નવલકથાપરિચયકોશ/આંગળિયાત

From Ekatra Wiki
Revision as of 16:57, 21 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦૧

‘આંગળિયાત’ : જોસેફ મેકવાન

ડૉ. રાજેશ લકુમ

જોસેફ મેકવાનનો જન્મ વર્ષ ૧૯૩૬માં ખેડા જિલ્લાના આણંદ તાલુકાના ત્રણોલ ગામે થયો અને મૃત્યુ ખેડા જિલ્લાના નડિયાદમાં વર્ષ ૨૦૧૦માં થયું હતું. ગુજરાતને વર્ષ ૧૯૮૬માં ‘આંગળિયાત’ નવલકથા સ્વરૂપે પ્રથમ દલિત નવલકથા મળી. ‘આંગળિયાત’માં ચરોતર પ્રદેશના દલિતોનું ગ્રામ્ય જીવન અને બિન–દલિતો સાથેના સંઘર્ષો અનેક પ્રસંગોરૂપે વર્ણવામાં આવ્યા છે. નવલકથાકાર, નિબંધકાર, વાર્તાકાર અને ચરિત્રકાર એવા જોસેફ મેકવાને દલિત સાહિત્યનું વિસ્તૃત ખેડાણ કર્યું છે. તેમની નવલકથાને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવી. આ ઉપરાંત ભારતીય સાહિત્ય અકાદમી એવૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી એવૉર્ડ, વેસ્ટર્ન ઝોન એવૉર્ડ, ક. મા. મુનશી પારિતોષિક, આંધ્ર ઓપન યુનિવર્સિટી એવૉર્ડ જેવાં પારિતોષિક પ્રાપ્ત થયાં છે. નવલકથાનો બીજી ભાષાઓમાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અંગ્રેજીમાં ‘The Stepchild’ નામે અનુવાદ પ્રો. રીટા કોઠારીએ કર્યો છે. ‘આંગળિયાત’માં ગ્રામજીવનનો ચિતાર નીચેથી ઉપર (bottom to top) તરફ દર્શાવવામાં આવ્યો છે. વર્ષ ૧૯૩૫થી ૧૯૬૦ સુધીમાં દલિતો પર કરવામાં આવેલ સામાજિક અન્યાય, ભેદભાવ અને હિંસાનો ચિતાર સાહજિકપણે મૂકવામાં આવ્યો છે. ‘આંગળિયાત’માં કથાનાયક ‘ટીહો’ વણાટકામ કરતો દલિત યુવાન છે. ટીહા સાથે માવજી પણ શિલાપર ગામમાં વણાટ કરેલા માલની હરાજી કરવા જાય છે ત્યારે બિન-દલિતો દ્વારા દલિત મહિલા પર કરવામાં આવતી હેરાનગતિની ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. બિન-દલિત મેઘજી પટેલનો દીકરો નાનજી દલિત દીકરી મેઠીના બેડા પર પથ્થર મારી બેડું ફોડી નાંખે છે. ત્યારે ટીહો દલિત દીકરીનો પક્ષ લઈને કહે છે “હવાશેર હૂંઠય તો તારી મનેય ન જોવાયું પચાવવી ભારે પડે, હાળા નામબોળ, હેઠો ઉતર્ય જો તારી માએ હચી જણ્યો હોય તો...!” (પૃ. ૧૩). દલિત અને બિન-દલિત વચ્ચે સંઘર્ષ થાય છે પરતું ગામના મુખી ધૂળસંગ ઠાકોર આવીને ઝઘડો શાંત કરે છે. દલિત દીકરીની છેડતી કરનારાઓ ઠાકોર મુખીને કહે છે “તમે મુખી છો, મારે આ ઢેડાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી છ” (પાનાં. ૧૪). જવાબમાં ઠાકોર મુખીએ કહ્યું “તો પહેલી ફરિયાદ હું જ ગામનાં ગરીબોની છોકરીઓને રંજાડવાની તારી ઉપર મૂકું છું, હાંજે જ થાણેથી પોલીસ બોલવું છું! ટીહા, તારે સાક્ષી રહેવું પડશે!’ ટીહો બોલ્યો, સાક્ષી શા હતાર, ઠાકોર, ઊંજ ફરિયાદી થાઉં” (પૃ. ૧૪). બિન-દલિતોના ફળિયામાં ટીહાનું પરાક્રમ બાદ તેને પટેલો દ્વારા લોહીલુહાણ હાલતમાં વણકરવાસમાં લાવે છે. આ ઘટના બાદ દલિતો માનસિક રીતે ભયના ઓથાર નીચે આવી જાય છે. પરતું દલિતોની અંદરોઅંદર ઝઘડો થાય ત્યારે ખૂબ જ સંઘર્ષ કરે છે પણ બહાર બિન-દલિત સામેના સંઘર્ષમાં ઊતરતાં ડરે છે. આ ઘટનાના કારણે બીજી બાજુ ગામના બિન-દલિતો દ્વારા દલિતોનાં ખેતરોના પાકને નુકસાન પહોંચાડવામાં આવે છે (પૃ. ૨૫). દલિત સમાજ આંગળિયાત બાળકની જેમ બિન-દલિત સામે ઓશિયાળો દેખાય છે. ઠાકોરમુખી દલિતોના પક્ષે પટેલોને ઠપકો આપે છે. પરતું પટેલોએ કહ્યું “તમે ભૂલો છો ઠાકોર. અંગરેજ છે તાં લગણ આ તમારી સત્યા છે. સ્વરાજ આવે ત્યારે તમારે જ ઓશિયાના થવાનું છે એ ના ભૂલતા!” ઠાકોર મુખી બોલ્યા “એવા સવરાજને હું સવરાજ નંઇ કે’વ. ટીહો ખોટું નહોતો કે’તો”(પૃ. ૨૭). એક પ્રસંગમાં દલિતો અંદરોઅંદર વાતો કરે છે કે “માસ્ટરનાં ઘરમાં ટેબલની ઉપર પેલો જેટલીમેન જેવો- કોટ-પાટલૂન નં ગળે ફાંહાવાળો ફોટો નથી જોયો એ જ ઓંબેડકર્ય!’ ‘ગોરો સાયેબ છ?’ ‘ના લ્યા ભઈ. માસ્ટર કે’છ આપણો જ. આપણો પદરનો! આપણી હાતર ગોંધીની હાંમો થયો છ !... બાચી સવરાજ કાંઈ આપણાં ખપનું નથી લાગતું’ (પૃ. ૩૬). શિલાપરમાં બિન-દલિતો દ્વારા ટીહાના મિત્ર વાલજીની હત્યા કરવામાં આવે છે. વાલજીના મૃત્યુ બાદ તેની પત્ની કંકુ તેના પુત્ર જગુને લઈને દિયરવટું કરે છે અને મેઠી પોતાના પતિ ચૂંથિયાને છોડીને પુત્રને લઈને ટીહાના ઘરે રહે છે. ટીહો, કંકુ અને મેઠી ત્રણેના જીવનના સંઘર્ષના તાણાવાણા ઉમદા રીતે દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ વાલજી હત્યા કેસનાં ચુકાદામાં મનજી, નાનજી અને ગોલાને જનમટીપ સજા ફટકારવામાં આવી (પૃ. ૮૯). એક પ્રસંગમાં મેઠીનાં બાળલગ્નના કારણે વ્યસની પતિ ચૂંથિયાનું સમાજ કાજે ઘરે માંડ્યું. પરંતુ પતિની ઘરેલુ હિંસાથી ત્રાસીને ટીહાના ઘરે આવી જાય છે. મેઠીના પાત્રમાં દલિત મહિલાઓ પોતાના લગ્નજીવનમાં આવતી અનેક મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરે છે, તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મેઠી પોતાના બાળકને પિતાને બદલે પાલક પિતાનું નામ આપે છે. સામાજિક રીતે તેને આંગળિયાત કહેવામાં આવે છે. પરતું મેઠી કહે છે “...જીવતા ધણીએ અંઇ આઈ એટલ સતી તો નંઇ થાવ; પણ જ્યાં હુધી મારો એ આગલા ઘરવાળો જીવતો હશે ત્યાં સુધી ઊં આમનું (ટીહાનું) ઘર નંઇ માંડી હકું’ (પૃ. ૧૫૯). દલિત મહિલા સમાજ માટે કેવો ત્યાગ અને બલિદાન આપે છે તે નવલકથામાં દર્શાવવામાં આવ્યું છે એટલે જ જોસેફ મેકવાને સમગ્ર દલિત સમાજની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ‘આંગળિયાત’ શીર્ષક રાખ્યું હોય તેમ લાગે છે. એક પ્રસંગમાં ગાડીની હવા છોકરાએ કાઢી નાંખી ત્યારે રામલો દલિતવાસમાં જઈને ગાળો બોલવા લાગ્યો. દલિત યુવાન જીવણે રામલાને ગાળો ન બોલવા કહ્યું પરંતુ તે માન્યો નહીં એટલે જીવણે રામલાને માર માર્યો. જેનો બદલો લેવા માટે બિન-દલિતો જીવણને મારવા આવ્યા અને પોલીસ પણ જીવણની શોધમાં દલિતવાસ પર ફરી વળી. દલિતો પર પોલીસ અને બિન-દલિતો દ્વારા ત્રાસ ગુજારવામાં આવ્યો. પ્રતિકાર રૂપે દલિત મહિલા કંકુએ પણ હિંસાનો પ્રતિઉત્તર આપ્યો. ત્યારબાદ દલિતો યુવાનો માસ્ટરના ત્યાં આ પ્રશ્ને નિરાકરણ માટે ગયા. માસ્ટર બોલ્યા “ડેલાવાળો પ્રાંતિક સભાનો મેમ્બર બન્યો છે. આપણે માટે જે સ્વરાજ આવવાનું એનાં આગમનાં એંધાણ છે. જોઈ લ્યો. હુંય નથી માંગતો કે પરદેશી રાજ અહીં લાંબું રહે; આપણે માટે તો ઠગ ગયા ને પિંઢારા આયા જેવું જ થઈ રહેવાનું!” (પૃ. ૧૭૩). માસ્ટરની કુનેહથી ટીહા, જીવન અને દાનાની ધરપકડ અટકાવી. નવલકથાના એક પ્રસંગમાં ટીહા પાસે ડેલાવાળાએ બે મોદયા મંગાવેલા પરંતુ ટીહાએ આપવાની ના પાડેલી કારણે કે પૈસા વિના મોદયા કેવી રીતે આપે. બીજી તરફ ટીહો ચોરા આગળ હરાજી કરવા બેઠો ત્યાં મુખી આવ્યા. તેને જોઈને કહે ‘બે મોદયા આપ મને’. ત્યારે ટીહાએ કહ્યું ‘હરાજી ચાલુ થઈ ગઈ છે તમે હરાજી બોલીને રોકડેથી લઈ જાઉં’. ટીહાએે જાહેરમાં એક રાજ્યના મંત્રીના ભત્રીજાને આવી રીતે જવાબ આપ્યો એ બિન-દલિતને કેવી રીતે ગમે? મુખી ટીહાને દંડો મારવા જાય છે ત્યારે મુખીનો વાર ખાલી જાય છે અને ટીહો દંડો પકડીને ખેંચે છે. રસાકસી દરમ્યાન મુખી પડી જતાં બે દાંત તૂટી જાય છે. ત્યારબાદ આઠ-દસ લોકો ટીહાને દંડા સાથે ગડદાપાટુથી અધમૂઓ કરી નાંખે છે. પોલીસો પણ ઘસડીને માર મારે છે એટલે બેભાન થઈ જાય છે. મેઠી, કંકુ, ગોકળ અને ભવન ભગત ઘટના સ્થળે પહોંચીને ટીહાને લઈને ઘરે આવે છે. ટીહાને કાન, નાક અને મોંમાંથી લોહી નીકળતું હતું. આખું શરીર મારથી સોજાઈ ગયું હતું. ટીહાનો દલિતોએ ઘરેલુ ઉપચાર કર્યો (પૃ. ૧૯૫). સ્થાનિક દવાખાને કોઈ દવા આપવા કે કોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ લેવા તૈયાર ન થયું. કારણ કે રાજકીય વગ ધરાવતા મિનિસ્ટરનો આદેશ હતો (પૃ. ૧૯૬). આખરે ટીહાને રત્નાપર ગામ લઈ જતાં જ તેનું મૃત્યુ થયું. દફન વિધિ સમયે માસ્ટર બોલ્યા “આ જ આપણું સ્વરાજ ને આ જ આપણાં લમણે લખાયેલું રામરાજ” (પૃ. ૧૯૭). આ ઘટના બાદ મેઠીએ પણ અન્નપાણીનો ત્યાગ કર્યો તેથી ટીહાના મૃત્યુના અઢારમાં દિવસે મેઠીએ દેહ મૂક્યો (પૃ. ૧૯૮). સમગ્ર નવલકથામાંથી પસાર થઈને આકલન કરીએ તો પૂર્વાર્ધમાં સામાજિક ઘટનાઓના કારણે સ્તર વિકાસ પામે છે. પરંતુ ઉત્તરાર્ધમાં પાત્રો સામાજિક સાથે વધારે કૌટુંબિક જીવનની આંટીઘૂંટીમાં ગૂંચવાઈ જાય છે. નવલકથામાં ટીહો, વાલજી, મેઠી, કુંકુ, દાનજી, જીવણ વગેરે પાત્રોને કેન્દ્રમાં રાખીને નવલકથા આલેખવામાં આવી છે. તળપદી દલિત બોલીનો ઉપયોગ નવલકથામાં ભરપૂર માત્રામાં કરવામાં આવ્યો છે. પ્રભુત્વ જ્ઞાતિના શોષણ સામે નાયક અનેકવાર સંઘર્ષમાં ઊતરે છે. દલિત અને બિન-દલિતના ગ્રામ્યજીવનનાં પાસાઓને સામાજિક વાસ્તવના રૂપમાં રજૂ કરવામાં આવે છે. નવલકથાના અંતભાગમાં ચરોતર પ્રદેશનાં ગામડાઓમાં આંગળિયાત બાળકોની સામાજિક હેરાનગતિ કરવામાં આવે છે. જે સહન ન થતાં તેઓ શહેરમાં સ્થળાંતર કરે છે. એક આંગળિયાત પુત્ર ગોકો તેના પાલક પિતાના નામે ગામની પ્રાથમિક શાળામાં દાન આપે છે (પૃ. ૨૦૨). નવલકથામાં દલિતોની સામાજિક અને આર્થિક સ્થિતિ બિન-દલિતો દ્વારા કેવી રીતે દયનીય બને છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. નવલકથામાં સાહજિક રીતે ગ્રામજીવનની જ્ઞાતિપ્રથાના વરવા સ્વરૂપનું ઉમદા રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ઉમાશંકર જોશીએ “ ‘આંગળિયાત’ વિશે લખતાં કહ્યું “તમે ‘આંગળિયાત’ને ઉજાગર કરતાં નથી, ‘આંગળિયાત’ તમને ઉજાગર કરે છે” (પૃ. ૧૫). સમગ્ર નવલકથા દલિતોની દયનીય દુર્દશા અને વેદનાનો ચિતાર પાત્રો દ્વારા કથારૂપે પ્રગટ કરવામાં આવે છે. સંદર્ભસૂચિ : મેકવાન, જ. (૨૦૧૩). આંગળિયાત. અમદાવાદ : ડિવાઇન પબ્લિકેશન્સ.

ડૉ. રાજેશ લકુમ
સેન્ટ ઝેવિયર્સ નોન-ફોર્મલ એજ્યુકેશન સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ કેમ્પસ,
નવરંગપુરા, અમદાવાદ
સંશોધક, સંપાદક અને વિવેચક
મો. ૮૬૯૦૪૯૯૫૮૮
Email: rajesh.cug@gmail.com