ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/વીરવર બ્રાહ્મણની કથા

From Ekatra Wiki
Revision as of 02:42, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વીરવર બ્રાહ્મણની કથા

આ પૃથ્વી પર વિક્રમપુર નામની એક મોટી નગરી. ત્યાં એક સમયે વિક્રમતુંગ નામનો રાજા થઈ ગયો. તે રાજાની તલવારમાં તીક્ષ્ણતા હતી, દંડમાં ન હતી; ધર્મમાં સતત આસક્તિ હતી, સ્ત્રીમાં — મૃગયામાં ન હતી. ધૂળમાં જ કણની ભેળસેળ હતી, પરંતુ બીજા કોઈ કુત્સિત કામમાં કણ પણ નહોતા. અવિચાર (અહીં એક સારો શ્લેષ છે. કણ એટલે પરમાણુ આદિ રજકણ ને કણ એટલે જરાક. ગુણ એટલે સદ્ગુણ ને ગુણ એટલે ધનુષની પણછ. અવિચારી એટલે અન્યાયી ને અવિચારી એટલે બકરાં ચરાવનાર ભરવાડ) પશુપાલકોમાં જ જોવા મળતો હતો, પણ લોકોમાં અવિચાર ન હતા. તે રાજા પાસે એક સુંદર અને ભવ્ય સ્વરૂપવાળો માળવ બ્રાહ્મણ સેવક તરીકે આવ્યો. તેની પત્ની ધર્મવતી હતી, વીરવતી હતી અને સત્ત્વવર નામનો પુત્ર હતો. પરિવાર આટલો જ હતો. તેની પાસે સેવા કરવા માટે ત્રણ સાધન હતાં — કમર પર કૃપાણ, એક હાથમાં ખડ્ગ અને બીજા હાથમાં દર્પણ જેવી ચકચકિત ઢાલ. તેણે રાજા પાસે દરરોજના પાંચસો દીનાર પોતાના કુટુંબના નિર્વાહ માટે માગ્યા. રાજાએ તેના તેજસ્વી વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને ‘ચાલો તેની વિશેષતા જોઈએ.’ એમ વિચારી એટલો પગાર આપવાનું સ્વીકાર્યું. ત્યાર પછી રાજાએ તેની પાછળ ગુપ્તચરો મૂક્યા, ‘જુઓ આ બે હાથવાળો આ પૈસા કેવી રીતે વાપરે છે?’ આ વીરવર પાંચસો સોનામહોરોમાંથી એક સો મહોર ભોજન વગેરે માટે પત્નીને આપતો હતો. એક સો મહોરો કપડાં, માળા પાછળ ખર્ચતો હતો, એક સો મહોર સ્નાન કરીને વિષ્ણુ — શિવ પૂજન પાછળ ખર્ચતો હતો. બાકીની બસો મહોર બ્રાહ્મણ અને દીન ભિક્ષુકોને દાનમાં આપતો હતો.

તે પોતાનું નિત્યકર્મ પતાવીને સવારથી બપોર સુધી દરરોજ રાજભવનમાં દ્વાર પર ઊભો રહેતો હતો અને પછી સ્નાનભોજન કરીને પાછો આવતો અને રાતે ફરી દ્વાર પર ઊભો રહી ચોકી કરતો હતો. રાજાના ગુપ્તચર તે બ્રાહ્મણની દિનચર્યાના સમાચાર આપતા હતા. થોડા દિવસો પછી સંતોષ પામેલા રાજાએ ગુપ્તચરો ખસેડી લીધા; તે વીરવર સ્નાન, ભોજન પાછળ ખર્ચાતા સમયને બાદ કરીને રાતદિવસ તલવાર લઈને રાજાની સેવામાં હાજર થઈ જતો હતો, થોડા દિવસ પછી જાણે વીરવરને જીતવાની ઇચ્છાથી ધીર પુરુષોનો પ્રતાપ ન સહી શકનારો વર્ષાકાળ ગરજતો ગરજતો આવી પહોંચ્યો. જ્યારે મેઘ ભીષણ વર્ષાધારા રૂપે બાણ છોડી રહ્યો હતો ત્યારે વીરવર રાજાના સિંહદ્વારે થાંભલાની જેમ સ્થિર ઊભો રહેતો હતો.

રાજા પોતાના મહેલની બારીમાંથી નિત્ય ચોકી કરતા વીરવરને જોતો અને પછી શયનાગારમાં જતો હતો. એક વેળા ભારે વરસાદ પડતો હતો ત્યારે રાજાએ ઉપરથી કહ્યું, ‘અહીં કોણ છે? આ સાંભળીને વીરવરે ઉત્તર આપ્યો, ‘હું આપનો સેવક વીરવર અહીં છું.’

આવા ભયંકર વરસાદમાં પણ સિંહદ્વાર જે ત્યજતો નથી એ વીરવર મહાન બળવાન છે. તે કોઈ મોટી પદવીને લાયક છે.

તેનો ઉત્તર સાંભળીને રાજા આમ વિચારતો જ હતો ત્યાં તેણે દૂરથી કોઈ સ્ત્રીનો કરુણ રુદનસ્વર સાંભળ્યો. ‘મારા રાજ્યમાં કોઈ દુઃખી નથી તો પછી આ કોણ રડી રહ્યું છે?’ એમ વિચારી રાજાએ વીરવરને કહ્યું, ‘વીરવર, ક્યાંક કોઈ સ્ત્રી રડી રહી છે. ત્યાં જઈને જો કે કોણ રડે છે, અને એને શું દુઃખ છે?’

આ સાંભળી વીરવર ‘જેવી આજ્ઞા’ કહીને ત્યાં જવા તત્પર થયો, તેની કમરે કૃપાણ હતું અને હાથમાં તલવાર હતી. ચમકચમક થતી વીજળી સાથે મુશળધાર વરસાદ આકાશ-પૃથ્વીને એક કરતો હતો, છતાં વીરવર નીકળી પડ્યો તે જોઈને રાજા તેની પાછળ પાછળ હાથમાં તલવાર લઈને કોઈને ખ્યાલ ન આવે એ રીતે નીકળી પડ્યો.

વીરવર રુદનના અવાજની દિશામાં જઈ રહ્યો હતો, પછી નગરની બહાર એક તળાવ જોયું. એ સરોવરમાં કોઈ સ્ત્રી રુદન કરી રહી હતી. ‘અરે નાથ, હે કૃપાળુ, હે વીર, તમારો વિરહ મારાથી શી રીતે વેઠી શકાશે? તમે મારો ત્યાગ કરશો પછી હું ક્યાં જઈને રહીશ?’

વીરવરે તે સ્ત્રીને પૂછ્યું, ‘તું કોણ છે? અને કોને માટે આ રુદન કરી રહી છે?’ એ સાંભળી તે સ્ત્રીએ કહ્યું, ‘પુત્ર, હું પૃથ્વી છું. મારો પતિ ધાર્મિક રાજા વિક્રમતુંગ છે. ત્રીજે દિવસે તેનું મૃત્યુ થવાનું છે. એટલે વિચારું છું કે આવા રાજા જેવો પતિ મને ક્યારે મળશે? હું અત્યંત દુઃખી થઈને મારા ભાગ્યનો જ વિચાર કરી રહી છું... હું રાજાના મૃત્યુનો વિચાર કરી રહી છું. સ્વર્ગમાં રહેતો દેવનો દીકરો સુપ્રભ જેમ શુભાશુભ ભાવી જાણતો હતો તેમ હું પણ દિવ્ય દૃષ્ટિથી શુભાશુભ ભાવિ જાણી શકું છું. તે સુપ્રભને દિવ્ય દૃષ્ટિ હતી. તેણે જોયું કે સાત દિવસ પછી મારાં પુણ્યનો ક્ષય થઈ જશે અને ત્યાર પછી હું સૂકરીના ઉદરમાં જન્મ પામીશ. એટલે સૂકરીના પેટમાં રહેવાનું દુઃખ અને પોતાના દેવતાઈ વૈભવો જશે એવો વિચાર કરીને તે અત્યંત દુઃખી થયો અને આક્રંદ કરવા લાગ્યો, ‘અહાહા સ્વર્ગ! અરે હા અપ્સરા! અરે આ નંદનવનનાં લતામંડપ! એ સર્વ હવે મને કંઈ કામના નથી. હાય હાય, હું ભૂંડણના પેટમાં કેમ રહી શકીશ? અને તે પછી ગારામાં કેમ રહી શકીશ?’

આ પ્રમાણે સુપ્રભનો વિલાપ સાંભળી ઇંદ્રે ત્યાં આવીને પૂછ્યું, ‘અરે તું શોક શા માટે કરે છે?’

એટલે સુપ્રભે પોતાના દુઃખનું કારણ તેને કહ્યું. તે સાંભળી ઇંદ્રે કહ્યું, ‘આ દુઃખમાંથી નીકળવાનો એક ઉપાય છે તે તંુ કર. તું ઓમ નમ: શિવાય એ મંત્રનો જાપ કરતો કરતો શંકરને શરણે જઈશ તો તારાં પાપ નાશ પામશે અને તું પુણ્યવંત થઈશ. તે પુણ્યના પ્રભાવે તું સ્વર્ગમાંથી મર્ત્યલોકમાં જઈશ નહીં અને તારે ભૂંડણના પેટે જન્મવું પડશે નહીં.’

એ પ્રમાણે ઇંદ્રે કહ્યું એટલે સુપ્રભ ‘ઠીક છે, તેમ કરીશ.’ એમ કહી ઓમ નમ: શિવાય જપતોજપતો ગાંડાની પેઠે શંકરને શરણે ગયો. છ દિવસ તેણે તન્મય થઈ શંકરની આરાધના કરી. એટલે તે શંકરની કૃપાથી ભૂંડણના ઉદરમાં જન્મ્યો નહીં. એટલું જ નહીં પણ તે સ્વર્ગથી પણ ઉપરના લોકમાં ગયો. સાતમા દિવસે ઇંદ્રે સ્વર્ગમાં આવીને જોયું તો તેણે સ્વર્ગથી પણ ઉપરના લોકમાં ગયેલો જોયો. આ પ્રમાણે સુપ્રભે જેમ ભાવી દુઃખ જાણી અફસોસ કર્યો હતો તેમ હું પણ રાજાનું મરણ પાસે આવતું જાણીને દુઃખ વ્યક્ત કરું છું.’

આ પ્રમાણે ભૂમિદેવીએ કહ્યું, પછી વીરવર તેને કહેવા લાગ્યો, ‘માતાજી, જેમ સુપ્રભે ઇંદ્રના કહેવાથી ઉપાય કર્યો, તેમ આ રાજાની રક્ષા કરવાનો જો કંઈ ઉપાય હોય તો તે મને કહો.’

વીરવરની આ વાત સાંભળી પૃથ્વીદેવી બોલ્યાં, ‘આ બાબતમાં એક જ ઉપાય છે અને તે તારા હાથમાં છે.’

આ સાંભળી પ્રસન્ન થયેલા બ્રાહ્મણ વીરવરે કહ્યું, ‘મારા સ્વામીના કલ્યાણનો જો ઉપાય હોય તો તરત કહો, મારા, મારી પત્નીના, પુત્રના પ્રાણથીય પ્રિય કોઈ ઉપાય હોય તો કહો, જેથી મારો જન્મ સફળ થાય.’ આમ કહેતા વીરવરને પૃથ્વીએ કહ્યું, ‘રાજમહેલની પાસે ચંડિકા દેવીનું મંદિર છે, ત્યાં જઈને તું તારા પુત્રનો બલિ ચઢાવે તો રાજા જીવી શકે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.’

પૃથ્વીની વાત સાંભળી વીરવરે કહ્યું, ‘દેવી, હું જઉં છું, હમણાં જ એ ઉપાય કરું છું.’

‘તારા સિવાય સ્વામીનું હિત કોણ કરી શકે? જા, તારું કલ્યાણ થાવ.’ એમ કહી પૃથ્વી અંતર્ધાન થઈ ગઈ ને છાનામાના પાછળ પાછળ આવી રહેલા રાજાએ એ સાંભળ્યું.

પછી રાજા તેનો પીછો કરતો રહ્યો અને વીરવર તે રાતે ઘેર ગયો. પત્નીને ઉઠાડીને વીરવરે રાજાના જીવન માટે પુત્રના બલિદાનની પૃથ્વીએ કહેલી વાત કહી સંભળાવી, તે સાંભળી તેની પત્ની બોલી. ‘સ્વામીનું હિત અવશ્ય કરવું જોઈએ. એટલે પુત્રને જગાડીને તમે કહો.’

વીરવરે પુત્રને ઉઠાડીને પૃથ્વીએ રાજા માટે કહેલી વાત કહી, એ સાંભળી યથાર્થ નામ ધરાવતા પુત્ર સત્ત્વવરે કહ્યું, ‘પિતાજી, સ્વામીનું હિત સાચવવા પ્રાણનું બલિદાન આપનાર હું પુણ્યશાળી નથી? મેં તેમનું અન્ન ખાધું છે, મારે એ ઉપકારનો બદલો વાળવો જોઈએ. એટલે તમે દેવી પાસે જઈને મારું બલિદાન આપો.’

આવું સાંભળી વીરવરે ધીરજપૂર્વક કહ્યું, ‘તું ખરેખર મારો જ પુત્ર છે. આજે મારો જન્મ સફળ થયો છે.’

બહાર ઊભા રહેલા રાજા વિક્રમતુંગે આશ્ચર્ય પામીને વિચાર્યું, ‘આ બધા જ એકસરખા આત્મબળવાળા માનવીઓ છે.’

પછી વીરવર પુત્રને ખભે ઊંચકીને પત્ની ધર્મવતી, પુત્રી વીરવતીને લઈને તે રાતે ચંડિકાના મંદિરમાં ગયો અને છાનોમાનો પાછળ આવતો રાજા પણ ત્યાં ગયો.

ત્યાં જઈ ધૈર્યવાન સત્ત્વવરે બાળક હતો છતાં દેવીને પ્રણામ કરીને કહ્યું, ‘હે દેવી, મારા મસ્તકના બલિથી અમારા સ્વામી વિક્રમતુંગ જીવે અને પૃથ્વીનું પાલન કરે.’

આમ સાંભળી વીરવરે સત્ત્વવરે કહ્યું, ‘સરસ પુત્ર, બરાબર’ અને તલવાર વડે તેનું મસ્તક કાપી નાખ્યું.

અને ‘રાજાનું કલ્યાણ થાઓ’ એમ કહી તે મસ્તક દેવીને ચઢાવી દીધું, એ સાચું છે કે સાચા સ્વામીભક્ત સેવકો પુત્ર તો શું પોતાના પ્રાણોની પણ પરવા નથી કરતા. એટલામાં જ આકાશવાણી સંભળાઈ, ‘હે વીરવર, બહુ સુંદર, તેં તારા પુત્રના પ્રાણ આપીને સ્વામીને જીવતદાન આપ્યું.’

અત્યંત ચકિત થયેલા રાજાએ આ બધું જોયું, સાંભળ્યું, સત્ત્વવરની બહેન વીરવતી મરેલા ભાઈની પાસે ગઈ, તેનું માથું ખોળામાં લીધું, અને મસ્તક સૂંઘીને ‘અરે ભાઈ,’ એમ ચીસો પાડવા લાગી, તેનું હૃદય ફાટી ગયું અને તે મૃત્યુ પામી.

કન્યાને પણ મરેલી જોઈ ધર્મપત્ની ધર્મવતી પતિને હાથ જોડીને અત્યંત દીન વદને કહેવા લાગી. ‘રાજાનું કલ્યાણ તો થયું. હવે મને આજ્ઞા આપો. આ બંને મરેલાં બાળકોની સાથે હું અગ્નિપ્રવેશ કરું. આ અજ્ઞાની દીકરી ભાઈના શોકમાં મૃત્યુ પામી તો બંનેનાં મૃત્યુ પછી મારા જીવનનો ક્યો અર્થ?’

આમ દૃઢતાથી તેણે કહ્યું એટલે વીરવર બોલ્યો, ‘હે અનિંદિતા, એમ જ કર. હું આ સમયે શું કહું. પુત્રોના શોકને કારણે તું દુઃખી છે. રાહ જો. હું તારા માટે ચિતા પ્રગટાવું છું.’

એમ કહી દેવીનું મંદિર બનાવતાં વધેલાં લાકડાંથી ચિતા ખડકી, તેનાં સંતાનોને ચિતા પર મૂકી આગ પ્રગટાવી. વીરવરની પત્ની પતિવ્રતા ધર્મવતી પતિને પગે લાગી. બોલી, ‘આર્યપુત્ર, આગલા જનમમાં પણ તમે જ મારા પતિ થાજો. આપણા રાજાનું કલ્યાણ થાઓ.’ આમ કહેતી ઊંચે ઊઠેલી જ્વાળાઓવાળી ચિતામાં તે શાંત ચિત્તે પ્રવેશી.

રાજા વિક્રમતુંગે સંતાઈને આ બધું જોયું, ‘હું આમાંથી ઋણમુક્ત કેવી રીતે થઈશ.’ તેની ચિંતામાં તે મૂઢ બની ગયો અને હું ક્યાં ઊભો છું તે પણ તે વિસરી ગયો.

ત્યારે ધૈર્યવાન વીરવરે વિચાર્યું , ‘મારા સ્વામીનું કાર્ય યથાર્થ રીતે પાર પડ્યું. દિવ્યવાણીએ પણ અનુમોદન આપ્યું. રાજાના અન્નનો બદલો કુટુંબીજનોનાં બલિદાનથી ચૂકવી દીધો. હવે માત્ર મારું પેટ ભરવા જીવવાનો કશો અર્થ નથી. તો હું પણ ભગવતી ચંડિકાને મારું બલિદાન આપી પૂજા કેમ ન કરું?’

સાત્ત્વિક વીરવરે આવો નિશ્ચય કરીને વરદાયિની દેવીની સ્તુતિ કરવા માંડી,

‘હે પ્રણત ભક્તોને આશ્રય આપનારી મહેશ્વરી, તને વંદન કરું છું. તારે કારણે જ આ જગત ટક્યું છે. સૃષ્ટિના આરંભે પહેલાં તું જ જન્મી હતી. તને શિવે સ્વંય જોયાં હતાં. તું વિશ્વનું સર્જન કરીને પોતાના પ્રચંડ તેજ વડે ઉગ્ર અને સર્જાયેલા નવા કરોડો સૂર્યની પંક્તિની જેમ પ્રગટી. તેં ખડ્ગ, ખટક, ધનુષ અને શૂલ વગેરે ધારણ કરેલા બાહુમંડળ વડે આકાશને છાઈ દીધું. આવી રીતે સ્વયં શિવે તારી સ્તુતિ કરી છે. હે ચંડી, હે ચામુંડા, હે મંગલા, હે ત્રિપુરા, હે જયા, તને પ્રણામ કરું છું. તું શિવા, દુર્ગા, નારાયણી, સરસ્વતી, ભદ્રકાળી, મહાલક્ષ્મી, સિદ્ધા અને રુરુ દાનવનો વધ કરનારી છે. તું જ ગાયત્રી, મહારાજ્ઞી, રેવતી, વિંધ્યવાસિની, ઉષા, કાત્યાયની, શર્વ — પર્વતની નિવાસિની છે. હે દેવી, આ નામો વડે તારી સ્તુતિ કરતા શિવને સાંભળીને સ્કન્દ, વસિષ્ઠ અને બ્રહ્માએ તારી સ્તુતિ કરી છે. તારી સ્તુતિ કરનારા દેવતા, ઋષિ અને મનુષ્યો ધાર્યા કરતાં વધુ વરદાન પ્રાપ્ત કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. એટલે હે વરદાયિની, મારા પર કૃપા કરો અને મારા શરીર વડે પૂજા સ્વીકારો. મારા સ્વામી વિક્રમતુંગનું કલ્યાણ થાઓ,’

આમ કહી જ્યાં તલવાર વડે પોતાનું મસ્તક છેદવા તૈયાર થયો ત્યાં જ આકાશવાણી થઈ. ‘પુત્ર, આવું સાહસ ન કર. હું તારી વીરતાથી પ્રસન્ન છું, તું જોઈએ તે વરદાન માગ.’

આ સાંભળી વીરવરે કહ્યું, ‘હે દેવી, તું સંતુષ્ટ થઈ હોય તો રાજા વિક્રમતુંગ સો વર્ષ જીવે અને મારી પત્ની — મારાં સંતાનો પુનર્જીવિત થાય.’

‘ભલે, એમ જ થશે.’ એમ દિવ્યવાણી થઈ.

તે જ સમયે ધર્મવતી, સત્ત્વવર અને વીરવતી — ત્રણેને જીવતદાન મળ્યું.

આ બધું જોઈને આનંદિત અને આશ્ચર્યચકિત થયેલો રાજા ફરી છાનોમાનો પોતાના મહેલમાં ગયો.

આનંદિત વીરવર બધાને ઘેર મૂકી આવ્યો અને પાછો રાજભવનમાં હાજર થઈ ગયો. આ બધાં દૃશ્ય જોઈને આનંદિત અને ચક્તિ થયેલ રાજા વિક્રમતુંગ ફરી પોતામાં મહેલમાં છાનોમાનો જઈ પહોંચ્યો અને ઉપરથી જ તેણે પૂછયું, ‘અરે કોઈ છે કે?’

તે સાંભળી વીરવરે કહ્યું, ‘હું છું. તે સ્ત્રીની તપાસ કરવા ગયો હતો, પણ તે તો જોતજોતાંમાં અંતર્ધાન થઈ ક્યાંક જતી રહી.’

આ સાંભળીને રાજા વિક્રમતુંગ એકાંત રાત્રિમાં વિચારવા લાગ્યો, ‘આ વીરવર કોઈ અસાધારણ — અપૂર્વ પુરુષ છે. આવું પ્રશંસનીય કાર્ય કર્યું છતાં તેની ચર્ચા નથી કરતો. ગંભીર, વિશાળ અને મહા સત્ત્વશાળી પુરુષ પણ તોફાન આવે તો ખળભળી ઊઠે છે, આની સ્પર્ધા તો સમુદ્ર પણ કરી ન શકે, આ તો તેનાથીય ગંભીર છે. મને જાણ થવા ન દીધી અને પુત્ર, પુત્રી, પત્ની અને પોતાની જાતને સમર્પી દીધાં, હું એનું ઋણ કેવી રીતે ચૂક્વી શકું?’

આ ઘણો બધો વિચાર કરીને રાજા ભવનમાંથી નીચે ઊતર્યો અને આશ્ચર્યમાં ને આશ્ચર્યમાં પોતાના શયનખંડમાં જઈને રાત્રિ વીતાવી.

સવારે સાર્વજનિક સભા ભરી, વીરવર ત્યાં આવ્યો એટલે રાજાએ આગલી રાત્રિની આખી અદ્ભુત ઘટના કહી સંભળાવી. બધાએ વીરવરની પ્રશંસા કરી, રાજાએ ગામ, ગિરાસ, ઘોડા, રત્નો, હાથી આપ્યાં અને દસ કરોડ સુવર્ણમહોર આપી અને સાઠગણી આજીવિકા કરી આપી. વીરવરના નામનો અને તેના પુત્રના નામનો તામ્રપટ લખી આપ્યો. તેના ઉપર શ્વેત છત્ર મુકાયું અને આ વીરવર બ્રાહ્મણ તે સમયે રાજા સમાન થઈ ગયો.

(કથા સરિત્સાગર અલંકારવતી લંબક — ત્રીજો તરંગ)