ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/કુરુધમ્મ જાતક

Revision as of 17:41, 12 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુરુધમ્મ જાતક

પ્રાચીન કાળમાં કુરુ દેશમાં ઇન્દ્રપ્રસ્થ નગરમાં ધનંજય નામે રાજા થઈ ગયા. તે સમયે તેની પટરાણીના પેટે બોધિસત્ત્વે જન્મ લીધો. મોટા થયા એટલે તક્ષશિલા જઈને વિદ્યા ભણ્યા. પિતાએ તેમને યુવરાજ બનાવ્યા. સમય જતાં રાજાનું મૃત્યુ થયું એટલે રાજગાદીએ તે બેઠા અને દસ રાજધર્મને અનુરૂપ રહીને કુરુ ધર્માનુસાર આચરણ કર્યું. પાંચ શીલ એટલે કુરુધર્મ. બોધિસત્ત્વે તેમની પવિત્રતા જાળવીને એ શીલનું પાલન કર્યું. બોધિસત્ત્વની જેમ તેમની માતાએ, પટરાણીએ, નાના ભાઈએ, બ્રાહ્મણ પુરોહિતે, રજ્જુગ્રહણ કરનાર અમાત્ય, સારથિ, શેઠ, દ્રોણમાપક મહામાત્ય, દ્વારપાલ તથા નગરની શોભા રૂપ વારાંગનાએ પણ તે શીલનું પાલન કર્યું.

આ બધાંએ પવિત્રતાથી પાંચેપાંચ શીલનું પાલન કર્યું. રાજાએ નગરના ચારે દ્વારે, નગરની વચ્ચે તથા નિવાસસ્થાનના દ્વારે છ દાનશાલા બનાવી, દરરોજ છ લાખ જેટલું ધન વાપરતા હતા, એ રીતે તેમણે સમગ્ર જંબુદ્વીપને પ્રભાવિત કરી મૂક્યો. તેમનું દાનેશ્વરીપણું સમગ્ર જંબુદ્વીપમાં પ્રશંસાપાત્ર બન્યું.

તે સમયે કલિંગ પ્રદેશના દંતપુર નગરમાં કાલિંગ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં વરસાદ ન પડ્યો. વરસાદના અભાવે આખા રાજ્યમાં દુકાળ પડ્યો. ખાવાપીવાની તંગી પડી. બિમારી પ્રસરી ગઈ. અવૃષ્ટિ, દુકાળ અને રોગચાળો — આ ત્રણે ભય બધે ફેલાઈ ગયા. માનવીઓ દરિદ્ર બનીને બાળકોને ઊંચકી ઊંચકીને આમતેમ રખડતા હતા. સમગ્ર રાજ્યના પ્રજાજનો એકત્ર થઈને દન્તપુર જઈ પહોંચ્યા અને રાજમહેલના દ્વારે કોલાહલ મચાવ્યો. રાજા અટારી પાસે ઊભા રહીને પૂછવા લાગ્યા, ‘આ લોકો બરાડા કેમ પાડે છે?’

‘મહારાજ, આખા રાજ્યમાં ત્રણ ભય ઊભા થયા છે, વરસાદ પડતો નથી, ખેતરો સૂકાંભઠ થઈ ગયાં છે, દુકાળ છે. લોકો ખરાબ ખાવાનું ખાઈને માંદા પડ્યા છે. બધું ત્યજીને માત્ર સંતાનોને ઊંચકી ઊંચકીને રખડે છે. — મહારાજ, વરસાદ આણો.’

‘ભૂતકાળમાં વરસાદ પડતો ન હતો ત્યારે રાજાઓ શું કરતા હતા?’

‘જૂના જમાનામાં વરસાદ ન પડે ત્યારે રાજાઓ દાન દેતા, વ્રત કરતા, શીલ પાળતા, શયનખંડમાં એક સપ્તાહ સુધી તૃણ બિછાવીને સૂતા, ત્યારે વરસાદ પડતો.’

રાજાએ ‘ભલે’ કહીને તેમ કર્યું. આમ કર્યા છતાં વરસાદ ન પડ્યો.

રાજાએ અમાત્યોને પૂછ્યું, ‘મેં તો મારું કર્તવ્ય નિભાવ્યું. વરસાદ ન પડ્યો, હવે શું કરું?’

‘મહારાજ, ઇન્દ્રપ્રસ્થ નગરમાં ધનંજય નામના રાજાને ત્યાં અંજનવસભ નામનો હાથી છે. તેને લઈ આવો. એ આવશે તો વરસાદ પડશે.’

‘તે રાજા તો સૈન્ય ધરાવે છે, તેની પાસે રથ છે. તે દુર્જય છે, તેમનો હાથી કેવી રીતે લાવી શકાય?’

‘મહારાજ, તેમની સામે યુદ્ધ કરવાનો પ્રશ્ન નથી. રાજા ઉદાર છે, દાનેશ્વરી છે. માગો તો સુશોભિત મસ્તક પણ કાપીને આપી શકે. સુંદર આંખો પણ કાઢી આપે. આખા રાજ્યનો ત્યાગ કરી શકે. હાથીની તો શી વિસાત. માગીશું એટલે નક્કી આપશે જ.’

‘તેની પાસે માગવા કોણ જાય?’

‘મહારાજ, બ્રાહ્મણો.’

રાજાએ બ્રાહ્મણગ્રામમાંથી આઠ બ્રાહ્મણોને બોલાવી તેમના સત્કાર-સન્માન કર્યા અને પછી હાથીની માગણી કરવા મોકલ્યા.

તેમણે ખર્ચી લીધી અને પથિકના વેશે ચાલી નીકળ્યા, બધે એક જ રાત, રોકાઈને થોડા દિવસે નગરદ્વાર પરની દાનશાલાઓમાં ભોજન કરીને, થાક ખંખેરીને પૂછ્યું,

‘રાજા, દાનશાલામાં ક્યારે આવે છે?’

તેમને ઉત્તર મળ્યો, ‘પખવાડિયામાં ત્રણ વખત-ચૌદશે, પૂનમે અને આઠમે આવે છે. આવતી કાલે પૂનમ છે. એટલે કાલે આવશે.’ બ્રાહ્મણો બીજે દિવસે સવારસવારમાં પૂર્વદ્વારે જઈને ઊભા રહી ગયા. બોધિસત્ત્વ પણ નાહીધોઈ, ચન્દનની અર્ચા કરીને આભૂષણો ધારણ કરીને, સુશોભિત હાથી પર બેસીને ઘણા સેવકોની સાથે પૂર્વદ્વારની દાનશાલાએ પહોંચ્યા. ત્યાં ઊતરીને સાતઆઠને પોતાના હાથે ભોજન આપ્યું, ‘આ રીતે જ આપજો.’ એમ કહી હાથી પર બેસીને દક્ષિણ દ્વારે પહોંચ્યા. બ્રાહ્મણોને સૈનિકોની વધુ સંખ્યાને કારણે અવસર ન મળ્યો. તે દક્ષિણ દ્વારે પહોંચ્યા. રાજાને આવતા જોઈ દ્વાર પાસે જ એક ઊંચી જગાએ ઊભા રહ્યા. રાજા જ્યારે પાસે આવ્યા ત્યારે તેમણે હાથ ઊંચા કરીને રાજાનો જયજયકાર બોલાવ્યો. રાજાએ અંકુશ વડે હાથીને ઊભો રાખી પૂછ્યું, ‘બ્રાહ્મણો, શું જોઈએ છે?’

બ્રાહ્મણોએ રાજાના ગુણગાન ગાતાં ગાતાં કહ્યું, ‘હે રાજન્, તમારી શ્રદ્ધા અને શીલની વાતો સાંભળીને અમે કલિંગ દેશથી આવ્યા છીએ. અમે અંજનવર્ણ હાથી માગીએ છીએ. પછી અમે તમારા હાથીને અમારા હાથીની જેમ કાલિંગ રાજા પાસે લઈ જઈશું. બહુ ધનધાન્ય વડે વિનિમય કરીશું. આમ વિચારીને અમે અહીં આવ્યા છીએ. હવે જે કરવું હોય તે ઇચ્છા પ્રમાણે કરો.’

એટલે બોધિસત્ત્વે કહ્યું, ‘હે બ્રાહ્મણો, આ હાથીના વિનિમયમાં જો તમે ધન મેળવશો તો તે બહુ યોગ્ય છે. હું આ હાથી જેવો અલંકૃત છે તેવો જ આપીશ’ એવું આશ્વાસન આપતાં કહ્યું, ‘કોઈ પણ સેવક હોય, તેઓ જે કંઈ માગે તેને ના પડાય નહીં. આવું પૂર્વના આચાર્યો કહી ગયા છે. હે બ્રાહ્મણો, હું તમને રાજાઓને શોભે તેવો, યશસ્વી, આભૂષણમંડિત અને સુવર્ણના આવરણવાળો આ હાથી આપું છું. તેનો મહાવત પણ સાથે જ છે. જ્યાં ઇચ્છો ત્યાં લઈ જાઓ.’

આમ હાથી પર સવાર થયેલા રાજાએ બેઠા બેઠા જ વાણી વડે હાથીનું દાન કરી દીધું. પછી નીચે ઊતરીને ‘ક્યાંક જો હાથીનો શણગાર બાકી રહી ગયો હશે તો તે પણ પૂરો કરી દઈશ’ એમ વિચારી ત્રણ વખત હાથીની પ્રદક્ષિણા કરી. ક્યાંય શણગાર વિનાની જગા મળી નહીં. ત્યારે તેમણે હાથીની સૂંઢ બ્રાહ્મણોના હાથમાં ભળાવી, સુવર્ણઝારીથી સુગંધિત જળ છાંટ્યું, અને હાથી આપ્યો. બ્રાહ્મણોએ સેવકો સમેત હાથીનો સ્વીકાર કર્યો. હાથી પર સવાર થઈને તેઓ દંતપુર પહોંચ્યા અને રાજાને હાથીની સોંપણી કરી. હાથીના આગમન પછી પણ વરસાદ ન પડ્યો. રાજાએ પૂછ્યું, ‘હવે શું કારણ છે?’

‘કુરુરાજ ધનંજય કુરુધર્મ પાળે છે. એટલે તેમના રાજ્યમાં પંદરમે દિવસે, દસમે દિવસે વર્ષા થાય છે. તે રાજાના ગુણોનો જ પ્રતાપ છે. આ તો પશુ છે, એનામાં ગુણ હોય તોય કેટલા હોઈ શકે?’

‘તો અનુયાયીઓ સમેત આ સુશોભિત હાથી પાછો લઈ જઈ રાજાને આપો, તે જે કુરુધર્મ પાળે છે તે સુવર્ણતકતી પર લખાવીને લાવો.’ એમ કહી બ્રાહ્મણોને અને મંત્રીઓને મોકલ્યા. તેમણે રાજાને હાથીની સોંપણી કરતાં કહ્યું, ‘દેવ, આ હાથી લઈ ગયા છતાં વરસાદ ન પડ્યો. તમે કુરુધર્મનું પાલન કરો છો. અમારા રાજા પણ કુરુધર્મનું પાલન કરવા માગે છે. તેમણે અમને તમારી પાસે મોકલ્યા છે. આ સુવર્ણતકતી પર કુરુધર્મ લખાવીને લાવો એમ અમને કહ્યું છે. તમે અમને કુરુધર્મ આપો.’

‘ભાઈઓ, મેં સાચેસાચ કુરુધર્મનું પાલન કર્યું છે. પણ મારા મનમાં એ વિશે દ્વિધા છે. અત્યારે કુરુધર્મ મારા ચિત્તને પ્રસન્નતા નથી આપતો. એટલે હું તમને નહીં આપી શકું.’

રાજાનું શીલ તેમના ચિત્તને શા માટે આનંદ આપી શકતું ન હતું? તે દિવસોમાં દર ત્રણ વર્ષે કારતક મહિનામાં કાતિર્કોત્સવ નામનો ઉત્સવ થતો હતો. તે ઉત્સવની ઉજવણી પ્રસંગે બધા રાજપુરુષો અલંકૃત થઈને, દેવતાઓના વેશે ચિત્રરાજ નામના યજ્ઞ પાસે ભેગા થતા હતા, અને ચારે દિશામાં ચીતરેલાં બાણ ફેંકતા હતા. આ રાજાએ પણ ઉત્સવમાં ભાગ લઈને એક સરોવરના કિનારે ચિત્રરાજ યજ્ઞ પાસે ઊભા રહીને ચારે દિશામાં બાણ ફેંક્યા. ત્રણ બાણ તો દેખાયાં પણ સરોવરના તળિયે ફેંકાયેલું બાણ ન દેખાયું. રાજાને ચિંતા થઈ કે મેં ફેંકેલું બાણ માછલીના શરીરમાં તો પેસી નહીં ગયું હોય? પ્રાણીની હિંસા થવાથી શીલભંગ થયો. એટલે મારા મનમાં પ્રસન્નતા નથી.

રાજાએ કહ્યું, ‘ભાઈ, મને કુરુધર્મ વિશે દ્વિધા છે. પણ મારી માતાએ કુરુધર્મનું પાલન બરાબર કર્યું છે. તેમની પાસેથી કુરુધર્મ લો.’

‘મહારાજ, હું જીવહિંસા કરીશ એવો વિચાર તમારા મનમાં તો આવ્યો જ ન હતો. મનમાં એવો વિચાર ન હોય તો જીવહિંસા નથી થતી. તમે જે કુરુધર્મનું પાલન કર્યું છે તે અમને લખાવો.’

‘તો લખો’ એમ કહી સુવર્ણતકતી પર લખાવ્યું, ‘જીવહિંસા કરવી ન જોઈએ, ચોરી નહીં કરવી. કામભોગ સંદર્ભે મિથ્યાચાર નહીં કરો. અસત્ય નહીં બોલવું. મદ્યપાન નહીં કરવું.’

આમ લખાવીને પણ કહ્યું, ‘હજુ મારા ચિત્તમાં પ્રસન્નતા નથી. તમે મારી માતા પાસે જાઓ.’

તે દૂત રાજાને પ્રણામ કરી તેમની માતા પાસે ગયા, ‘દેવી, તમે કુરુધર્મનું પાલન કરો છો. તે ઉપદેશ અમને આપો.’

‘ભાઈઓ, હું ખરેખર કુરુધર્મનું પાલન કરું છું. પણ અત્યારે મારા મનમાં દ્વિધા છે. આ ધર્મ મને પ્રસન્ન નથી કરતો, એટલે હું તમને આપી શકતી નથી.’

તેમના બે પુત્ર હતા. મોટો રાજા હતો અને નાનો ઉપરાજા. એક રાજાએ બોધિસત્ત્વને એક લાખની કિંમતનો ચંદન હાર અને હજારના મૂલ્યવાળી સુવર્ણમાળા મોકલી. ‘માતાની પૂજા કરીશ.’ એમ માનીને બધું માને આપી દીધું. માએ વિચાર્યું, હું તો નથી ચંદનની અર્ચા કરતી, નથી માળા પહેરતી. આ બધું મારી પુત્રવધૂને આપીશ પછી તેને ખ્યાલ આવ્યો કે મોટી પુત્રવધૂ ઐશ્વર્યવાન, પટરાણી છે, એટલે તેને સુવર્ણમાળા આપીશ. નાની પુત્રવધૂ ગરીબ છે એટલે તેને ચંદનહાર આપીશ. પછી તેણે રાજાની રાણીને સુવર્ણમાળા આપી. બન્નેને આપી દીધા પછી વિચાર આવ્યો — હું તો કુરુધર્મનું પાલન કરનારી. આ બેમાં કોણ દરિદ્ર છે, કોણ શ્રીમંત છે એની સાથે મારે કઈ લેવાદેવા? મારે તો જે મોટી હોય તેનો આદર કરવો જોઈએ. એવું ન કર્યું એટલે તો મારો શીલભંગ નથી થયો ને? તેના મનમાં આવી શંકા જન્મી એટલે આમ બોલ્યા.

દૂતોએ ઉત્તર આપ્યો, ‘પોતાની વસ્તુ જેને આપવી હોય તેને અપાય. તમે આવી બાબતને મોટું સ્વરૂપ આપો છો તો તમે બીજું કોઈ પાપ કર્મ કરી જ શકો કેવી રીતે? આનાથી શીલભંગ નથી થતો. તમે અમને કુરુધર્મ આપો. દૂતોએ તેમની પાસેથી પણ કુરુધર્મ સુવર્ણતકતી પર લખાવી લીધો.

‘ભાઈઓ, આમ છતાં મારું મન પ્રસન્ન નથી. મારી પુત્રવધૂ કુરુધર્મનું પાલન સારી રીતે કરે છે. તેની પાસેથી કુરુધર્મ મેળવો.’

પટરાણી પાસે જઈને તેમણે એ જ રીતે કુરુધર્મની માગણી કરી. તેણે પણ પહેલાંની જેમ જ કહ્યું, ‘અત્યારે મારું શીલ મને પ્રસન્ન નથી કરતું. એટલે તમને આપી શકતી નથી.

એક દિવસ હું ઝરૂખામાં બેઠી હતી — રાજા નગરની પ્રદક્ષિણા કરવા હાથી પર બેઠા હતા. તેમની પાછળ બેઠેલા ઉપરાજાને જોઈને લોલુપતાથી વિચારવા લાગી — જો હું આની સાથે સહવાસ કરું તો ભાઈના મૃત્યુ પછી રાજગાદી પર બેસીને મારી દેખભાળ રાખશે. પછી મને એકાએક ખ્યાલ આવ્યો-હું કુરુધર્મનું પાલન કરનારી- મારા પતિના જીવતાં મેં બીજા પુરુષ સામે દૃષ્ટિ કરી. મારો શીલભંગ થઈ જ ગયો. મારા મનમાં શંકા જન્મી.’

દૂતોએ કહ્યું, ‘ચિત્તમાં આવેલા વિચાર માત્રથી વ્યભિચાર નથી થતો. જો તમે આવી શંકા કરો છો તો તેનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકો? આટલાથી શીલભંગ નથી થતો. તમે અમને કુરુધર્મ આપો.’

તેની પાસેથી પણ કુરુધર્મ સુવર્ણતકતી પર લખાવી લીધો.

‘આમ કરવાથી પણ મન માનતું નથી. ઉપરાજા સારી રીતે ધર્મ પાળે છે, તેમની પાસેથી ધર્મ મેળવો.’

તેઓ હવે ઉપરાજા પાસે પહોંચ્યા અને પહેલાંની જેમ કુરુધર્મ માગ્યો.

તે સંધ્યાટાણે રાજાની સેવામાં જતો હતો, રથમાં જ બેસીને રાજમહેલમાં જતો, જો તે રાજાની પાસે જ સૂઈ જવા માગતો હોય તો ચાબૂક અને દોરડું અંદર મૂકી દેતો. તેમના ઇશારાથી માણસો પાછા ફરીને બીજા દિવસે સવારે તે બહાર આવે તેની પ્રતીક્ષામાં ઊભા રહેતા. જો તરત ને તરત પાછા ફરવાની ઇચ્છા થાય તો દોરડું અને ચાબૂક રથમાં જ મૂકીને રાજાને મળવા જતો. માણસો એ વડે સમજી જાય કે હમણાં જ તે પાછા આવશે અને તેઓ રાજદ્વાર પર જ ઊભા રહેતા. તે એક દિવસ આવી રીતે રાજમહેલમાં ગયો, અને તેવામાં જ વરસાદ પડ્યો. ‘વરસાદ પડે છે’ એમ કહી રાજાએ તેને રોકી રાખ્યો. ત્યાં જ ભોજન કરીને સૂઈ ગયો. ‘હમણાં આવશે, હમણાં આવશે’ એમ રાહ જોતા સેવકો આખી રાત પલળતા રહ્યા. ઉપરાજાએ બીજે દિવસે રાજમહેલમાંથી બહાર આવીને સેવકોને પલળતા ઊભા રહેલા જોયા, એટલે તે વિચારમાં પડ્યો, હું તો કુરુધર્મ પાળનારો અને આ આટલા બધા લોકોને મુશ્કેલીમાં મૂક્યા. મારો શીલભંગ થઈ ગયો. આ શંકા આણીને ઉપરાજાએ દૂતોને કહ્યું, ‘હું ખરેખર કુરુધર્મનું પાલન કરું છું. પરંતુ અત્યારે મારા મનમાં શંકા જાગી છે. એટલે તમને કુરુધર્મનો ઉપદેશ આપી શકતો નથી.’

‘દેવ, તમારા સેવકોને મુશ્કેલી થાય એવો કોઈ ઇરાદો તમારો ન હતો. ઇરાદા વિના કર્મ નથી થતું. આટલી નાની વાતમાં તમે શંકાશીલ થઈ ગયા તો ધર્મનું ઉલ્લંઘન કરો જ કેવી રીતે?’

દૂતોએ તેમની પાસેથી પણ શીલ મેળવીને સુવર્ણતકતી પર લખાવી લીધું.

‘આમ છતાં મારું મન પ્રસન્ન નથી. પુરોહિત આ ધર્મનું પાલન સારી રીતે કરે છે. તેમની પાસેથી તમે કુરુધર્મ પ્રાપ્ત કરો.’

તેમણે પુરોહિત પાસે જઈને કુરુધર્મની માગણી કરી. ‘હું પણ એક દિવસ રાજાની સેવામાં જઈ રહ્યો હતો. રસ્તામાં મેં જોયું કે એક રાજાએ અમારા રાજા માટે મધ્યાહ્નના સૂર્ય જેવો લાલ રંગનો રથ મોકલ્યો છે. પૂછ્યું તો જાણવા મળ્યું કે રાજા માટે લાવવામાં આવ્યો છે. મારા મનમાં એવો વિચાર આવ્યો — હું વૃદ્ધ થઈ ગયો છું. જો રાજા મને આ રથ આપી દે તો એમાં બેસીને હું આરામથી ફરું.’ આમ વિચારીને રાજાની સેવામાં હું પહોંચ્યો. રાજાનો જયકાર બોલાવતો હતો. તે જ વેળા પેલો રથ રાજાની સામે લાવવામાં આવ્યો. રાજાએ જોઈને કહ્યું, રથ બહુ સુંદર છે. આ રથ આચાર્યને આપી દો. મેં તે લેવાની ના પાડી. વારંવાર કહ્યું છતાં મેં ના પાડી. આમ કેમ, હું વિચારવા લાગ્યો. હું તો કુરુધર્મ પાળનારો છું. મેં બીજાની વસ્તુ માટે લોભ કેમ કર્યો? મારો શીલભંગ થઈ ગયો. એટલે ભાઈઓ, કુરુધર્મ પ્રત્યે મારા મનમાં સંદેહ પેદા થયો છે. મારું મન આનંદિત નથી. એટલે હું કુરુધર્મ આપી શકતો નથી.’

‘માત્ર લોભને કારણે શીલભંગ નથી થતો. તમે તો કેટલી નાની બાબતમાં શંકા કરો છો? તમારાથી કશું ઉલ્લંઘન થઈ શકશે ખરું?’

દૂતોએ સુવર્ણતકતી પર તેમની પાસેથી પણ શીલગ્રહણ કરીને લખાવી લીધું.

‘આમ છતાં મારું મન આનંદમાં નથી. દોરડું પકડનાર અમાત્ય સારી રીતે કુરુધર્મ પાળે છે. તેમની પાસેથી ગ્રહણ કરો.’

તેની પાસે જઈને પણ દૂતોએ કુલધર્મની માગણી કરી. તે ગામમાં ખેતરોની માપણી કરી રહ્યા હતા. દંડે બાંધેલો દોરડાનો એક છેડો ખેતરના માલિક પાસે હતો અને બીજો છેડો અમાત્ય પાસે હતો. જેનો છેડો અમાત્યે પકડી રાખ્યો હતો તે બાજુનો દંડો એક કાચીંડાના દર પાસે પહોંચ્યો. તે વિચારવા લાગ્યો, જો દંડાને દરમાં ઉતારીશ તો અંદરનો કાચીંડો મરી જશે. જો દંડાને આગળ ધકેલીશ તો રાજાનો હક ઓછો થઈ જશે. જો દંડો પાછળ લઈ જઈશ તો ખેડૂતનો હક ઓછો થઈ જશે. હવે શું કરવું — પછી તેને થયું — જો દરમાં કાચીંડો હશે તો દેખાશે. દંડાને દરમાં જ ઉતારું. એમ કરી દંડો દરમાં ઉતારી દીધો. કાચીંડાનો અવાજ સંભળાયો. તેને ચિંતા થવા લાગી. દંડો કાચીંડાની પીઠે ભટકાયો હશે અને કાચીંડો મરી ગયો હશે. હું તો કુરુધર્મનું પાલન કરનારો મારો શીલભંગ થઈ ગયો હશે. આ વાત કહીને તેમણે કહ્યું — હવે કુરુધર્મ વિશે મનમાં શંકા છે. એટલે તમને આપી શકતો નથી.’

‘તમે ઓછું કાચીંડાને મારી નાખવા માગતા હતા? વગર આશયે કાર્ય થતું નથી. તમે તો આટલી નાની વાતમાં શંકાશીલ બનો છો. તમે એનું ઉલ્લંઘન કરો જ કેવી રીતે?

દૂતોએ તેમની પાસેથી શીલગ્રહણ કરીને સુવર્ણતકતી પર લખાવી લીધું.

‘તો પણ મારું મન પ્રસન્ન નથી. સારથિ બહુ સારી રીતે કુલધર્મની રક્ષા કરે છે. તેની પાસેથી ગ્રહણ કરો.’

તેઓ સારથિ પાસે જઈ પહોંચ્યા. તે એક દિવસ રાજાને રથમાં બેસાડી ઉદ્યાનમાં લઈ ગયો. રાજા આખો દિવસ ત્યાં રમ્યા અને સાંજે રથમાં બેઠા. નગરમાં પેઠા અને તે જ વેળા સાંજના સમયે વાદળો ઘેરાઈ આવ્યાં. રાજા વરસાદમાં પલળી જશે એમ વિચારી ઘોડાઓને ચાબૂક દેખાડ્યો. સિંધવ અશ્વો પુરપાટ દોડવા લાગ્યા. ત્યારથી ઘોડા ઉદ્યાનમાં જતી વખતે અને ત્યાંથી આવતી વખતે એ જગ્યાએ આવે એટલે ઝડપથી દોડવા લાગતા, કેમ? ઘોડાઓને ખ્યાલ આવી ગયો કે આ જગ્યાએ કોઈ સંકટ છે એટલે સારથિએ આપણને ચાબૂક દેખાડી હતી. સારથિને પણ ચિંતા થઈ. રાજા પલળી જશે. રાજા પલળે ન કે પલળે તેમાં વાંક સારથિનો ન ગણાય. પણ તેણે જાતવાન સિંધવ ઘોડાઓને ચાબૂક બતાવવાની ભૂલ કરી. એટલે તે આવતાં અને જતાં કષ્ટ ભોગવે છે. ‘હું કુરુધર્મનું પાલન કરું છું. પણ મારો ધર્મભંગ થઈ ગયો અને આટલા માટે મારા મનમાં કુરુધર્મ માટે શંકા છે. આથી હું તમને આપી નહીં શકું.’

‘સિંધવ ઘોડાઓ હેરાન થાય એવું કંઈ તમારા મનમાં ન હતું. વગર આશયે કર્મ થતું નથી. આટલી નાનકડી વાતમાં તમે મન અસ્વસ્થ કરો છો. તમારાથી ધર્મ લોપાય જ કેવી રીતે?’

દૂતોએ તેની પાસેથી શીલ પ્રાપ્ત કરીને સુવર્ણની તકતી પર લખાવી લીધું.

‘તો પણ મારું મન પ્રસન્ન નથી. શેઠ કુરુધર્મ સારી રીતે પાળે છે. તેમની પાસેથી ધર્મ પ્રાપ્ત કરો.’

શેઠની પાસે જઈને તેમની પાસેથી પણ તેમણે ધર્મની માગણી કરી. તે જ્યારે ધાન્યની લણણી થઈ રહી હતી ત્યારે તે પોતાના ખેતરે પહોંચ્યા. હવે હું ધાન્યને બાંધું એમ વિચારી થાંભલે ધાન્યની પોટલી બાંધી દીધી. પછી તેને ખ્યાલ આવ્યો કે આ ખેતરમાંથી મારે રાજાને ભાગ આપવાનો છે. રાજાનો હિસ્સો કાઢ્યા વિના જ મેં ધાન્યની પોટલી બાંધી. હું કુરુધર્મનું પાલન કરું છું. પણ આ ધર્મભંગ થઈ ગયો. આ વાત કહી શેઠ બોલ્યા, ‘આ કારણે મારા મનમાં કુરુધર્મ માટે શંકા જાગે છે. એટલે એ ધર્મ હું આપી શકતો નથી.’

‘તમે કંઈ ચોરવા માગતા ન હતા. એટલે ચોરીનો દોષ તમારા પર આવી ન શકે. આટલી નાની વાતમાં તમને શંકા થઈ તો તમે વળી બીજા કોઈની વસ્તુ લઈ શકવાના જ કેવી રીતે?’

દૂતોએ તેમની પાસેથી શીલ મેળવ્યું અને સુવર્ણતકતી પર લખી લીધું.

‘આમ છતાં મારું ચિત્ત પ્રસન્ન નથી. દોણમાપક મહામાત્ય એ ધર્મ સારી રીતે પાળે છે. તેમની પાસેથી ધર્મ મેળવો.’

મહામાત્ય પાસે જઈને તેમણે કુરુધર્મની યાચના કરી.

તેઓ એક દિવસ કોઠારના દ્વાર પાસે બેસીને રાજાના હિસ્સાના અનાજની ગણત્રી કરી રહ્યા હતા. જે અનાજ માપ્યું ન હતું તે અનાજના ઢગલામાંથી ધાન્ય લઈને નિશાની કરી દીધી. તે વખતે વરસાદ શરૂ થયો. મહામાત્યે નિશાનીઓ ગણીને ‘માપેલું અનાજ આટલું થયું’ એમ માનીને નિશાનીવાળા ધાન્યને માપેલા ધાન્યમાં ભેળવી દીધું. પછી બારણા આગળ જઈને વિચારવા લાગ્યો, ‘શું મેં નિશાનીવાળા ધાન્યને માપેલા ઢગલામાં નાખ્યા કે વગર માપેલા ઢગલામાં નાખ્યા? જો માપેલા ઢગલામાં નાખ્યા તો અકારણ રાજાનો ભાગ વધારી દીધો અને ખેડૂતોના ભાગને નુકસાન થયું. હું કુરુધર્મનું પાલન કરું છું. આ ધર્મભંગ થયો. આ વાત સંભળાવીને તેણે કહ્યું, ‘આટલા માટે મારા મનમાં કુરુધર્મ માટે શંકા જાગી છે. એટલે હું ધર્મબોધ આપી શકતો નથી.’

‘ચોરી કરવાનો આશય કંઈ તમારા મનમાં ન હતો. એ આશય વિના ચોરીનો દોષ ન ગણાય. આટલી નાની વાતમાં શંકા કરનારા તમે વળી બીજાની વસ્તુ લઈ જ શકો કેવી રીતે?’

દૂતોએ તેમની પાસેથી પણ ધર્મ ગ્રહણ કરીને સુવર્ણતકતી પર લખી લીધો.

‘આમ કરવાથી પણ મારું મન પ્રસન્ન નથી. દ્વારપાલ તેનું પાલન સારી રીતે કરે છે. તમે તેની પાસેથી ધર્મ ગ્રહણ કરો.’

દ્વારપાલ પાસે જઈને તેમણે કુરુધર્મની માગણી કરી. નગરનો દરવાજો બંધ થાય છે એવી ઘોષણા એક દિવસ તેણે કરી. એક ગરીબ માણસ પોતાની નાની બહેન સાથે લાકડાં-ઈંધણાં વીણવા વનમાં ગયો હતો. પાછા આવતી વખતે દ્વારપાલની બૂમ સાંભળી બેનને લઈ જલદીજલદી આવ્યો. દ્વારપાલે કહ્યું, ‘તને ખબર છે’ ને કે નગરમાં રાજા છે, તને નથી ખબર કે સમય થાય એટલે નગરનો દરવાજો બંધ થઈ જાય છે? તારી પત્નીને લઈને વિલાસ કરવા વનમાં ભટક્યા કરે છે.’ તે ગરીબ માણસે કહ્યું, ‘સ્વામી, આ મારી પત્ની નથી, મારી બહેન છે.’ દ્વારપાલ ચિંતામાં પડ્યો. મેં બહેનને પત્ની બનાવી દીધી. આ બહુ ખોટું થયું. હું કુરુધર્મનું પાલન કરું છું. અને આ તો ભંગ થઈ ગયો. આમ કહી તેણે કહ્યું, ‘એટલે મારા મનમાં કુરુધર્મ વિશે શંકા જાગે છે. એક વારાંગના કુરુધર્મનું પાલન કરે છે, તેની પાસેથી આ ધર્મ મેળવો.’

દૂતોએ ત્યાં જઈને પણ માગણી કરી. તે સ્ત્રીએ પણ બીજાઓની જેમ ના પાડી. શા માટે? દેવરાજ ઇન્દ્ર તેના સદાચારની પરીક્ષા કરવા માટે યુવાનનો વેશ લઈને આવ્યા, ‘હું આવીશ’ એમ કહી એક હજાર કાષાર્પણ આપી દેવલોક જતા રહ્યા. ત્રણ વરસ સુધી તે દેખાયા નહીં. તે સ્ત્રીએ પોતાના શીલનો ભંગ થવાના ડરથી ત્રણ વર્ષ સુધી કોઈ બીજા પુરુષ પાસેથી ધન લીધું નહીં. હવે ધીમે ધીમે તે દરિદ્ર બનતી ચાલી, તેણે વિચાર્યું, મને એક હજાર આપીને જતો રહેલો તે પુરુષ ત્રણ વરસ સુધી નથી આવ્યો. હું દરિદ્ર થઈ ગઈ છું. ગુજરાન ચલાવી શકતી નથી. તેણે ન્યાયમંદિરમાં જઈને ફરિયાદ કરી. ‘સ્વામી, જે મને નાણાં આપીને ગયો છે તે ત્રણ વરસથી આવ્યો નથી. તે જીવે છે કે મરી ગયો તે પણ હું નથી જાણતી. હું ગુજરાન ચલાવી શકતી નથી તો હવે શું કરું?’

‘ત્રણ વર્ષ સુધી નથી આવ્યો તો તું શું કરીશ? હવેથી વાપરવા માંડ.’

આવો નિર્ણય સાંભળીને ન્યાયમંદિરમાંથી નીકળતાંવેંત એક પુુરુષ હજારની થેલી લાવ્યો. તેણે એ લેવા હાથ લંબાવ્યો ત્યાં ઇન્દ્ર પ્રગટ્યા. તેમને જોઈને જ હાથ પાછો ખેંચી લીધો અને તે બોલી, ‘મને ત્રણ વરસ પહેલાં હજાર આપનારો પુરુષ આવી ગયો છે. હવે મારે તમારા કાષાર્પણોની જરૂર નથી.’

ઇન્દ્ર પોતાનું સાચું રૂપ ધારણ કરી મધ્યાહ્નના સૂર્યની જેમ ચમકતા આકાશમાં ઊભા રહ્યા. આખું નગર ભેગું થઈ ગયું. ઇન્દ્રે બધા પ્રજાજનોને સંબોધીને કહ્યું, ‘મેં આની પરીક્ષા કરવા ત્રણ વર્ષ પહેલાં તેને હજાર આપ્યા હતા. શીલની રક્ષા કરવી હોય તો આ સ્ત્રીની જેમ કરતા શીખવું.’ આમ ઉપદેશ આપીને તેના ઘરમાં સાત રત્ન ભરી દીધાં. ‘હવે અપ્રમાદી થઈને રહેજો.’ એમ કહી ઇન્દ્ર દેવલોક જતા રહ્યા.

તે બોલી, ‘મેં જે નાણાં લીધાં તે તો મેં વાપર્યાં જ ન હતાં. પણ બીજા માણસ પાસેથી મળનારાં નાણાં માટે મેં હાથ લંબાવ્યો. એટલે મારું શીલ મને આનંદ આપતું નથી. એટલે હું તમને ધર્મબોધ આપી શકતી નથી.’

‘હાથ ફેલાવવાથી શીલભંગ નથી થતો. તમારું શીલ પરમ પવિત્ર   છે.’

દૂતોએ તેની પાસેથી શીલ પ્રાપ્ત કરી સુવર્ણતકતી પર એ લખી લીધું.

આમ આ અગિયાર વ્યક્તિઓએ પાળેલા શીલને સુવર્ણતકતી પર લખાવી તેઓ દંતપુર પહોંચ્યા, કલિંગ નરેશને સુવર્ણતકતી આપીને બધી વાત કરી. રાજાએ તે કુરુધર્મ પાળીને પાંચ શીલ પૂર્ણ કર્યાં. તે સમયે સમગ્ર કલિંગમાં વરસાદ પડ્યો. ત્રણે ભય નિર્મૂળ થઈ ગયા. રાજ્યનું કલ્યાણ થયું. પુષ્કળ ઉત્પાદન થયું.

બોધિસત્ત્વ આ ધર્મ પાળીને, દાનપુણ્ય કરીને અનુયાયીઓની સાથે સ્વર્ગે ગયા.

(જાતકકથા, ૨૭૬)