કેલ છે. અહીંનું પહેલું ગુજરાતી ડીજીટલ ગુજરાતી મૅગેઝિન કેસૂડાં પણ ફિલાડેલ્ફિયામાંથી નીકળ્યું હતું. ગુજરાતીઓની પ્રમાણમાં ઝાઝી સંખ્યા હોવાને કારણે ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત’, કે ‘ગ્લોરિયસ ગુજરાત’ જેવા મેળાઓ ભરાય ત્યારે એના આશ્રયે કવિસંમેલન અને મુશાયરા જરૂર યોજાય અને દેશમાંથી લોકપ્રિય કવિઓ અને ગઝલકારોને લોકો હજારોની સંખ્યામાં સાંભળે.

ડાયસ્પોરા સાહિત્ય?

આ બધી સાહિત્યિક પ્રવૃત્તિઓ પછી પણ અહીં લખાતા સાહિત્યને ડાયસ્પોરા સાહિત્ય કહેવું કે નહીં તે વિવાદાસ્પદ પ્રશ્ન છે. ડાયસ્પોરા સાહિત્યનો આંતરરાષ્ટ્રીય ઇતિહાસ બહુ મોટો છે. હડધૂત થયેલી યહૂદી પ્રજાએ અસહિષ્ણુ ત્રાસવાદીઓથી બચવા પોતાનાં ઘરબાર છોડીને દુનિયામાં રઝળવું પડ્યું તેની યાતનામાંથી ડાયસ્પોરા સાહિત્યની મુખ્યત્વે શરુઆત થઈ. એના મૂળમાં સ્વદેશમાં પાછા જવાની, મા ભોમના ખોળામાં ફરી રમવાની ઝંખના છે. આવું ઘરઝુરાપાનું સાહિત્ય તે ડાયસ્પોરા સાહિત્ય.

આવું સાહિત્ય તો રચાયા જ કરવાનું છે, કારણ કે યહૂદીઓ પર જે યાતનાઓ પડી તે આજે ઓછા વધુ પ્રમાણમાં બીજી અનેક પ્રજાઓ પર પડી રહી છે. આખીય વીસમી સદીમાં અને આ સદીનાં પહેલાં પંદર વરસમાં નિરાશ્રિતોની કોઈ કમી નથી કેમ કે ત્રાસવાદી સરમુખત્યારોની કોઈ કમી નથી. આપણી આંખ સામે અત્યારે મિડલ ઇસ્ટમાંથી હજારો અને લાખોની સંખ્યામાં લોકો પહેર્યે કપડે નીકળી પડે છે. માઈલોના માઈલો સુધી બાળબચ્ચાંઓ સાથે ચાલતા આ નિરાશ્રિતો યુરોપનાં બારણાં ખખડાવે છે. આ અસહ્ય યાતના અને દુઃખદ અનુભવમાંથી જે ઉપજે, જે રચાય તે સાચું ડાયસ્પોરા સાહિત્ય.

આ દૃષ્ટિએ જોઈએ તો અમેરિકામાં આવેલા ગુજરાતીઓ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા એમ પશ્ચિમના દેશોમાં આવ્યા અને સ્થાયી થયા. પશ્ચિમના સુંવાળા અને સુખાળવા જીવનથી ટેવાઈ ગયા છે. ભાગ્યે જ કોઈ પાછું જવાનું નામ લે છે. એટલે સાચા અર્થમાં અહીં રચાતું સાહિત્ય એ ઘરઝુરાપાનું સાહિત્ય નથી. અને છતાં અહીં આવનારાઓમાંથી ઘણા સાહિત્યરસિકોને લખવું છે અને ઘણા લખે પણ છે. આ પ્રમાણે લખાતા સાહિત્યની નોંધ પણ લેવાય છે. ગ્રીડ ઇન્સ્ટિટ્યૂટ અને તેના નિયામક બળવંત જાની આ પરદેશમાં લખાતા સાહિત્યને સંગ્રહીત કરી એનો જે દસ્તાવેજી ઇતિહાસ તૈયાર કરે છે તે એક અભિનંદનીય ઘટના છે. જાણીતા વિવેચક અને સૂક્ષ્મ સાહિત્યમર્મી મધુસૂદન કાપડિયાએ પણ અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકારોનો ઊંડો અભ્યાસ કરી એક પુસ્તક તૈયાર કર્યું છે તે અભ્યાસીઓને ખૂબ ઉપયોગી નીવડશે.79

પરદેશમાં જે લખાય છે તે મોટા ભાગનું માત્ર લખાણ છે, એને સાહિત્ય કહેવું કે કેમ એ એક મુશ્કેલ પ્રશ્ન છે. અહીંના લખનારાઓ પ્રયત્ન જરૂર કરે છે, પણ એમની સજ્જતા ઓછી. લોકોને કવિ કે સાહિત્યકાર થવું ગમે છે. તેમાં તે ગ્લૅમર જુએ છે. પણ સાહિત્યસર્જન માટે જે તૈયારી કરવી પડે, જે વાંચવું પડે, લખ-છેક-ભૂંસ કરવું પડે, તે એમને ગમતું નથી. અંગ્રેજી કે વિશ્વસાહિત્યની વાત બાજુમાં મૂકો, એમણે અગત્યનું ગુજરાતી સાહિત્ય પણ વાંચ્યું નથી. આને લીધે શિષ્ટ ગુજરાતી સાહિત્યકારોમાં પરદેશમાં લખાતા સાહિત્ય વિશે બહુ ઊંચો અભિપ્રાય નથી તે સમજી શકાય છે. પરદેશમાં લખાતા સાહિત્ય વિશે પ્રામાણિક વિવેચન પણ જોવા મળતું નથી. એટલે અહીંના લખનારાઓ કવિ કે લેખક હોવાના ભ્રમમાં રહે છે.

સાહિત્યનાં ખખડેલાં ધોરણો

જો કે દેશમાં પણ સાહિત્યનાં ધોરણ ખખડી ગયાં છે. ત્યાં પણ જેવું તેવું લખાય છે અને જેવું લખાય છે તેવું જ છપાય છે. કદાચ આ ટેક્નૉલૉજીનું પરિણામ છે. કહેવાય છે કે આજે ગુજરાતીમાં સેંકડોની સંખ્યામાં બ્લૉગ ચાલે છે. જેની પાસે લૅપટૉપ તે હવે લેખક! આના કારણે ગુજરાતી સાહિત્યમાં દ્વારપાલની(door keeper)ની જે અમૂલ્ય પ્રથા હતી તે ભુંસાઈ જવા આવી છે. એક જમાનામાં કવિ થવું હોય તો બચુભાઈ રાવત કે ઉમાશંકર જોશી જેવા દુરારાધ્ય તંત્રીઓની આકરી પરીક્ષામાંથી પસાર થવું પડે. તો જ કવિતા કુમાર કે સંસ્કૃતિ જેવા ઉચ્ચ કક્ષાના મૅગેઝિનમાં પ્રગટ થવાય. આ દ્વારપાલોને સાહિત્યનાં ઊંચાં ધોરણો અને શ્રેષ્ઠ પ્રથાઓ જાળવવી હતી.

હું મારી પોતાની જ વાત કરું તો કાવ્યપ્રવૃત્તિમાં મને આવા કોઈ દ્વારપાળ મળ્યા હોત તો મેં જે પહેલા ત્રણ કાવ્યસંગ્રહો (અમેરિકા, અમેરિકા, ઇન્ડિયા ઇન્ડિયા, અને પેન્સિલવેનિયા એવન્યૂ ) પબ્લિશ કર્યાં છે તે ન જ કર્યાં હોત. જો કે એ તો હવે છૂટી ગયેલાં તીર હતાં. મારી એ સમગ્ર કાવ્યપ્રવૃત્તિમાંથી કંઈ બચાવવા જેવું હોય તે તારવીને એક સંગ્રહમાં મૂકવાનું દુષ્કર કાર્ય સૂક્ષ્મ કાવ્યમર્મી વિવેચક ધીરુ પરીખને મેં સોંપ્યું. એ સંવેદનશીલ કવિ મારી મૂંઝવણ સમજ્યા અને મિત્રધર્મે મેં લખેલી બધી જ કવિતાઓ વાંચી ગયા અને એમની દૃષ્ટિએ જે સાચવવા જેવું હતું તે સાચવ્યું. અને તે હવે સંવર્ધિત આવૃત્તિમાં અમેરિકા, અમેરિકા નામે એક જ વોલ્યુમમાં પબ્લિશ થયું છે.80

વધુ દુઃખની વાત એ છે કે આપણે ત્યાં જો શિષ્ટ સાહિત્યની ચોકીદારી કરતા કડક દ્વારપાળ નથી તો જે લખાય છે તે જોડણીની ભૂલો વગર છપાય તેવી એલિમેન્ટરી સંભાળ લે એવા પ્રૂફરીડર પણ નથી. જોડણીની ભૂલો વગરનાં પુસ્તકો જોવાં એ હવે વિરલ વાત બની ગઈ છે. જૂના જમાનામાં પત્રો નીચે એક તાજા કલમ મૂકાતી, ‘તા.ક. ભૂલચૂક સુધારીને વાંચવા વિનંતિ.’ મને લાગે છે કે હવે એવી વિનંતિભરી ચેતવણી લગભગ બધાં જ ગુજરાતી પુસ્તકોમાં મૂકવી અનિવાર્ય થઈ ગઈ છે. એમ પણ થાય છે કે સ્વામી આનંદ જેવા અત્યંત ચીકણા લેખક જે એમના પ્રગટ થયેલા લેખોમાં એક પણ જોડણી ભૂલ ન ચલાવી લે તે કદાચ હવે કાંઈ પ્રગટ જ ન કરી શકે.

આજનો ગઝલકાર તો રમત રમતમાં કમ્પ્યૂટર પર ગઝલ લખી નાખે અને તુરંત વેબ ઉપર પોતાના બ્લૉગમાં મૂકી દે. એને કોણ કહે કે આવું ન લખાય? એને કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. અને જો પરીક્ષા ન આપવાની હોય તો પછી તૈયારી કરવાની શી જરૂર? કશું પણ લખતાં પહેલાં સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓ અને પ્રથાને આત્મસાત્ કરવા જે અસાધારણ પરિશ્રમ કરવો પડે, અઢળક વાંચન અને અભ્યાસ કરવા પડે, એવી સુફિયાણી વાત હવે કોઈ કરતું નથી. વધુમાં કેટલાક ગુજરાતી લેખકો તો હવે લખતા પણ નથી, લખાવે છે! જેવું બોલાય, તેવું ટાઇપિસ્ટ ટાઈપ કરે અને તેવું જ પ્રેસમાં જાય! દર અઠવાડિયે એકાદ-બે કૉલમ અને દર વરસે બે ત્રણ દળદાર પુસ્તકો પ્રગટ થઈ જાય. આવા ગુજરાતી સાહિત્યકારોના નામે દોઢસો બસો પુસ્તકો તો રમત રમતમાં જ થઈ જાય!

જો ગુજરાતમાં કવિ લેખકોની ખોટ નથી તો સુજ્ઞ વાંચકોની તો છે જ. જે વંચાય છે તે બહુધા પુસ્તકો કરતાં છાપાં અને મૅગેઝિનો, અને ખાસ તો તેમાં આવતી કોલમો. મુંબઈની પરાંની ટ્રેનમાં લોકોના હાથમાં પુસ્તકો કરતાં છાપાં અને મૅગેઝિનો વધુ જોવા મળે. એક જમાનામાં લોકો રમણલાલ વસંતલાલ દેસાઈ કે કનૈયાલાલ મુનશીની નવલકથાના દળદાર પુસ્તકો હોંશે હોંશે વાંચતા. હવે મુખ્યત્વે છાપાં કે મૅગેઝિનોમાં ધારાવાહિક આવતી નવલકથાઓ વંચાય છે. લોકોનો વાંચવાનો સમય ટીવી અને વિડિયોએ ભરખી ખાધો છે. વધુમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું શિક્ષણ ક્ષીણ થતું જાય છે. મુંબઈમાં તો ગુજરાતી માધ્યમની શાળાઓનો લગભગ અસ્ત આવી ગયો છે. મુંબઈનાં ગુજરાતી કુટુંબોમાં ઉછરતી પેઢીના બાળકો ભલે ગુજરાતી બોલે, પણ એમનું ગુજરાતી વાંચન કે લેખન તો નહિવત્ જ થઈ ગયું છે. ગુજરાતનાં મોટાં શહેરોમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓનો મહિમા મોટો છે. આ કારણે શિષ્ટ ગુજરાતી ભાષા સાહિત્યનું ભવિષ્ય એ મોટી ચિંતાનો વિષય છે.

સુરેશ દલાલ—જલસાનો માણસ

સાહિત્ય અકાદમીને કારણે મને અગ્રગણ્ય ગુજરાતી સાહિત્યકારોને મળવાનું થયું, એમાં સુરેશ દલાલ સાથે મૈત્રી થઈ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને ઉમાશંકર જોશી સાથે પરિચય બંધાયો. ૧૯૭૭માં સુરેશ દલાલ પહેલી વાર અમેરિકા આવ્યા ત્યારે પન્ના નાયક એમને લઈને વૉશિંગ્ટન આવ્યા હતા. એમની એ મુલાકાત દરમિયાન અને ત્યાર પછી ઘણી વાર જ્યારે પણ સુરેશભાઈ અમેરિકા આવ્યા ત્યારે અને હું જ્યારે દેશમાં જાઉં ત્યારે તેમને મળવાનું જરૂર થાય.

જો કે આમ તો કવિતા લખવાનાં છબછબિયાં મેં ઠેઠ હાઈસ્કૂલથી શરૂ કરેલાં અને કૉલેજમાં પણ કવિતાઓ લખીને એક હસ્તલિખિત કાવ્યસંગ્રહ સ્વપ્નલોક નામે તૈયાર કર્યો હતો. પરંતુ મારી કાવ્યલેખનની પ્રવૃત્તિ કૉલેજ પછીના મુંબઈની હાડમારીનાં વરસોમાં ધોવાઈ ગઈ. સુરેશ દલાલે મને ફરી વાર સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત કર્યો, ખાસ કરીને કવિતામાં. એમના સતત પ્રોત્સાહનથી મેં ફરી પાછી મારી કાવ્યપ્રવૃત્તિ શરૂ કરી. મારી મોટા ભાગની કવિતાઓ એમના સામયિક કવિતામાં પ્રગટ થઈ. વધુમાં એમની જ પ્રકાશનસંસ્થા ઇમેજે મારા ત્રણે-ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યાં.

મુંબઈના ગુજરાતી સાહિત્યજગતમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાઓમાં એમનું રાજ્ય એકહથ્થુ ચાલતું. એમણે યોજેલા કાવ્યસમ્મેલનો અને મુશાયરાઓ ખૂબ જ વખણાતા. એમનું નામ પડતાં જ હોલ ભરાય. એમની આ લોકપ્રિયતા અમેરિકામાં પણ પ્રસરેલી. એક વાર ન્યૂ જર્સીના એક કાર્યક્રમમાં લગભગ દોઢેક હજાર માણસો હશે. એ કાર્યક્રમમાં જાણીતા કથાકાર શ્રી મોરારિબાપુ પણ ઑડિયન્સમાં હાજર હતા. સુરેશભાઈને પ્રવચન પછી આખાયે સભાગણે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. કોઈ પણ ઑડિયન્સને પારખવાની એમની પાસે અદ્ભુત સૂઝ હતી. ગુજરાતી સાહિત્યના ધુરંધર કવિ લેખકો ઊંડે ઊંડે એવી આશા રાખતા કે સુરેશ દલાલ એમનો કાર્યક્રમ મુંબઈમાં યોજે. કેટલાક તો સામેથી કહેતા કે અમારો કાર્યક્રમ યોજો. ઉમાશંકર જોશી, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે વગેરેના કાર્યક્રમો એમણે હોંશે હોંશે યોજેલા. એ કવિ સંમેલનો યોજે તો કવિઓને જરૂર પુરસ્કાર આપે, અને જે જે કવિ બહારગામથી આવ્યા હોય તેમને ઍરફેર પણ આપે!

એમની પ્રકાશન સંસ્થા ઇમેજે ગુજરાતી પુસ્તકોના રંગરોગાન જ બદલી નાખ્યા. આકર્ષક કવર, સ્વચ્છ અને સુઘડ મુદ્રણ, પાકી બાંધણી—આ બધું જોતાં પુસ્તક હાથમાં લેવાનું મન થાય. ક્યા લેખકનું અને કેવું પુસ્તક જલદી વેચાશે, અને કયું ગોડાઉનમાં જઈને જગ્યા રોકશે એની સુરેશભાઈને સ્પષ્ટ સમજ. એક વાર મને કહે, મારા કવિ મિત્રોને કવિતા છપાવવા માટે લુચ્ચા પ્રકાશકોની દાઢીમાં હાથ ઘાલવા ન પડે એટલા માટે મેં ઇમેજ શરૂ કર્યું છે. વધુમાં મનગમતા કવિલેખકોનાં પુસ્તકો હું છાપી શકું એ બોનસ. એટલું જ નહીં, ગુજરાતના અગ્રગણ્ય કવિઓ તેમ જ બીજા અનેકનાં ચૂંટેલાં કાવ્યો અને સર્જનોનું પ્રકાશન હાથમાં લઈને એમણે અમેરિકાની ‘મોડર્ન લાઇબ્રેરી’ જેવી પ્રકાશનની વ્યવસ્થા ગુજરાતી સાહિત્યમાં કરી દીધી. રામનારાયણ પાઠક, સ્વામી આનંદ, ઉમાશંકર જોશી, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે વગેરે ગુજરાતી કવિ લેખકો તેમજ વિદેશના અનેક લેખકોને એમણે પબ્લીશ કર્યા. કૉલેજમાં ભણતા હતા ત્યારથી જ એમણે સાહિત્યનો, ખાસ કરીને ગુજરાતી કવિતાનો ભેખ લીધો હતો. કૉલેજકાળમાં પણ દર વર્ષે પોતાને ગમતી કવિતાઓની પુસ્તિકાઓ ગાંઠનું ગોપીચંદન કરીને પબ્લીશ કરતા!

નરસિંહ મહેતાથી માંડીને આધુનિક અને અનુઆધુનિક ગુજરાતી કવિઓની અનેક કવિતાઓ એમને મોઢે. એમ કહેવાતું કે ન કરે નારાયણ અને કોઈ મહાપ્રલયમાં બધાં જ ગુજરાતી કાવ્યસંગ્રહો તણાઈ જાય પણ જ્યાં સુધી સુરેશ દલાલ જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા જીવતી રહેશે! સમજો કે ગુજરાતી કવિતાના એ જીવતા જાગતા ઍન્સાઇક્લોપિડિયા હતા. એમણે જન્મભૂમિ જૂથનું કવિતા ૪૫થી વધુ વરસો એક હાથે ચલાવ્યું. કોઈ કવિએ આટલા લાંબા સમય સુધી કવિતાનું મૅગેઝિન ચલાવ્યું હોય એવું સાંભળ્યું નથી. આ મૅગેઝિન દ્વારા એમણે ગુજરાતને ઘણા કવિઓ આપ્યા.

મુંબઈની સોમૈયા અને કે. સી. કૉલેજમાં પ્રૉફેસર તરીકે એ ખૂબ લોકપ્રિય હતા. એમનો ક્લાસ ભરવા માટે પડાપડી થાય. ગુજરાતી કવિતાને આમજનતા સુધી પહોંચાડવાનો યશ સુરેશ દલાલને જ જાય છે. વધુમાં એ લોકપ્રિય કોલમીસ્ટ પણ હતા. જન્મભૂમિ, દિવ્ય ભાસ્કર, ચિત્રલેખા વગેરે છાપાં મૅગેઝિનોમાં એમની કૉલમ નિયમિત છપાતી. ‘ફ્લડ ધ માર્કેટ’ એવી ફિલોસોફીને આધારે એ અઢળક લખતા. એમના કાવ્યસંગ્રહો, લેખસંગ્રહો, સંપાદનો વગેરે પુસ્તકોની સંખ્યા સેંકડો સુધી પહોંચેલી! એમના સર્જનાત્મક કાર્ય ઉપરાંત એમની અન્ય પ્રવૃત્તિઓ—સંપાદન, પ્રકાશન, સંચાલન, અધ્યાપન, યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન વગેરે તો ચાલુ જ રહેતી. આવી અનેક પ્રવૃત્તિઓમાં સતત ગળાડૂબ રહેતા હોવાને કારણે એમનામાંનો સર્જક કવિ ગૂંગળાઈ જાય છે તેવું મને સતત લાગ્યા કરતું. એમનો જવાબ સ્પષ્ટ હતો. ઉમાશંકર જોશીએ જે એક વાર કહેલું તેનો પડઘો પાડતા હોય એમ કહે કે આ બધામાં જે ટકવા જેવું હશે તે ટકશે, બાકી બધું કાળની ચાળણીમાં ચળાઈ જશે. એમને એમની મર્યાદાઓનું સ્પષ્ટ ભાન હતું.

એમની સામે મારી જેમ અનેક મિત્રોની એક ફરિયાદ એ હતી કે એ એમના સ્વાસ્થ્ય માટે સાવ બેદરકાર હતા. એમનું શરીર અનેક રોગોનું ધામ હતું. એમને ઘેર મારું રહેવાનું થતું ત્યારે હું જોતો કે એમના પત્ની સુશીબહેન હંમેશ સવારમાં બગીચામાં ચાલવા જાય, પણ સુરેશભાઈના પેટનું પાણી ન હલે. એ ભલા અને એમની સિગરેટ ભલી. એમનું ખાવાનું પણ એવું જ. છેલ્લાં વરસોમાં એમની તબિયત ખૂબ લથડી હતી. છતાં, એ ડગુંડગું કરતા કોઈની મદદ લઈને જ્યારે કવિતા વિશે બોલવા માઈક હાથમાં લે ત્યારે એમનો જુસ્સો અને રણકો તો એવા ને એવા જ!

એમની લાઈફ સ્ટાઈલ પણ રાજાશાહી! એક વાર એમને ત્યાં હું વડોદરા રહેલો. એ ત્યારે ત્યાંની યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર હતા. એમની જેમ મને પણ વહેલા ઊઠવાની ટેવ. ટૂથબ્રશ કરી મોઢું ધોઈને ઘરના ઑફિસરૂમમાં આવે, ત્યારે એમના માટે ચા તૈયાર હોય. એમની અનેક ડિમાન્ડને પૂરી કરવા લોકો વહેલી સવારથી જ હાજર હોય. એ સવારની ચા અને સિગરેટ પીતા હોય, ત્યાં એક ક્લાર્ક આવે. સુરેશભાઈ એને એમની કૉલમ લખાવે. એ સડસડાટ બોલતા જાય, ક્લાર્ક ફટફટ લખતો જાય. ચાનો બીજો કપ આવે ત્યાં સુધીમાં તો કૉલમ લખાવાઈ ગઈ હોય. ત્યાં વળી યુનિવર્સિટીનો ક્લાર્ક આવે. આજે શું શું કરવાનું છે તેની વાતો થાય. એ જાય અને સુરેશભાઈ કહે: બસ, આપણે છૂટા! અને હજી સવારના નવ પણ ન વાગ્યા હોય.

એની જેમ છૂટે હાથે પૈસા વેરતો કોઈ ગુજરાતી કવિ મેં જોયો નથી. મુંબઈમાં એમને પોતાની કાર નહોતી ત્યાં સુધી હંમેશ ટૅક્સીમાં જ ફરતા. શું અમેરિકામાં કે શું દેશમાં, શું રેસ્ટોરાંમાં કે શું બૂકસ્ટોરમાં પૈસા આપવાનો આગ્રહ એ જ રાખે. એક વાર એમને લઈને અમે અહીંના એટલાન્ટિક સીટીના કસીનોમાં ગયેલા. પોતાના હાથમાં જેટલા ડોલર હતા તે એની સાથે આવેલા મિત્રને સહજ જ આપતા કહે, જા, રમ આનાથી! મુંબઈમાં અમે જ્યારે રેસ્ટોરાંમાં જઈએ ત્યારે એમના ડ્રાઇવરને પણ રેસ્ટોરાંમાં જમાડે.

સુરેશભાઈ ભારે સ્વમાની, ભલભલાને સંભળાવી દે. દેશના મીનિસ્ટરો એમ માને કે જે કોઈ સરકારી નોકર હોય તેની ઉપર પોતે રૂઆબ છાંટી શકે, પછી ભલે ને એ ઊંચી કક્ષાનો સિવિલ સર્વન્ટ હોય. સુરેશભાઈ જ્યારે વડોદરાની યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર હતા ત્યારે ગુજરાતના તે વખતના એક મીનિસ્ટરે એમની ઉપર રૂઆબ છાંટવાનો પ્રયત્ન કર્યો! એમણે મીટિંગ માટે સુરેશભાઈને ગાંધીનગર બોલાવ્યા અને કલાકો સુધી કોઈ કારણ આપ્યા વગર ઑફિસની બહાર બેસાડી રાખ્યા. સુરેશભાઈ સમજી શક્યા કે આ અધિકારી શું કરી રહ્યા છે. ત્યાં ને ત્યાં જ એમણે વાઇસ ચાન્સેલરશીપનું રાજીનામું આપી દીધું અને મુંબઈ જવાની પહેલી ટ્રેન પકડી! અધિકારીને ખબર પડી કે એણે શું કર્યું. એણે સુરેશભાઈને મનાવવા ખૂબ મહેનત કરી. વિનંતી કરી કે તમે રાજીનામું પાછું ખેંચો. સુરેશભાઈ કહે, આ રાજીનામું નથી, નારાજીનામું છે!

સુરેશ દલાલ જેવા મિત્ર મળવા મુશ્કેલ. અર્ધી રાતે જરૂર પડતા આવીને ઊભા રહે. એમણે અનેક કવિઓને મદદ કરી છે. એમની સાથે કલાકોના કલાક અલકમલકની વાતો કશીય છોછછાછ વગર કરવાની મજા પડે. મોટા ભાગના ગુજરાતી કવિ લેખકો માથે ગામ આખાનો ભાર લઈને ફરતા હોય એવું લાગે. આ કવિઓ સાથે કોઈ મસ્તીમજાકની વાત કરતાં બીક લાગે. કદાચ એમને ખોટું લાગી જાય તો? સુરેશભાઈ એ બધાથી સાવ જુદા. એ જ એક એવા ગુજરાતી કવિ મને મળ્યા છે કે જેમની સાથે બારમાં જઈને બે ત્રણ ડ્રીન્કસ લઈને ગપ્પાં મરાય, ગૉસીપ કરી શકાય. મારો બીજો કાવ્યસંગ્રહ, ઇન્ડિયા, ઇન્ડિયા એમને અર્પણ કરતા મેં લખ્યું હતું :

શરાબ, સિગરેટ, કેફ વધુ કાવ્યનો માણતા,
સદાય જલસો કરો, બધું પ્રમાણતા, જાણતા!
શુચિર્દક્ષ દર્શક

દેશમાંથી અકાદમીના આશ્રયે અમેરિકા આવેલા સાહિત્યકારોમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’નું મહત્ત્વ મને વિશેષ હતું. એમની લોકપ્રિય નવલકથા ઝેર તો પીધાં છે જાણી જાણી હું કૉલેજમાં ભણેલો. એ નવલકથાનાં પાત્રોનું–સત્યકામ, રોહિણી, અચ્યુત વગેરેનું મારા કિશોર મનને ઘેલું લાગેલું. ખાસ કરીને અચ્યુત અને સત્યકામનાં યુરોપના પરાક્રમો વાંચીને મને પરદેશ જવાની પ્રેરણા મળેલી. થયું કે આવું આપણને કરવા મળે તો કેવું!

પછી ખબર પડી કે દર્શક પોતે તો માંડ પાંચ ચોપડી ભણેલા હતા! યુરોપ અને હિંદના ઇતિહાસનો એમનો અભ્યાસ જાતકમાઈનો હતો. જેમણે હાઈસ્કૂલ પણ પૂરી કરી નથી અને જેમની પાસે કૉલેજની કોઈ ડીગ્રી નથી, અને છતાં જે ગુજરાતના એક ગામડામાં બેસીને યુરોપનાં વિશ્વયુદ્ધો અને વિચારધારાઓનો અભ્યાસ કરે અને એના વિશે પુસ્તકો લખે, એમનો ચેતોવિસ્તાર કેવો વિશાળ હશે! દર્શક નાનાભાઈ ભટ્ટ અને સ્વામી આનંદના શિષ્ય હતા. નાનાભાઈ આગળ એ ઉપનિષદ ભણ્યા. અને પછી તેમની સાથે જ રહી લોકભારતી વિદ્યાપીઠ ચલાવી. આઝાદીની લડાઈમાં નાની ઉંમરે જોડાઈને જેલમાં જઈ આવેલા. એમનો ગાંધીવાદ પોથીમાંનાં રીંગણાંનો નહીં, પણ રગેરગમાં ઊતરેલો હતો.

એક વાર એ મુંબઈ આવેલા ત્યારે ભારતીય વિદ્યાભવનના ગીતામંદિરમાં એમનું પ્રવચન યોજાયેલું. ત્યાં મેં એમને પહેલી વાર મેં જોયા. ખાદીની ચોળાયેલી કફની અને ધોતિયાનો એમનો સાદો પહેરવેશ, માથે ઊડતા ધોળા વાળ, અને ખરજવાને ખંજવાળતા ખંજવાળતા પ્રવચન કરતા મેં એમને જોયા. એ શું બોલ્યા તે આજે મને યાદ નથી, પણ તેમની જે છબી મારા મનમાં પડી તે હજી પણ તાદૃશ છે. પ્રવચન પત્યે મારે એમની પાસે જઈને કહેવું હતું કે હું તમારી નવલકથા ભણ્યો છું અને મને એ ખૂબ ગમી છે. પણ એમની આજુબાજુ એટલા બધા સાહિત્યરસિકો ઘેરાઈને ઊભા હતા કે મારી નજીક જવાની હિંમત ન ચાલી. ત્યારે મને કલ્પના પણ ન હતી કે ભવિષ્યમાં હું એમનો યજમાન બનીશ.

અમે મિત્રોએ જ્યારે અમેરિકાની ગુજરાતી સાહિત્યની અકાદમી સ્થાપી ત્યારે એના પહેલા લેખક મહેમાન તરીકે દર્શકને બોલાવ્યા. એમને દેશમાં જઈને આમંત્રણ આપવાનું સદ્ભાગ્ય મને મળ્યું. એ નિમિતે હું પહેલી જ વાર સણોસરા ગયો અને અમારો સંબંધ બંધાયો. પછી તો જ્યારે જ્યારે હું દેશમાં જાઉં ત્યારે એમને મળવા સણોસરા જાઉં. એ પણ અમેરિકા આવે ત્યારે અઠવાડિયું, દસ દિવસ જરૂર અમારે ત્યાં વૉશિંગ્ટન આવે. જ્યારે જ્યારે એમને મળવાનું થાય ત્યારે દેશવિદેશના રાજકારણની અને અન્ય અલકમલકની વાતો થાય. એ વાતચીતોમાં એમનું નવું જાણવાનું કુતૂહલ પ્રગટ થતું. આ વાતચીતોમાં એમની ગાંધીભક્તિ, નાનાભાઈ અને સ્વામી આનંદ પ્રત્યેનો આદર, તૉલ્સતૉય, લિંકન જેવા મહાનુભાવો માટે એમનું અપાર માન, લોકસેવા અને લોકશિક્ષણ કરવાની એમની તીવ્ર ઝંખના વગેરે દેખાઈ આવે.

દેશથી આવતા મુલાકાતીઓ અહીંયા શૉપિંગ કરવામાં રસ ધરાવે, ત્યારે દર્શકને તો અમેરિકાનાં અગત્યના ઐતિહાસિક સ્થાનો જોવાનો અને અહીંના વિચારકોને મળવામાં રસ. આવીને કહે કે આપણે ગેટીસબર્ગ જઈએ. અમેરિકાની ભીષણ સિવિલ વૉરની મોટી લડાઈ ત્યાં થયેલી અને ત્યાં જ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને એમનું બહુ ટૂંકું પણ વિશ્વવિખ્યાત પ્રવચન આપેલું. ગેટીસબર્ગ વૉશિંગ્ટનથી લગભગ સોએક માઈલ દૂર. એક સવારે દર્શકને લઈને અમારો કાફલો ઊપડ્યો. જે જગ્યાએ લિંકને એમનું પ્રવચન આપેલું ત્યાં ગયા. દર્શક ભાવવિભોર થઈ ગયા. મને કહે, તેમ થોડી વાર માટે લિંકન બની જાવ. એનું પ્રવચન બોલો. મારે એ ટેઈપ કરવું છે, અને પાછા જઈને મારા વિદ્યાર્થીઓને સંભળાવવું છે! એ સમયે પોતે અમેરિકન સિવિલ વોરનો અભ્યાસ કરતા હતા. એની ફલશ્રુતિ રૂપે એ વિષયની એક નવલકથા પણ એમણે આપી.

દર્શકની બાબતમાં ‘what you see is what you get!’ પોતે જે માને છે, તે કશું છુપાવ્યા વગર, કોઈ રમત રમ્યા વગર સ્પષ્ટ કહી દે. ‘વોઈસ ઑફ અમેરિકા’માં મેં જે ઇન્ટરવ્યૂ ગોઠવ્યો હતો તે એમણે સહેલાઈથી આપ્યો. દર્શકના રસના વિષયો વિવિધ. ભલે ગાંધીવાદી ખરા, પણ એ બાબતનું કોઈ વેદિયાપણું નહીં. મને કહે, “ હું તો જબરો રોમેન્ટિક છું હોં! ચોપાટ રમવા બેસું તો આખી રાત નીકળી જાય. ચા અને આઈસ્ક્રીમનો મોટો શોખ. એક વાર કહે, જાવ, મકાઈ લઈ આવો. શેકીએ અને ખાઈએ! મોટા લેખક છે એવું ભૂસું મનમાં રાખે નહીં. સાંજના એક દિવસ હું ઑફિસેથી ઘરે પાછો આવ્યો તો જોયું તો એ મારી પત્ની નલિની સાથે શાક સમારતા બેઠા બેઠા અલકમલકની વાતો કરતા હતા!

અમેરિકાની એકેએક મુલાકાતમાં જેટલું જાણવા મળે તેટલું જાણી લેવું, એવું એમનું માનવું. એક વાર હું એમને અહીંના વિખ્યાત એકલવીર પત્રકાર આઈ.એફ.સ્ટોનને મળવા લઈ ગયેલો. સ્ટોને સોક્રેટીસ ઉપર પુસ્તક લખેલું. દર્શક પોતે પણ ત્યારે સોક્રેટીસના જીવન પર નવલકથા લખી રહ્યા હતા. સ્ટોન સાથે એક બ્રેકફાસ્ટમાં એમણે સોક્રેટીસ વિશે ઘણી વાતો કરી. અંતે સ્ટોનને કહે કે ઉંમરમાં તમે મારાથી મોટા છો તો મને આશીર્વાદ આપો! એક મુલાકાતમાં ક્રિશ્ચિયન સાધુઓ મોનેસ્ટરીમાં ધર્મસાધના કેમ કરે છે અને ત્યાં બહારની દુનિયાથી સાવ વિખૂટા પડીને કેમ જીવે છે તે તેમને જોવું હતું. એ જોવા માટે અમે વૉશિંગ્ટનથી પચાસેક માઈલ દૂર આવેલી એક મોનેસ્ટરીમાં ગયા. ત્યાંના મઠાધિકારી સાધુ સાથે હિંદુ અને ક્રિશ્ચિયન ધર્મ વિશે એમણે ચર્ચા કરી.

એ હાડે શિક્ષક હતા. પોતે ભલે અમેરિકામાં હોય, પણ એ સણોસરાની લોકભારતી વિદ્યાપીઠ કે એના વિદ્યાર્થીઓને ભૂલે નહીં. લોકભારતીની ગાયો વધુ દૂધ આપતી થાય એ માટે અહીંના આખલાઓ સાથે એનું ક્રોસ બ્રીડીંગ કરી શકાય કે નહીં તે વિશે જાણવા અમે અહીંની યુનિવર્સિટી ગયા. તે વિષયના નિષ્ણાતો સાથે વાતો કરી એ બાબતની માહિતી મેળવી. એક વાર કહે કે આપણે ત્યાં ગામડાંઓનું બહુ શોષણ થયું છે. એ શોષણ અટકાવવા માટે અમે ગામડાંઓના છોકરાછોકરીઓને શીંગડાં બતાડતા શીખવીએ છીએ. એવા શોષણને નીચી મૂંડીએ મૂંગા મૂંગા સહન કરવાને બદલે એનો સામનો કરવાનું શીખવીએ છીએ. ગામડાંવાસીઓને સજ્જ કરવાની અમારી ફરજ છે, હજી પણ દેશની બહુમતિ પ્રજા ગામડાંઓમાં વસે છે. હું એમને ચીનના અર્બાનાઈઝેશન વિશે વાત કરી ને કહું કે દેશની ભયંકર ગરીબીમાંથી છૂટવા માટે આ એક મૉડેલ વિચારવા જેવું છે, પણ એમનો ગ્રામોદ્ધાર પ્રત્યેનો ગાંધીવાદી બાયસ એવો જબરો હતો કે એ વાત દર્શક સાવ નકારી કાઢતા. કહેતા કે ગામડાંઓમાંથી લોકોને બહાર કાઢવાને બદલે ગામડાંઓને કેમ સુધારીએ નહીં?

એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અમેરિકામાં વસતા હતા તેમનો સંપર્ક સાધવા પ્રયત્ન કરે. એમના અને એમનાં કુટુંબોના ખબરઅંતર પૂછે. દેશમાંથી થોકડાબંધ એમના પત્રો આવે, અને એ બધાનો જાતે જ જવાબ લખે. કહે, “મને માણસમાં રસ છે.” અમેરિકામાં વસતા ભારતીયોના પ્રશ્નો શું છે તે વિશે જાણવા પણ એ આતુર. એ બાબતના પોતાનાં મંતવ્યો પણ રજૂ કરે. અમેરિકામાં જે રીતે કુટુંબવ્યવસ્થા કથળી ગઈ છે તે વિશે ચેતવતા એક વાર કહે કે કોઈ પણ સમાજ કે સંસ્કૃતિનો પાયો એની સ્થાયી કુટુંબ વ્યવસ્થામાં છે અને તેથી જ તો આપણે ભારતીયોએ અહીં પણ આપણું કુટુંબ જાળવવું જોઈએ. હુતો અને હુતી એકલા રહે અને કહે કે અમે તો સંપથી રહીએ છીએ, એમાં શી નવાઈ? ઘરમાં ભાઈબહેન, માબાપ એમ સગાંસંબધીઓ સાથે રહેતાં હોય તો જરૂર કચકચ થાય. વાસણ હોય તો ખખડે. એ બધાંની સાથે રહેવામાં આપણી કસોટી છે. આખરે તો સંયુક્ત અને સ્થાયી કુટુંબમાં જ આપણું શ્રેય છે. પતિપત્ની વચ્ચે જે વિસંવાદ હોય તે સમજીને સુધારવો, પણ છૂટાછેડા તો ન જ લેવાય. મેં જ્યારે એમને તોલ્સ્તોય અને એમની પત્ની વચ્ચેના વિસંવાદની વાત કરી તો કહે: તોલ્સ્તોય જેવા માણસને યોગ્ય પત્ની ક્યાંથી લાવવી?

દેશના રાજકારણમાં એમનો સક્રિય રસ. એ વિશે એમના ગાંધીવાદી વિચારો વ્યક્ત કરવા હંમેશ બેધડક લખતા. જ્યારે જરૂર પડી ત્યારે ચૂંટણી પણ લડ્યા. શિક્ષણપ્રધાન થયા. સાથે સાથે લોકભારતી જેવી મોટી વિદ્યાપીઠ પણ ઠેઠ સુધી ચલાવી. આવી અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા એમના જીવનમાં એમને નવલકથા અને નાટકો લખવાનો સમય ક્યાંથી મળતો? મને એમ હંમેશ લાગ્યા કર્યું છે કે એમનું સાહિત્યસર્જન જાણે ડાબા હાથનો ખેલ હતો. એટલે જ તો મને એમના સર્જનમાં શિથિલતા દેખાય છે. સ્વામી આનંદ જેવા જે એકે એક શબ્દ ચકાસતા સાહિત્યમર્મી હતા તે તો એમને ઠપકો આપતા. કહેતા, “તું લખે છે તેમાં લાપસી સાથે આ કાંકરા કેમ આવે છે?”

છેલ્લો એમને હું મળવા ગયેલો ત્યારે કંઈક નિરાશાના રીફ્લેક્ટીવ મૂડમાં હતા. એમના ઉપર એક મોટી આફત આવી પડી હતી. એમની જ સંસ્થામાં એક (ગાંધી નામના!) અકાઉન્ટન્ટે લાખો રૂપિયાનો ગોટાળો કર્યો હતો! છાપાંઓએ એ વાત બહુ ચગાવી હતી. બધે હાહાકાર થઈ ગયો. લોકભારતી જેવી ગાંધીઆદર્શ અને નીતિમત્તા શીખવતી સંસ્થામાં એનો જ એક કર્મચારી કૌભાંડ કરે એ વાત દર્શક માટે અસહ્ય થઈ પડી હતી. જાણે કે એ ભાંગી પડ્યા હોય એવું લાગ્યું. ખાસ કરીને દર્શક જેવા અણીશુદ્ધ લોકસેવકને જતી જિંદગીએ આ જોવું પડ્યું એ એમના મિત્રો અને પ્રશંસકો માટે પણ દુઃખ અને ચિંતાનો વિષય હતો. આ દુઃખદ બનાવ બન્યા પછી દર્શક લાંબું જીવ્યા નહીં.

હું જ્યારે જ્યારે દર્શકનો વિચાર કરું છું ત્યારે એમણે લોકભારતીમાં હજારો વિદ્યાર્થીઓ તૈયાર કરીને જે અમૂલ્ય સેવા કરી છે તે તો સહજ જ યાદ આવે, છતાં લોકભારતીનો એમનો પ્રયોગ મને પટોમ્પકિન વિલેજની વાત યાદ આવે છે. ૧૭૮૭માં ક્રાઇમિઆમાં ફરવા નીકળેલા રશિયાના મહારાણી કેથરીન પર છાપ પાડવા માટે ગ્રિગોરી પટોમ્પકિન નામના રશિયન અધિકારીએ એક આદર્શ ગામ તૈયાર કર્યું અને રાણીને બતાડ્યું કે એમના રાજ્યમાં રશિયામાં કેવી પ્રગતિ થઈ છે અને લોકો કેટલા સુખી છે! લોકભારતીમાં પ્રવેશ કરતાં જ બધું સ્વચ્છ અને સુંદર દેખાય. મકાનો લાઈનસર બંધાયેલા, ફૂલોથી લચી પડતા બગીચાઓ, વ્યવસ્થિત રોપાયેલાં વૃક્ષો, ગૌશાળામાં દરેક ગાયને નામથી બોલાવી શકાય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વગેરે વિવેક અને શિસ્તથી એક બીજા સાથે વર્તે, બધા વિદ્યાર્થીઓ સાથે જમે, વાર તહેવારે મિષ્ટાન ફરસાણ પણ હોય, ક્યાંય તંગી ન વર્તાય! (દર્શકને પોતાને જ આઇસ્ક્રીમનો જબરો શોખ!) સવારસાંજ પ્રાર્થનાસભામાં બધા સાથે મળે અને ભજનો ગાય, અને આદર્શ જીવન કેમ જીવવું એની ચર્ચા થાય.

આ બધું સાવ સાચું, પણ જેવા લોકભારતીના દરવાજા બહાર નીકળો કે તમને સણોસરામાં એનું એ જ દેશનું ગામડું દેખાય! એ જ ગંદકી, ગરીબી, અને ગેરવ્યવસ્થા. અર્ધા નાગા છોકરાઓ ધૂળમાં રમતા દેખાય, અને જે નાના નાના છોકરાઓએ નિશાળમાં જઈને કક્કા બારાખડી ભણવું જોઈએ એ વાંકા વળીને દિવસરાત હીરા ઘસતા દેખાય. નોકરીધંધા ઓછા એટલે પુરુષો ઓટલે બેઠા બેઠા બીડીઓ ફૂંકે. છોકરાઓની હીરા ઘસવાની કમાણી પર ઘર ચાલે! જેવું દેશનાં લાખો ગામડાંનું તેવું જ સણોસરાનું. આઝાદીને આજે સાંઠથી વધુ વર્ષો થયાં પછી પણ દુનિયાભરના વધુમાં વધુ અભણ માણસો આપણા દેશમાં છે! દેશની લગભગ ૪૦ ટકા વસતી (૩૦૦ મીલિયન) અભણ છે!

લોકભારતી અને સણોસરા ગામ—આ બન્નેની દુનિયા જાણે કે સાવ જુદી જ. એ બે દુનિયા વચ્ચેનો આડાગાડાનો તફાવત જોતા લોકભારતીનો પ્રયોગ માત્ર સ્વપ્ન સમાન પટોમ્પકિનના આદર્શ ગામ જેવો લાગે. આનો અર્થ એ નથી કે દર્શકને આ વિરોધાભાસનું ભાન નહોતું. લોકભારતીની દીવાલની બહારના સણોસરાની એમને ખબર હતી. એ તો આખો દેશ ભમી ચૂકેલા. ગરીબ બિહાર રાજ્યના કંગાળ પ્રાંતોમાં જયપ્રકાશ નારાયણ સાથે ફરેલા અને કામ કરેલું. દીવાલની આજુબાજુની બે સાવ જુદી દુનિયાનું એમને સ્પષ્ટ ભાન હતું, પણ એમનો જવાબ પૂરેપૂરો ગાંધીઅન હતો: મારાથી જે થાય છે તે હું કરું છું. બહારની દુનિયાના ભીષણ અંધકાર સામે હું જો મારો નાનો સરખો પણ દીવો ન સળગાવું તો હું મારી ફરજ ચૂક્યો ગણાઈશ. એટલે જ તો લોકભારતી કરીને અમે એક નાનો દીવો સળગાવ્યો છે.

ઉમાશંકર જોશી—બહુશ્રુત અને જાગૃત કવિ

૧૯૪૭માં જ્યારે એમણે સંસ્કૃતિ સામયિક શરૂ કર્યું ત્યારથી માંડીને ઠેઠ ૧૯૮૮માં જ્યારે એમનું અવસાન થયું તે સુધીના ચાર દાયકા દરમિયાન ઉમાશંકર ગુજરાતી સાહિત્યના પ્રમુખ સાહિત્યકાર હતા. એમને ગુજરાતી સાહિત્યના બધાં જ માન, સન્માન અને ચંદ્રકો મળેલા. ૧૯૬૭માં રાષ્ટ્રીય કક્ષાએ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા એ પહેલા ગુજરાતી સાહિત્યકાર હતા.

એમની કાવ્યપ્રવૃત્તિ છેક ૧૯૨૮થી શરૂ થઈ. ત્યારે એમણે સત્તર વર્ષની કુમળી વયે ‘નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા’ જેવું સુંદર સૉનેટ આપ્યું. અને તેમાંયે એની સંઘેડાઉતાર છેલ્લી પંક્તિ જુઓ : ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ સત્તર વરસનો એક છોકરો આવું નખશીખ સુંદર સૉનેટ આપે એ તો ઈશ્વરદત્ત પ્રતિભાથી જ બને. અગત્યની વાત એ છે કે ઉમાશંકરે એ પ્રતિભાને અસાધારણ ખંત અને ચીવટથી જાળવી અને કેળવી. ૧૯૩૧માં કાકા સાહેબ કાલેલકરના આશીર્વચન સાથે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ વિશ્વશાંતિ પ્રગટ થયો. અને તુરત જ એક કવિ તરીકેની તેમની પ્રતિષ્ઠા બંધાઈ ગઈ. ગાંધીયુગથી માંડીને ઠેઠ આધુનિક યુગના એક પ્રમુખ કવિ તરીકે એમની સિદ્ધિ સર્વમાન્ય હતી.

એમની સાહિત્યિક પ્રતિભા તો અનેક ક્ષેત્રે પ્રસરેલી હતી. કવિતા ઉપરાંત વાર્તા, નાટક, નિબંધ, વિવેચન, સંપાદન, અનુવાદ, ડાયરી, પત્રકારત્વ વગેરે અનેક ક્ષેત્રે એમનું સર્જનકાર્ય જેટલું પ્રયોગશીલ હતું તેટલું જ અસાધારણ હતું. લગભગ છ દાયકાની એમની લેખન પ્રવૃત્તિમાં એમણે ૧૦ કવિતા સંગ્રહો, ૩ એકાંકી સંગ્રહો, ૪ વાર્તા સંગ્રહો, એક નવલકથા, ૧૦ વિવેચન સંગ્રહો, ૩ નિબંધ સંગ્રહો, ૩ પત્રકાર લેખનના સંગ્રહો અને ૪ અનુવાદગ્રંથો આપીને એમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. એ ઉપરાંત એક સંગ્રહ થઈ શકે એટલા એમના અંગ્રેજી લેખો અને અન્ય ગુજરાતી લેખન તો હજી અગ્રન્થસ્થ છે.

એક મહત્ત્વના સાહિત્યકાર હોવા ઉપરાંત કેળવણીકાર, વિચારક અને પબ્લિક અફેર્સના અગ્રણી તરીકેનું એમનું પ્રદાન પણ આગવું હતું. અન્ય ગુજરાતી સાહિત્યકારોની જેમ એમની પ્રવુત્તિ મુખ્યત્વે સાહિત્ય પૂરતી મર્યાદિત રાખવાને બદલે એમણે શિક્ષણ, સમાજ અને રાજકારણ, કહો કે પબ્લિક અફેર્સના વિશાળ ફલક ઉપર કામ કર્યું હતું. ૧૯૮૫માં દિલ્હીની સાહિત્ય અકાદમીની ફેલોશીપ સ્વીકારતા એમણે કહ્યું હતું: I must confess that it would not have been possible for me to be a writer in the absence of my getting intimately involved in public affairs now and again–almost in spite of myself. Happily I found that my literary work was going on all through in the backyard of the mind. આ રીતે સાહિત્ય ઉપરાંત એમણે ઘણી સેવાઓ આપી. ગુજરાત યુનિવર્સિટીના તેમજ કલકત્તાની શાંતિનિકેતન યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર તરીકે, રાજ્યસભાના મેમ્બર તરીકે, કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે અને ઘણાંય કમિશન અને સંસ્થાઓમાં મેમ્બર તરીકે એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું.

પણ આ બધી પ્રવૃત્તિઓ છતાં એ નિરંતર શબ્દના ઉપાસક રહ્યા છે. એ કહે છે તેમ: “પ્રામાણિક્પણે કહી શકું કે શબ્દનો વીસારો વેઠ્યો નથી.” તો એ શબ્દ એમને ક્યાં ક્યાં લઈ ગયો? “સત્યાગ્રહની છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં–એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્રર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર…”

એ પોતાને માત્ર ગુજરાતી તરીકે સ્વીકારવા તૈયાર ન હતા. ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી?’ એ એમની બહુ પ્રખ્યાત પંક્તિમાં મને Rudyard Kiplingની કવિતા, The English Flagનો પડઘો સંભળાય છે : And what should they know of England who only England know? વળી એ એમ પણ કહેતા કે ‘I am an Indian writer writing in Gujarati.’ એમની દૃષ્ટિ ગુજરાતની બહાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયક્ષેત્રે પહેલેથી જ પહોંચી હતી. ઠેઠ ૧૯૩૨માં એમણે કહેલું કે:

વ્યક્તિત્વનાં બંધન તોડી ફોડી
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી
માથે ધરું ધૂળ વસુંધરાની.

આ વ્યક્તિ મટીને વિશ્વમાનવ બનવાની ઉમાશંકરની મહત્ત્વાકાંક્ષા એમનાં અનેક રેખાચિત્રો જોતાં સ્પષ્ટ થાય છે. આ રેખાચિત્રો જોતાં લાગે કે એમણે ભાગ્યે જ કોઈ ભારતીય કે આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર કે મહામાનવ વિશે ન લખ્યું હોય. એ પોતાને એ લીગમાં ગણતા એવું મને હંમેશ લાગ્યા કર્યું છે.

પોતે રાજસભાના મેમ્બર હોવાથી અનેક ક્ષેત્રોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહારથીઓને મળવાની અને એમની સાથે સંબંધ બાંધવાની જે તક મળે તે જવા ન દેતા. બાકી તો કેટલા ગુજરાતી લેખકો અમેરિકા આવે ત્યારે પ્રખ્યાત અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટને ખાસ મળવા જાય? કે યુરોપ જાય ત્યારે ઓડનના ઘર કબર સુધી ચાલતા ચાલતા જાય? કે રાષ્ટ્રપ્રમુખ અને વિખ્યાત ફિલોસોફર સર્વપલ્લી રાધાકૃષ્ણનને મળવા જાય અને એમના જન્મદિવસે સંસ્કૃતમાં કાવ્યાંજલિ આપે? કે મદ્રાસ જાય ત્યારે રાજાજીને જરૂર મળવા પ્રયત્ન કરે? કે દિલ્હીમાં નોબેલ પ્રાઈઝ વિજેતા કવિ ઓક્ટાવીઓ પાઝ જે મેક્સિકોના એમ્બેસેડર હતા, તેનો સંપર્ક સાધે? સોવિયેટ યુનિયનના જનરલ સેક્રેટરી નિકિતા કૃશ્ચેવ જ્યારે દેશની મુલાકાતે આવ્યા હતા ત્યારે એમના માનમાં જવાહરલાલ નહેરુએ એક નાનો ભોજન સમારંભમાં યોજેલો તે એમાં ઉમાશંકરને બોલાવ્યા હતા. પ્રખ્યાત સાયકોએનાલિસ્ટ એરિક એરિક્સને ગાંધીજી ઉપરના પોતાના પુસ્તક Gandhi’s Truthમાં એમની અમદાવાદની મુલાકાત વિશે લખતા ઉમાશંકરને ખાસ યાદ કરેલા.

ભલભલા સાહિત્યકારો એવી ઇચ્છા રાખે કે ઉમાશંકર એમને પ્રસ્તાવના લખી આપે. ઘણી વાર તો પ્રસ્તાવના માટે જે પુસ્તક મોકલાવ્યું હોય તે વરસ સુધી પડ્યું રહે, અને બિચારો લેખક રાહ જોતો રહે! પણ જ્યારે એ પ્રસ્તાવના લખે ત્યારે લેખક ન્યાલ થઈ જાય. એમણે હરિશ્ચંદ્ર ભટ્ટના મરણોત્તર કાવ્યસંગ્રહ સ્વપ્નપ્રયાણ નું અસાધારણ સૂઝ, સમજ, અને સંભાળથી સંપાદન કર્યું. એની પ્રસ્તાવના લખી હરિશ્ચંદ્રને ગુજરાતના એક ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠિત કર્યા. પ્રહ્લાદ પારેખ અને કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહોની ઉમાશંકરે લખેલી પ્રસ્તાવનાઓ કે રાજેન્દ્ર શાહના કાવ્યસંગ્રહ ધ્વનિની સમીક્ષા ગુજરાતી સાહિત્યમાં મૉડેલ ગણાય છે. કોઈ પણ નવો કવિ કે લેખક સંસ્કૃતિમાં પોતાની કૃતિ પબ્લીશ કરવા બધું કરી છૂટે, પણ ઉમાશંકરને રીઝવવા એ બહુ મોટી વાત હતી. મારા ગુજરાતીના શિક્ષક લક્ષ્મીકાન્ત ભટ્ટની એક વાર્તા ‘ટીપે ટીપે’ જે ટૂંકી વાર્તાનાં કંઈક મૅગેઝિનોમાંથી પાછી આવેલી તે ઉમાશંકરે સંસ્કૃતિમાં છાપીને લક્ષ્મીકાન્તને ગુજરાતી વાર્તાકારોની પ્રથમ પંક્તિમાં બેસાડી દીધા!

મને એમ લાગ્યા કર્યું છે કે એમની પ્રતિભાને અનુરૂપ અને યોગ્ય, દેશના એક નોંધપાત્ર બૌદ્ધિક તરીકે એમની ગણતરી નથી થઈ. ગુજરાતીઓ ભલે એમનું માન સન્માન કરે, પણ એને મળનારો માણસ પોતે કોને મળી રહ્યો છે તે સમજે છે કે નહીં તેની એમને શંકા હતી એમ મને લાગ્યું હતું. ગુજરાતી સર્જકોની કૃતિઓના સારા અનુવાદ ઇંગ્લીશમાં ન હોવાથી એમનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાહિત્યિક સન્માન નથી થયું તે સમજી શકાય છે. પણ એમને રાષ્ટ્રીય કક્ષાનો કોઈ પદ્મ અવોર્ડસ નથી મળ્યાે તે અક્ષમ્ય છે. ખાસ કરીને જ્યારે એમના સમકાલીન સાહિત્યકારો અમૃતા પ્રીતમ (પદ્મ વિભૂષણ), પુ. લ. દેશપાંડે (પદ્મ ભૂષણ), રામધારી સિંહ ચૌધરી દિનકર (પદ્મ ભૂષણ) વગેરેને આ અવોર્ડસ મળી ચૂક્યા હતા.

એ જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા ત્યારે એનું સમ્મેલન નવી દિલ્હીમાં એમણે યોજાવડાવ્યું હતું. પરિષદના બબ્બે વર્ષે યોજાતા આ સમ્મેલનો સામાન્ય રીતે કાં તો ગુજરાતમાં કે જ્યાં ગુજરાતીઓની વસતી વધુ હોય તેવા ગુજરાત બહારનાં શહેરોમાં હોય, પણ ઉમાશંકર જોશી તો રાષ્ટ્રીય રાજધાનીનો જ વિચાર કરે ને! રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળે એ માટે એમણે કોઈ પણ ગુજરાતી લેખક કરતાં વધુ, કદાચ કનૈયાલાલ મુનશીને બાદ કરતાં, અંગ્રેજીમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક લેખન કરેલું. ૬૦, ૭૦ અને ૮૦ના દાયકાઓમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી લેખકે ઉચ્ચ કક્ષાએ એમના જેટલા સાહિત્યિક અને સાંસ્કૃતિક આંતરરાષ્ટ્રીય પ્રવાસો કર્યા હશે.

ઉમાશંકર જોશી માટે મને એમ હંમેશ લાગ્યું છે કે એમણે પોતાને માટે એક ઇમેજ ઊભી કરી હતી તેમાં જરાય આંચ ન આવે એનો ખૂબ ખ્યાલ રાખતા. એમનો બોલવાનો એકેએક શબ્દ જાણે કે તોળાઈ તોળાઈ ને બોલાતો હોય એમ લાગે. જો એ બોલવા માટે આટલી ચીવટ રાખે, તો પછી એમનું લખવાનું પણ ચોક્કસ જ હોય ને! ગુજરાતના ઘણા જાણીતા લેખકોના સર્જનમાં જે શિથિલતા જોવા મળે છે, તે તેમનામાં ભાગ્યે જ મળે. પોતે લખેલું તે વારેવારે સુધાર્યા મઠાર્યા કરે. પોતાના લેખોને સુધારીને લખે કે આ હવે અધિકૃત આવૃત્તિ ગણવી. સર્જન માટે જે ચીવટ હતી તે એમણે અનુવાદ અને સંપાદનમાં પણ દાખવી હતી. ભવભૂતિકૃત ઉત્તરરામચરિત, કાલિદાસકૃત શાકુંતલ, અને મિત્સ્કિયેવિચકૃત ગુલે પોલાન્ડના અનુવાદોમાં એમની એ કૃતિઓની સૂક્ષ્મ સમજ અને એક સમર્થ અનુવાદકની ચીવટ જોવા મળે છે.

એમણે સંસ્કૃતિ બંધ કર્યું ત્યારે કેટલાક સાહિત્યિક મિત્રોની વિનંતી હતી કે એ બંધ ન કરે અને એમને ચલાવવા આપે. ઉમાશંકર જોશીની એ બાબતમાં સ્પષ્ટ ના હતી, અને એ સંસ્કૃતિ બંધ કરીને જ રહ્યા. એમને ભય હતો કે ઉચ્ચ કક્ષાની જે સાંસ્કૃતિક અને સાહિત્યિક મુદ્રા એમણે ઊભી કરી હતી, અને ચાલીસ વરસ જાળવી હતી તે બીજા કોઈના હાથમાં કદાચ ન પણ જળવાય. ૧૯૪૭થી શરૂ કરેલ સામયિક સંસ્કૃતિ એમણે ચાલીસેક વરસ એકલે હાથે ચલાવ્યું. એ ઉચ્ચ કક્ષાના સાહિત્યિક સામયિક દ્વારા એમણે ગુજરાતી લિટરરી જર્નાલિઝમનો એક ઉત્તમ દાખલો આપ્યો. એના પહેલા પાને છપાયેલ એમના અગ્રલેખો વર્તમાન પ્રવાહો ઉપર એમની રનીંગ કોમેન્ટરી છે. એમાં પબ્લિક અફેર્સમાં ઊંડો રસ લેતા એક જાગૃત કવિની મુદ્રા ઊપસે છે. પોતાના જર્નાલિઝમમાં પણ ટકી રહે એવું સત્ત્વ છે એમ માનીને એ બધું એમણે સમયરંગ નામના ગ્રંથમાં સંગ્રહિત કર્યું. એ ગ્રંથ આજે પણ વાંચતા આપણને એ ચાલીસેક વરસોના પ્રમુખ પ્રવાહો, અગત્યના બનાવો, કોન્ટ્રોવરસીઓ વગેરેની ઝાંખી થાય છે.

મારી જેમ ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં ઉછરેલાઓ માટે ઉમાશંકર જોશી એક આદર્શ સાહિત્યકાર હતા. મારો સાહિત્યનો રસ એમના ‘બળતાં પાણી’ (પૃષ્ઠ ૮૨, સમગ્ર કવિતા) નામના કાવ્ય ભણતાં જાગ્યો. અમારા ગામની નાની લાઇબ્રેરીમાં પછી જઈને એમનો કાવ્યસંગ્રહ ગંગોત્રી જ્યારે જોયેલો ત્યારે જે રોમાંચ અનુભવેલો તે હજી યાદ છે. ૧૯૬૧ મુંબઈમાં રવીન્દ્રનાથ ટાગોરની ૧૦૦મી જન્મ જયંતી ઉજવાઈ ત્યારે ચોપાટી ઉપર એક સભા ભરાઈ હતી. તેમાં દેશવિદેશથી સાહિત્યકારો આવેલા. ત્યારે ઉમાશંકર જોશી પણ આવ્યા હતા અને એ સભામાં એમણે પ્રવચન આપ્યું હતું. ત્રણેક કલાક સભા ચાલી હશે. જ્યારે બીજા પ્રવચનકારો પોતાનું કહેવાનું પતાવીને નીચે ઊતરી જાય, ત્યારે ઉમાશંકર જોશી ત્રણે ત્રણ કલાક મંચ ઉપર બેસી રહ્યા અને બીજાઓને જે કહેવાનું હતું તે બરાબર સાંભળ્યું. સભા પત્યે એ નીચે ઊતર્યા ત્યારે તેમને મળવા ગયો. મારે ખભે હાથ મૂકીને મને પૂછ્યું: શું નામ તમારું? હું કાંઈક જવાબ આપું ત્યાં તો ગુલાબદાસ બ્રોકરે એમનો કબજો લીધો અને એમની સાથે પરિચય કરવાનું રહી ગયું. પછી જ્યારે જ્યારે મુંબઈમાં એમનું પ્રવચન હોય એમ ખબર પડે કે તુરત હું પહોંચી જાઉં, પણ દેશમાં હતો ત્યાં સુધી કોઈ દિવસ એમની સાથે પરિચય ન થયો.

અમેરિકા આવ્યા પછી એમની સાથે પત્રવ્યવહાર જરૂર થયો. ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી ત્યારે એ વિશે ઉમાશંકરનું મંતવ્ય શું હતું તે મારે જાણવું હતું. કેરાલામાં જ્યારે નામ્બુદ્રીપાદની નેતાગીરી નીચે સામ્યવાદી સરકાર સ્થપાઈ ત્યારે તેમણે સંસ્કૃતિ માં એક અગ્રલેખ લખ્યો હતો : ‘કેરાલાએ આગ સાથે રમત કેમ આદરી?’ એ અનુસંધાનમાં ઈમરજન્સીની બાબતમાં એમના કોઈ જાહેર નિવેદનો કે પ્રવચનો હોય તો મોકલવા મેં એમને વિનંતી કરી. ફટ કરતા વળતી ટપાલે જ એમણે રાજ્યસભામાં જે પ્રવચનો આપેલાં તે મોકલ્યાં.

એ જ અરસામાં હું દેશમાં ગયેલો. અમદાવાદમાં તો એમનો સંપર્ક નહીં થયો, પણ દિલ્હીમાં એમની સાથે ટેલિફોન ઉપર વાત થઈ. મોડી રાતે હોટેલમાં એમનો ટેલિફોન આવ્યો, “હું ઉમાશંકર!” તે જ દિવસે હું સવારના ઇન્દિરા ગાંધીને મળેલો. એ જેલમાંથી હમણાં જ છૂટીને આવેલા, અને બહુ ગુસ્સે હતાં, મને કહે “You must tell this to Americans. See what they are doing to me!” ઇન્દિરા ગાંધી વિશે અને ઈમરજન્સી વિશે થોડી વાતો થઈ. મને કહે કે તમે જ્યારે અમદાવાદ આવો તો જરૂર મળજો. પછી તો જ્યારે જ્યારે દેશમાં જતો ત્યારે અમદાવાદ જરૂર જાઉં અને એમને મળું. એક વાર તો એમને ત્યાં જાણીતા કવિ પન્ના નાયકને લઈને ગયેલો ત્યારે એમને ત્યાં ભોજન લીધું હતું. બીજી એક વાર એમને ત્યાં ચા માટેનું નિમંત્રણ હતું, ત્યારે ચાની ટ્રે લઈને રસોડામાંથી આવતા કવિની છબી હજી આંખ સામે તરે છે.

અહીંની અમારી અકાદમીના આમંત્રણને માન આપી ઉમાશંકર અમેરિકા આવ્યા. એ વૉશિંગ્ટન આવે તેની આતુરતાથી હું રાહ જોઈ રહ્યો હતો. એમને વૉશિંગ્ટન બતાવવા, ખાસ તો લિંકન મેમોરિયલ લઈ જવા હું ખૂબ આતુર હતો. એમનું લિંકન પરનું સૉનેટ, ‘મહામના લિંકન’ (પૃષ્ઠ ૬૮૩, સમગ્ર કવિતા) મને બરાબર યાદ હતું. જેવા અમે મેમોરિયલ અંદર લિંકનની ભવ્ય મૂર્તિ આગળ પહોંચ્યા કે તુરત જ ઉમાશંકર જોશી અમારાથી જુદા પડી ગયા અને લિંકનની પ્રદક્ષિણા કરતા હોય તેમ નત મસ્તકે ઊંડા વિચારમાં હોય એમ ધીમે ધીમે ફરવા લાગ્યા. એ કોઈ પવિત્ર તીર્થસ્થાને આવ્યા હોય એવો એમના ચહેરા ઉપર અહોભાવ હતો. દેશમાંથી જે અનેક સાહિત્યકારો અને અન્ય મુલાકાતીઓ આવે છે, તેમાં માત્ર ‘દર્શક’ અને ઉમાશંકર એ બેમાં જ મેં આવી લિંકનભક્તિ જોઈ છે.

એમની સાથે મારે અનેક વિષયોની ચર્ચા કરવી હતી. તે બાબતનો દસેક પાનાનો લાંબો કાગળ પણ મેં આગળથી લખી મોકલેલો! એ આવ્યા ત્યારે એમને માટે એમને અનુરૂપ કાર્યક્રમ મેં ગોઠવેલો. જાહેરમાં એમનું ગુજરાતી સાહિત્યરસિકો સાથે મિલન તો ખરું જ. પણ સાથે સાથે અહીંના અગત્યના બૌદ્ધિકોને મળી શકાય એવી વ્યવસ્થા પણ કરી. દેશમાંથી આવતા મુલાકાતી સાહિત્યકારોમાં બહુ જ ઓછા એવા હોય છે કે જે અહીંના પ્રથમ કક્ષાના બૌદ્ધિકો સાથે સહેલાઈથી સમકક્ષ વાતો કરી શકે. ઉમાશંકર જોશી એમાંના એક હતા. પૂર્વ અને પશ્ચિમના સાહિત્યિક અને બૌદ્ધિક પ્રવાહોથી પરિચિત હતા અને એ બાબતમાં અહીંના કોઈ પણ સર્જક વિવેચક કે વિચારક સાથે સહજ જ વાતો કરી શકે એવા સજ્જ હતા.

પ્રથમ તો અહીંની વિશ્વવિખ્યાત લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસના ઉપરી અને જાણીતા ઇતિહાસકાર ડેનિયલ બૂરસ્ટીન સાથે એમની મુલાકાત યોજી. વૉશિંગ્ટનની આજુબાજુ વસતા થોડા બૌદ્ધિકો સાથે એક રેસ્ટોરાંમાં એમનું ભોજન ગોઠવ્યું. આ ઉપરાંત અહીંની ઇન્ડિયા કાઉન્સિલ જેમાં મોટે ભાગે સ્ટેટ ડિપાર્ટમેન્ટ, પેન્ટાગોનના ઑફિસરો, કેટલાક ઇન્ડિયા સ્ટડીઝના પ્રૉફેસરો, વગેરે વૉશિંગ્ટનના ‘ઇન્ડિયા હેન્ડ’ આવે તેમાં એમનું લંચિયન પ્રવચન યોજ્યું. આ બધા પ્રસંગોમાં ઉમાશંકર જોશી એમના એલિમેન્ટમાં હતા.

પન્ના નાયક જે ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટી ઓફ પેન્સીલ્વેનિયાના લાઇબ્રેરિયન હતાં તેમના સહકારથી લાઇબ્રેરી ઓફ કૉંગ્રેસમાં ઉમાશંકરના કાવ્યવાચનનું રેકોર્ડીંગ થયું. વધુમાં એમની અનુમતિ લઈને ‘વોઈસ ઑફ અમેરિકા’ સાથે પણ એમનો ઇન્ટરવ્યૂ નક્કી કરેલો, પરંતુ જ્યારે એનો પ્રતિનિધિ ઇન્ટરવ્યૂ લેવા આવ્યો ત્યારે ઉમાશંકરે પોતાનું મન બદલ્યું. મને કહે કે આ ઇન્ટરવ્યૂ આખરે તો આપણા દેશમાં જ બ્રોડકાસ્ટ થશે ને? મારે જે કાંઈ કહેવાનું છે તે આ લોકો દ્વારા શા માટે કહેરાવવું? એમ કહીને ઉપર ચાલી ગયા! મેં વિલે મોઢે ‘વોઈસ ઑફ અમેરિકા’ના પ્રતિનિધિને દિલગીરી સાથે સમજાવ્યું કે આ ઇન્ટરવ્યૂ હવે બને તેમ નથી. નોંધવું જોઈએ કે બે વરસ પહેલા ‘વોઈસ ઓફ અમેરિકા’માં દર્શકનો ઇન્ટરવ્યૂ નક્કી કર્યો હતો, એ તો કહે કે “આપણે જે કહેવું છે તે કહેશું!” અને એના પ્રતિનિધિ સાથે આરામથી બેએક કલાક વાત કરી.

ઉમાશંકર જોશી માટે મને એમ હંમેશ લાગ્યું છે કે એમણે પોતાને માટે એક ઇમેજ ઊભી કરી હતી તેમાં જરાય આંચ ન આવે એનો ખૂબ ખ્યાલ રાખતા. એક દિવસ અમે ઉમાશંકરને અહીંથી સોએક માઈલ દૂર આવેલ યુનિવર્સિટી ઓફ વર્જિનિયા લઈ ગયા. ત્યાં હિંદુ ધર્મના અભ્યાસનું કેન્દ્ર હતું. વાતચીતમાં એમનાથી નવલકથાકાર સલ્માન રશ્દી ઉપર કશુંક કડવું બોલાઈ ગયું. અમારામાંના એક જણે એ વાત ફરીથી કરવા કહ્યું તો ખૂબ ગુસ્સે થઈ ગયા! સ્પષ્ટ કહ્યું કે હું જ્યારે બોલું છું તે બરાબર સાંભળો અને સમજો અને પછી પ્રશ્ન પૂછો. એમના આવા ક્રોધ વિશે સાંભળેલું, પણ મેં તો આ પહેલી જ વાર એ ક્રોધ જોયો. સામાન્ય વાતચીતમાં પણ તેમનાથી કોઈને પ્રત્યે આવું કડવું બોલાઈ ગયું અને તેની બીજા કોઈએ નોંધ લીધી તે તેમનાથી સહેવાયું નહીં!

અહીંની અમારી અકાદમીના આશ્રયે જે ઘણા સાહિત્યકારો આવ્યા હતા તેમાં ઉમાશંકર જોશી અનન્ય હતા. જેમને મેં નાનપણથી જ આદરથી જોયેલા, જેમની કવિતાએ મને સાહિત્યમાં રસ જગાડ્યો, અને જે કાંઈ એ લખે તે આતુરતા અને રસથી હું વાંચતો, તે ઉમાશંકર જોશી સાથે મને એક અઠવાડિયું રહેવાનું અને એમની સાથે અનેક વિષયોની ચર્ચા કરવાનો લાભ મળ્યો તેને હું મારું સદ્ભાગ્ય માનું છું.