ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/નાગદત્તા સાથે ધમ્મિલ્લનાં લગ્ન

From Ekatra Wiki
Revision as of 16:56, 13 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નાગદત્તા સાથે ધમ્મિલ્લનાં લગ્ન

એક વાર પ્રણયવિષયક સંધિવિગ્રહ (રિસામણાં-મનામણાં)માં કોપેલી વિમલાને મનાવતો ધમ્મિલ્લ બોલ્યો કે, ‘પ્રિયે વસન્તતિલકે! ઝાઝી રીસ ન કરીશ. તારા સેવકજન ઉપર અનુગ્રહ કર અને પ્રસન્ન થા.’ એટલે અપૂર્વ વચનવાળી અને ઈર્ષ્યાના રોષને લીધે જેનું સર્વાંગ કંપ્યું છે એવી, તે વિમલા બોલી કે, ‘અરે અનાર્ય! ક્યાં છે તારી વસન્તતિલકા?’ પછી અશ્રુપૂર્ણ નયનોવાળી, ભરાઈ ગયેલા ગદ્ગદ હૃદયવાળી, જેણે દાંત વડે હોઠ દબાવ્યા છે એવી, ત્રણ રેખાઓ વડે યુક્ત કપાળ ઉપર ભ્રૂકુટિ વાંકી કરીને અવ્યક્ત બોલતી, માથું ધુણાવતી, જેનો અંબોડો છૂટી ગયો છે એવી, અંબોડામાંથી છૂટી પડેલાં ઊછળતાં કુસુમોવાળી, તથા જેનું ખસી પડતું રક્તાંશુક કટિમેખલામાં વળગી રહ્યું છે એવી તે વિમલસેનાએ વિવિધ પ્રકારના મણિ સહિત વિચિત્ર મુક્તાજાળ વડે કમળદલ જેવા કોમળ, રક્ત અશોકના સ્તબક જેવા રાતા, સુંદર અળતાના રસથી આર્દ્ર અને કોપને કારણે પ્રસ્વેદયુક્ત એવા પોતાના પગ વડે ધમ્મિલ્લને લાત મારી. રોષથી પરવશ થયેલા હૃદયવાળી તેણે કહ્યું, ‘જાઓ, એ વસન્તતિલકા તમારા ઉપર અનુગ્રહ કરશે.’

વિમલાના ઈર્ષ્યા-રોષનું બહાનું મળવાથી જેને સંતોષ થયેલો છે એવો, અંદરના સુખથી હૃદયમાં હસતો તે ધમ્મિલ્લ ઘરમાંથી બહાર નીકળ્યો; અને રાજમાર્ગ ઉપર ગયો. ત્યાં રાજમાર્ગની નજદીક રાત્રિના છેલ્લા પહોરે અર્ધા બંધ કરેલા કમાડવાળું, જેમાં દીવો લટકતો હતો, અને સુગંધી કાળા અગરનો ઉત્તમ ધૂપ બળતો હતો એવું નાગગૃહ (નાગનું મન્દિર) તેણે જોયું. તેણે એમાં પ્રવેશ કર્યો અને નાગદેવતાને પ્રણામ કરીને અનેક પ્રકારના વિચાર કરતો બેઠો. એટલામાં જેણે હાથમાં કરંડિયો લીધેલો છે એવી તથા સુંદર ખીલતા નવયૌવનવાળી તરુણીને તેણે પરિચારિકાની સાથે આવતી જોઈ. એ યુવતી મન્દિર તરફ પૂજાને માટે આવી, હાથપગ ધોઈને તેણે નાગગૃહમાં પ્રવેશ કર્યો, નાગેન્દ્રની પૂજા કરી અને પ્રણામ કરીને કહ્યું, ‘ભગવન્! પ્રસન્ન થાઓ.’ એટલે ધમ્મિલ્લે કહ્યું, ‘સુન્દરિ! તારા હૃદયના ઇચ્છિત મનોરથ પૂરા થાઓ.’ પછી તે સુન્દરી સંભ્રમપૂર્વક ઊઠી, તો તેણે ધમ્મિલ્લને જોયો. ધમ્મિલ્લે પણ નવયૌવનશાલી, સહજ ઊગેલી રોમરાજિવાળી, પુષ્ટ અને વૃદ્ધિ પામતા પયોધરવાળી, ઊંચી અને લાંબી નાસિકાવાળી, તાજાં કમલપત્રો જેવાં કાન્તિયુક્ત નયનોવાળી, બિંબફળ જેવા સુંદર હોઠવાળી, નિર્મળ દંતપંક્તિવાળી તથા પૂર્ણિમાના સંપૂર્ણ ચંદ્ર જેવા વદનવાળી તે સુંદરીને જોઈ. એને જોઈને તે પરમ વિસ્મય પામ્યો. સુન્દરીએ પૂછ્યું, ‘આર્યમિશ્ર ક્યાંથી આવે છે?’ ધમ્મિલ્લે ઉત્તર આપ્યો, ‘સુન્દરિ! હું કુશાગ્રપુરથી આવું છું.’ એટલે હરિણી જેવા નયનવાળી તે સુન્દરી વિસ્મયપૂર્વક ધમ્મિલ્લને જોઈને નિઃશ્વાસ નાખી, નીચું મુખ કરી, ડાબા પગના અંગૂઠાથી ભૂમિ ખોતરતી ઊભી રહી. પછી ધમ્મિલ્લે પૂછ્યું, ‘સુન્દરિ! તું કોણ છે?’ એટલે મધુરભાષિણી એવી તેણે કહ્યું, ‘આર્યપુત્ર! આ નગરમાં નાગવસુ નામે સાર્થવાહ છે, તેની પત્ની નાગદિન્ના છે. તેમની કન્યા હું નાગદત્તા છું. મારા ભાઈનું નામ નાગદત્ત છે. આ નાગેન્દ્ર પાસે હું મારો હૃદયનો ઇચ્છેલો વર માાગું છું અને નાગેન્દ્રનું પૂજન કરવા દરરોજ અહીં આવું છું. મારા સદ્ભાગ્યે તમે અહીં આવ્યા છો, અને જોતાં વેંત જ મારા હૃદયમાં પ્રવેશ્યા છો. મારો મનોરથ પૂર્ણ થયો છે.’ આમ કહીને તે પોતાને ઘેર ગઈ. ઘેર જઈને તેણે પોતાની માતાને બધું કહ્યું. તેનાં માતાપિતા, સ્વજન અને પરિજન આ સાંભળીને પ્રસન્ન થયાં. એ નગરમાં જાહેર રીતે તેમનું લગ્ન થયું.