નવલકથાપરિચયકોશ/વલય

From Ekatra Wiki
Revision as of 10:30, 31 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭૦

‘વલય’ : ધીરેન્દ્ર મહેતા

– દર્શના ધોળકિયા
વલય.jpeg.webp

ડૉ. ધીરેન્દ્ર મહેતાનું નામ ગુજરાતી સાહિત્યમાં તેમના મહત્ત્વના પ્રદાનને લઈને નોંધપાત્ર રીતે ઊભર્યું છે. આ સર્જક પાસેથી નાટક સિવાયનાં લગભગ બધાં સાહિત્ય સ્વરૂપો સાંપડ્યાં છે. તેમણે લેખનનો પ્રારંભ કર્યો કવિતાથી પણ સર્જક તરીકે તેમની આગવી ઓળખ ઊભી થઈ નવલકથાકાર તરીકે. તેમની પાસે નવલકથાના સ્વરૂપની સજ્જતા અને જીવનના પ્રશ્નોને તાગવાની તીક્ષ્ણ દૃષ્ટિ છે. તેમની નવલકથાઓ વ્યાપની જ નહીં, ઊંડાણની પણ છે. સ્ત્રી-પુરુષ સંબંધની સંકુલતા, વ્યક્તિત્વની જાળવણી અને સંબંધની વિરૂપતા, બૌદ્ધિક તીવ્રતા સાથે સંવેદનની સૂક્ષ્મતા, તેને પરિણામે સર્જાતું એકાકીપણું – આવાં અનેક તત્ત્વોથી તેમની નવલકથાઓનું ભાવવિશ્વ રચાયેલું છે. પ્રમોદકુમાર પટેલે એમની કૃતિઓનો મુખ્ય અંતઃસ્રોત અંદરની ભાવસ્થિતિમાં પડેલો જોયો એમાં તથ્ય છે. પોતાની નવલકથાઓ અને નવલિકાઓના સર્જન અનુભવમાંથી પસાર થતા સર્જકની પ્રતીતિ પ્રમોદકુમારના નિરીક્ષણને અનુમોદન આપે છે : ‘નવલિકા અને નવલકથા બંનેના સર્જન અનુભવે એવી સ્પષ્ટ પ્રતીતિ કરાવી કે જીવનના પ્રત્યક્ષ અને ભરપૂર અનુભવ વિના આ ભોંય પર ટકવું શક્ય નથી, અને અનુભવની અવેજીમાં અહીં કશું જ કામ લાગતું નથી.’ ૧૯૭૧થી ૨૦૧૬ સુધીનાં છેંતાલીસ વર્ષના દીર્ઘ પટ પર પથરાયેલી લેખકની દરેક નવલકથામાં જીવનનો પ્રત્યક્ષ અને ભરપૂર અનુભવ સાંવેદનિક સ્તરે અભિવ્યક્તિ પામ્યો છે. ‘વલય’ જેવી મુગ્ધ પ્રણયની કૃતિ એમની પ્રથમ નવલકથા છે. ત્રિલોક, નિકેત, કાજલ, સત્યા અને સચિનની પાત્રસૃષ્ટિને આકારતી ‘વલય’માં આ પાત્રોની અનુભૂતિનાં વિવિધ વલયો રચાયાં છે, ત્રિલોક-કાજલ વચ્ચે પ્રણયનું વલય રચાય છે ને ખંડિત થાય છે. એવું જ ત્રિલોક-સત્યાની બાબતમાં બને છે. પછીથી કાજલ-નિકેત ને સત્યા-સચિન વચ્ચે રચાતાં વલયો અખંડત્વને પામે છે. કૃતિના આરંભે ત્રિલોક એકલતાના ખ્યાલમાં જીવ્યો છે ને અંતે એકલતાના અનુભવમાં મુકાયો છે. કૃતિની નિરૂપણરીતિ આ રીતે વલયાકાર ઘાટ પામી છે. કૃતિનો મુખ્ય નાયક ત્રિલોક અને સર્જક બંને મળીને ‘વલય’ ને અંતે ‘પ્રેમ આજ સુધી અનેક નામથી ઓળખાયો છે. ત્રિલોકે આજે એને એક વધુ નામ આપ્યું – સંજોગ! પ્રેમ બીજું કશું નથી, માત્ર સંજોગ છે... એ સંજોગમાંથી જન્મે છે અને સંજોગો પર જ આધારિત છે અને સંજોગોમાં જ એ મરી પણ જાય છે. સંજોગ જ એનું ઘર છે...’ આવું તારણ કાઢે છે. માત્ર એના પરથી આ કૃતિને પ્રણય વૈફલ્યની કથા કહી શકાય તેમ નથી. ત્રિલોક અને કાજલ, ત્રિલોક અને સત્યાની અનુભૂતિઓનાં વલય ખંડિત રહે છે. આ પાત્રો વચ્ચેના સંબંધો રચાય છે ને વિચ્છેદ પામે છે. કાજલ અને સત્યા બંનેએ ત્રિલોકને ભરપૂર ચાહ્યો છે પણ લગ્નને ચૈતન્યની અનુભૂતિ તરીકે ઓળખાવતો ત્રિલોક આ બંનેના એના પ્રત્યેના ઉત્કટ પ્રણયભાવને ઉચિત સમયે અપેક્ષિત પ્રતિભાવ આપી ન શકતાં સત્યાના જીવનમાં શારીરિક રીતે અપંગ એવા અનાગતે પ્રવેશ કર્યો. તો કાજલના જીવનમાં એની શારીરિક વેદનાની ક્ષણે ડોકટર તરીકે પ્રવેશેલા નિકેતે સ્થાન મેળવ્યું. ભૂત અને ભવિષ્યથી મુક્ત રહેવા માગતો ત્રિલોક કૃતિને અંતે ખાલીપામાં અટવાઈ ગયો. પ્રેમને માત્ર બુદ્ધિગમ્ય માનવાથી માનવ સંવેદનને ઓળખવામાં થાપ ખાઈ ગયેલા ત્રિલોકને એનો સૂક્ષ્મ અહંકાર નડ્યો છે. તો બીજી બાજુ એક સંવેદનશીલ ડૉક્ટર તરીકે ઊભરતો નિકેત કાજલના પ્રેમને તો અનાયાસ પ્રાપ્ત કરે જ છે, સાથોસાથ સહૃદયના ચિત્તમાં પણ આદરભર્યું સ્થાન મેળવે છે. કાજલ, ત્રિલોક અને સત્યાનો ત્રિકોણ સૂક્ષ્મ રીતે વિખેરાતો રહ્યો છે. આ પાત્રોનાં નૈકટ્યને આલેખવા માટે લેખકે પત્ર લેખનનો આશ્રય લીધો છે. જેનાથી આ પાત્રોનો પરસ્પરનો અનુરાગ અને પછીથી એમાં પડતી જતી તિરાડની વેદના નાજુકાઈથી આલેખાઈ છે. પછીથી કાજલના જીવનમાં પ્રવેશતો નિકેત ને સત્યાના જીવનમાં આવતો અનાગત સહૃદયને આકર્ષે છે અને સાથે સાથે એને સૂક્ષ્મ કરુણનો અનુભવ કરાવે છે. કૃતિને અંતે ત્રિલોકની બદલાતી મનોદશા એના વિકાસને ચીંધે છે પણ એણે અનુભવેલી પ્રેમની ઉત્કટતામાં એ ઘણો મોડો પડ્યો છે. જેનો વિષાદ એને ઘેરી વળ્યો છે. ત્રિલોકનું અહમ્‌ કાજલ અને સત્યાના જીવનમાં પણ અનેક વલયો સર્જવામાં કારણભૂત બન્યું છે. પ્રસ્તુત કૃતિમાં પ્રણય વૈફલ્યની સાથોસાથ પાત્રોની સમજણ પણ કૃતિમાં અનુભવાતા કરુણના મૂળમાં પડેલી છે. લેખકનું જીવન પ્રત્યેનું તટસ્થ નિરીક્ષણ આ કૃતિને આથી જ ઊર્મિ ગદ્યમાંથી બચાવી લે છે. અહીં સંજોગ પ્રેમના ઉદ્‌ભાવક બળ તરીકે સ્વીકારાયા છે એ ત્રિલોકના સંદર્ભે યથાર્થ ઠરે છે. કાજલ અને સત્યા તેમજ અનાગત અને નિકેતનાં પાત્રો સમજણથી રસાયેલાં છે. આથી જ આ બધાં જ પાત્રો સહૃદયનો સમભાવ ને આદર પ્રાપ્ત કરે છે. કૃતિની ભાષામાં લાલિત્ય, ચિત્રાત્મકતા ને લયાત્મકતાનો સમન્વય સર્જકની કવિત્વ શક્તિના પરિચાયક બને છે : “કાજલ ખંચકાઈ ગઈ. પર્સને ઉઘાડબંધ કરતી પેલી આંગળીઓ અટકી ગઈ. કપોલપ્રદેશ પર ઝૂલતી એક-બે લટો સમારાઈ અને પાછી ઝૂકી પડી. નાક પાસે સળ પડી ગયો.”

“જે રહસ્ય ક્ષણનું છે તે જ રહસ્ય સમગ્ર કાળનું છે. જે રહસ્ય નભબુંદનું છે તે જ રહસ્ય સરિતા અને ઝરણાંઓનું છે, જે રહસ્ય પ્રેમનું છે તે જ રહસ્ય તારાં અવનવાં સ્વરૂપોનું છે તે આખરે હું જાણી શક્યો છું. ”

“એની આંખમાં તરસનાં હરણ દોડતાં હતાં. અસંખ્ય તારાઓનું મોં ખોલીને ચત્તુંપાટ પડેલું આકાશ પોતાની અદમ્ય ઝંખના વ્યક્ત કરતું હતું. અકીકનાં પુષ્પોના ફાટી ગયેલા હોઠ લબડતા હતા અને તેની વાસ નિઃશ્વાસ બનીને નીકળતી હતી.” ડૉ. ધીરેન્દ્ર મહેતાની આ કૃતિમાંથી નવલકથા લેખનમાંથી પસાર થના૨ સહૃદય એકસાથે વેદના ને સંવેદનાનો સંયુક્ત અનુભવ કરે છે. એનું કારણ એમાં રહેલી પ્રતીતિ ને સચ્ચાઈમાં પડેલું છે. આથી જ એમનાં વિલક્ષણ, કે અહંવાદી પાત્રો પ્રત્યે પણ સમભાવ અનુભવાય છે. પણ આ જ વિશિષ્ટતાને લઈને તેઓ વિચક્ષણ ભાવકોના હૃદયમાં આગવું સ્થાન પામ્યા છે. એમની કૃતિઓમાં રહેલી ભાષા ને વિચારથી પંડિતયુગીન ક્ષમતાને, મનુષ્યમાં પડેલી સામાન્યતાને પ્રતિની ગાંધીયુગીન સમદૃષ્ટિને ને વાસ્તવના તલ પર પાત્રોને સમજવાની અનુઆધુનિક સમજને ઓળખીને એમને એમના સમકાલીન સર્જકોની વચાળે પ્રશિષ્ટ સર્જક પ્રમાણિત કરે છે.

ડૉ. દર્શના ધોળકિયા
પ્રોફેસર અને અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ
વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક
મો. ૯૦૯૯૦૧૭૫૫૯, Email: dr_dholakia@rediffmail.com