બીજી થોડીક/ઢીંગલી, કુસુમ, પદ્મિની, સુએઝ...

From Ekatra Wiki
Revision as of 08:08, 2 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઢીંગલી, કુસુમ, પદ્મિની, સુએઝ...| સુરેશ જોષી}} {{Poem2Open}} <center>(ચિ.તોત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઢીંગલી, કુસુમ, પદ્મિની, સુએઝ...

સુરેશ જોષી

(ચિ.તોત્ઝુકાની પ્રથમ વર્ષગાંઠની સ્મૃતિમાં)

કુસુમ ભારે જિદ્દી છે. અમારી કુસુમ સ્તો! સવારનો જ કજિયો માંડીને બેઠી છે: ચાલો, બહાર ફરવા જઈએ. હું કહું છું: બહેન, આજે રવિવાર નથી, રવિવારે સવારે આપણે જઈશું. તો કહે છે: રવિવાર નથી તો ક્યાં ગયો છે? કરી દો એને હમણાં ને હમણાં હાજર. એનો ઠસ્સો જોઈને મને હસવું આવે છે. હું કહું છું: ભલે! હું ઊઠીને બીજા ઓરડામાં જાઉં છું ને મોટે સાદે બોલું છું: રવિવાર, અલ્યા, રવિવાર, કેમ સાંભળતો નથી, પછી હું જ સહેજ અવાજને ઘોઘરો કરીને બોલું છું: શું છે? હું મારા અસલ અવાજે ફરી બોલું છું: કુસુમબાલાનો હુકમ છે, હમણાં ને હમણાં હાજર થઈ જા. વળી હું જ એનો જવાબ આપું છું: હમણાં તો મારાથી ન અવાય. મને ભગવાને દરિયામાં ઊંડે ઊંડે એક નાની છીપલીમાં પૂરી રાખ્યો છે. ફરી આગલા ઓરડામાં જઈને કુસુમને કહું છું: રવિવાર તો દરિયાદાદાના પેટાળમાં નાની શી છીપલીની કેદમાં છે. કુસુમ મૂંઝાય છે; તો શું કરીએ? પણ તરત જ એની આંખમાં નવી કલ્પનાનો ચમકારો દેખાય છે, ને હું હાથમાં લીધેલું ‘ટાઇમ્સ’ નીચે મૂકી દઉં છું. કુસુમ કહે છે: દરિયામાં તો પરવાળાનો બેટ છે, ને એ બેટમાં એક જળપરી છે. એ મારી બહેનપણી છે. પણ એ મને રાતે સપનામાં જ મળે છે. હું આ તક ઝડપી લઈને કહું છું: તો આજે રાતે યાદ રાખીને જલપરીને કહેજે કે રવિવારને કેદમાંથી છોડાવે. કુસુમ સહેજ વિચારમાં પડી જાય છે. હું ફરી હિંમત કરીને ‘ટાઇમ્સ’ હાથમાં લઉં છું. પહેલા પાના પર જ મોટામોટા અક્ષરે બ્રિટન તથા ફ્રાન્સે ઇજિપ્ત પર કરેલા આક્રમણના સમાચાર છે. યુદ્ધમાં થયેલી ખુવારીના આંકડા પર મારી નજર હતી ત્યાં કુસુમ બોલી ઊઠે છે, પપ્પા, ચાલો ને બહાર જઈએ. હું વળી કહું છું: કુસુમ, આજે રવિવાર નથી. કુસુમ પૂછે છે: તો આજે શું છે? હું કહું છું: આજે ગુરુવાર છે. કુસુમ મોઢું બગાડીને કહે છે: પપ્પા, મને ગુરુવારનું મોઢું ગમતું નથી. હું ત્રાંસી આંખે ખુવારીના આંકડા વાંચતો જાઉં છું, ઠંડી થવા આવેલી ચાનો ઘૂંટડો પીઉં છું ને વાતને ચાલુ રાખવા ખાતર કહું છું: કેમ વારુ? ગુરુવારે તારું શું બગાડ્યું? કુસુમ કહે છે: એ જ ગુરુવારે તમે મને બાલવાડીમાં પૂરી આવ્યા હતા, ખરું ને? એ ગુરુવારનું તો હું નાક જ ચીબું કરી નાખીશ. હું કહું છું: વારુ, ગુરુવાર તારા હાથમાં આવે તો મને કહેજે, હું તને મદદ કરીશ. વળી કુસુમ વિચારે ચઢે છે. હું ‘ટાઇમ્સ’માં આગળ વધું છું. ‘ગંગા નદીમાં ડૂબી ગયેલી હોડી, પચાસ બાળકો ને સ્ત્રીઓ ડૂબી ગયાં… હું ચાનો બીજો ઘૂંટડો ગળું છું. ત્યાં કુસુમ ફરી પાસે આવીને કહે છે: પપ્પા, ચાલો ને બહાર ફરવા જઈએ. મને હવે કશો ઉપાય સૂઝતો નથી. હું કહું છું. કુસુમ, તું બીકણ છે કે બહાદુર? કુસુમ છાતી ફુલાવીને કહે છે: બહાદુર! હું કહું છું: તો બહાદુર છોકરી તો એકલી ફરવા જાય, ડરે નહીં. કુસુમ બોલી: વારુ, તો હું જાઉં છું. એ તો ખરેખર પગથિયાં ઊતરવા લાગી. બહાર રસ્તા પર તો ટ્રક, બસ, ટેક્સી – હું બૂમ પાડી ઊઠ્યો: કુસુમ, પણ તું ક્યાં જશે એ તો કહે. કુસુમ કહે: એ તો મારી ઢીંગલી જાણે. મેં કહ્યું: તો તું તારી ઢીંગલીને પૂછીને મને કહે તો ખરી. કુસુમ કહે: વારુ, હું પૂછીને કહું છું હં. ને કુસુમ દોડી ઢીંગલી પાસે. મેં ‘ટાઇમ્સ’ આગળ વાંચ્યું. અમેરિકાએ કરેલો હાઇડ્રોજન બોમ્બનો વધુ એક ધડાકો… એની સંહારશક્તિ વિશે અમેરિકાની સરકારને થયેલો સન્તોષ … ત્યાં કુસુમ પડી ગયેલે મોઢે મારી પાસે આવી. મેં પૂછ્યું: બેટા કુસુમ, શું થયું? એની આંખમાં ડબડબિયાં આવી ગયાં. ને ભરાયેલા અવાજે બોલવા લાગી: પપ્પા પપ્પા … પણ આગળ બોલી શકી નહીં, મેં એને પાસે લીધી, ખોળામાં બેસાડી, થાબડીને પછી કહ્યું: શું છે બેટા? કુસુમ માત્ર એટલું જ બોલી: પપ્પા, ઢીંગલી … હું સમજી ગયો. મને યાદ આવ્યું. કાલે કુસુમની માએ ગુસ્સે થઈને કુસુમની તૂટીફૂટી ઢીંગલીને ઘરની બહાર ફગાવી દીધી હતી. મેં કહ્યું: હં બેટા, હું તો તને કહેવાનું જ ભૂલી ગયો. કુસુમે ઉત્સુક થઈને પૂછ્યું: શું પપ્પા? મેં કહ્યું: તું કાલે મા સાથે ફરીને મોડી આવી ત્યારે હું ને ઢીંગલી ઘરમાં એકલાં હતાં, અમને બન્નેને તારા વગર જરાય ગમે નહીં. કુસુમ જરા મલકાઈને બોલી: હેં પપ્પા, હું જાઉં તો તમને નહીં ગમે? મેં કહ્યું: ના. આથી સન્તોષ પામીને કુસુમ મારી વધુ નજીક દબાઈ. એના નાનકડા દેહના એ દાબથી મને આશ્વાસન ન આપતી હોય! કુસુમે પૂછ્યું: પછી? મેં કહ્યું: પછી ઢીંગલી તો બોલે નહીં ને ચાલે નહીં, સૂનમૂન ખૂણામાં બેસી રહી. હું એને ખૂબ સમજાવું, પટાવું, ફોસલાવું, પણ માને તો ને! એટલે કુસુમ કહે: હા રે, એવી તો જિદ્દી છે ને! એના હોઠ રોષમાં ફૂલ્યા. પછી ઘડીકમાં રોષ ચાલ્યો ગયો ને એણે પૂછ્યું: પછી? મેં કહ્યું: પછી તો ઢીંગલીથી ન રહેવાયું એટલે એ તો મંડી ચાલવા. કુસુમે પૂછ્યું: ક્યાં? મેં કહ્યું: મેંય એને એમ જ પૂછ્યું. કુસુમ કહે: એણે શો જવાબ દીધો? મેં કહ્યું: એ તો કહે કે હું તો જ્યાંથી આવી હતી ત્યાં ચાલી જાઉં છું. બસ, એટલું કહ્યું ને એ તો ચાલી ગઈ. હું તો તને કહેવાનું ભૂલી ગયો! કુસુમે વ્યગ્ર બનીને ડોક ઊંચી કરીને મારી સામે એની આંખો માંડીને કહ્યું: તો પપ્પા, ચાલો ને આપણે એને બોલાવી લાવીએ, મેં કહ્યું: પણ એ ક્યાંથી આવી હતી તેની તને ખબર છે?કુસુમે કહ્યું: એ તો પપ્પા, તમે જાણો છો. તમે જ તે દિવસે એને લઈ આવ્યા હતા ને? હવે મારાથી ના શી રીતે પડાય? કુસુમને કશાક કામમાં રોકવા માટે મને તરકીબ સૂઝી. મેં કહ્યું: એ તો આ છાપામાં સંતાઈ બેઠી છે. એટલે કુસુમે ‘ટાઇમ્સ’ મારા હાથમાંથી ઝૂંટવી લીધું. ને એનાં પાને પાનાં ખંખેરવા લાગી. મેં કહ્યું: એમ નહીં. એટલે કુસુમે પૂછ્યું: તો? મેં કહ્યું: હું તને કહું તેમ કર. એટલે કુસુમ ખોળામાંથી ઊતરીને ઊભી થઈ ગઈ. મેં કહ્યું: આ કબાટ પર છાપાંની થપ્પી મૂકી છે તે તને પાડી આપું છું. તેની તું કાતર વડે કાપી કાપીને નાની કાપલી કર. પછી એને પાણીમાં નાખતી જા. ખૂબ કાપલી ભેગી થાય એટલે પાણીમાંની કાપલીને મા રોટલીનો લોટ બાંધે છે તેમ ગૂંદી નાખ. પછી આપણે એનું માથું બનાવીશું. હાથ બનાવીશું, પછી એને કપડાં પહેરાવીશું… કુસુમ તો ખુશ થઈ ગઈ. મેં જૂનાં છાપાંઓની થપ્પી પાડી આપી. કુસુમે તો કાતર ફેરવવા માંડી. એ કાતર મધ્યપૂર્વના દેશો પર ફરી, કાંઈ કેટલાય રાજદ્વારી પુરુષોનો એ કાતરે શિરચ્છેદ કર્યો, નાણાંપ્રધાનના અંદાજપત્રમાંના આંકડા પર પણ એ કાતરે કાપ મૂક્યો – એ બે નાના નાના હાથ અનેક ઐતિહાસિક ઘટનાઓ પર કાતર ફેરવતા ગયા, ને કાતર ફેરવતાં ફેરવતાં જાદુથી એમાંથી તૈયાર થનાર ઢીંગલીની કલ્પનાથી કુસુમની આંખો ચમકવા લાગી. આખરે એ અત્યન્ત ઉત્તેજિત થઈને બોલી: પપ્પા, એ ઢીંગલીનું નામ શું પાડીશું? હું કુસુમને ગમે એવું નામ શોધવા મંડ્યો, ત્યાં એ જ બોલી ઊઠી: પપ્પા, કહું? પદ્મિની! હું બોલી ઊઠયો: પદ્મિની? કુસુમે પૂછ્યું: કેમ? મારી બાળવાડીમાં પદ્મિની કરીને એક મારી બહેનપણી છે. એ મને બહુ ગમે છે. મેં કહ્યું: કુસુમ, એવી જ એક બીજી પદ્મિની હતી. બહુ સુંદર, પરી જેવી. રાજાની રાણી હતી. પણ રાજાના પર બીજા રાજાએ હુમલો કર્યો. કિલ્લાને ઘેરો ઘાલ્યો, આખરે પદ્મિની બિચારી બળી મરી. કુસુમ બોલી ઊઠી: કેમ પપ્પા? મેં કહ્યું: દુશ્મનોના હાથમાં જવા કરતાં બળી મરવું સારું. કુસુમ મૂંઝાઈ. એણે પૂછ્યું: પપ્પા, દુશ્મન કોણ? દુશ્મન આપણને શું કરે? દુશ્મન બહુ ખરાબ હોય? હું મૂંઝાયો. મારાથી કશું બોલાયું નહીં એટલે એ બોલી: પપ્પા, તમે દુશ્મનથી બીઓ છો? બોલો ને, કેમ બોલતા નથી? પપ્પા, પપ્પા, દુશ્મન ક્યાં રહે? એનું ઘર કયાં? કુસુમ અજાણ્યા ભયના સંચારથી થરથરવા લાગી. મેં એને પાસે ખેંચી લીધી ને કહ્યું: કુસુમ તું બીકણ છે કે બહાદુર? કુસુમે તરત કહ્યું: બહાદુર. એટલે મેં કહ્યું: જે બહાદુર હોય તેને દુશ્મન કશું કરે નહીં. પછી એણે મને પૂછ્યું: પપ્પા, તમે બહાદુર નથી? તમે દુશ્મનથી બીઓ છો? પપ્પા, તમારો દુશ્મન ક્યાં છે? મેં કહ્યું: મારો દુશ્મન તો ઊભી પંૂછડીએ ભાગી ગયો છે. એ મારી પાસે આવે છે કે તરત હું તને બૂમ પાડું છું: કુસુમ! ને તારું નામ સાંભળતાંની સાથે જ એ ભાગી જાય છે. એટલે કુસુમ જરા મલકાઈ. પછી કહેવા લાગી: પપ્પા, મારે તમારા દુશ્મનને જોવો છે. એક દિવસ હું સંતાઈને એને જોઈ લઈશ. મેં કહ્યું: વારુ. ને કુસુમ ફરી છાપાં કાતરતી ગઈ ને પાણીમાં નાખતી ગઈ: ઇરાનમાં થયેલો ધરતીકમ્પ, બ્રહ્મપુત્રાનાં પૂર, અમેરિકાએ પાકિસ્તાનને કરેલી નાણાંમદદના આંકડા – બધું કતરાતું ગયું. પછી એ પાછી બોલી: તો પપ્પા, એનું કાંઈ નામ જ ન પાડીએ, ખરું ને? મેં કહ્યું: હા. કુસુમ કામમાં પડી, ઢીંગલી બનતી ગઈ, હું ‘ટાઇમ્સ’ વાંચતો ગયો, દુનિયા આગળ વધતી ગઈ, ક્યાંક સૈનિકો ઘવાયા. ભૂખમરાથી મરણ થયાં. ક્યાંક બંધ બંધાયા. બધાંમાંથી કુસુમની ઢીંગલીનાં અંગ ઘડાવા લાગ્યાં, કુસુમના નાના નાના હાથ એ ઘડવા ગયા, હું કલમ ઉપાડીને ઓફિસની ફાઇલમાં સહી કરતો ગયો. ચીબા નાકવાળો ગુરુવાર આગળ વધ્યો, નવી ઢીંગલીના અવતારથી એ ધન્ય ન થયો હોત તો કદાચ એનું નાક સાવ જ ન રહ્યું હોત એવો વિચાર આવતાં હું હસ્યો. એ જોઈને કુસુમે પૂછ્યું: પપ્પા, તમે કેમ હસ્યા? મેં કહ્યું: તું હસી એટલે. કુસુમ બોલી: જાવ જાવ, હું ક્યારે હસી છું? મેં કહ્યું: જો, આ હસતી નથી તો શું? ને કૃત્રિમ રોષથી બંધ કરેલા હોઠની પાળને તોડીને કુસુમનું હાસ્ય ખળખળ કરતું વહી ગયું. મેં કુસુમને ઊંચકીને કહ્યું: ઢીંગલી જડી ગઈ. એણે પૂછ્યું: ક્યાં છે? મેં એના ગાલમાં ચૂંટી ખણીને કહ્યું: આ રહી!