ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/ખીલો ખેંચનાર વાંદરો
ખીલો ખેંચનાર વાંદરો
કોઈ એક નગરની પાસે વૃક્ષોની ઘટા વચ્ચે એક વાણિયો દેવતાનું મંદિર કરાવતો હતો. ત્યાં જે સ્થપતિ વગેરે કારીગરો હતા તે મધ્યાહ્નકાળે આહારને માટે નગરમાં જતા હતા. હવે એક વાર ત્યાં નજીકમાં રહેતું વાંદરાઓનું યૂથ આમતેમ ભમતું તે સ્થળે આવ્યું. ત્યાં કોઈ એક કારીગરે અર્ધો વહેરેલો આંજણીના લાકડાનો થાંભલો પડ્યો હતો, અને તેની વચમાં ખેરનો ખીલો ખોસેલો હતો. તે સમયે વાંદરાઓ ઝાડની ટોચ ઉપર, મંદિરના શિખર ઉપર અને લાકડાંઓના છેડા ઉપર ઇચ્છાનુસાર રમવા લાગ્યા, જેનું મૃત્યુ નજીક આવ્યું હતું એવો તેમાંનો એક વાંદરો તે અર્ધા વહેરેલા થાંભલા ઉપર બેસીને ખીલો પકડીને ખેંચવાનો પ્રયત્ન કરવા લાગ્યો, તે વખતે થાંભલાની ફાટ વચ્ચે જેનાં વૃષણ લટકતાં હતાં એવા તેની, ખીલો પોતાના સ્થાનેથી ખસી જતાં, જે સ્થિતિ થઈ તે વિશે મેં તમને પહેલાં જ કહ્યું છે.
તેથી હું કહું છું કે — પોતાનું કામ ન હોય એવી બાબતમાં જે માથું મારવા જાય છે તે ખીલો ખેંચનાર વાંદરાની જેમ મરણ પામે છે.