નવલકથાપરિચયકોશ/બદલાતી ક્ષિતિજ

From Ekatra Wiki
Revision as of 15:27, 29 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦૨

‘બદલાતી ક્ષિતિજ’ : જયંત ગાડીત
બદલાતી ક્ષિતિજ : સામાજિક-રાજકીય વાસ્તવની નવલકથા

– સંધ્યા ભટ્ટ
Badalati shitij.jpg

લેખક પરિચય : જયંત ગોકળદાસ ગાડીત (જન્મ : ૨૬-૧૧-૧૯૩૮, મૃત્યુ : ૨૯-૫-૨૦૦૯) એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરનાર લેખક સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના ગુજરાતી અનુસ્નાતક વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયેલા. પેટલાદની કૉલેજમાં અધ્યાપન કરતાં કરતાં ઈ. સ. ૧૯૬૯માં ‘આવૃત્ત’ નવલકથાથી તેમની સાહિત્યયાત્રા શરૂ થઈ. અધ્યાપકીય જવાબદારી સાથે તેમણે નવ નવલકથા તથા વિવેચન, સંપાદન અને અનુવાદનાં પુસ્તકો આપ્યાં. તેમણે હરિવલ્લભ ભાયાણી પાસે ‘ન્હાનાલાલનું અપદ્યાગદ્ય’ વિષય પર પીએચ.ડી.નો અભ્યાસ કર્યો. ગુજરાતી સાહિત્ય પરિષદમાં જયંત કોઠારી સાથે સાહિત્યકોશનું કામ પણ તેમણે કર્યું. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો ઉપરાંત નર્મદ સાહિત્ય સભા, સુરત દ્વારા નંદશંકર ચંદ્રક પણ એનાયત થયો. ‘બદલાતી ક્ષિતિજ’ નવલકથાને ઈ. સ. ૧૯૮૬નો ક્રિટિક્સ સંધાન ઍવોર્ડ મળ્યો. તેમની મહત્ત્વાકાંક્ષી કૃતિ એટલે ચાર ભાગમાં લખાયેલી દેશના સ્વાતંત્ર્યઆંદોલનની નવલકથા ‘સત્ય’ જેના કેન્દ્રમાં મહાત્મા ગાંધીજી છે. આ માટે તેમણે પુષ્કળ વાંચ્યું અને ઘણું રખડ્યા પણ ખરા. સમાજજીવનને ધરીરૂપ માનતા જયંત ગાડીતે પોતાની કૃતિઓમાં સામાજિક વાસ્તવને અગ્રતા આપી. (‘બદલાતી ક્ષિતિજ’ (નવલકથા) લે. જયંત ગાડીત, પ્ર. આ. ઑગસ્ટ, ૧૯૮૬, પ્ર. આર. જે. શેઠ, લોકપ્રિય પ્રકાશન,૧૧૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨, પ્રતઃ ૧૨૫૦, અર્પણ : શ્રી બલ્લુભાઈ પારેખ અને શ્રી લતાબહેન પારેખને, આપણે મળ્યાં આપણે હળ્યાં.) ‘સત્ય’ જેવી બૃહદ્ નવલકથાથી જીવન અને સર્જનયાત્રા સંકેલનાર સજગ સર્જક જયંત ગાડીતે ઈ. સ. ૧૯૮૫માં આપણને ‘બદલાતી ક્ષિતિજ’ નવલકથા આપી. બે કુટુંબોને કેન્દ્રમાં રાખી ૧૯૮૧ની ગુજરાત રાજ્યની ચૂંટણી પછીના અને સ્વ. ઇન્દિરા ગાંધીના અવસાન પૂર્વેના સામાજિક-રાજકીય પરિદૃશ્યને સૂક્ષ્મતાથી આલેખવાની અહીં તેમની નેમ છે. ચરોતરના એક પછાત કહી શકાય એવા ગામનું લોકાલ તેમણે પસંદ કર્યું છે. નવલકથાની શરૂઆતમાં ગુજરાત વિદ્યુત બોર્ડના જુનિયર એન્જિનિયર રશ્મિકાન્ત દેસાઈ અને તેની પત્ની ચંદ્રિકા દેસાઈના જીવનને વાચક નજીકથી જુએ છે. આ અનાવિલ બ્રાહ્મણ કુટુંબ ઉજળિયાત લોકોના જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. રશ્મિકાન્ત દક્ષિણ ગુજરાતના ચીખલી ગામના છે અને ચંદ્રિકા સુરતની છે. જી. ઈ. બી. ની નોકરીમાં પેટાદરા ગામે બદલી થઈ હોવાથી બંનેને અહીં રહેવું પડે છે. અહીં તેમને ગોઠતું નથી. ચંદ્રિકાને તો વારેઘડીએ સુરત યાદ આવે છે. અહીંનાં લોકો, તેમની જીવનપદ્ધતિ, આસપાસ ઊડતી ધૂળ અને ગંદકીથી ચંદ્રિકા ઉબાઈ જાય છે. આ નિઃસંતાન દંપતીના જાતીય જીવનને પણ લેખક બતાવે છે. આ દંપતી રિટાયર્ડ મામલતદાર ખેડાવાળ બ્રાહ્મણ ગોવિંદપ્રસાદ દેસાઈના ઘરમાં ભાડે રહે છે. સૂર્યકાન્ત શાહ નામે ઉજળિયાત ઘર ખાલી કરીને જાય છે અને વાઘરી દંપતી જીવાભાઈ અને શનીને ગોવિંદપ્રસાદ ગામના અગ્રણી કૉંગ્રેસ રાજકારણી શનાભાઈ વાઘેલાના કહેવાથી ઘર ભાડે આપે છે. બંને કુટુંબના ઘરનું આંગણું અને પરસાળ સાથે જ છે. રશ્મિકાન્ત અને ચંદ્રિકાને આ નવા પાડોશીનું આગમન ગમતું નથી. જીવાભાઈ શાળામાં ગણિતના શિક્ષક છે અને અહીં ટ્યૂશન મળે એ હેતુથી અહીં નોકરી લીધી છે. જોકે, શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને પંડ્યાને ત્યાં ટ્યૂશન જવા કહે છે એટલે ગણિત સારું હોવા છતાં જીવાભાઈને ટ્યૂશન મળતાં નથી. શાળામાં પણ સૌ એમની સાથે આભડછેટ રાખે છે. લેખકે નવલકથાને ચાર પ્રકરણમાં આલેખી છે. ચાર મહત્ત્વનાં પાત્રો – રશ્મિકાન્ત દેસાઈ, જીવાભાઈ વાઘરી, રાજકારણી શનાભાઈ વાઘેલા અને જીવાભાઈના બાપા મંગળ વાઘરી-ના કથનકેન્દ્રથી ચાર પ્રકરણોમાં નવલકથા વિસ્તરી છે. એમ કહીએ કે એક જ સમયખંડને ચાર પાત્રોના દૃષ્ટિકોણથી રજૂ કરાયો છે. આમ જોઈએ તો કથા વૈશાખ મહિનામાં શરૂ થાય છે, વચ્ચે ચોમાસું જાય છે, ઉતરાણના સંદર્ભો પણ આવે છે અને નવમી ફેબ્રુઆરીએ મત ગણતરીની તારીખ પણ અપાઈ છે જેના પછી ઘટનાક્રમ પૂરો થાય છે. એટલે કે કથાનો પટ નવેક મહિના જેટલો ગણી શકાય. જે ઘટનાઓ પ્રથમ ખંડમાં વર્ણવાઈ છે એ જ ઘટનાઓની વાત બીજા, ત્રીજા અને ચોથા પ્રકરણમાં પણ છે. પરંતુ જે તે સમયના આ ચાર પાત્રોનાં મનોસંચલનો ચાર પ્રકરણોમાં અલગ પ્રગટવા દઈને લેખકે નવલકથાવિશેષ સિદ્ધ કર્યો છે એમ કહી શકાય. પહેલી વાર જીવાભાઈ ચંદ્રિકાબહેન પાસે ગોવિંદકાકાની ચિઠ્ઠી બતાવીને ચાવી માગે છે ત્યારે ચંદ્રિકાને માણસ નરમ લાગે છે. પણ ખબર એવા છે કે એનો બાપ મંગળ પંકાયેલો નામીચો ચોર છે. દેસાઈ બીજું ઘર શોધવા પ્રયત્ન કરે છે પણ આ ક્વાર્ટર જ બધી રીતે બરાબર જણાય છે. તેથી પત્નીને દિવાળી પર ટી. વી. લેવાનું કહીને આ અંગેની તેની નારાજગી દૂર કરી દે છે. દેસાઈને નોકરીની ફરજો ચાવડા અને ધૂળાભાઈ જેવા દલિતો સાથે બજાવવાની છે પણ દેસાઈ આ બધા સાથે કામ પાર પાડતા રહે છે. જીવાભાઈમાં શિક્ષિત વ્યક્તિ તરીકેના તમામ ગુણો છે. પણ પત્ની શની અસ્સલ ચરોતરી બોલી બોલે છે, અંધશ્રદ્ધાગ્રસ્ત છે અને ઉજળિયાત માટે તેને ભારોભાર અણગમો છે. જીવાભાઈ ચંદ્રિકાબહેન પાસેથી કંસાર, દૂધપાક, ફ્રૂટસલાડ વગેરે બનાવતા શીખી જવાનું કહે છે પણ તે શીખવા જતી નથી. જીવાની માની જેમ તે પણ માને છે કે ઉજળિયાત જેવા સ્વાદ આપણને ન પરવડે. જીવાનો પડછંદ, રાક્ષસી દેખાવ ધરાવતો, મોટી મૂછો અને લાલ આંખવાળો બાપ મંગળ પહેલી વાર ક્વાર્ટર પર આવે છે ત્યારે તેને જોઈને ચંદ્રિકા એકદમ ધ્રૂજી જાય છે અને રાત્રે પણ દેસાઈને એકદમ વળગીને સૂઈ જાય છે. આમ છતાં જીવા સાથે દેસાઈ દંપતીને સારું ફાવે છે. ચંદ્રિકાનાં મમ્મી-પપ્પા આવે છે ત્યારે આવા ગામમાં કેવી રીતે ફાવે એમ પૃચ્છા કરે છે અને પાડોશી વિશે પણ પૂછે છે ત્યારે બંને શિક્ષક હોવાનું કહે છે અને જ્ઞાતિને છુપાવે છે. રાજકારણ અને વર્ગવિહીન સમાજની વાતો તેમ જ સ્થાનિક નેતાઓની વાતોનો સંદર્ભ પ્રથમ પ્રકરણમાં આવે છે અને સાથે જ જીવા-શનીનું કંઈક અંશે રહસ્યમય દાંપત્યજીવન પણ વાચક જુએ છે. નવલકથાના રસનું કેન્દ્ર છે, તેનું બીજું પ્રકરણ. અહીં જીવો પોતાના રાક્ષસી બાપનો જુલમ, મોસાળને ગામ (અલીણે) જઈને ભણવું, શિક્ષક તરીકે નોકરી લેવી, પોતાને નમાલો માસ્તર ગણીને પોતે કોઈ કામનો ન હોવાની બાપની અવહેલના સહન કરવી અને ટ્યૂશન મળે એવા અરમાન સાથે પેટાદરા આવવું, વગેરે વાત માંડે છે. જીવા અને શની વચ્ચે મોટી ખાઈ છે. વળી, જીવો શનીને જાતીય સુખ આપવા માટે સક્ષમ નથી. આ કારણે શની વલોપાત કરે છે, છણકા કરે છે જેને પણ જીવો વ્યક્તિગત પીડા ભોગવતા ભોગવતા સહી લે છે. બીજું પ્રકરણ વાંચતી વખતે નવલકથાનો નાયક જીવો હોવાનું સહેજે પ્રતીત થાય છે. જીવાનું મનોગત જાણવા માટે અવતરણ લઈએ તો..

*‘સોમો પોતાના શરીરમાંથી દારૂની વાસ ફેલાવે છે. સોમો જ બાપુનો સાચો પુત્ર. બાપાને દરેક કામમાં સાથીદાર. અહીં મને કોઈ ન સમજી શકે.’ (પૃ. ૧૧૫)
** ‘થોડા વખતમાં આમ જ લોકો શની વિશે વાતો કરશે. જીવાની નખરાળી ભણેલાને ઊભો મેલીને નાસી ગઈ. જીવો માણસમાં નથી. વશરામ ભૂવાની વાત બધાંને સાચી લાગશે. માણસ બહુ ભણે તો નપુંસક થઈ જાય. આ અભણ ચૂગલીખોર ઈર્ષાળુ પ્રજા..’ (પૃ. ૧૧૭)
** ‘મને લાગ્યું કે શની પણ જાગતી હતી; પરંતુ એ જાગે છે કે ઊંઘે છે એની કોઈ ખાતરી મેં કરી નહીં. જાગતી હોય તો ય શું? હું એને શું આપી શકવાનો હતો? થોડીક ઉદાસી. થોડોક ઉકળાટ. મને લાગ્યું કે હું પીંછા ને કલગી વગરનો મોર છું.’ (પૃ. ૧૪૦)
** ‘બીજે દિવસે સવારે મેં ચંદ્રિકાબહેનનાં બા-બાપુજીને જોયાં. એમના બાપુજીનો ભરાવદાર, ગૌર, હજામત કરેલો ચમકતો સૌમ્ય ચહેરો. મારી સામે બાપાનો કરડી લાલ આંખો, મોટી મૂછો ને કપાળમાં ઘાના ચિહ્નવાળો ચહેરો આવે છે.’ (પૃ. ૧૫૮)

વાઘરી સમાજમાં નૈવેદમાં બકરાંની બલી ચઢાવતી વખતનું દૃશ્ય છેક નાનપણથી જીવો જોઈ ન શકતો પણ બાપા તેને તે જોવાની ફરજ પાડતા અને પોતાને તે પછી તાવમાં તરફડવું પડતું છતાં બાપાને દયા ન જ આવતી તે મોટા થયા પછી તે આ પ્રસંગે જવાનું ટાળતો, પરંતુ શની નૈવેદના પ્રસંગનો આનંદ લેતી. દેસાઈ દંપતીની પાડોશમાં રહેવાનો અને તેમની સાથે વાતો કરવાનો આનંદ જીવાને માટે લ્હાવો હતો. જીવાના જીવનમાં વળાંક તો ત્યારે આવે છે જ્યારે પેટાદરાના કૉંગ્રેસના અગ્રણી શના વાઘેલા તેને લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે પસંદ કરે છે. આ વાતની સૌને નવાઈ લાગે છે પણ આ રાજકારણીનું તે પાછળનું ગણિત ત્રીજા પ્રકરણમાં ખૂલે છે જ્યારે શના વાઘેલાના મનોવ્યાપારો આલેખાયા છે. જીવાની મા પોતાના પુત્રની આ સિદ્ધિથી ખૂબ રાજી છે. પણ બાપ મંગળના મિશ્ર પ્રતિભાવો છે. ચોથા પ્રકરણમાં મંગળનું મનોગત પણ જાણવા મળે છે. નવલકથાકારે જીવાને ચૂંટણીમાં જીતી જતો બતાવ્યો છે અને એમ અંતે જીવા સંદર્ભે વાચકને રાહતની લાગણી થાય છે. અલબત્ત, લેખકને નવલકથાનો પરંપરાગત ઉઘાડ કે અંત અભિપ્રેત નથી. બસો ચોવીસ પૃષ્ઠની આ નવલકથામાં સામાજિક નિસ્બત ધરાવનાર લેખક ઉજળિયાત-દલિત સંઘર્ષ, શિક્ષિત-અશિક્ષિત લોકોની વિચારસરણી, વંધ્ય દંપતીની વ્યક્તિગત પીડા, જીવાભાઈ જેવા સમજુ અને શાલીન માણસને એક તરફ દલિત સમાજ દ્વારા અને બીજી તરફ ઉજળિયાતો દ્વારા ભોગવવી પડતી અવહેલના તથા રાજકારણની આંટીઘૂંટી – આમ વિવિધ સ્તરના વિષયો અંગે અસરકારક રીતે વાત મૂકે છે. (‘બદલાતી ક્ષિતિજ’ (નવલકથા), લે. જયંત ગાડીત, પ્ર. બાબુભાઈ હાલચંદ શાહ,પાર્શ્વ પબ્લિકેશન, નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, દ્વિતીય આવૃત્તિ, ૨૦૦૫. મૂલ્ય ૧૦૦ રૂ.)

પ્રા. સંધ્યા ભટ્ટ
અધ્યાપક, અંગ્રેજી વિભાગ,
પી. આર. બી. આટ્ર્સ ઍન્ડ પી. જી. આર કૉમર્સ કૉલેજ,
બારડોલી, જિ. સુરત
કવિ, આસ્વાદક, સંપાદક
મો. ૯૮૨૫૩૩૭૭૧૪
Email: sandhyabhatt@gmail.com