ભારતીયકથાવિશ્વ-૩/વિમલસૂરિકૃત પઉમચરિયની કથાઓ/કથા અંજનાસુંદરી — પવનંજય અને હનુમાનની

From Ekatra Wiki
Revision as of 01:53, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કથા અંજનાસુંદરી — પવનંજય અને હનુમાનની

ભરતક્ષેત્રમાં બંને બાજુની શ્રેણીઓથી શોભતો વૈતાઢ્ય નામનો પર્વત છે. ત્યાં શ્રેષ્ઠ ઉદ્યાનોથી સભર આદિત્યપુર નામનું નગર છે. પ્રહ્લાદ નામનો ખેચર તે નગરનો ઉપભોગ કરતો હતો. તેની પત્ની કીર્તિમતિ અને પુત્ર પવનંજય. સમગ્ર સંસારમાં પોતાના ગુણોને કારણે તે સર્વશ્રેષ્ઠ હતો. યૌવન, લાવણ્ય અને કાન્તિથી પૂર્ણ એવા કુમારને જોઈને કુળ અને વંશના ઉચ્છેદને કારણે ભયભીત રાજા ચિંતામાં પડ્યો.

પવનંજયની કથા અહીં જ અધૂરી રાખીએ. હવે એની પત્નીના જન્મની કથા સાંભળો. ભારતવર્ષના કિનારે દક્ષિણ દિશામાં સમુદ્ર પાસે ઊંચાં અને ઉત્તમ શિખરોના સમૂહવાળો દન્તી નામનો એક પર્વત છે. ત્યાં મહેન્દ્રે ઉત્તમ ભવન, ઊંચાં ઊંચાં તોરણ, અટ્ટાલિકાઓ અને વિશાળ પ્રાકારવાળું મહેન્દ્રનગર નામનું પ્રસિદ્ધ નગર વસાવ્યું હતું. મહેન્દ્રની પત્ની હૃદયસુંદરીએ અરિન્દમ અને બીજા સુંદર, ઉત્તમ એવા સો પુત્રોને જન્મ આપ્યો. તેમની નાની બહેન અંજનાસુંદરી. બધી રૂપવતીઓના રૂપને એકઠું કરીને જાણે તેનું સર્જન થયું હતું. નવયૌવનથી શોભતી એક વાર પોતાના ઉત્તમ ભવનમાં દડાથી રમતી હતી ત્યારે સહસા મહેન્દ્રે તેને જોઈ. તેણે મંત્રીઓને બોલાવ્યા. તેઓ વિનય દાખવતા આસને બેઠા. પછી રાજાએ કહ્યું, ‘તમે મને સ્પષ્ટ કહો કે આ કન્યા હું કોને આપું?’ મતિસાગરે મહેન્દ્રને પ્રણામ કરીને કહ્યું, ‘અત્યંત ગુણવાન આ કન્યાને લંકાપતિ રાવણને આપો. અથવા રાવણના સુંદર રૂપવાન, વિદ્યા-બળથી સમૃદ્ધ મેઘવાહન કે ઇન્દ્રજિત પુત્રોને આપો.’ આ વાત સાંભળીને સુમતિએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો , ‘રાવણને આ કન્યા ના અપાય. તેને તો અનેક પત્નીઓ છે. જો ઇન્દ્રજિતને આપો તો મેઘવાહન નારાજ થાય અને મેઘવાહનને આપો તો ઇન્દ્રજિત નારાજ થાય. એક ગણિકા માટે શ્રીસેન રાજાના પુત્રોમાં માતાપિતા માટે ખૂબ જ દુઃખદ યુદ્ધ થયું હતું તે શું તમે નથી સાંભળ્યું?’ પછી તેણે કહ્યું, ‘વૈતાઢ્યની દક્ષિણે કનકપુર નગર છે. ત્યાં હરિણનાભ નામનો ખેચર રાજા છે. તેની પત્ની સુમના. તેમને રૂપ-યૌવનથી પરિપૂર્ણ અને ત્રણે લોકમાં પ્રશંસનીય એવો વિદ્યુત્પ્રભ પુત્ર છે. એને આ કન્યા આપી શકાય. તમે એમાં વિચાર ન કરતા અનુરૂપ યૌવન ધરાવનારાઓનો સંગમ જલદી થવો જોઈએ.’ આ સાંભળીને સંદેહપારગ મંત્રીએ માથું ધુણાવીને કહ્યું, ‘આ વિદ્યુત્પ્રભકુમાર તો મોક્ષમાર્ગે જનારો છે, અઢારમે વર્ષે ભોગનો ત્યાગ કરી, વ્રતનિયમ સ્વીકારી તે મોક્ષમાર્ગે જશે એવું મુનિવરે કહ્યું છે. ઉત્તમ યૌવનથી ઝળહળ થતી આ કન્યાને તે ત્યજી દેશે એટલે ચંદ્ર વગરની રાત્રિ જેવી તે શોભા વગરની થઈ જશે.’ પછી એક મંત્રીએ કહ્યું, ‘આદિત્યપુરમાં પ્રહ્લાદ નામનો એક મોટો વિદ્યાધર રાજા છે. તેની પત્ની કીર્તિમતિ અને રૂપ-યૌવનમાં કામદેવને ઝાંખો પાડે એવો એમનો યશસ્વી પુત્ર પવનંજય છે.’

આ દરમિયાન ગુણે સમૃદ્ધ અને વૃક્ષો-કમળસમૂહોમાં નવાં પર્ણ લાવનારો ફાગણ મહિનો આવ્યો. વિવિધ પુષ્પોની સમૃદ્ધિ અને સુવાસથી, ભમરાઓના ગુંજારવથી, કોયલોની કુહુકથી તે ઉદ્યાન શોભી ઊઠ્યું. આ દિવસોમાં દેવ નંદીશ્વર નામના શ્રેષ્ઠ દ્વીપમાં જઈ આઠ દિવસ જિનવરોની પૂજા કરે છે. હાથમાં પૂજાની સામગ્રી લઈને બધા વિદ્યાધર આનંદપૂર્વક વૈતાઢ્યપર્વત પર જઈ પહોંચ્યા અને સંતુષ્ટ થઈ જિનાલયોમાં વંદન કરવા લાગ્યા. ત્યાં મહેન્દ્ર પણ ગયો અને પૂજા કરીને સિદ્ધમૂતિર્ઓને સ્તુતિમંગલ વડે વંદન કરીને તે શિલા પર બેઠો. પ્રહ્લાદ રાજા પણ ભક્તિ રાગથી પ્રેરિત થઈ ત્યાં ગયો અને ઉત્સાહપૂર્વક જિનાલયોમાં સ્તુતિપાઠ કરવા લાગ્યો. પૂજાવિધિ સંપન્ન ક્રીને બેઠેલા પ્રહ્લાદને જોેઈ મહેન્દ્ર તેનું સન્માન કરવા ઊભો થયો. એકબીજા પ્રત્યે વિનય અને પે્રમ દાખવીને બંને ત્યાં બેઠા.

પ્રહ્લાદે મહેન્દ્રના ખબરઅંતર પૂછ્યા. મહેન્દ્રે કહ્યું, ‘અપુણ્યશાળીઓને કુશળતા કેવી રીતે? યુવાન થયેલી રૂપવાન મારી એક પુત્રી છે. તેને યોગ્ય પતિ મળતો નથી. એટલે દુઃખી છું.’ પછી મહેન્દ્રે મધુર શબ્દોમાં પ્રહ્લાદને પૂછ્યું, ‘મંત્રીઓએ મને કહ્યું હતું કે તમારે પવનગતિ નામનો પુત્ર છે. મેં એને મારી કન્યા આપી. તેમનો વિવાહોત્સવ ઉજવો. મેં બહુ વિચાર્યું, હવે બધા મનોરથ પૂરા કરો.’ પ્રહ્લાદે કહ્યું, ‘વાત સાચી. તમારા પ્રેમથી હું પ્રસન્ન છું. માનસસરોવર પર જઈને ત્રીજા દિવસે તેમનો વિવાહ કરીએ.’ આવું નક્કી કરીને બંને પોતપોતાને સ્થાને ગયા, અને પછી હાથીઘોડા, સ્વજનોની સાથે સમયસર માનસસરોવરે પહોંચ્યા.

ત્રણ દિવસમાં વિવાહ થશે એવું વડીલોએ જણાવ્યું પણ કન્યાનું દર્શન કરવાની ઇચ્છા ધરાવતા પવનંજય માટે તો આ ત્રણ દિવસ વિતાવવા ભારે પડ્યા. મદનરૂપી સાપે ડસેલો એવા તેને હૃદયની વેદનાને કારણે ગુણદોષની જાણ થતી ન હતી ન જાણવા જેવું તેને યોગ્ય જણાતું હતું. સર્પવિદ્યામાં એવું કહેવાયું છે કે સર્પદંશથી થતી વેદનાના સાત પ્રકાર હોય છે. પણ મદનરૂપી સાપે ડસેલી વ્યકિતને બીજા દસ પ્રકારની વેદના થાય છે. પહેલા પ્રકારમાં ચિંતા, બીજામાં દર્શનની ઇચ્છા, ત્રીજામાં દીર્ઘ ઉચ્છ્વાસ, ચોથામાં જ્વર, પાંચમામાં દાહ, છઠ્ઠામાં ભોજન ઝેર જેવું લાગે, સાતમામાં પ્રલાપ, આઠમામાં મોટેથી ગાયન, નવમામાં મૂર્ચ્છા, દસમામાં તો મૃત્યુ. આવા દસ પ્રકારો વર્ણવાયા છે. આમ કામરૂપી સર્પ ડસવાથી પવનંજયનું હાસ્ય અદૃશ્ય થઈ ગયું. વિરહરૂપી વિષના મારણ તરીકે તે કન્યારૂપી ઔષધની ઇચ્છા કરવા લાગ્યો. ઉત્તમ રાજમહેલમાં નિવાસ હતો, કિમતી શય્યા પર પણ તેને શાંતિ મળતી ન હતી. પદ્મસરોવરમાં, ઉદ્યાનોમાં મન લાગતું ન હતું. કન્યામાં જ જીવ પરોવીને તે વિચારતો હતો કે હું ક્યારે તેને જોઈશ અને મારા ખોળામાં બેઠેલી તે ક્ન્યાના શરીરનો સ્પર્શ ક્યારે કરીશ? બહુ વિચારવિમર્શ કરીને પોતાની સાથે નિત્ય રહેનાર મિત્ર પ્રહસિતને કહ્યું, ‘મિત્ર વિના હું કોને મારા દુઃખની વાત કરું? મિત્ર જ સુખદુઃખનો ભાગીદાર હોય છે. હવે હું જે કહું છું તે તું સાંભળ. જો મહેન્દ્રની કન્યાને આજે જ હું નહીં જોઉં તો મારું મૃત્યુ થશે. એમાં જરાય શંકા નથી. અરે પ્રહસિત, જો હું એક દિવસ એને જોયા વિના રહી શકતો નથી તો ત્રણ દિવસ કેવી રીતે વિતાવીશ? એટલે એવો કોઈ રસ્તો બતાવ કે આજે હું તેના મુખચંદ્રને જોઉં. મોડું ન કરતો.’

પ્રહસિતે કહ્યું, ‘હે સ્વામી, આવા કાયર ન બનો. આજે હું તમને અંજનાસુંદરીનું દર્શન કરાવીશ.’ આ પ્રકારે બંને વચ્ચે જ્યારે વિશ્રંભકથા ચાલતી હતી ત્યારે કિરણોને સમેટતો સૂર્ય આથમી ગયો.

અંધારું થયું એટલે પવનંજયે મિત્રને કહ્યું, ‘ઊભો થા અને આગળ ચાલ. જ્યાં તે કન્યા છે ત્યાં આપણે જઈએ.’ તેઓ બંને આકાશમાં ઊડ્યા અને પવન જેવા કુશળ, અધિક સ્નેહવાળા તે બંને અંજનાસુંદરીના મહેલે જઈ પહોંચ્યા. મહેલના સાતમા માળે પહોંચીને દિવ્ય આસન પર બેસી પૂણિર્માના ચન્દ્ર જેવી તે કન્યાને જોઈ. તેના બંને સ્તન ઉન્નત અને ભરાવદાર હતા. કટિપ્રદેશ પાતળો હતો. તેના નિતંબ વિશાળ હતા. તે પોતાના રૂપ, યૌવન, વાતચીત, હાસ્ય અને ચંચળતાની સુંદરતાથી દેવોના ચિત્તને પણ હરી લેતી હોય તો પછી માનવીઓની તો વાત જ ક્યાં કરવી? તેને જોઈને પવનંજય વિચારવા લાગ્યા, પ્રજાપતિએ શું આ રૂપની પતાકા સર્જી છે!

આ દરમિયાન વસંતતિલકા નામની સખી બોલી, ‘તું તો ધન્ય છે — પવનવેગ સાથે તારું લગ્ન થશે. તેની ગતિનો વિસ્તાર રોક્યો રોકાશે નહી. દુષ્ટ સ્ત્રીની જેમ તેની ઉત્તમ કીર્તિ પૃથ્વી પર ઘેર ઘેર ભ્રમણ કરે છે.’ બીજી એક સખી મિશ્રકેશીએ વસંતતિલકાને કહ્યું, ‘તું પુરુષોના ઉત્તમ, અધમ ગુણોને ઓળખતી નથી. અરે મૂઢ વસંતતિલકા, ગુણના ભંડાર, ધીર અને ચરમશરીર વિદ્યુત્પ્રભને બદલે તું પવનંજયનાં વખાણ કરે છે? એટલે વસંતતિલકાએ મિશ્રકેશીને કહ્યું, ‘તે તો અલ્પાયુ છે તેના વિના તો આ કન્યા લાવણ્યવિહીન થઈ જવાની.’ ત્યારે મિશ્રકેશીએ કહ્યું, ‘વિદ્યુતપ્રભની સાથે એક દિવસનો સંબંધ ઉત્તમ પણ કુપુરુષની સાથેનો દીર્ઘસહવાસ નકામો.’ આ સાંભળીને પવનગતિએ તે યુવતીને મારવા તલવાર ઉગામી. ‘હસીને અને ઉત્તર ન આપીને અંજનાસુંદરીએ એ વાતને ટેકો આપ્યો કારણ કે આવું બોલતી તે સખીને તેણે રોકી નહીં. આ બંનેનાં મસ્તક હું તલવારથી કાપી નાખીશ, તે ભલે પોતાના પ્રેમી વિદ્યુત્પ્રભ સાથે લગ્ન કરે.’ યુવતીઓના વધ માટે ઉગામેલી તલવાર જોઈ મિત્રે મધુર શબ્દોથી તેને રોકયો. ‘મોટા મોટા સૈનિકોને મૃત્યુને ઘાટ ઉતારનાર, હાથીઓના ગંડસ્થળને વાઢનાર આ તલવાર ઘણા અપરાધો કરનારી સ્ત્રીઓ ઉપર પણ ન જ ચલાવાય. તું ઉત્તમ કુળમાં જન્મ્યો છે. તારું આવરણ ઉત્તમ છે. એટલે આનો વધ ન કર, ક્રોધને શાંત કર.’ આમ પ્રહસિતે મીઠા શબ્દોથી તેને ટાઢો પાડ્યો. પવનગતિ પછી પોતાના આવાસે આવ્યો. શય્યામાં નિરાંતે બેઠેલો તે સ્ત્રી પ્રત્યે વૈરાગ્નિ ધારણ કરીને કહેવા લાગ્યો, ‘બીજામાં તેનું ચિત્ત ચોંટ્યું હોય તેવી સ્ત્રીઓનો વિશ્વાસ ન કરો. મૂરખ કુમિત્ર, નોકરના સ્વાંગમાં રહેલો શત્રુ અને બીજામાં આસક્ત સ્ત્રીને મેળવીને કોણ સુખી થાય?’ આમ જ રાત વીતી. તેને જગાડવાનાં વાદ્ય વાગ્યાં. બંદીજનોએ આનંદપૂર્વક મંગળગીત ગાયાં. જાગ્યા પછી પવનંજયે મિત્રને કહ્યું, ‘જલદી પ્રયાણનો શંખ વગાડ. આપણા નગરમાં પહોંચી જઈએ.’ મોંથી શંખ વગાડવામાં આવ્યો. એ સાંભળીને આખી સેના તરત જ જાગી ગઈ. તે વેળા ઉત્તમ કમળને ખીલવનાર અને મૃદુ કિરણોથી શોભતો સૂર્ય ઊગ્યો. હાથીઘોડા, રથથી ઘેરાયેલો, શ્વેતધારી, તથા ધ્વજાપતાકાના હલનચલનથી શોભતો પવનંજય પોતાના નગરની દિશામાં નીક્ળ્યો. તેના જવાના સમાચાર સાંભળી અંજનાસુંદરી વિચારે ચઢી — મારાં પુણ્ય ઓછાં છે, કારણ કે બીજાના વાંકે હૃદયેશ્રે મારો ત્યાગ કર્યો. ખરેખર ગયા જન્મમાં મેં કોઈ વાર પાપ કર્યું હશે. ધન આપીને મેં પાછળથી કોઈની આંખો ફોડી નાખી હશે. આવા આવા વિચારો કરતી હતી ત્યારે પવનંજયના માર્ગની પાછળ પાછળ મહેન્દ્ર અને પ્રહ્લાદ પણ ત્યાં આવી પહોંચ્યા. ઉતાવળે નીકળી જતાં પવનંજયને જોઈને તેમણે પૂછ્યું, ‘તું કટાણે કેમ નીકળ્યો?’ પ્રહ્લાદે કહ્યું, ‘હે પુત્ર, કાર્ય પૂરું કર્યા વિના તું ન જા. અકાર્યથી રિસાઈને તું મને નીચો પાડી રહ્યો છે. જે નિંદાસ્પદ હોય, ઉપહાસપાત્ર હોય, નરકમાં લઈ જનાર હોય તે કામ ઉત્તમ પુરુષે નહીં કરવું જોઈએ.’ આ સાંભળીને પવનગતિ મનમાં વિચારવા લાગ્યો, ‘આનું ઉલ્લંઘન ન થાય. વડીલોની આજ્ઞા પાળવી જોઈએ. લગ્ન કર્યા પછી હું એનો ત્યાગ કરીશ, આ મારે માટે કે અન્ય માટે અયોગ્ય છે.’

બુદ્ધિશાળી પ્રહ્લાદે તથા મહેન્દ્રે આવાં અસંખ્ય બોધવચનો કહીને કુમાર પવનંજયને પાછો બોલાવ્યો. પવનંજય પાછો આવ્યો એટલે બંને સેના આનંદમાં આવી ગઈ. અનેકવિધ ખાણીપીણી, સેંકડો ભોજ્યપદાર્થોથી લોકોએ મોજ કરી. બધું સરખી રીતે ગોઠવાયું એટલે સારો દિવસ, નક્ષત્ર, કરણ જોઈને તે કન્યા સાથે કુમારનું લગ્ન થયું. ઉત્સવ પત્યો એટલે દાન તથા વૈભવ દ્વારા એક બીજાનું સન્માન કરીને મહેન્દ્ર તથા પ્રહ્લાદ ત્યાં એક મહિનો રોકાયા. પછી એકાકાર મનવાળા બંને વિદ્યાધર રાજા એકમેકની સાથે મસલત કરીને પોતપોતાનાં નગરમાં આવી પહોંચ્યા. હાથીઘોડા અને રથથી ઘેરાયેલા પવનંજયે ધ્વજાપતાકા, વિજયવૈજયંતી પતાકા લહેરાવીને અંજનાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. ભોંયતળિયે મણિ જડેલો, શાલભંજિકાની પ્રતિમાઓવાળો એક ઉત્તમ મહેલ તેને આપ્યો. મહેન્દ્રપુત્રી અંજના એમાં રહીને સમય પસાર કરવા લાગી. આગલા જન્મમાં કરેલાં પાપપુણ્ય આ લોકમાં સુખ અથવા દુઃખ આપે છે, પણ ચારે ગતિના ભયવાળા, વૈરાગ્ય અને શ્રદ્ધાસંપન્ન, વિમલ હૃદયવાળા મનુષ્ય ધર્મમાં એકચિત્ત થાય છે.

મિશ્રકેશીની વાત યાદ કરીને રિસાયેલા પવનંજયે નિર્દોેષ અને દુઃખી મનવાળી મહેન્દ્રપુત્રી અંજનાસુંદરીનો ત્યાગ કર્યો. વિરહાગ્નિથી તપેલા શરીરવાળી, ફીકી આંખોવાળી, ડાબા હાથ પર માથું મૂકીને તે વાયુકુમારનો વિચાર કરતી ઊંઘતી ન હતી. અત્યંત ઉત્કંઠિત થઈને તથા આંસુ સારી સારીને મલિન વક્ષ:સ્થળવાળી તે વાઘથી ડરેલી હરણીની જેમ વાટ જોતી બેસી રહેતી હતી. તેનાં બધાં અંગ ખૂબ જ ક્ષીણ થઈ ગયાં હતાં, કંદોરો તથા બીજાં આભૂષણો ઢીલાં પડી ગયાં હતાં, પોતાના વસ્ત્રના ભારથી જ તે ખિન્ન થતી હતી. દર્પ અને ઉત્સાહ ન રહેવાને કારણે તેના આખા શરીરે પીડા થતી હતી. મહેલમાં રહેવા છતાં તે વારે વારે મૂર્ચ્છા પામતી હતી. શીતળ પવનની લહેરના સ્પર્શે પાછળથી તેને સારું લાગતું હતું.

મધુર, કોમળ તથા અવ્યક્ત શબ્દે તે દીનવચન કહેતી હતી — અરે મહાયશ, મેં તમારું જરાય બગાડ્યું નથી. તમે ક્રોધ મૂકી દો, મારા પર કૃપા કરો. આવા નિષ્ઠુર ન થાઓ. નમન કરનારી સ્ત્રીઓ પર તો પુરુષ પ્રેમ કરે છે. આવાં આવાં દીન વચન બોલતી મહેન્દ્રપુત્રી અંજનાએ ઘણો સમય વીતાવ્યો.

આ દરમિયાન અભિમાની રાવણ અને વરુણ વચ્ચે વિરોધ થયો, પછી મોટું યુદ્ધ થયું. લંકાપતિ રાવણે તરત જ વરુણને ત્યાં દૂત મોકલ્યો. ત્યાં જઈને, આસન પર બેસીને તે દૂતે કહ્યું, ‘હે વિદ્યાધરોના સ્વામી વરુણ, રિસાયેલા રાવણે કહ્યું છે કાં તો તમે મને નમો અથવા યુદ્ધ કરો.’ એટલે હસીને વરુણે કહ્યું, ‘અરે અધમ દૂત, રાવણ કોણ છે? હું એને નથી માથું નમાવતો- નથી એની આજ્ઞા માનવાનો. હું કાંઈક વૈશ્રમણ નથી, નથી યમ કે નથી સહકિરણ — હું દિવ્ય શસ્ત્રોથી ડરી જઈને એની આગળ માથું નમાવવાનો નથી.’ આવા કઠોર વચનોથી અપમાનિત થયેલા તે દૂતે રાવણ પાસે જઈને વરુણે જે કહ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. દૂતની વાત સાંભળીને રાવણ બોલ્યો, ‘હું દિવ્યાસ્ત્રો વિના જ વરુણને હરાવીશ.’ પછી બધી સેના લઈને દશાનને પ્રયાણ કર્યું.

મણિમઢેલા અને સુવર્ણના પ્રાકારવાળા વરુણપુર આગળ રાવણ જઈ પહોંચ્યો. રાવણનું આગમન જાણીને યુદ્ધના માટે અત્યંત ઉત્સાહિત થઈને વરુણ પુત્ર તથા સેના લઈને મેદાનમાં આવ્યો. રાજીવ, પુંડરિક વગેરે બત્રીસ હજાર પુત્રો તૈયાર થઈ, કવચ ધારણ કરી રાક્ષસ સૈનિકોનો સામનો કરવા લાગ્યા. આ યુદ્ધમાં એકબીજાનાં શસ્ત્રો ભાંગવા લાગ્યાં, એ શસ્ત્રોમાંથી આગની ચિનગારીઓ નીકળતી હતી, બળવાન સૈનિકો પરાજિત થતા હતા. બાણ, શક્તિ, તલવાર, તોમર, ચક્ર, આયુધ, મુદ્ગર હાથમાં લઈ રથ, હાથી, ઘોડા પર સવાર થઈને સૈનિકો લડવા માંડ્યા. જમીન પર ફસડાઈ પડેલા હાથી, ઘોડા, સૈન્યમાં પડેલું ભંગાણ જોઈ જળનો સ્વામી વરુણ આગળ આવ્યો. વરુણ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતંુ હતંુ ત્યારે વરુણના પુત્રોએ ખરદૂષણને પકડી લીધા. દૂષણ પકડાયો છે એ જોઈને મંત્રીઓએ રાવણને કહ્યુ, ‘અરે પ્રભુ, તમે લડતા રહેશો તો કુમાર ચોક્કસ મૃત્યુ પામશે.’ મંત્રીઓ સાથે નક્કી કરીને રાક્ષસસ્વામી રાવણ ખરદૂષણના જીવ બચાવવા રણમેદાનમાંથી પાછો ફર્યો.

પાતાલપુરમાં પહોંચીને તેણે બધા સામંતોને એકઠા કર્યા. પ્રહ્લાદ ખેચરને બોલાવવા માટે તાબડતોબ એક માણસ મોકલ્યો. ત્યાં જઈને તેણે પ્રણામ કરી પ્રહ્લાદ રાજાને રાવણ સાથેના તેના સંબંધની વાત, રાવણ-વરુણની યુદ્ધકથા, દૂષણનું પકડાઈ જવું — આ બધું વિગતે કહ્યું. યુદ્ધમેદાનમાંથી પાછા ફરેલા રાવણ અત્યારે સામંતો સાથે છે અને તે તમને મળવા માગે છે, મને એટલા જ માટે મોકલ્યો છે.’ આ સાંભળીને પ્રહ્લાદ તે જ વખતે જવા તૈયાર થયો. આ જોઈ પવનંજયે તેને રોક્યો. ‘તમે અહીં જ નિરાંતે રહો. મારા હોવા છતાં તમે જવાની તૈયારી કેમ કરો છો? હું તમારે આધીન છું. મને ભેટીને જવાની મંજૂરી આપો.’

રાજાએ કહ્યું, ‘તું હજુ બાળક છે. તેં હજુ યુદ્ધ જોયું જ નથી. તું તારી મેળે રમતો રમતો અહીં રહે.’

એટલે પવનંજયે કહ્યું, ‘હું બાળક છું આવું ન કહો. શું મદોન્મત્ત હાથીને સિંહબાળ, મારતો નથી?’

એટલે પછી પ્રહ્લાદ રાજાએ પવનંજયને જવાની આજ્ઞા આપી અને કહ્યું, ‘પુત્ર, તું રાજાઓ પર વિજય મેળવનારો છે.’ પિતાને પ્રણામ કરી, માતાની સંમતિ લઈને આભૂષણો પહેરેલો તે પોતાના મહેલની બહાર નીકળ્યો.

નગરમાં ચારે બાજુ ખબર પડી ગઈ કે પવનવેગ જઈ રહ્યો છે. આ સાંભળી અંજના તરત જ બહાર નીકળી. અત્યંત સ્નેહ પ્રદશિર્ત કરતી, થાંભલાના ટેકે ઊભી રહી પતિને જોતી અંજનાસુંદરી લોકોને સુંદર શાલભંજિકાની પ્રતિમા જેવી લાગી. આનંદિત થતી, કમળ જેવા નેત્રવાળી અંજનાસુંદરી તે કુમારને જોતાં ધરાતી ન હતી. તે વેળા પવનંજયે પણ અટારીએ ઊભા રહીને જોતી અંજનાને ઉદ્વેગપ્રદ ઉલ્કાની જેવી જોઈ. તેને જોઈ ક્રોધે ભરાયેલો પવનગતિ બોલ્યો, ‘કેવી નિર્લજ્જતા — તું મારી સામે આવી છે!’ એટલે હાથ જોડીને, તેની ચરણવંદના કરીને ઠપકો આપતી તે બોલી, ‘હે સ્વામી, તમે પ્રવાસે જઈ રહ્યા છો. જતી વખતે બધા સ્વજનો સાથે વાતચીત કરી. તમે મારી સાથે બોલ્યા પણ નહીં. મારાં જીવનમરણ તમારે આધીન છે એમાં કશી શંકા નથી. તમે ભલે પ્રવાસે હો — હું તમને યાદ કરતી રહીશ.’

તે આમ બોલતી રહી અને પવનગતિ મત્ત હાથી પર સવાર થઈને નગરમાંથી બહાર નીકળ્યો અને માનસરોવર પર જઈ પહોંચ્યો. વિદ્યાબળે તેણે શય્યાવાળો આવાસસ્થાન ઊભો કર્યો. તે વખતે સૂર્ય પણ ફરતા ફરતા અસ્તાચળે જઈ પહોંચ્યો.

સંધ્યાકાળે પોતાના ભવનની અટારીમાં ઊભા રહીને નિર્મળ તથા ઉત્તમ જળથી ભરેલા સુંદર સરોવરને તેણે જોયું, માછલીઓ, કાચબા, સારસ તથા હંસોને કારણે તેના તરંગો ઊછળતા હતા. સહદળ કમળ પર ગુંજારવ કરતા ભમરાઓથી તે સરોવર છવાયેલું હતું. અતિ દારુણ પ્રતાપવાળા રાજાની જેમ દીર્ઘકાળ રાજ્ય કરીને તે સૂર્ય આથમી ગયો. દિવસે વિકસતાં અને ભમરાઓ જેને ત્યજીને જતા રહ્યા છે તેવાં કમળ સૂર્યવિરહમાં દુઃખી થઈને કરમાઈ ગયાં. એ સરોવરમાં ક્રીડા કરતા હંસ જેવા પક્ષીઓ પણ સંધ્યાકાળને કારણે પોતપોતાનાં સ્થાને જતાં રહ્યાં. ત્યાં પવનંજયે અત્યંત વ્યાકુળ ચિત્તવાળી, તાજા વિરહાગ્નિથી તપેલા શરીરવાળી, અનેક પ્રકારની ચેષ્ટા કરતી એક ચક્રવાકીને જોઈ. તે ઉપર જતી હતી, ચાલતી હતી, કાંપતી હતી, બગાસાં ખાતી હતી, પાંખો ફફડાવતી હતી, કાંઠા પરના ઝાડ પર બેસતી હતી અને પાછી પાણીમાં ડૂબકી મારતી હતી. પ્રિયની આશંકાથી ચંચુપ્રહાર કરતી તે કમળવૃંદમાં થઈને ચાલતી, પ્રતિધ્વનિ સાંભળીને એકદમ આકાશમાર્ગે ઊડી જતી હતી. પ્રિયના વિરહથી અત્યંત દુઃખી થયેલી ચક્રવાકીને જોઈને તેમાં પરોવાઈ ગયેલા મનવાળા પવનંજયને લાંબા સમયથી ત્યજી દીધેલી અંજનાસુંદરી યાદ આવી. તે બબડ્યો, ‘અફસોસ, મૂઢ અને અણઘડ, પાપી મેં આજે ત્યજી દીધી છે, જેવી રીતે આ ચક્રવાકી પોતાના પ્રિયવિરહથી દુઃખી થઈ ગઈ છે તેવી જ રીતે મારી અત્યંત દીનમુખવાળી પ્રિયતમા સમય પસાર કરતી હશે. તેની દુષ્ટ સખીએ કાને ન સંભળાય એવી અસહ્ય વાત કહી તો મેં શા માટે નિર્દોષ, વિશાલાક્ષીને ત્યજી દીધી?’ આમ વિચારીને પવનકુમારે પ્રહસિતને કહ્યું, ‘ચક્રવાકીને જોઈને મને મારી પત્ની અંજના યાદ આવી ગઈ. આવતી વખતે બરફના કરાથી આહત પદ્મિનીની જેમ, તથા સૌભાગ્યહીન, મહેલમાં ઊભી રહીને જોયા કરતી અંજનાને મેં જોઈ હતી. હે સત્પુરુષ, સમય ગુમાવ્યા વિના તું આજે જ એવો કોઈ ઉપાય કર જેથી ચિરકાલીન વિરહથી દુઃખી અંજનાકુમારીને હું જોઈ શકું.’ કાર્યના મહત્ત્વને જાણીને મિત્ર પ્રહસિતે કહ્યું, ‘અહીંથી જતા રહેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.’ પવનંજયે મુદ્ગર નામના અમાત્યને તરત જ બોલાવ્યો. તેને સેનાપતિ બનાવીને કહ્યું, ‘હું મેરુ તરફ જઉં છું.’ ચંદન અને પુષ્પ હાથમાં લઈને બંને આકાશમાર્ગે નીકળી પડ્યા અને તરત અંજનાના ભવને પહોંચ્યા. પવનવેગને ઘરના આગલા ભાગમાં મૂકીને પ્રહસિત અંદર પ્રવેશ્યો. અંજનાસુંદરીએ એકાએક તેને જોયો. પૂછ્યું, ‘તું કોણ છે? અહીં કેમ આવ્યો છે?’

ત્યારે તેણે પ્રણામ કરીને કહ્યું, ‘હું પવનવેગનો મિત્ર છું. હે સુંદરી, તમારો પ્રિયતમ અહીં આવ્યો છે. મને તેણે અહીં મોકલ્યો. મારું નામ પ્રહસિત. હે સ્વામિની, તમે શંકા ન કરો.’

સ્વપ્ન સમાન પવનંજયના આગમનની વાત સાંભળીને અંજના બોલી, ‘અરે પ્રહસિત, તમે મજાક કેમ કરો છે? હું તો યમ દ્વારા પણ ઉપહાસપાત્ર થઈ. તમારો શો દોષ? મારાં પૂર્વકર્મોનો જ દોષ, એટલે તો પ્રિયતમે મને તિરસ્કારી, બધા દ્વારા અપમાનિત થઈ.’

એટલે પ્રહસિતે કહ્યું, ‘સ્વામિની, આમ દુઃખી ન થાઓ. તમારો હૃદયનાથ આ ભવનમાં છે.’ વસંતમાલાએ બીજા ઓરડામાં ઊભેલા પવનંજયકુમારને પ્રણામ કરી શયનખંડમાં દાખલ કર્યો. પ્રિયતમને જોઈ અંજનાકુમારી એકદમ ઊભી થઈ ગઈ, માથું નમાવી ચરણવંદના કરી. પવનંજય પુષ્પોની ચાદરથી છવાયેલા રત્નમઢેલા પલંગ પર બેઠો. હર્ષથી રોમાંચિત થયેલી અંજના તેની પાસે બેઠી. વિનોદપૂર્ણ વાતો અને વિવિધ કથાઓ કહેનારી વસંતમાલા પ્રહસિત સાથે બીજા ઓરડામાં બેઠી.

પવનવેગે અંજનાને કહ્યું, ‘સુંદરી, મેં તને દુઃખી કરી છે, મારા એ હજારો અપરાધોને માફ કર.’

અંજનાસુંદરી બોલી, ‘હે નાથ, એમાં તમારો વાંક નથી. મનોરથના ફળને યાદ કરીને હવે સ્નેહ પ્રગટ કરો.’

પવનંજયે કહ્યું, ‘હે સુંદરી, તું બધા અપરાધો ભૂલી જા અને પ્રસન્ન હૃદયવાળી બન. મેં તને આ પ્રણામ કર્યાં.’

કમળદળ જેવી કોમલાંગી અંજનાને તેણે આલિંગન આપ્યું. એકીટશે અંજના પ્રિયતમના મોઢાને જોઈ જ રહી. ગાઢ સ્નેહથી ભરેલા અને અનુરાગપૂર્ણ બંનેએ અનેક પ્રકારે સુરતક્રિયા કરી. આલિંગન, ચુંબન, રતિ વડે વિરહનું દુઃખ શાંત થઈ ગયું, મનને સંતોષ થાય એવો તે સુરતોત્સવ હતો. એ ઉત્સવ સમાપ્ત થયો એટલે ખેદ અને આળસથી ભરેલાં અંગોવાળાં એ બંને એકબીજામાં આલિંગનબદ્ધ થઈને સૂૂઈ ગયા.

આમ સુરતસુખના ભોગ પછી તેમની રાત વીતી ગઈ. સવારે જાગી ગયેલા પ્રહસિતે પવનગતિને કહ્યું, ‘હે સુપુરુષ, જલદી ઊઠો. છાવણી તરફ પ્રયાણ કરીએ.’ મિત્રની વાત સાંભળીને પવનવેગ પથારીમાંથી બેઠો થયો અને પત્નીને આલિંગીને કહેવા લાગ્યો, ‘હું જ્યાં સુધી રાવણને મળીને આવું નહીં ત્યાં સુધી તું વિશ્વાસ રાખીને અહીં જ રહેજે, મનમાં કશો ઉદ્વેગ રાખતી નહીં.’ ત્યારે વિરહદુઃખે ભયભીત થયેલી તે બાલાએ વિનયપૂર્વક ચરણવંદના કરીને પ્રેમપૂર્વક અને મધુરવાણીથી કહ્યું, ‘હે નાથ, આજે ઋતુકાળમાં કદાચ મને ગર્ભ રહ્યો હોય. લોકોની દૃષ્ટિએ તો તમે પરોક્ષ છો, એટલે આ વાત મારે માટે નિંદાસૂચક લેખાશે. એટલે વડીલોને આ ગર્ભસંભાવનાની વાત કરો. દીર્ઘદૃષ્ટિવાળા બનો અને દોષ ન લાગે તે જુઓ.’ એટલે પવનવેગે કહ્યું, ‘હે ચંદ્રમુખી, મારા નામવાળી આ રત્નજડિત મુદ્રિકા છે. તે દોષનો નાશ કરશે.’ પત્ની અને વસંતમાલાને પૂછીને ગગનમાર્ગે પ્રહસિત અને પવનંજય બંને પોતાના પડાવે જઈ પહોંચ્યા...

થોડો સમય વીત્યા પછી અંજનાસુંદરીનાં શરીરમાં ગર્ભાવસ્થાનાં અનેક પ્રકારનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. તેના સ્તન ઉન્નત અને ભરાવદાર થયા. મોં શ્યામ થઈ ગયું, કમર વિસ્તરી. ગર્ભના ભારથી સુંદર દેખાતી અંજનાની ચાલ ઢીલી પડી ગઈ. પવનંજયની માતાએ આ લક્ષણો જોઈને કહ્યું, ‘અરે પાપિણી, પતિ નથી અને છતાં તું ગર્ભવતી થઈ.’ માથું નમાવી અંજનાસુંદરીએ પ્રણામ કર્યા, પવનંજયના આગમનની બધી વાત કરી, સાક્ષી તરીકે મુદ્રિકા બતાવી તો પણ તેની સાસુને વિશ્વાસ ન આવ્યો. કીર્તિમતિએ કહ્યું, ‘જે તારું નામ સુધ્ધાં લેતો ન હતો તે દૂરદૂરના પ્રવાસેથી પાછો કેવી રીતે આવી શકે? અરે દુષ્ટશીલા, તને ધિક્કાર છે, ધિક્કાર છે. લોકોમાં નિંદાપાત્ર કર્મ કરીને તે તારું પવિત્રકુળ કલંકિત કર્યું છે.’ આમ અનેક રીતે સંભળાવી કીર્તિમતિએ નોકરોને આજ્ઞા આપી, આને હમણાં ને હમણાં પિયર લઈ જાઓ. આજ્ઞા મળી એટલે અંજનાસુંદરી સખીની સાથે તરત જ પાલખીમાં બેસી ગઈ. તે મહેન્દ્રનગરની દિશામાં ચાલી નીકળી. થોડા જ સમયમાં તે ત્યાં જઈ પહોંચી. નગર પાસે તે પાપી નોકર ક્ષમા માગીને પાછો ચાલ્યો ગયો. તે સમયે સૂર્યાસ્ત થઈ ગયો. રાત્રિનો અંધકાર ચારે બાજુએ ફેલાઈ ગયો એટલે દસે દિશાઓમાં નજર કરતી તે મોટે મોટેથી નિસાસા નાખી રડવા લાગી. ‘અરે વસંતમાલા, મેં ભૂતકાળમાં અતિભયંકર પાપ કર્યું છે, એટલે જ મારી અપકીર્તિની વાતો જોરશોરથી બધે થઈ રહી છે. પ્રિયવિરહની વેદના તો હજુ શમી નથી અને ત્યાં અપયશનું બીજું દુઃખ મારા માટે આવીને ઊભું રહ્યું. પ્રજાપતિ બ્રહ્માએ સુખ-શાન્તિ ન પામનાર અને અનેક દુઃખોના આધારરૂપ મારા આ શરીરનું સર્જન શું જોઈને કર્યું હશે?’

આમ વિલાપ કરતી અંજનાને વસંતમાલાએ કહ્યું, ‘આ વનમાં વિલાપ કરવાનો શો અર્થ? પહેલાં કરેલા કર્મનું ફળ મનમાં દુઃખી થયા વિના ભોગવવું જોઈએ.’ વસંતમાલાએ પર્ણોની પથારી કરી, ચિંતારૂપી સમુદ્રમાં પડેલી અંજના ઊંઘને કારણે જરા વારમાં સૂઈ ગઈ. સૂર્યોદય થયો એટલે તે પોતાના નગરમાં પ્રવેશી. ત્યારે દ્વારપાલે તેને રોકી. દ્વારપાલે પૂછ્યું એટલે વસંતમાલાએ પવનંજયની વાતને માંડીને અંજનાના આગમનની બધી વાત કહી. પછી શિલાકપાટ નામના દ્વારપાલે મહેન્દ્ર રાજાને આગમનના બધા સમાચાર પહોંચાડ્યા. સમાચાર જાણીને મહેન્દ્રે લજ્જાને કારણે માથું નમાવી દીધું. ‘આ પાપી પુત્રીને બહાર કાઢી મૂકો.’ ત્યારે મહોત્સવ નામના સામન્તે કહ્યું, ‘આ યોગ્ય નથી. પુત્રી માટે તો માતાપિતા જ આશ્રય હોય. લૌકિક ધર્મને અનુસરનારી કીર્તિમતિ તો સાવ નિર્દય છે. અરે સ્વામીં, આ બાલાને તેણે કાઢી મૂકી છે.’ એટલે મહેન્દ્રે કહ્યું, ‘પહેલાં પણ વાત સંભળાઈ હતી કે પવનંજયને અંજના ગમતી નથી. એટલે આ સગર્ભાવસ્થાની વાત શંકાસ્પદ છે.’ આ કલંકને કારણે મારી આબરૂ ખરડાય નહીં એમ માનીને તેણે દ્વારપાલને કહ્યું, ‘આને જલદી નગરની બહાર મૂકી આવ.’ આવી આજ્ઞા મળી એટલે દ્વારપાલે અંજનાસુંદરીને તેની સખીની સાથે નગરની બહાર કાઢી મૂકી. કોમળ હાથપગવાળી અંજનાને કાંટાઝાંખરાં, પથ્થરથી ભરેલા રસ્તે ચાલવાથી ભારે શ્રમ પડતો હતો. રહેવા માટે જે જે સ્વજનને ત્યાં જતી ત્યાં ત્યાં રાજાએ મોકલેલા નોકરો અટકાવતા હતા. આમ નિર્દય લોકો દ્વારા કાઢી મૂકાયેલી અંજના પુરુષો માટે પણ ભયાનક કહેવાય તેવા જંગલમાં પ્રવેશી. તે જંગલ અનેક પ્રકારના પર્વતોવાળું હતું, અનેક પ્રકારનાં વૃક્ષો હતાં, તે બહુ મોટું અને ફેલાયેલું હતું. જંગલી પશુઓ પણ વધુ હતાં. પવન અને તડકો તથા ભૂખતરસથી રિબાતી એક સ્થળે બેસીને અંજના રુદન કરવા લાગી, ‘અનેક પ્રકારનાં દુઃખ આપનાર તથા નિષ્કારણ વેરી વિધાતા મારા પર ટૂટી પડ્યો છે. હું કોના શરણે જઉં? પતિવિહોણી સ્ત્રીઓ માટે પિતા આશ્રય હોય છે. પુણ્યહીન એવી મારા માટે તો તેઓ પણ શત્રુ જેવા થઈ ગયા છે. જ્યાં સુધી સ્ત્રી પતિના ઘરમાં હોય છે ત્યાં સુધી જ માતાપિતા, બાંધવોના હૃદયમાં સ્થાન પામે છે, જ્યાં સુધી પતિ સ્નેહ વરસાવે છે ત્યાં સુધી જ સૌભાગ્ય અને ગૌરવ રહે છે. માતાપિતાભાઈએ કેવું વહાલ બતાવ્યું? નિરપરાધી એવી મારું બધું નષ્ટ થઈ ગયું. ન મારી સાસુએ કે અજ્ઞાનથી ઘેરાયેલા મારા પિતાએ બદનામીનું મૂળ નષ્ટ કર્યું, ન દોષની સાચી તપાસ કરી.’

આ પ્રકારે રુદન કરતી અંજનાને વચ્ચેથી અટકાવીને વસંતમાલાએ કહ્યું, ‘હે સ્વામિની, મારી વાત સાંભળો. આ પાસેની સુંદર ગુફા ધ્યાનથી જુઓ. ત્યાં આપણે જલદી જઈએ, અહીં ભયાનક જાનવરો રહે છે. તમારો ગર્ભ નાશ ન પામે.’ એમ કહી વસંતમાલા હાથ પકડીને તેને તરત જ ગુફાના મોં પાસે લઈ આવી. ત્યાં એક સપાટ શિલા પર બેઠેલા, યોગ કરી રહેલા એક નિર્મોહી શ્રવણને જોયો. નિર્ભય બનેલી આ બંને સ્ત્રીઓ હાથ જોડીને આ મુનિશ્રેષ્ઠ પાસે બેસી ગઈ. મુનિનું ધ્યાન પૂરું થયું એટલે ધર્મલાભ આપીને પૂછયું, ‘તમે ક્યાંથી આવો છો?’ સાધુને પ્રણામ કરીને વસંતમાલાએ કહ્યું, ‘આ મહેન્દ્રપુત્રી અંજના છે. લોકોએ તેની સગર્ભાવસ્થાને કલંકિત માનીને પવનંજયની પત્નીનો ત્યાગ બાંધવોએ કર્યો છે, એટલે એ વનમાં પ્રવેશી છે. તે શા માટે પોતાના પતિ અને સાસુથી અપમાનિત થઈ? કયા કર્મને કારણે તેને આવું દુઃખ ભોગવવું પડ્યું? તેના ઉદરમાં કયો પુણ્યહીન જીવ આકાર લઈ રહ્યો છે?’

એટલે તે મુનિએ વાત માંડી,

‘આ જંબુદ્વીપમાં આવેલી, મંદિરપુર નગરીમાં પ્રિયનંદી નામનો માણસ રહેતો હતો. તેની પત્ની જયા, દમયંત નામે પુત્ર. એક દિવસ દમયંત કોઈ સુંદર બાગમાં ગયો. નગરજનોથી વીંટળાઈને તે ક્રીડા કરવા લાગ્યો. બહુ વખત ક્રીડા કર્યા પછી ગુણસમૃદ્ધ સાધુને જોયો. તેની પાસે ધર્મ વિશે બોધ સાંભળ્યો. મુનિવરોને ભાવશુદ્ધિપૂર્વક સાત્ત્વિક દાન કર્યું, સંયમ, તપ અને નિયમ પાળીને બીજા જન્મે તે દેવ થયો. દિવ્ય, નિર્મલ દેહધારી તે દેવસુલભ ઉત્તમ સુખ ભોગવીને પછી જંબુદ્વીપના ઉત્તમ નગરમાં જન્મ્યો. પિયગુલક્ષ્મી તથા હરિવાહનને બધી કળાઓમાં પારંગત એવો સિંહચંદ્ર નામનો પુત્ર થયો. જિનધર્મમાં ભક્તિ રાખીને મૃત્યુ પછી ઉત્તમ દેવવિમાનમાં શ્રી, લક્ષ્મી, કીર્તિના ધામરૂપ એક દેવ તરીકે જન્મ્યો. પછી દેવસુખ પામીને આ વૈતાઢ્યમાં કનકોદરીના પેટે સુકંઠ પુત્રરૂપે જન્મ્યો. તે સિંહવાહને લાંબા સમય સુધી અરુણપુરને માણીને વિમલજિન તીર્થમાં લક્ષ્મીધર પાસે દીક્ષા લીધી. તપ અને તપના તેજથી સંયમ પાળીને લાંતક નામના દેવલોકમાં દિવ્યરૂપવાળો દેવ થયો. દેવના ઉત્તમ સુખ ભોગવીને પૂર્વકર્મોેને લીધે તે મહેન્દ્રપુત્રીના ઉદરમાં પ્રવેશ્યો છે.

હવે અંજનાની વાત. આગલા જન્મે તે પટરાણી કનકોદરી હતી. લક્ષ્મી નામની શોક્ય હતી. તે વેળા લક્ષ્મી સમ્યક્ ભાવવાળી જિન પ્રતિમાની સ્થાપના કરીને એકાગ્ર ચિત્તે પૂજા કરતી હતી. ઘણાં મંગલગીતો વડે સ્તુતિપાઠ કરતી હતી. એટલે કનકોદરીએ ક્રોધે ભરાઈને જિન પ્રતિમા ઉપાડીને ઘરની બહાર મૂકી દીધી. નગરમાં ભિક્ષા માટે ભમતી સંયમશ્રી નામની આર્યાએ ઘરની બહાર પ્રતિમા જોઈ. તે આર્યાએ કનકોદરીને કહ્યું, ‘તારે માટે હિતકારી વચન સાંભળ. પોતાનાં પાપકર્મોથી ઘેરાયેલો જીવ નરમાં અને તિર્યંચ જાતિમાં ભટકતો ભટકતો છેવટે મહામુશ્કેલીએ મનુષ્ય રૂપે જન્મે છે. તને મનુષ્યજન્મ મળ્યો છે, વિશિષ્ટ કુલ સાંપડ્યું છે. આવી ગુણવાન તારે નિંદાપાત્ર કાર્ય નહીં કરવું. જિનેશ્વર દેવ તથા ગુરુ દ્વારા નિષિદ્ધ વસ્તુનું આચરણ કરનાર વ્યક્તિ હજારો દુઃખ ભોગવતી સંસારમાં ભટક્યા કરે છે.’ આર્યાની આવી વાત સાંભળીને સારો એવો ધર્મોપદેશ સાંભળેલી કનકોદરીએ આદરપૂર્વક ચૈત્યગૃહમાં જિનપ્રતિમાની સ્થાપના કરીને ગૃહસ્થધર્મમાં પરોવાઈ. સંયમગુણને કારણે તે દેવી થઈ, ત્યાંથી ચ્યુત થઈને અંજનારૂપે જન્મી. રાગદ્વેષને કારણે તેણે મૂતિર્ ઘર બહાર મૂકી તેને કારણે આ મહાદુઃખ આવી પડ્યું. સંસારના સુખનો નાશ કરનાર જિનધર્મ તું સ્વીકાર, નહીંતર ફરી ઘોરતમ ભવસાગરમાં ફરી ભટકવું પડશે. તારા ઉદરમાં જે પુત્ર છે તે જગતમાં પ્રસિદ્ધ થશે, તે વિદ્યાધરોની ઋદ્ધિ તથા સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે. થોડા જ દિવસોમાં તારો પતિ આવીને મળશે, એટલે તું ભયમુક્ત થા, ઉદ્વેગ દૂર કર.’

આ ધીરગંભીર શ્રમણ પછી બંનેને આશીર્વાદ આપીને ઉપર ઊડ્યો અને આકાશમાર્ગેથી પોતાના સ્થાને ગયો. તે ગુફાના આવાસમાં વસંતમાલાએ વિદ્યાબળથી પલંગ, ભોજનની સગવડ ઊભી કરી. પછી અનેક કિરણો ધરાવતો સૂર્ય ધીમે ધીમે અસ્ત થયો અને કાજળઘેરો અંધકાર બધે છવાઈ ગયો. તે વેળા મજબૂત દાંત તથા કેસરી યાળને કારણે રાતી આભાવાળો, પ્રજ્વલિત આંખો ધરાવતો, જીભ લબલબ કરતો એક સિંહ ત્યાં આવી ચઢ્યો. સિંહને જોઈને ભયજનક વિહ્વળતાવાળી તે બંને સાવ નિરાધાર થઈને દસે દિશામાં જોવા લાગી. અંજનાથી ત્રણેક હાથ છેટે જ ઊભેલા સિંહને જોઈ વસંતમાલા ટિટોડીની જેમ આકાશમાં ઘૂમવા લાગી. ‘અરે મુગ્ધા, શરૂઆતમાં દુર્ભાગ્યવશ વિરહ આવ્યો, બાંધવોએ તારો ત્યાગ કર્યો. હવે સિંહ સામે આવ્યો. હે વનદેવતા, આ મહેન્દ્રપુત્રી તથા પવનંજયની પત્નીને ગૃહિણીગુફામાં સિંહ ખાઈ જશે, તેની રક્ષા કરો.’ તે ગુફામાં રહેતા મણિચૂડ નામના ગંધર્વે આ જોઈને શરભનું રૂપ લીધું અને ગુફામાંથી સિંહને ભગાડી મૂક્યો. સિંહ ગયો એટલે બંનેના જીવમાં જીવ આવ્યો, અંજના વસંતમાલાએ કરી આપેલી પથારીમાં બેઠી. ત્યારે દેવી ચિત્રમાલાએ ગંધર્વને કહ્યું, ‘હે સ્વામી, આમનો ભય નિવારવા તમે એક ગીત ગાઓ.’ એટલે તે ગંધર્વ હાથમાં વીણા ધારણ કરી પોતાની પ્રિયતમાની સાથે જિનવરની સ્તુતિવાળું સુંદર ગીત ગાવા લાગ્યો. ગીત સાંભળીને જેમનો ભય નિર્મૂળ થઈ ગયો છે એવી મહેન્દ્રપુત્રી અંજના અને વસંતમાલા તે ગુફામાં રોકાઈ. સવારે જળમાં તથા જમીન પર ઊગનારાં પુષ્પો વડે મુનિ સુવ્રતસ્વામીની ચરણવંદના વિશુદ્ધ ભાવે કરી. જિનપૂજા તથા વંદન કરતી બંને બુદ્ધિવાળી યુવતીઓ ત્યાં રહેવા લાગી અને ગંધર્વ તેમની રક્ષાનો સતત પ્રયાસ કરતો હતો.

પછી વસંતમાલાએ રચેલ શય્યા પર અંજનાએ પૂર્વદિશામાં ઊગતા સૂર્ય જેવો એક ઉત્તમ પુત્ર જણ્યો. તેના પ્રભાવે તે ગુફા ઉત્તમ વૃક્ષોના પુષ્પપર્ણવાળી, કોયલના ટહુકારવાળી, ભમરાઓના ગુંજારવવાળી બની ગઈ. બાળકને ખોળામાં લઈને તે મુગ્ધ અંજના રડતી હતી, ‘હું અપુણ્યશાળી છું, આ વનમાં તારા માટે શું કરું? અરે પુત્ર, પિતાને ત્યાં કે મામાને ત્યાં તારો જન્મોત્સવ હોત તો કેટલી ધામધૂમ થાત! હે પુત્ર, તારા જ કારણે જૂથથી વિખૂટી પડેલી હરિણીની જેમ હું પતિ અને સ્વજનો વિનાની જીવી રહી છું.’ એટલે વસંતમાલાએ કહ્યું, ‘હે સ્વામિની, તમે આ શોક ત્યજી દો. મુનિવરે જે કહ્યું છે તે અસત્ય નહીં થાય.’ તેમની આવી વાતચીત સાંભળીને એક વિદ્યાધર પોતાના સમગ્ર પરિવારને લઈને આકાશમાંથી ત્યાં ઊતર્યો. ગુફામાં પ્રવેશીને તેણે બે રૂપવાન યુવતીઓને જોઈ. દયાવાન વિદ્યાધરે તેમને પૂછ્યું, ‘ અહીં તમે કેવી રીતે?’ એટલે વસંતમાલાએ કહ્યું, ‘આ મહેન્દ્રપુત્રી અંજના છે, સૈનિક પવનંજયની પત્ની છે. આ પવનંજય એને સગર્ભા બનાવીને રાવણ પાસે જતો રહ્યો. કોઈને આની જાણ ન થઈ. નિર્દય હૃદયવાળી સાસુએ જોયું કે આ સગર્ભા છે. ચારિત્ર્યહીનતાનો આક્ષેપ કરીને તેણે અંજનાને પિયર મોકલી દીધી. આબરૂ જવાના ભયથી મહેન્દ્રે પણ તેને કાઢી મૂકી. એટલે તે મારી સાથે આ ઘોર વનમાં છે. નિર્દોષ અંજનાએ આજે રાતને પાછલા પહોરે પુત્રને જન્મ આપ્યો છે.’

આ સાંભળી વિદ્યાધરે કહ્યું, ‘સાંભળ, કુરુવર દ્વીપમાં મારા પિતા ચિત્રભાનુ છે. હું સુંદર માતાના પેટે જન્મેલો, મહેન્દ્રની પત્ની વરહૃદયસુંદરીનો ભાઈ છું. આ કન્યા મારી બહેનની પુત્રી છે. લાંબા સમયે એને જોઈ એટલે હું ભૂલી ગયો હતો પણ સ્વજનપ્રીતિને કારણે હવે મેં ઓળખી લીધી છે.’ અંજના મામાને મળીને વનમાં કરુણ સ્વરે કરવા લાગી. અત્યંત દુઃખે કરમાઈ ગયેલી અંજનાને વસંતમાલાએ ધીરજ બંધાવી. રડતી અંજનાને શાંત કરવા મામા પ્રતિસૂર્યે જ્યોતિષીને એ બાળકના નક્ષત્ર, કરણ, યોગ પૂછ્યા. તેણે કહ્યું, ‘આજે રવિવાર છે, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ છે. શ્રવણ નક્ષત્ર, બ્રહ્મ યોગ છે. મેષમાં રવિ ઉચ્ચ સ્થાને છે, મકરમાં ચન્દ્રમા સમસ્થાને છે. મંગલનું ગમન વૃષમાં છે, મેષમાં શુક્ર ઉચ્ચ સ્થાને છે. ગુરુ અને શનિ મીનમાં ઉચ્ચ સ્થાને છે, બુધ કન્યા રાશિમાં ઉચ્ચ છે. આ બધું આ બાળકનાં રાજઋદ્ધિ અને યોગીત્વનાં સૂચક છે. હે સુપુરુષ, તે સમયે શુભ મુહૂર્ત હતું, મીનનો ઉદય હતો, બધા ગ્રહ અનુકૂળ છે. આ બધા દ્વારા સૂચવાય છે કે બળ, રાજ્ય તથા સમૃદ્ધિનો ઉપભોગ કરતો આ બાળક મોક્ષસુખ પ્રાપ્ત કરશે. ત્યાં પ્રતિસૂર્ય નક્ષત્રપાઠક (જ્યોતિષી)નું સન્માન કરીને પોતાની ભાણીને કહ્યું- હવે આપણે હનુરુહ નગરમાં જઈએ. પછી ત્યાં વસતા દેવની ક્ષમા માગીને તે ગુફાની બહાર નીકળી. અને ઉત્તમ વિમાનમાં બેઠી. અંજનાના ખોળામાં સૂતેલો તે બાળક કિંકિણીના સમૂહને જોઈ માછલીની જેમ કૂદ્યો અને પહાડની શિલા પર પડ્યો. પુત્ર નીચે પડ્યો છે એ જોઈને અંજના કરુણ સ્વરે રડવા લાગી. ‘મને ખજાનો આપીને આંખો લઈ લીધી.’ મોટેથી હાહાકાર મચાવતી અંજના પ્રતિસૂર્યની સાથે નીચે ઊતરી અને શિલા પર બાળકને જોયો. બાળકને હેમખેમ જોઈ અંજનાએ આનંદપૂર્વક તેને ઊંચકી લીધો. હર્ષથી ઊભરાઈને પ્રતિસૂર્યે પણ તેની પ્રશંસા કરી. પુત્રને લઈને તરત તે વિમાનમાં બેઠી અને અનેક પ્રકારનાં વાદ્યો સાથે હનુરુહનગરમાં તેનો પ્રવેશ થયો. ઇન્દ્રના જન્મ વખતે સ્વર્ગમાં દેવતાઓએ જેવો જન્મોત્સવ ઉજવ્યો હતો તેવો જન્મોત્સવ ખેચરોએ બાળકનો મનાવ્યો. બાળપણમાં પહાડ પર પડ્યો અને એને કારણે પહાડના ટુકડા થઈ ગયા એટલે પ્રતિસૂર્યે તેનું નામ શ્રીશૈલ પાડ્યંુ. બધાને આનંદ આપનાર, દેવકુમાર સમાનરૂપવાળો અને માતાને પ્રિય એવો હનુમાન તે નગરમાં રમત રમતો રમતો સુખેથી રહેવા લાગ્યો...

આ તરફ લંકાપતિ રાવણ પાસે જઈને પવનંજયે પ્રણામ કર્યા અને પછી વરુણની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં વરુણને હરાવ્યો અને પવનગતિએ વરુણ સાથે સંધિ કરાવી. જળના સ્વામી વરુણે ખરદૂષણને છોડી મૂક્યા. રાવણે પવનગતિનું લંકામાં સન્માન કરી તેને વિદાય આપી. તે આકાશમાર્ગે જલદી જલદી ગતિ કરતો પોતાના નગરની દિશામાં નીકળી પડ્યો અને નગરમાં પ્રવેશ્યો. આનંદિત થઈને ગુરુજનોને પ્રણામ કર્યા. પત્ની માટે ઉત્સુક થયેલા પવનંજયે અંજનાભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશી બધાંની સાથે વાતો કરી. પણ પત્ની ન જોઈ એટલે મિત્રને પૂછ્યું. કારણ જાણી મિત્રે કહ્યું, ‘તમારી પત્નીને મહેન્દ્રનગર લઈ ગયા છે. ત્યાં પિયરમાં ગઈ છે.’ એટલે પવનવેગ મહેન્દ્રનગર ગયો. ત્યાં સસરાને મળીને અંજનાનિવાસમાં ગયો. ત્યાં પણ પત્નીને ન જોઈ, એટલે વિરહાગ્નિથી દાઝેલા તેણે એ ભવનમાં રહેતી એક સુંદરીને પૂછ્યું, તેણે જણાવ્યું, ‘ગર્ભદોષને કારણે નિંદાથી દુઃખી થયેલા વડીલોએ તમારી પત્નીને ત્યજી દીધી છે, એટલે તે વનમાં જતી રહી છે.’ આ સાંભળી દુઃખથી રિબાતો પવનગતિ દરવાજાની બહાર નીકળ્યો અને પત્નીની શોધમાં ભટકવા લાગ્યો. પૃથ્વીમાં ભમ્યા પછી પણ અંજનાની ભાળ ન મળી એટલે પવનંજયે મિત્રને કહ્યું, ‘તું આદિત્યપુર જા. ત્યાં જઈ વડીલોને આ બધી વાત કરજે. હું અંજનાને શોધવા નીકળીશ. જો એમ કરતાં મને અંજના નહીં મળે તો નિશ્ચિત મારું મૃત્યુ થશે. આ મારી પ્રતિજ્ઞા છે.’ એટલે તેને મૂકીને પ્રહસિત તરત જ આદિત્યપુર પહોંચ્યા અને પવનંજયની બધી વાત કરી.

આ બાજુ અન્યમનસ્ક થઈ ગયેલો પવનંજય ગગનગામી ઉત્તમ હાથી પર પૃથ્વી પર ભમતો ભમતો પ્રલાપ કરવા લાગ્યો. ‘શોકના તાપથી તપેલી, કમળદળ સરખી કોમળ શરીરવાળી મારી પત્ની જૂથમાંથી વિખૂટી પડેલી હરિણી જેવી ક્યાં હશે? સગર્ભાવસ્થાને કારણે ખિન્ન કાયાવાળી, દર્ભના કાંટાથી પગ છોલાયા હશે, તેને કોઈ દુષ્ટ પ્રાણી ખાઈ તો ગયું નહીં હોય? કોઈ ખેચરે તેનું અપહરણ તો કર્યું નહિ હોય? ભૂખતરસથી રિબાઈને તે વનમાં મૃત્યુ તો પામી નહીં હોય?’ આમ અનેક પ્રકારના પ્રલાપ કરતો ખિન્ન મોંવાળો પવનંજય તેને શોધતો શોધતો ભૂતરવ નામના અરણ્યમાં પ્રવેશ્યો. વિલાઈ ગયેલા મોંવાળા પવનંજયે ત્યાં પણ પત્નીને ન જોઈ, પોતાની પ્રતિજ્ઞા યાદ કરીને, શસ્ત્રો સમેત હાથીને ત્યાં મૂકી દીધો. ‘હે ગજશ્રેષ્ઠ, વાહનમાં અત્યંત આસક્ત રહીને મેં તારો ભારે તિરસ્કાર કર્યો છે, તો મને ક્ષમા કર. હવે ઇચ્છામાં આવે તે રીતે વનમાં ફર.’ અને એમ પવનંજયે રાત વનમાં વીતાવી.

પ્રહસિતે જ્યારે પવનંજયની વાત વડીલોને કરી ત્યારે બધા સ્વજનો અત્યન્ત દુઃખી થઈ ગયા, તેઓ સૂનમૂન થઈ ગયા. દુઃખ અને શોકથી પિડાતી કીર્તિમતિએ ગળગળા સાદે કહ્યું, ‘મારા પુત્રને મૂકીને તું એકલો શા માટે અહીં આવ્યો?’

તે બોલ્યો, ‘હે દેવી, વિરહથી દુઃખી થઈને તેણે આવી પ્રતિજ્ઞા કરી મને અહીં મોકલ્યો. તમારા પુત્રે કહેવડાવ્યું છે કે ઉત્તમ કાયાવાળી અને ચન્દ્ર જેવા સૌમ્ય મુખવાળી અંજનાને જો હું નહીં જોઉં તો મારું અહીં જ મરણ થશે.’ આ સાંભળીને કીર્તિમતિ મૂર્ચ્છા પામી. ભાનમાં આવીને તે કરુણ વિલાપ કરવા લાગી. ‘કાર્ય-અકાર્યનું જ્ઞાન ન રાખનારી મેં કેવું પાપ કર્યું છે, હવે મારા પુત્ર માટે મને સંદેહ થવા માંડ્યો છે. વન-ઉપવનોથી સમૃદ્ધ આદિત્યપુર મારો પુત્ર નથી એટલે અરણ્યની જેમ સુખ નથી આપતું.’ પત્નીને ધીરજ બંધાવી પ્રહસિતને આગળ કરી પ્રહ્લાદ પુત્રની શોધમાં નગર બહાર નીકળ્યો. બંને શ્રેણીઓમાં રહેનારા બધા ખેચરોને બોલાવ્યા. તેઓ પ્રહ્લાદ રાજા પાસે તરત આવ્યા. પવનંજયની શોધમાં પૃથ્વી પર ચારે દિશામાં ઘૂમવા લાગ્યા. પ્રહ્લાદ રાજાના સંદેશવાહક પુત્રોને પ્રતિસૂર્યે પૂછયું એટલે પવનંજયની બધી વાત કરી. તે સાંભળીને અંજના પણ બહુ દુઃખી થઈ. રડતાં રડતાં તે બોલી, ‘અરે નાથ, પાપિણી, અતિ દુઃખિયારી, મિલનસુખથી વંચિત મને ત્યજીને તમે ક્યાં ગયા છો?’ પ્રતિસૂર્ય પણ અંજનાને આશ્વાસન આપીને જલદી આકાશમાં ઊડ્યો, તેણે બધા વિદ્યાધરો જોયા. શોધતાં શોધતાં તેઓ ભૂતારણ્યમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે પવનંજયની પાસે જે મદોન્મત્ત હાથી હતો તે જોયો. તે હાથીને જોઈને બધાં વિદ્યાધર આનંદમાં આવીને એકબીજાને કહેવા લાગ્યા, ‘આટલામાં પવનંજય હોવા જ જોઈએ. અંજનગિરિના જેવો શ્યામવર્ણવાળો, શ્વેત દાંતવાળો, પગથી ચપળ ગતિ કરતો તે હાથી વફાદાર સેવકની જેમ ચારે બાજુ ફરીને પોતાના સ્વામીની રક્ષા કરતો હતો. પવનવેગને જોઈને આકાશમાંથી બધા વિદ્યાધર નીચે ઊતર્યા. પવનંજયની પાસે આવનારાઓને હાથી રોકતો હતો. હાથીને વશમાં આણીને ખેચર પવનંજય પાસે પહોંચી ગયા. ત્યાં તેમણે યોગ કરી રહેલા ઋષિની જેમ નિશ્ચલ શરીરવાળા પવનંજયને જોયો. પુત્રને ભેટીને પ્રહ્લાદ અનેક જાતના વિલાપ કરતો રડવા લાગ્યો. ‘ અરે વત્સ — સ્ત્રી માટે તેં આવું દુઃખ ઉઠાવ્યું, આહારનો ત્યાગ કરી મૌન ધારણ કર્યું, મરણ માટે આટલો બધો ઉત્સાહ -’ અંજનાનો વિરહ વેઠી રહેલા પવનંજયને પ્રતિસૂર્યે કહ્યું, ‘અરે સાંભળ. સંધ્યાગિરિના શિખર પર અનંતવીર્ય નામના મુનિને કેવળજ્ઞાન થયું. તે શ્રમણને વંદન કરીને પાછા ફરતી વખતે મેં પલ્યંકગુફામાં રડતી અંજનાને જોઈ. તેને પૂછ્યું, એટલે ખબર પડી કે તેને શા માટે કાઢી મૂકી. સ્વજન માટેના સ્નેહથી મેં તેને આશ્વાસન આપ્યું. તે જ દિવસે તેને રૂપ-લાવણ્યથી શોભતો પુત્ર જન્મ્યો. દિવ્ય વિમાનમાં બધાને બેસાડીને અમે જતા હતા ત્યારે તે પૃથ્વી પડી પડી ગયો. હું અંજના અને તેની સખીની સાથે નીચે ઊતર્યો અને જોયું તો પર્વતીય પ્રદેશમાં તે પડ્યો હતો. બાળકના અચાનક પડવાથી પર્વતના ચૂરેચૂરા થઈ ગયા. એટલે તે કુમારનું નામ શ્રીશૈલ પાડ્યું. સખી તથા બાળક સાથે અંજનાને સન્માનપૂર્વક હનુરુહનગરમાં લઈ ગયા. ત્યાં મોટો ઉત્સવ મનાવ્યો. હનુરુહનગરમાં તે બાળક મોટો થયો એટલે તેનું બીજું નામ હનુમાન પાડ્યું.

તો આ અંજનાની કથા. પુત્રની સાથે અંજનાસુંદરી મારા નગરમાં છે. તમે મનમાં બીજો વિચાર ન કરો.’ આ સાંભળીને અત્યંત આનંદમાં આવેલો પવનંજય વિદ્યાધરોની સાથે નીકળી પડ્યો અને હુનુરુહનગર પહોંચ્યો. વિદ્યાધરોએ ત્યાં વિવિધ ખાનપાન, નટલોકોના ખેલ, નૃત્ય વગેરે વડે અત્યંત સુંદર આગમન-ઉત્સવ મનાવ્યો. ત્યાં બે માસ રહીને બધા ખેચર પોતપોતાના નગરમાં ગયા. અંજનાની સાથે પવનંજય તે નગરમાં રહ્યો. પુત્ર તથા પત્નીની સાથે પવનંજય હનુરુહનગરમાં ઉત્તમ દેવની જેમ સુખસમૃદ્ધિ ભોગવતો ત્યાં રહેવા લાગ્યો.

પવનગતિના વિયોગમાં અંજનાસુંદરીએ ગયા જન્મના કર્મને કારણે જે તીવ્ર દુઃખ ભોગવ્યું તથા હનુમાનના પૂર્વભવોની કથા જેઓ પરમ સંતોષથી સાંભળે છે તેઓ પોતાના ભાગ્યને પવિત્ર કરીને સુખ પામે છે.

લાંબા સમય સુધી ક્રોધનો ભાર વેઠવાથી દુઃખી થયેલા રાવણે વરુણ સાથે યુદ્ધ કરવા બધા વિદ્યાધરોને એકઠા કર્યા. કિષ્કિન્ધિપુરના પાતાલલંકાપુરના તથા રથનૂપુર નગરના વિદ્યાધરો એકઠા થયા. પછી રાવણે હનુરુહપુરમાં દૂત મોકલ્યો. તેણે પવનંજયને તથા પ્રતિસૂર્યને રાવણનો સંદેશો કહ્યો. દૂતની વાત સાંભળીને જવા માટે ઉત્સાહી અને નિશ્ચલ બુુદ્ધિવાળાએ હનુમાનના રાજ્યાભિષેકની જાહેરાત કરી. તે વેળા વાંજિત્રોનો, નગારાંનો, ભેરીનો ધ્વનિ મોટેથી સંભળાવા લાગ્યો. હાથમાં, કળશ લઈને મંત્રીઓ હનુમાન આગળ ઊભા રહ્યા. એટલે હનુમાને પૂછ્યું, ‘આ બધું શું થઈ રહ્યું છે?’

મંત્રીઓએ કહ્યું, ‘તમારો રાજ્યાભિષેક થઈ રહ્યો છે.’

પવનંજયે કહ્યું, ‘વત્સ, હનુરુહના રાજાને બોલાવ્યા છે. અમારે સ્વામીનંુ કાર્ય લંકા જઈને કરવું પડશે. રસાતલ નગરમાં વરુણ નામનો એક શત્રુ છે. તે સો પુત્રો અને સૈન્યને કારણે શકિતશાળી, ખૂબ પ્રચંડ અને યુદ્ધમાં અજેય છે.

આ સાંભળી વિનયથી નમ્ર શરીરવાળા હનુમાને કહ્યું, ‘મારા હોવા છતાં તમારે યુદ્ધમાં જવું પડે તે સારું ન કહેવાય.’

પવનંજયે કહ્યું, ‘હજુ તું બાળક છે. ઘોર યુદ્ધમાં ક્રોધિત સૈનિકોનું મોં પણ તે જોયું નથી.’

એટલે હનુમાને કહ્યું, ‘કાયર યુદ્ધમાં જઈને શું કરશે? નાની વય હોવા છતાં સિંહ મત્ત હાથીઓનો શિકાર કરે છે.’

બહુ સમજાવવા છતાં કુમારે યુદ્ધમાં જવાની જીદ પકડી જ રાખી ત્યારે વડીલોએ આજ્ઞા આપી અને તે તૈયાર થયો. સ્નાન વગેરે કાર્ય કરી તે, વડીલોને પૂછી કરીને ઉત્તમ વિમાનમાં બેઠો અને સૈન્યની સાથે લંકા જવા નીકળી પડ્યો. જલવીચિ નામના પર્વત પર રાત વીતાવી, સૂર્યોદય વેળાએ સમુદ્રને જોતાં જોતાં હનુમાને લંકામાં પ્રવેશ કર્યો. સેનામાં દક્ષતા મેળવેલા અને બધા પ્રકારના અલંકારોથી શોભતો હનુમાન રાક્ષસોને દેવકુમાર જેવો લાગ્યો. રત્નોથી તેજસ્વી, સામંતોથી ઘેરાયેલો, અનેક પ્રકારનાં પુષ્પોથી પૂજાવિધિ પામતા હનુમાને રાવણની સભામાં પ્રવેશ કર્યો. મદોન્મત્ત હાથીની જેમ ચાલતા પવનપુત્રે લંકેશ રાવણને પ્રણામ કર્યા. તે પણ તરત જ ઊભો થઈને ભેટ્યો. હનુમાનને બિરાજવા માટે આસન અપાયું. પછી હનુમાને રાવણના કુશળક્ષેમ પૂછ્યા. ભેટસોગાદો વડે રાવણનું ભારે સન્માન કર્યું.

આમ બધી સેના લઈને યુદ્ધ માટેના ભારોભાર ઉત્સાહ સાથે રાવણે લંકામાંથી નીકળીને વરુણપુરીની દિશામાં પ્રયાણ કર્યું. તેની સેનાએ કવચનો જ અંગરાગ કર્યો હતો, પછી રાવણ વિદ્યાબળથી સાગરને વીંધી તરત જ વરુણના નગરે જઈ પહોંચ્યો. રાવણના આગમનના સમાચાર જાણીને તૈયાર થયેલા, કવચધારી વરુણ પોતાની સમગ્ર સેના સાથે રાવણનો મુકાબલો કરવા નીકળી પડ્યો. શર, શક્તિ, તલવાર, મુદ્ગર જેવાં શસ્ત્રો દ્વારા ઘા ઉપર ઘા કરતા વરુણના સો પુત્ર રાક્ષસો સામે લડવા લાગ્યા. યુદ્ધમાં નિર્દય પ્રહાર કરનારા વરુણપુત્રોએ રાક્ષસસેનાને વિખેરી નાખી છે તે જોઈને રાવણ તરત જ લડવા તૈયાર થયો. વર્ષાઋતુમાં વાદળોથી ઢંકાઈ ગયેલા સૂર્યની જેમ વરુણપુત્રોએ લડી રહેલા રાવણને ઘેરી લીધો. ઇન્દ્રજિત, વિભીષણ તથા ભાનુકર્ણ જેવા સૈનિકોને જાણે ચાક પર ચડાવ્યા હોય તેમ વરુણે ઘુમાવ્યા. રાક્ષસસેનાને પરાજિત જોઈને ખૂબ ક્રોધે ભરાયેલો હનુમાન બાણ ચલાવતા પોતાની સેના સાથે આગળ આવ્યો. ચારે બાજુ ફેલાયેલા વિક્રમવાળો હનુમાન તલવાર, મુદ્ગર અને ચક્ર વડે યમની જેમ સૈનિકોને મારવા લાગ્યો.

લાંબા સમય સુધી યુદ્ધ કરીને હનુમાને વરુણપુત્રોને પકડી લીધા. રાવણે નાગપાશ વડે વરુણને બાંધી દીધો. પુત્રની સાથે વરુણને લઈને લંકાપતિએ ઉત્તમ ઉદ્યાનમાં તંબૂ તાણ્યો, સામંતોની સાથે તે પણ ત્યાં રોકાયો. નાયક વિનાના, ઉત્તમ દ્રવ્ય તથા મહત્ત્વની ચીજવસ્તુઓ વિનાના, કેદમાં પકડાયેલા લોકોના રુદનવાળા તે નગરને રાક્ષસસૈનિકોએ છિન્નભિન્ન કરી નાખ્યું. તે નગરના ચારે બાજુથી થઈ રહેલા વિનાશને જોઈ ઉત્તમ પુરુષ અને દયાવાન રાવણે તરત જ સૈનિકોને અટકાવ્યા. વરુણને અને તેના પુત્રોને મુક્ત કર્યા, વરુણે રાવણને પ્રણામ કરીને સત્યવતી નામની કન્યા હનુમાનને આપી. વિવાહવિધિ પતાવીેને વરુણને તેના નગરમાં પાછો બેસાડી, યુદ્ધોત્સાહને કારણે ક્રોધે ભરાયેલો રાવણ લંકા પાછો ફર્યો. રાવણે પણ ચન્દ્રનખાની ગુણવાન પુત્રી અનંગકુસુમા હનુમાન સાથે પરણાવી. તેની સાથે લગ્ન કરીને કર્ણકુંડલ નામના નગરમાં હનુમાન દેવકુમારની જેમ ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યો. પછી નલે હરિપાલિની નામની કન્યા આપી. કિન્નરપુરમાં પણ હનુમાનને સો કિન્નરકન્યાઓ પ્રાપ્ત થઈ. કિષ્કિન્ધિપુરના રાજા સુગ્રીવ તારાની પદ્મરામા નામની પુત્રીને જોઈ ચિંતા કરતો હતો. તેના લગ્ન માટે વિદ્યાધર રાજાઓનાં ચિત્ર આણવામાં આવ્યાં. તે કન્યા પણ એ ચિત્રો જોવા લાગી. આમ જોતાં જોતાં તેણે કામદેવ જેવા હનુમાનનું રૂપ જોયું અને તેના હૈયામાં તે વસી ગયો. તેના ભાવ જાણીને સુગ્રીવે દૂત મોકલીને તરત જ હનુમાનને બોલાવ્યો. મોટો ઉત્સવ કરીને તે કન્યા હનુમાનને આપી. દાન, માન, વૈભવ સમેત હનુમાને તે સુંદરી સાથે લગ્ન કર્યું. પછી તે શ્રીપુર ગયો અને રતિયુક્ત ભોગ ભોગવવા લાગ્યો. આ રીતે રૂપ અને ગુણથી સંપન્ન, પૂનમના ચંદ્ર જેવી સુંદર મુખવાળી એક હજાર ઉત્તમ સ્ત્રીઓને હનુમાન પરણ્યો.