નવલકથાપરિચયકોશ/સુરેશ અને યશોધરા

Revision as of 02:58, 15 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૫

‘સુરેશ અને યશોધરા’ : સુમતિ મહેતા

– દર્શના ધોળકિયા

‘સુરેશ અને યશોધરા’ સુમતિની પ્રથમ નવલકથા છે. શ્રી વિદ્યાગૌરી નીલકંઠ નોંધે છે તેમ’... આ વાર્તાઓનું મૂળ વસ્તુ બીજેથી લીધેલું, પણ તે અનુવાદ માત્ર નથી, વસ્તુનું ખોખું માત્ર બહારનું બાકીનું ઘણું કલાવિધાન લેખિકાનું પોતાનું છે.’ (‘વિદ્યાબહેન નીલકંઠ’ સંપાદક - સુકુમાર પરીખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, પૃ. ૧૧૯) આવી આ નવલકથા બાર પ્રકરણોમાં વહેંચાયેલી વિશુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ કરતી સંસ્કારી નવલકથા છે. પંડિતયુગમાં ઉછેર પામેલાં સુમતિ પર સ્વાભાવિક રીતે જ, ગોવર્ધનરામ ને વિશેષતઃ ન્હાનાલાલનો વ્યાપક પ્રભાવ પડ્યો હોવાનું આ કૃતિના કથાવસ્તુની તાસીર પરથી જણાય છે. ન્હાનાલાલકૃત ‘ઇન્દુકુમાર’ની ભાવના પ્રસ્તુત કૃતિમાં પ્રતિબિંબિત થઈ છે, તો શૈલી પર ગોવર્ધનરામની અસર પણ વરતાય છે. લેખિકા પ્રકૃતિગત રીતે આસ્તિકતાના રંગે રંગાયેલાં હોવાથી આર્યભાવના ને આર્યસંસ્કારના આલેખન પ્રતિ એમનું ચિત્ત વિશેષ ઢળે છે. કથાનાં મુખ્ય પાત્રો સુરેશ અને યશોધરાના સાત્ત્વિક સ્નેહને આકાર આપતાં આપતાં તેને વધારે રસસભર બનાવવા સુમતિએ અહીં આડકથાઓ પણ ગૂંથી છે. કથાના પહેલા પ્રકરણમાં ઊપસતું મહાત્મા અને ગામડિયાનું પાત્ર કૃતિના રહસ્યાત્મકતા ભણી ઢળતા અંતને ઊપસાવવામાં એક બાજુથી મદદરૂપ બન્યું છે, તો બીજી બાજુથી તેણે કૃતિની કથાસંકલનાને ઘાટ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શશીકુમાર યશોધરાના પિતાના મિત્રનો પુત્ર છે ને યશોધરાને ઘેર ઊછર્યો છે. યશોધરાના પિતાએ શશીકુમાર સાથે યશોધરાનો વિવાહ નક્કી કર્યો છે. પણ બંનેનું મન ભવિષ્યમાં થનાર પોતાનાં લગ્ન અંગે અવઢવ અનુભવે છે. શશીકુમાર આ અંગે યશોધરા પાસે પોતાનું મન ખોલતાં જણાવે છે. ‘તું હવામાં ઊડનારી ને હું જગતમાં રહેનારો, તારા જીવનના વિચાર જુદા ને મારા વળી કંઈક, તે આપણી જિંદગી કેવી જશે!’ (સુમતિસર્જન ગ્રંથાવલિ ભાગ-૧, લઘુનવલ, પૃ. ૮) આવું વિચારતા શશીકાન્તને યશોધરાનો ઉત્તર છે : ‘લગ્ન અને પ્રીતિ એ વિશે મારો મત જુદો છે. જો ખરેખર નિઃસ્વાર્થ પ્રેમ હોય તો લગ્નની શી જરૂર છે? ને લગ્ન પછી કેવળ નિઃસ્વાર્થ વિશુદ્ધ પ્રેમ રહેતો જ નથી એ મારી માન્યતા છે.’ (પૃ. ૯) પાત્રોની આ પ્રકારની મનોદશામાંથી વ્યક્ત થતો લેખિકાનો આધુનિક અભિગમ અહીં જોવા મળે છે. તો સાથોસાથ ન્હાનાલાલની લગ્નભાવનાનો પ્રતિઘોષ પણ. યશોધરા-શશીકાન્તના યુગ્મની સમાંતરે આ કૃતિમાં સુરેશ ને એની બહેન મોહિનીનાં પાત્રોય દાખલ થાય છે. ડૉક્ટરની પદવી ધરાવતા સુરેશના પરિવારમાં એક બહેન છે ને સુરેશનો મોટો ભાઈ વર્ષો પહેલાં સંન્યાસ ધારણ કરીને ગૃહત્યાગ કરી ગયો છે. યશોધરા કૃતિના આરંભે દાખલ થતા મહાત્માના પ્રભાવમાં આવી જઈને વૈરાગી થવાની ઝંખના સેવતી થાય છે ને પિતા સાથે વાતવાતમાં જ શશીકાન્ત સાથે લગ્નગ્રંથિથી ન જોડાવાની પોતાના મનમાં પડેલી મૂંઝવણને વ્યક્ત કરે છે. યશોધરાના પિતા પણ પુત્રીનું મન કળી ગયા હોઈ, પુત્રીના વિચાર સાથે સંમત થાય છે. મહાત્માના ત્યાગથી આકર્ષાયેલી યશોધરા મહાત્મા સાથે ચાલી નીકળવા તત્પર થાય છે. તે દરમ્યાન અચાનક જ મહાત્માનું ખૂન થઈ જાય છે. એ ઘટના વખતે હાજર રહેલો સુરેશ દોડીને પહોંચે છે ને મહાત્માને પોતાના મોટા ભાઈ તરીકે ઓળખીને વ્યથિત બને છે, સુરેશ ને યશોધરાનું એ ક્ષણે મિલન થાય છે. મહાત્માના ખૂન અંગે યશોધરાને શશીકાન્ત ઉપર વહેમ જાય છે. કોર્ટમાં કેસ ચાલે છે ને શશીકુમાર ગુનો કબૂલે છે ત્યાં જ અચાનક કૃતિને આરંભે કથામાં આવેલો ગામડિયો કોર્ટમાં હાજર થઈને પોતાને મહાત્માના ખૂની તરીકે પ્રમાણિત કરે છે. સૌ સારાં વાનાં થતાં સુરેશ-યશોધરા ને શશીકાન્ત-મોહિની દંપતી તરીકે જોડાય છે. પ્રસ્તુત લઘુનવલની શૈલીમાં નરવી પ્રાસાદિકતા છે, શાલીન જીવનમૂલ્યો છે ને દેહભાવનાથી ઉપર ઊઠતી લગ્નોત્સુકતા છે. મહાત્માની જડ ત્યાગભાવના ને તેથી ઉપરછલ્લી આધ્યાત્મિકતાના વિપક્ષે સુરેશ ને યશોધરાનાં પાત્રોની કેળવાયેલી સમજ તેમને સંન્યાસી કરતાં ઊંચેરાં ચરિત્રો પ્રમાણિત કરે છે. કૃતિનાં વર્ણનોમાં લેખિકાની કલ્પનાશક્તિનો સુપેરે પરિચય સાંપડે છે. કૃતિમાં આલેખાયેલું આ પ્રકૃતિવર્ણન તેની પ્રતીતિ કરાવે છે. ‘સમી સંધ્યાનો વખત હતો, સૂર્યને અસ્ત થવાને હજી થોડી વાર હતી... ભરવાડો ઢોરોને ચરાવી ઘરભણી લઈ જતા હતા. ખેડૂતો ખેતરમાં કામ કરી પોતપોતાના ઘરભણી પાછા કરતા હતા, શ્રીમંત લોકો આખો દહાડો ઘરમાં રહી કંટાળવાથી, કોઈ ઇર્શન નિમિત્તે તો કોઈ ફરવા નિમિત્તે બહાર નીકળી પડતા હતા. પંખીઓ પોતાની ગતિ ધીરી પડતાં માળા તરફ ઊડતાં હતાં. છેવટે સૂર્ય પણ પોતાના ઘર ભણી વિદાયગીરી લેતા, એટલે જગ જન કે પ્રાણી તેમ કરે જ તેમાં શી નવાઈ!’ (એજન, પૃ. ૭) કૃતિમાં યશોધરાના ગાન નિમિત્તે આવતાં ગીતોમાં લેખિકાનું કવયિત્રી તરીકેનું પાસું ઉજાગર થયું છે તો પાત્રોમાં પરસ્પરના વિચારવિમર્શમાં નારીની બૌદ્ધિકતાનોય પ્રભાવ લેખિકાએ આલેખ્યો છે. બુદ્ધિમતી યશોધરા ત્યાગને આત્મભોગ ગણતા મહાત્માને ‘પોતાને ગમતો ભોગ આત્મભોગ શાનો?’ એવો પ્રશ્ન કરીને એમને ગૂંચવવામાં સફળ થાય છે. કૃતિને અંતે યશોધરા ને સુરેશ ઇચ્છે છે જીવન દ્વારા પ્રભુની આરાધના, સુમતિની વિચારધારા એમનાં કાવ્યોની જેમ અહીં પણ આખરે આસ્તિકતાની ઉપાસનામાં જ વિરમે છે. બાર પ્રકરણમાં વહેંચાયેલી આ કૃતિ સાત્ત્વિક સ્નેહની ગાથા છે. અલબત્ત, મૂળ કથા ને આડકથાઓની ગૂંથણી સપ્રમાણ રીતે અહીં ગોઠવાતી નથી. મહાત્મા ને ગામડિયાનાં પાત્રો જોઈએ તેવાં ઊપસતાં નથી. આવી કેટલીક મર્યાદાઓના મૂળમાં આ કૃતિ લેખિકાની પ્રથમ કૃતિ હોવાનું તેમજ એ સામયિકમાં હપ્તાવાર છપાતી હોવાનું કારણ હોઈ શકે.

ડૉ. દર્શના ધોળકિયા
પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ,
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ
વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક
મો. ૯૦૯૯૦૧૭૫૫૯
Email: dr_dholakia@rediffmail.com