ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/શ્યામા-વિજયા સાથે વસુદેવનાં લગ્ન

From Ekatra Wiki
Revision as of 12:10, 14 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્યામા-વિજયા સાથે વસુદેવનાં લગ્ન

અહીંના રાજાને શ્યામા અને વિજયા નામે બે પુત્રીઓ છે. તેઓ બન્ને રૂપવતી તથા સંગીત અને નૃત્યમાં કુશળ છે. રાજાએ તેમને સ્વયંવર આપેલો છે. તે કન્યાઓએ પ્રતિજ્ઞા કરેલી છે કે, ‘જે વિદ્યાની બાબતમાં અમારાથી ઉત્તમ હોય તે અમારો પતિ થાય.’ રાજાએ ચારે દિશામાં માણસો મોકલીને આજ્ઞા કરી છે કે, ‘જે યુવાન, રૂપાળો અને વિદ્વાન બ્રાહ્મણ અથવા ક્ષત્રિય હોય તેને તમારે અહીં લાવવો.’ આથી રાજાની આજ્ઞાનુસાર અમે અહીં બેઠા છીએ. તમે જો સંગીત અને નૃત્યમાં નિપુણતા મેળવેલી હશે તો અમારો શ્રમ સફળ થશે.’ મેં કહ્યું, ‘ખરેખર શાસ્ત્ર માત્ર હું જાણું છું.’

પછી સંતુષ્ટ થયેલા તેઓ મને નગરમાં લઈ ગયા અને રાજા સાથે મારી મુલાકાત કરાવી. પ્રસન્ન હૃદયવાળા રાજાએ પણ મારો સત્કાર કર્યો. પછી પરીક્ષાનો દિવસ આવી પહોંચતાં મૃદુ, સૂક્ષ્મ, કાળા અને સ્નિગ્ધ વાળવાળી, પ્રફુલ્લ કમળ જેવા રમણીય મુખવાળી, વિસ્તીર્ણ નયનયુગલવાળી, બહુ ઊંચી નહીં એવી તથા સરખી નાસિકાવાળી, પ્રવાલ-દલ તથા દાડમના ફૂલ જેવા હોઠવાળી, કોમળ, નાના અને નમેલા બાહુવાળી, સુકુમાર અને રતાશ પડતી હથેળીઓવાળી, અંતર વગરના — પરસ્પર મળેલા, પુષ્ટ અને પીળાશ પડતા સ્તનોવાળી, કાળા સૂતર સરખી રોમરાજિવાળી અને હાથમાં પકડી શકાય એવા મધ્યમભાગવાળી, વિસ્તીર્ણ નિતંબવાળી, હાથીના બચ્ચાની સૂંઢના જેવા આકારયુક્ત કોમળ ઊરુવાળી, ગાયના પૂંછડા જેવી (અનુક્રમે પાતળી થતી) તથા ગૂઢ-ઢંકાયેલી શિરાઓ અને આછાં રોમયુક્ત જંઘાવાળી, સૂર્ય વડે આલિંગિત કમળ જેવાં કોમળ ચરણકમલવાળી, કલહંસ જેવી લલિત ગતિવાળી અને ફળોના રસ વડે પુષ્ટ થયેલી કોકિલા જેવી મધુર વાણીવાળી શ્યામા અને વિજયા કન્યાઓને મેં જોઈ. તેઓ સંગીત અને નૃત્યના શાસ્ત્રમાં નિપુણ હોવા છતાં મેં સંગીત અને નૃત્યમાં તેમના ઉપર સરસાઈ મેળવી.

પછી રાજાએ શુભ દિવસે મને તેમનું વિધિપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું અને અર્ધું રાજ્ય આપ્યું. વનગજ જેમ હાથણીઓ સાથે વિહાર કરે તેમ હું એ કન્યાઓ સાથે સ્વચ્છંદે વિહાર કરવા લાગ્યો. મને યુદ્ધવિદ્યાનો પણ પરિચય રાખતો જોઈને તેઓ મને પૂછવા લાગી, ‘આર્યપુત્ર! જો તમે બ્રાહ્મણ છો તો પછી શા માટે યુદ્ધવિદ્યા શીખ્યા છો?’ મેં કહ્યું, ‘કોઈ પણ શાસ્ત્ર બુદ્ધિમાનને માટે નિષિદ્ધ નથી.’ તેમની સાથે ગાઢ પ્રેમ થયા પછી, ‘હવે આ વસ્તુ છુપાવવા જેવી નથી’ એમ વિચારીને, હું કપટપૂર્વક કેવી રીતે ચાલી નીકળ્યો હતો તેનો વૃત્તાન્ત મેં તેમને કહ્યો. એથી પ્રસન્ન થઈને વસન્ત માસની આમ્રવેલીઓની જેમ તેઓ વિશેષ શોભવા લાગી. સમય જતાં વિજયા ગર્ભવતી થઈ. જેના દોહદો પૂરા કરવામાં આવ્યા છે એવી તેણે પૂરા દિવસે પુત્રને જન્મ આપ્યો. જાતકર્મ કર્યા પછી એ પુત્રનું અક્રૂર નામ પાડવામાં આવ્યું.

આ પ્રમાણે ત્યાં વસતાં એક વર્ષ વીતી ગયું. એક વાર હું ઉદ્યાનમાં જતો હતો ત્યારે ત્યાંથી નીકળતા એક પ્રવાસી પુરુષે મને જોઈને પોતાની સાથેના પુરુષને કહ્યું, ‘અહો! આશ્ચર્ય છે! આટલું બધું સામ્ય પણ હોય છે!’ પેલાએ પૂછ્યું, ‘શેનું સામ્ય?’ એટલે તેણે કહ્યું, ‘વસુદેવ કુમારનું.’ આ સાંભળીને મને વિચાર થયો કે, ‘અહીં રહેવું હવે મારે માટે સારું નથી, માટે હું ચાલ્યો જાઉં.’

હું મારી બન્ને પત્નીઓને વિશ્વાસ આપીને એકલો નીકળ્યો; અને સીધો માર્ગ છોડીને ઉત્તર દિશામાં દૂર સુધી ચાલ્યો, ત્યાં હિમવંત પર્વતને જોઈને પછી પૂર્વ દેશમાં જવાની ઇચ્છાવાળો હું કુંજરાવર્ત અટવીમાં પ્રવેશ્યો. લાંબો માર્ગ કાપીને થાકેલો અને તરસ્યો થયેલો હું કાદવ વગરના, કમળો વડે છવાયેલા પાણીવાળા અને જળચર પક્ષીઓના કૂજન વડે મનોહર એવા એક સરોવર પાસે પહોંચ્યો. મેં વિચાર કર્યો કે, ‘થાકેલો એવો હું જો તરસને કારણે પાણી પીશ તો વાયુ એકદમ ઊપડીને મારા શરીરમાં દોષ પેદા કરશે, માટે થોડી વાર હું થાક ખાઉં; સ્નાન કરીને પછી પાણી પીશ.’ એટલામાં કાલમેઘના સમૂહ જેવું હાથીઓનું યૂથ પાણી પીવા માટે એ સરોવરમાં આવ્યું, અને અનુક્રમે પાણી પીને પાછું બહાર નીકળ્યું. હું પણ સ્નાન કરવા લાગ્યો. સહેજ ઝરતા દેખાતા મદજળને લીધે સુરભિ ગંડસ્થલવાળો યૂથપતિ હાથણીની પાછળ ચાલતો સરોવરમાં ઊતર્યો. ઉત્તમ અને ભદ્ર લક્ષણવાળા તે હાથીને મેં ધ્યાનપૂર્વક જોયો. ગંધને અનુસરતો એ ગંધહસ્તી મારી પાછળ દોડવા લાગ્યો. મેં વિચાર્યું કે, ‘પાણીની અંદર હાથી સાથે યુદ્ધ નહીં કરી શકાય; આ ઉત્તમ હાથી નજદીક આવશે પછી વશ થશે.’ પછી હું પાણીમાંથી બહાર નીકળ્યો. તે હાથી પણ મારી પાછળ પડ્યો. મેં તેની સૂંઢના સપાટામાંથી બચીને તેના ગાત્ર ઉપર પ્રહાર કર્યો; ચતુરાઈથી તેના ઘા હું ચુકાવવા લાગ્યો. સુકુમારતાને લીધે તથા ભારે શરીરને લીધે તે મને પકડી શક્યો નહીં. મેં તે હાથીને બકરાની જેમ આમતેમ ભમાવ્યો. તેને થાકેલો જાણીને મારું ઉત્તરીય તેની સામે મેં ફેંક્યું, એટલે તેના ઉપર તે બેસી ગયો. હું પણ, ભયભીત બન્યા વગર, એ મહાગજના દંતૂશળ ઉપર પગ મૂકીને ત્વરાથી તેની પીઠ ઉપર ચઢી ગયો. તેના ઉપર મેં આસન જમાવ્યું એટલે તે હાથી ઉત્તમ શિષ્યની જેમ મારે વશ થયો. તેની પાસે ગ્રહણ કરાવીને મેં ઉત્તરીય લીધું અને તેને હું ઇચ્છા અનુસાર ચલાવવા લાગ્યો. એટલામાં આકાશમાં રહેલા બે પુરુષોએ એકસાથે મારા હાથ પકડીને મને ઉપાડ્યો અને ગગનમાર્ગે મને ક્યાંક લઈ જવા માંડ્યા. મેં વિચાર કર્યો કે, ‘આ લોકો મારાથી ઉત્તમ હશે કે ન્યૂન? હું તેમની સામે જોઉં છું એટલે તેઓ નજર ફેરવી લે છે, માટે તેઓ મારાથી ન્યૂન હશે.’ એમ મેં નક્કી કર્યું. તેઓ મારી સાથે પ્રેમથી વર્તતા હતા, તેથી તેઓ મારા પ્રત્યે માયાવાળા છે એવું મેં અનુમાન કર્યું. મેં વિચાર્યું કે, ‘જો તેઓ કંઈ અશુભ કરશે તો તુરત તેમનો નાશ કરીશ, માટે નકામું ચાપલ્ય કરવાની જરૂર નથી.’ તેઓ મને એક પર્વત ઉપર લઈ ગયા અને ત્યાં ઉદ્યાનમાં બેસાડ્યો. પોતાનાં નામ કહીને તેમણે મને પ્રણામ કર્યા કે, ‘અમે પવનવેગ અને અર્ચિમાલી છીએ.’ પછી તેઓ જલદીથી ત્યાંથી ચાલ્યા ગયા.