ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અમિતગતિ વિદ્યાધરનો વૃત્તાન્ત
‘(વૈતાઢ્યની) દક્ષિણ શ્રેણિમાં શિવમંદિર નામે નગર છે. ત્યાં લોકોને બહુમાન્ય એવો વિદ્યાધરરાજા મહેન્દ્રવિક્રમ છે. તેની દેવી સુયશા નામે છે. જેણે વિદ્યાઓ ગ્રહણ કરી છે તથા જે આકાશગમનમાં કુશળ છે એવો તેનો પુત્ર અમિતગતિ નામે છે. એ અમિતગતિ હું છું એમ તમે જાણો.
સ્વચ્છંદે ફરવાની ઇચ્છાવાળો હું એક વાર ધૂમસિંહ અને ગૌરીપુંડ નામે મિત્રોની સાથે વૈતાઢ્યની તળેટીમાં આવેલા સુમુખ નામે આશ્રમપદમાં ગયો. ત્યાં મારી માતાના મોટા ભાઈ ક્ષત્રિય ઋષિ હિરણ્યલોમ નામે તાપસ હતા; તેમને મેં વંદન કર્યું. તેમણે કહ્યું, ‘પુત્ર અમિતગતિ! તારું સ્વાગત હો!’ આમ બોલતા તેઓ સ્વભાવથી જ સ્નિગ્ધ ગાત્રોવાળી અને યુવાવસ્થામાં રહેલી એક કન્યાને મારી પાસે લાવ્યા. પછી તેઓ બોલ્યા, ‘અમિતગતિ! આ છોકરી મારી સુકુમારિક નામે પુત્રી છે. જો તારી ઇચ્છા હોય તો આ કન્યા હું તને આપું.’ રૂપવતી એવી તે કન્યાને જોઈને, માતાપિતાની અનુજ્ઞાથી, અનુરાગપૂર્વક મેં કહ્યું, ‘વડીલનું વચન પ્રમાણ કરતો હું તેનો સ્વીકાર કરું છું.’ પછી વિધિપૂર્વક મેં તેનું પાણિગ્રહણ કર્યું. કુલધર્મથી હું તેની સાથે રમણ કરતો હતો. તેને હું નગરમાં લાવ્યો અને રાજાએ તેનો સત્કાર કર્યો. પણ તે સ્વચ્છંદચારી ન થાય તે માટે મેં તેને વિદ્યાઓ ગ્રહણ કરાવી નહીં. કામાતુર ધૂમસિંહ તેને મારી ગેરહાજરીમાં બહેકાવવાનો પ્રયાસ કરતો હતો. તેના વિકાર, આકાર અને વચનો મારી સ્ત્રી મને કહેતી હતી; પણ તે ઉપર હું વિશ્વાસ કરતો નહોતો. જોકે મારા મનમાં શંકા પેદા થઈ ચૂકી હતી.
એક વાર સ્નાનાદિ કર્યા પછી મારી પ્રિયા તથા ધૂમસિંહ મારા વાળ ઓળતાં હતાં અને મેં હાથમાં દર્પણ ઝાલી રાખ્યું હતું. પાછળ ઊભો રહેલો ધૂમસિંહ હાથ જોડીને મારી સ્ત્રીને પ્રાર્થના કરતો હતો, તે મેં દર્પણમાં પડતા પ્રતિબિંબમાં જોયું. એટલે રોષ પામીને તેને મેં કહ્યું, ‘તારો મિત્રભાવ અનાર્ય સરખો છે; ચાલ્યો જા, નહીં તો હું તારો વધ કરીશ.’ આ પ્રમાણે જેને વિષે શંકા કરવામાં આવી છે એવો તથા ક્રોધે ભરાયેલો તે પણ નીકળ્યો અને પછી મારા જોવામાં આવ્યો નહીં. પ્રિયાની સાથે પ્રમાદ સિવાય ઋતુ-ઋતુનાં સુખ અનુભવતા મારો સમય જતો હતો. આજે હું સ્ત્રી સહિત અહીં આવ્યો અને નદીના પયોધર સમાન આ દર્શનીય પુલિનને જોઈને ત્યાં નીચે ઊતર્યો. પણ ઊતર્યા પછી એ સ્થાન રતિને માટે અયોગ્ય લાગવાથી મેં તેનો ત્યાગ કર્યો. પછી તે વિદ્યાધરે પ્રણયકોપ અને પ્રસન્નતાના રમણીય પ્રસંગોથી માંડી લતાગૃહમાંથી બહાર નીકળવાના બનાવ સુધી બધુ ગોમુખે વર્ણવ્યું હતું તે પ્રમાણે કહ્યું. (આ પછી તે આગળ કહેવા લાગ્યો.) ‘વિદ્યાથી વિરહિત સ્થિતિમાં મારા શત્રુ ધૂમસિંહે મને પકડ્યો અને બાંધ્યો. વિલાપ કરતી સુકુમારિકાને તે ઉપાડી ગયો. તમે તમારી પોતાની બુદ્ધિથી ઔષધિના બળથી મને જિવાડ્યો છે, માટે હે ચારુસ્વામી! તમે મારા પરમ સ્વજન છો. આજ્ઞા કરો, તમારું હું શું પ્રિય કરું? મને જલદી વિદાય આપો. તે ધૂમસિંહ માયાથી બનાવેલું મારું કલેવર હાજર કરશે તે જોઈને જીવનથી નિરાશ થયેલી બિચારી સુકુમારિકા કદાચ પ્રાણત્યાગ કરશે, માટે તેની હું રક્ષા કરું અને તે ધૂમસિંહનો પ્રતિકાર કરું.’ મેં તેને કહ્યું, ‘જાઓ, પત્નીને જઈને મળો, સુભગ અને શોભન કાર્યોમાં અમને યાદ કરજો.’ આ પ્રમાણે મેં રજા આપી, એટલે મને પ્રણામ કરીને તે ઊડ્યો.
અમે પણ ત્યાંથી ઊડ્યા અને ઉપવનની શોભા જોતા પાછા વળ્યા, અને અંગમંદિર ઉદ્યાનમાં ગયા. ત્યાં જિનમંદિરમાં પ્રવેશ્યા. દાસો પુષ્પ લાવ્યા; અમે પ્રતિમાઓનું અર્ચન કર્યું અને સ્તુતિપૂર્વક વંદન કર્યું. પછી જિનમંદિરમાંથી બહાર નીકળ્યા અને નગર તરફ ચાલ્યા. રસ્તામાં હરિસિંહે કહ્યું, ‘અમિતગતિને છોડાવીને તથા તેને જીવિતદાન આપીને ચારુસ્વામીએ ધર્મ કર્યો છે.’ ગોમુખે કહ્યું, ‘ધર્મ કર્યો છે એ વાત સાચી, પરન્તુ એ કાર્ય દ્વારા અધર્મ પણ થશે, કારણ કે વેર રાખતા ધૂમસિંહનો અમિતગતિ નાશ કરશે.’ તમન્તક બોલ્યો, ‘પણ ચારુસ્વામીએ મિત્રરૂપી અર્થ પ્રાપ્ત કર્યો છે.’ ગોમુખે કહ્યું, ‘એ સત્ય છે, પણ ધૂમસિંહના પક્ષથી તો એ વસ્તુ અનર્થરૂપ દેખાય છે.’ હરિસિંહ બોલ્યો, ‘તો પછી તેમણે શું પ્રાપ્ત કર્યું?’ ગોમુખે કહ્યું, ‘કામના.’ તેણે પૂછ્યું, ‘કેવી રીતે?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘કામના એટલે ઇચ્છા. ચારુસ્વામીએ અમિતગતિનું જીવિત ઇચ્છ્યું હતું. તેને જિવાડીને તે ઇચ્છા તેમણે સફળ કરી છે.’ આવી વાતો કરતા અમે ઘેર પહોંચ્યા, થાક ખાઈને અમે નાહ્યા, બલિકર્મ કર્યું તથા જમ્યા. એ રીતે અમારો દિવસ ગયો. એ જ રીતે સુખપૂર્વક તે ઋતુ પણ વીતી ગઈ.
{{HeaderNav
|previous = ચારુદત્તની આત્મકથા]
|next = [[ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ચારુદત્તનાં લગ્ન|ચારુદત્તનાં લગ્ન]
}}