ગૃહપ્રવેશ/સાત પાતાળ

From Ekatra Wiki
Revision as of 11:46, 2 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાત પાતાળ| સુરેશ જોષી}} {{Poem2Open}} સુધીર જાણી કરીને રસ્તે એકબે સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાત પાતાળ

સુરેશ જોષી

સુધીર જાણી કરીને રસ્તે એકબે સ્થળે રોકાયો. ગઈ કાલે એ સહેજ મોડો ગયો તેથી રેખા કેવી રડું રડું થઈ ગઈ હતી! એ રોષ ને વિષાદથી કષાયિત આંખો, અશ્રુની ભીનાશથી ભાંગી પડતા શબ્દો ને સહેજ મોં આડું કરી લઈને પ્રગટ કરેલો ઉપાલમ્ભ – એ આખું દૃશ્ય એનાં મનશ્ચશ્રુની સામે એ હજાર વાર ખડું કરી ચૂક્યો હતો. રેખાને માટે – રેખા જેવી એક સ્ત્રીને માટે એ આટલો બધો અનિવાર્ય છે તેની પ્રતીતિ થતાં એને પોતાને માટે ગર્વની લાગણી થઈ. એ લાગણીનો ધીમે ધીમે સ્વાદ લેતો એ રેખાના ઘર પાસે આવી પહોંચ્યો.

ત્યાં વળી એને એક તુક્કો સૂઝ્યો: રેખાને જણાવ્યા કર્યા વિના જ ચોરપગલે ઘરમાં દાખલ થઈ જાઉં ને પછી એને ઓચિંતી ચોંકાવી દઉં તો કેવું! ને એ ચોરપગલે દાદર ચઢ્યો. બારણા આગળ પહોંચ્યો. એને થયું: મારી પ્રતીક્ષામાં આતુર ને અધીર રેખાએ મને બારીમાંથી આવતો જોયો હશે ને જરૂર એ આ પડદાની પાછળ સંતાઈને ઊભી હશે. હું જઈશ એટલે એના બે હાથ મને વીંટળાઈ વળશે… ને એ કલ્પેલા મનોરમ દૃશ્યને વાસ્તવિક બનવા દેતાં પહેલાં વળી એ સહેજ થંભ્યો. એ ધારે ત્યારે એ દૃશ્ય વાસ્તવિક બની શકે છે. પરિસ્થિતિના નિર્માણ પરનું પોતાનું આ આધિપત્ય જરા વધુ વાર મનમાં રમાડી જોવાનું એને ગમ્યું. ને પછી એણે પગલું ભર્યું, હળવેથી પડદો ખસેડ્યો ને બીજી ક્ષણે એણે જોયું તો એ ઓરડામાં દાખલ થઈ ચૂક્યો હતો પણ વલયના રણકારથી સંગીતમય પેલા હાથ એને વીંટળાઈ વળ્યા નહોતા. એ ઓરડાના અસબાબની બધી વસ્તુઓ જાણે કે છટકી જતા હાસ્યને માંડ માંડ હોઠ બીડીને રોકી રહી હતી.

એ ધૂંધવાયો. ઘડીભર એ ઊભો જ રહી ગયો. ત્યાં ક્યાંક એણે કોઈકનો પદસંચાર સાંભળ્યો. ને એ બાજુમાં ઊભા કરેલા સ્ક્રીનની પાછળ એકદમ લપાઈ ગયો. રેખા જ આવતી હોવી જોઈએ એમ માનીને એ સ્ક્રીનની પાછળથી બીજા ઓરડાનું બારણું ખૂલે તેની રાહ જોવા લાગ્યો. પણ એ પદસંચાર ફરી નિસ્તબ્ધતામાં ખોવાઈ ગયો.

બીજી વાર તેને હાર મળી. ઓરડાની બધી વસ્તુઓ જાણે હવે હસવાનું માંડ રોકી શકે એમ હતું. ક્ષણભરમાં આખો ઓરડો એમના હાસ્યથી ગાજી ઊઠશે કે શું એવી ભીતિ લાગી. એ કૃત્રિમ સ્વસ્થતાનો ભાવ મુખ પર આણીને એ બધી વસ્તુઓને છેતરવા મથ્યો અને કશું જ ન બન્યું હોય તેમ જઈને બારી આગળના સોફા ઉપર બેઠો.

ત્યાં એકાએક એની નજર બે સોફા વચ્ચેના ખૂણામાં પડેલી ટિપાઇ પર પડી. એના પરની મુરાદાબાદી તાસકની અંદર એક પાઇપ કોઈકે જાણે હમણાં જ ઉતાવળમાં મૂકી દીધી હતી. એમાંનો તમાકુ હોલવાયો નહોતો. એ પાઇપ એણે હાથમાં લીધી ને જોયું તો એક તરફ ણ.સ્. એવા બે અક્ષર લખેલા હતા. ને એ વિચારે ચઢ્યો. એ ણ.સ્.માંથી બની શકતાં નામો એ મનમાં ગોઠવવા લાગ્યો. અસંખ્ય નામો એને જડ્યાં ને એમાંથી વધુ શક્ય ને શંકાસ્પદ લાગે તેવાં નામોને એ જુદાં પાડવા લાગ્યો. એ નામોની સંખ્યા પણ ખાસ્સી વધતી જ ચાલી. આખરે થાકીને એણે એ પ્રયત્ન છોડી દીધો ને જરાય અવાજ કર્યા વિના પેલી પાઇપને તાસકમાં, એ જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિમાં પાછી મૂકી દીધી. ને એણે જોયું તો જાણે કે પાઇપ એના તરફ જોઈને ખંધાઈભર્યું સ્મિત કરતી હોય તેમ ધુમાડાની પાતળી સેર હવામાં ફેલાવી રહી હતી. એણે પાઇપ તરફથી નજર ફેરવી લીધી.

ત્યાં એકાએક એણે જે જોયું તેનાથી એ સફાળો ઊભો થઈ ગયો. કેમ જાણે કોઈએ પાછળથી છરી નહીં હુલાવી દીધી હોય! બીજી બારીના કોચ પર બે માણસના જોડાજોડ બેસવાથી પડેલા દબાવની સ્પષ્ટ છાપ જોઈ. ને એ પોતે કશું કરી શકે તે પહેલાં એનું મન એ થોડી જ ક્ષણ પહેલાં બની ગયેલી ઘટનાનું કલ્પનાથી પુનનિર્ર્માણ કરવામાં ગૂંથાઈ ગયું. એ કોઈક બળનો પ્રેર્યો કોચ પાસે ગયો. હજુ ત્યાંથી યુ દ કોલોનની આછી વાસ હવામાં લહેરાઈ રહી હતી. એ રેખાને અત્યન્ત પ્રિય એવી સુગન્ધ હતી. એટલે આ બેમાંની એક વ્યક્તિ તો રેખા જ હોવી જોઈએ એટલું એણે નક્કી કર્યું. પણ એ નક્કી થતાંની સાથે જ એના પગમાંથી બધું જોર જતું રહ્યું. છતાં એ રહ્યુંસહ્યું બળ એકઠું કરીને ત્યાં ઊભો રહ્યો ને વધુ તપાસ માટે નજરને તીક્ષ્ણ કરી ન્યાયાધીશની અદાથી એ ઓરડામાંની બધી વસ્તુઓની ઊલટતપાસ લેવા મંડ્યો. એ કોચ પર પડેલા રૂમાલે ચાડી ખાધી. એ જ ણ.સ્.ના બે અક્ષરો લાલ દોરાથી એને છેડે ભરેલા હતા. એ બે અક્ષરો એની આંખ સામે નાચવા લાગ્યા. ઓરડાની બધી વસ્તુઓ એના તરફ દયાભરી નજરે તાકી રહી હોય એમ એને લાગ્યું. ત્યાં કોચની પાસે એણે નંદવાઈ ગયેલી બંગડીના કટકા જોયા અને એની કલ્પના વળી ગતિશીલ બની. પ્રણયક્રીડાનું આખું દૃશ્ય એણે ફરીથી પોતાની આંખ આગળ બનતું જોયું. રેખાના બે હાથ જેવી રીતે પોતાને વીંટળાઈ વળતા હતા તેવી જ રીતે એ વ્યક્તિને વીંટળાયા હશે ને ગાઢ આશ્લેષના દાબથી એ બંગડી આમ તૂટી ગઈ હશે…

એ ઘડીભર ત્યાં પૂતળાની જેમ જડાઈ ગયો. એને પછીથી મહાપ્રયત્ને પોતાની જાતને ત્યાંથી ઉખેડી. એ બાજુમાંના બુકશેલ્ફ તરફ વળ્યો. પાસેના ટેબલ પર એક ચોપડી અધખૂલી પડી હતી તેના તરફ એની નજર વળી. એ આલ્બમમાં રેખાની અનેક છબિઓ હતી. ને જ્યાં જ્યાં પોતાની છબિઓ હતી તે ખાલી કાળી જગ્યાને એ તાકીતાકીને જોઈ રહ્યો.

એ આયના તરફ વળ્યો, આયનામાં એને રેખા અને અજ્ઞાત ણ.સ્.ની એકબીજાંને ચૂમતી છબિ દેખાઈ. એનાથી અજાણતાં જ એના હાથ એ આયના તરફ વળ્યા ને એ છબિને ભૂંસી નાંખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાંથી ખસ્યો. ફૂલદાનીમાં એણે જોયું તો પોતાને બહુ જ ગમતાં મૅગ્નોલિયા આજે ત્યાં નહોતાં. એને બદલે ક્રિસૅન્થેમમનો ગુચ્છો એણે ત્યાં જોયો. બીજા ઓરડામાં જવાનાં બારણાં આગળ એણે પુરુષના ચંપલ પડેલાં જોયાં. જાણે હમણાં જ કોઈ એ ચંપલ ઉતારીને અંદરના ઓરડામાં ગયું છે. એ ચંપલનું એણે પગેરું કાઢ્યું. આખા ઓરડામાં પેલો પુરુષ ક્યાં ક્યાં ગયો હશે તેનો આખો નક્શો મનમાં અંકાઈ ગયો. આવતાંની સાથે જ રેખા એને વળગી પડી હશે. ત્યાંથી એ બંને આ કોચ ઉપર આવીને બેઠાં હશે. ત્યાં પેલું ગાઢ આલંગિન, બંગડીના ટુકડા, ચુમ્બન… ત્યાંથી પેલા આલ્બમ આગળ ગયાં હશે, પેલાએ જ (કે રેખાએ?) પોતાની બધી છબિ કાઢી નાંખી હશે ને આ ઉપકાર બદલ રેખાએ એને ફરી ચૂમ્યો હશે! (ન જાને!) ત્યાંથી આ આયના તરફ, આ ફૂલદાની પાસે ને કદાચ બારીએથી એને આવતો જોઈને, ઉતાવળમાં તરત જ સળગાવેલી પાઇપ અહીં ભૂલી જઈને બંને અંદરના ઓરડામાં લપાઈ ગયાં હશે…

આખો ઓરડો જાણે અશ્રુત હાસ્યથી ગાજી ઊઠ્યો. દરેક વસ્તુ એ બે પ્રેમીની હજાર પ્રણયક્રીડાની સાક્ષી બનીને વાચાળ બની બધી વિગતો કહેવા લાગી. હવામાં ચારે બાજુથી એ પ્રેમી યુગલનું પ્રણયકૂજન એને ઘેરી વળ્યું ને જેમ પાણીનાં વમળ માણસને નીચે ને નીચે ધકેલે તેમ એ નીચે ક્યાંક ઊંડે ને ઊંડે ધકેલાતો જતો હોય એમ એને લાગ્યું, ચારે બાજુથી વસ્તુઓ જાણે ઘાંટા પાડી પાડીને એને રેખા અને એના પ્રેમીની વાતો કહેવા લાગી. એ બધાના ધસારાથી ગભરાઈને ઘડીભર તો એ જડવત્ ઊભો જ રહી ગયો. પછી એને લાગ્યું કે એ અદૃશ્ય યુગલની અનેક છબિઓ, અવાજો અને સંચાર વચ્ચે એ નહીંવત્ બનીને આમતેમ ઠેલાવા લાગ્યો છે. એ આક્રમણમાંથી જીવ લઈને એ નાઠો. દરેક વસ્તુના સ્પર્શની પાછળ પેલો ચાડી ખાતો બીજો સ્પર્શ એને વરતાયો. એ બારણાંનું કડું, એ પડદો, એ ઓરડાની હવા – પેલા બે જણાંથી આ બધું એટલું તો ભર્યું ભર્યું થઈ ગયું હશે કે જાણે એની ભરતીની છોળે જ એ બહાર ફેંકાઈ ગયો.

સહીસલામત સ્થળે પહોંચીને એણે જોયું તો ઘડિયાળમાં છ ઉપર સાત મિનિટ થઈ હતી. એ બબડ્યો: ‘બસ, સાત જ મિનિટ હું એ ઘરમાં હતો!’