ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/રુક્મિણીઅપહરણ

From Ekatra Wiki
Revision as of 01:51, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રુક્મિણીઅપહરણ

મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના રાજા હતા. તેમને પાંચ પુત્ર અને એક સુંદર કન્યા હતી. સૌથી મોટા પુત્રનું નામ હતું રુક્મી, નાના ભાઈઓનાં નામ હતાં રુક્મરથ, રુક્મબાહુ, રુક્મકેશ અને રુક્મમાલી, તેમની બહેન રુક્મિણીએ જ્યારે શ્રીકૃષ્ણનાં સૌંદર્ય, પરાક્રમ, ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી ત્યારે તેણે નિર્ધાર કર્યો કે હું પરણીશ તો શ્રીકૃષ્ણને. શ્રીકૃષ્ણ પણ જાણતા હતા કે રુક્મિણી પરમ લક્ષણ ધરાવે છે, બુદ્ધિમાન, ઉદાર, સુંદર, શીલવાન છે. એટલે આ જ મારી પત્ની થવાને પાત્ર છે. આમ શ્રીકૃષ્ણે રુક્મિણી સાથે વિવાહ કરવાનો સંકલ્પ કર્યો. રુક્મિણીના ભાઈઓ પણ આ લગ્ન ઇચ્છતા હતા પણ રુક્મીને શ્રીકૃષ્ણ પર ભારે દ્વેષ હતો. તેણે વિવાહ અટકાવ્યો અને પોતાની બહેનને યોગ્ય પતિ શિશુપાલ છે એમ માન્યું.

જ્યારે સુંદરી રુક્મિણીને લાગ્યું કે મારો ભાઈ મને શિશુપાલ સાથે પરણાવવા માગે છે ત્યારે તે બહુ ઉદાસ થઈ ગઈ. પછી ઘણો બધો વિચાર કરીને એક વિશ્વાસુ બ્રાહ્મણને શ્રીકૃષ્ણ પાસે મોકલી આપ્યો. જ્યારે તે બ્રાહ્મણ દ્વારકા પહોંચ્યો ત્યારે દ્વારપાલ રાજમહેલની અંદર તેને લઈ ગયો. બ્રાહ્મણે જોયું તો શ્રીકૃષ્ણ સુવર્ણના સિંહાસન પર બેઠા છે. બ્રાહ્મણને જોઈને તેઓ નીચે ઊતર્યા અને બ્રાહ્મણને સંહાિસન પર બેસાડી તેની પૂજા કરી. આદરસત્કાર, ભોજન પછી શ્રીકૃષ્ણે બ્રાહ્મણના પગ દબાવવા માંડ્યા અને પછી આવવાનું પ્રયોજન પૂછ્યું. ‘કશું ખાનગી ન હોય તો મને કહો.’

પછી બ્રાહ્મણે રુક્મિણીનો સંદેશો કહ્યો, તે શ્રીકૃષ્ણ સાથે જ પરણવા માગતી હતી. શિશુપાલનો સ્પર્શ પણ તે સાંખી શકતી ન હતી. મેં જન્મોજન્મ ભગવાનની આરાધના કરી છે તો શ્રીકૃષ્ણ આવીને મારું પાણિગ્રહણ કરે… જે દિવસે મારો વિવાહ થવાનો હોય તેના એક દિવસ પહેલાં અમારી રાજધાનીમાં ગુપ્ત રીતે આવો. શિશુપાલ — જરાસન્ધની સેનાને નષ્ટ કરી નાખો, બળ પ્રયોજી રાક્ષસવિધિ વડે મારું પાણિગ્રહણ કરો. તમને શંકા હોય કે હું તારા ભાઈઓને માર્યા વિના અંત:પુરમાં પ્રવેશું કેવી રીતે? તો એનો ઉપાય છે. અમારી કુળપરંપરા છે કે વિવાહના આગલા દિવસે કુળદેવીના દર્શન કરવા એક મોટી યાત્રા નીકળે છે. એમાં વિવાહ જેનો કરવાનો છે તેને ગિરિજાદેવીના મંદિરે જવું પડે છે. ઉમાપતિ શંકર જેવા મહાપુરુષ પણ આત્મશુદ્ધિ માટે તમારી ચરણરજથી સ્નાન કરવા માગે છે. જો તમારી ચરણરજ મેળવી નહીં શકું તો મારું શરીર સૂકવી નાખી પ્રાણત્યાગ કરીશ. એ માટે મારે સેકંડો જનમ ભલે લેવા પડે, ક્યારેક તો તમારી કૃપા થશે ને!

બ્રાહ્મણે પછી કહ્યું, ‘આ રુક્મિણીનો ખૂબ જ ખાનગી સંદેશો છે, હવે આ વિશે તમારે જે કરવું હોય તે વિચારીને એ પ્રમાણે કરો.’

શ્રીકૃષ્ણે વિદર્ભરાજકુમારી રુક્મિણીનો આ સંદેશ સાંભળીને બ્રાહ્મણદેવનો હાથ પકડી લીધો અને તે સ્મિતપૂર્વક બોલ્યા, ‘જેવી રીતે વિદર્ભરાજકુમારી મારી ઇચ્છા કરે છે એવી રીતે હું પણ તેમની ઇચ્છા કરું છું. મારું મન તેમનામાં જ પરોવાયેલું રહે છે. એટલે સુધી કે રાતે મને ઊંઘ પણ આવતી નથી. રુક્મીએ દ્વેષથી પ્રેરાઈને આ વિવાહ અટકાવી દીધો છે એ હું જાણું છું. પણ માણસો લાકડીઓ એકબીજા સાથે ઘસીને આગ પેદા કરે છે, એવી જ રીતે યુદ્ધમાં બધાને હરાવીને હું મને ચાહનારી રુક્મિણીને લઈ આવીશ.’

શ્રીકૃષ્ણે જાણી લીધું કે રુક્મિણીના વિવાહ ત્રીજે દિવસે છે એટલે દારુકને કહ્યું, ‘જરાય વિલંબ કર્યા વિના રથ તૈયાર કર.’ દારુકે શ્રીકૃષ્ણના રથમાં શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ચાર અશ્વ જોડ્યા અને શ્રીકૃષ્ણ સામે હાથ જોડીને તે ઊભો રહી ગયો. શ્રીકૃષ્ણ બ્રાહ્મણ દેવતાને રથમાં બેસાડી પછી પોતે બેઠા અને મનોવેગી એ અશ્વો દ્વારા એક જ રાતમાં વિદર્ભ દેશમાં પહોંચી ગયા.

કુંડિનનરેશ ભીષ્મક પોતાના મોટા પુત્ર રુક્મીના સ્નેહમાં તણાઈને પોતાની કન્યા શિશુપાલને વરાવવા માટે વિવાહની તૈયારીઓ કરાવી રહ્યા હતા. નગરના માર્ગો, ચોક, શેરીઓ સાફસુથરા કરાવી દીધા હતા. રંગબેરંગી ધ્વજપતાકા, તોરણોથી શણગાર કર્યો હતો. ત્યાંનાં સ્ત્રીપુરુષો પુષ્પમાળ, હાર, અત્તર, ચંદન, આભૂષણ, સ્વચ્છ વસ્ત્રોથી સજ્જ થયાં હતાં. સુંદર ઘરોમાંથી અગર ધૂપની સુવાસ આવતી હતી. રાજાએ વિધિપૂર્વક પિતૃઓ તથા દેવતાઓનું પૂજન કરીને બ્રાહ્મણોને જમાડ્યા. સુંદર દંતપંક્તિવાળી રુક્મિણીને સ્નાન કરાવ્યું, તેના હાથમાં મંગલ કંકણ પહેરાવ્યાં, ઉત્તમ આભૂષણોથી તેને શણગારી. શ્રેષ્ઠ બ્રાહ્મણોએ સામ, ઋક્, યજુર્વેદના મંત્રોથી તેમની રક્ષા કરી, અથર્વવેદના વિદ્વાન પુરોહિતે ગ્રહશાન્તિ માટે હવન કર્યો. રાજા ભીષ્મક કુળપરંપરા અને શાસ્ત્રીય વિધિઓના ખાસ્સા જાણકાર હતા. તેમણે બ્રાહ્મણોને સોનું, ચાંદી, વસ્ત્ર, ગોળવાળા તલ અને ગાયો આપ્યાં.

એવી જ રીતે ચેદિનરેશ રાજા દમઘોષે પણ પોતાના પુત્ર શિશુપાલ માટે મંત્રવિદ બ્રાહ્મણો પાસે વિવાહ સંબંધી મંગલ કૃત્યો કરાવ્યાં. પછી તેઓ હાથી, રથ, પદાતિઓ, ઘોડેસ્વારોની સેનાને લઈને કુંડિનપુર આવી પહોંચ્યા. વિદર્ભરાજ ભીષ્મકે તેમનો આદરસત્કાર કર્યો, રિવાજ પ્રમાણે પૂજન કર્યું, પછી તેમને માટે ઠરાવેલા જાનીવાસાઓમાં બધાને પહોંચાડ્યા, તે જાનમાં શાલ્વ, જરાસન્ધ, દન્તવક્ત્ર, વિદૂરથ અને પૌણ્ડ્રક જેવા શિશુપાલના સેંકડો મિત્રો આવ્યા હતા. તે બધા શ્રીકૃષ્ણ અને બલરામના વિરોધી હતા, રુકિમણીનો વિવાહ શિશુપાલ સાથે જ કરાવવા તેઓ ત્યાં આવ્યા હતા. તેમણે મનોમન ઠરાવ્યું હતું કે જો શ્રીકૃષ્ણ, બલરામ યાદવોને લઈને કન્યાના અપહરણની કોશિશ કરશે તો આપણે તેમની સાથે લડીશું. એ જ કારણે એ રાજાઓ પોતાની પૂરી સેના, રથ, ઘોડા, હાથી પણ પોતાની સાથે લાવ્યા હતા.

વિપક્ષી રાજાઓની આ તૈયારીઓનો ખ્યાલ બલરામને આવી ગયો, જ્યારે તેમને જાણ થઈ કે શ્રીકૃષ્ણ એકલા જ રાજકુમારીનું અપહરણ કરવા નીકળી પડ્યા છે ત્યારે તેમને લડાઈ થવાની શંકા થઈ. શ્રીકૃષ્ણના બળનો તેમને પરિચય હતો છતાં ભાઈ માટેનો સ્નેહ ઊમટી આવ્યો. તરત જ હાથી, ઘોડા, રથ, પદાતિઓની બહુ મોટી ચતુરંગિણી સેના લઈને કુંડિનપુર જવા નીકળી પડ્યા.

આ બાજુ પરમ સુંદરી રુક્મિણી શ્રીકૃષ્ણના આગમનની રાહ જોઈ રહી હતી. શ્રીકૃષ્ણની વાત બાજુએ રાખો, હજુ બ્રાહ્મણદેવતા પણ પાછા આવ્યા નથી. તે ચિંતાતુર થઈને વિચારવા લાગી. ‘હવે મારા જેવી દુર્ભાગીના વિવાહમાં એક જ રાત બાકી છે. હજુ મારા જીવનસર્વસ્વ શ્રીકૃષ્ણ આવ્યા નથી. આવું કેમ બને એ ખબર નથી પડતી. મારો સંદેશ લઈ જનાર બ્રાહ્મણદેવતા પણ હજુ પાછા ફર્યા નથી. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ અતિ પવિત્ર છે, તેમણે મારામાં કોઈ દુર્ગુણ જોયો હશે — એટલે જ મારો હાથ ઝાલવા તે હજુ સુધી આવ્યા નથી. ભલે, મારું દુર્ભાગ્ય છે, વિધાતા અને ભગવાન શંકર પણ મારે માટે પ્રતિકૂળ છે. રુદ્રપત્ની સતી પાર્વતી પણ મારાથી નારાજ હશે.’

આમ રુક્મિણી આવી અવઢવમાં રોકાઈ હતી, તેનું મન ભગવાને હરી લીધું હતું. એમનો જ વિચાર કરીને ‘હજુ સમય છે!’ એમ માનીને પોતાનાં અશ્રુભરેલાં નેત્ર મીંચી દીધાં. આમ તે કૃષ્ણના આગમનની રાહ જોઈ રહી હતી તે જ વખતે તેનાં ડાબી સાથળ, હાથ, નેત્ર ફરકવાં લાગ્યાં. આ બધું પ્રિયતમના આગમનની એંધાણીરૂપ હતું. એટલામાં જ પેલા બ્રાહ્મણદેવતા આવી ચઢ્યા, અંત:પુરમાં રાજકુમારીને કોઈ ધ્યાનમગ્ન દેવી રૂપે જોઈ. રાજકુમારીએ બ્રાહ્મણદેવતાનું આનંદિત મોં જોયું, એમને જોઈને જ તે સમજી ગઈ કે શ્રીકૃષ્ણ આવી ગયા છે. પછી પ્રસન્ન વદને પૂછ્યું, એટલે તેમણે કહ્યું, ‘શ્રીકૃષ્ણ આવી ગયા છે.’ અને તેમની બહુ પ્રશંસા કરી, ‘રાજકુમારી, તમને લઈ જવાની તેમણે પ્રતિજ્ઞા કરી છે.’ રુક્મિણીએ બ્રાહ્મણદેવતાને વંદન કર્યાં.

રાજા ભીષ્મકે સાંભળ્યું કે શ્રીકૃષ્ણ અને બલરામ મારી કન્યાનો વિવાહ જોવા આવ્યા છે ત્યારે પૂજાની સામગ્રી લઈને તેઓ તેમની પાસે ગયા. તેમનો આદરસત્કાર કર્યો. ત્યાં આવેલા બધા રાજાઓનો પણ સત્કાર કર્યો. વિદર્ભના પ્રજાજનોએ સાંભળ્યું કે શ્રીકૃષ્ણ આવ્યા છે ત્યારે તેઓ ભગવાનને મળવા આવ્યા અને તેમના મુખારવિંદને જોવા લાગ્યા. અંદર અંદર બોલવા લાગ્યા, ‘રુક્મિણી તો આમની પત્ની થવી જોઈએ, આ શ્યામસુંદર જ રાજકુમારીના પતિ થવાને પાત્ર છે. જો અમે પૂર્વજન્મમાં કે આ જન્મમાં કશું સત્કર્મ કર્યું હોય તો ભગવાન અમારા પર પ્રસન્ન થાય, અને રુક્મિણીનું પાણિગ્રહણ તેઓ જ કરે.’

લોકો આવી વાતો કરી રહ્યા હતા ત્યારે રુક્મિણી અંત:પુરમાંથી નીકળીને દેવીમંદિરે જવા માંડી. તેની સુરક્ષા માટે ઘણા સૈનિકો હતા. શ્રીકૃષ્ણના ચરણકમળના વિચાર કરતી તે ભવાની ભગવતીનાં દર્શન કરવા પગે ચાલીને નીકળી. તે મૂગી મૂગી ચાલતી હતી. માતાઓ અને સખીઓ એને વીંટળાયેલી હતી. કવચ પહેરેલા શૂરવીર રાજસૈનિકો અસ્ત્રશસ્ત્ર લઈને તેમની રક્ષા કરી રહ્યા હતા. તે સમયે ઘણાં વાજિંત્રો વાગી રહ્યાં હતાં. ઘણી બ્રાહ્મણપત્નીઓ પુષ્પમાળા, ચંદન સાથે, સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને સાથે ચાલી રહી હતી, તથા ઘણા ઉપહાર, પૂજનની સામગ્રી લઈને શ્રેષ્ઠ વારાંગનાઓ પણ સાથે હતી. ગવૈયાઓ ગીતો ગાતા હતા, વાજાંવાળા વાજંત્રિ વગાડતા હતા અને સૂત, માગધ, બંદીજનો રાજકુમારીની ચારે બાજુ જયજયકાર કરી રહ્યા હતા. મંદિરે પહોંચીને રાજકુમારીએ કમળ જેવા હાથપગ ધોયા, આચમન લીધું, પછી બધી રીતે પવિત્ર અને શાંત ભાવે અંબિકાદેવીના મંદિરમાં પ્રવેશ કર્યો. ઘણા બધા વિધિવિધાનની જાણકાર વૃદ્ધ બ્રાહ્મણીઓ પણ તેમની સાથે હતી. તેમના કહેવાથી રુક્મિણીએ ભગવાન શંકરની પત્ની ભવાનીને અને શંકરને પ્રણામ કર્યાં, રુક્મિણીએ ભગવતીને પ્રાર્થના કરી, ‘હે અંબિકા માતા, તમારા ખોળામાં બેઠેલા ગણેશ અને તમને મારાં અઢળક પ્રણામ. મારી અભિલાષા પૂર્ણ થાય એવો આશીર્વાદ આપો. શ્રીકૃષ્ણ જ મારા પતિ થાય.’ પછી રુક્મિણીએ જળ, અક્ષત, ધૂપ, વસ્ત્ર, પુષ્પમાળા, આભૂષણ, અનેક નૈવેદ્ય, ભેટ વગેરેથી અંબિકાદેવીની પૂજા કરી, પછી બીજા સાધનસામગ્રી વડે બ્રાહ્મણપત્નીઓની પણ પૂજા કરી. બ્રાહ્મણીઓએ તેને આશીર્વાદ આપ્યા. પૂજાવિધિ પૂરી થઈ એટલે મૌનવ્રત મૂકી દીધું અને રત્નજડિત વીંટીવાળા હાથે એક સાહેલીનો હાથ પકડ્યો અને તે ગિરિજામંદિરની બહાર નીકળી.

રુક્મિણી ભગવાનની માયા જેવી, મોટા મોટા ધીર — વીરને મોહ પમાડે એવી હતી. તેનો કટિપ્રદેશ પાતળો હતો. કુંડળોની શોભા મોં પર હતી. કિશોરાવસ્થા અને તરુણાવસ્થાના સંધિકાળે તે હતી. નિતંબ પર સુંદર કંદોરો હતો. વક્ષ:સ્થળ ઉન્નત હતું, તેની આંખો લટકાળી અલક લટોને કારણે ચંચલ હતી. હોઠ પર સ્મિત હતું, દાંત કુન્દકળી જેવા હતા. પગનાં ઝાંઝર ચમકતાં હતાં અને મંજુલ ધ્વનિ કરતાં હતાં. સુકુમાર ચરણકમળથી રાજહંસની જેમ ચાલી રહી હતી. તેની આ અપૂર્વ સુંદરતા જોઈ ભલભલા વીર મોહ પામી ગયા. કામદેવે જ ભગવાનનું કાર્ય સિદ્ધ કરવા પોતાના બાણ વડે તેમનાં હૃદય વીંધી નાખ્યાં, ઉત્સવયાત્રાના નિમિત્તે રુક્મિણી મંદમંદ ગતિથી આગળ વધી રહી હતી, શ્રીકૃષ્ણ પર પોતાનું સઘળું સૌંદર્ય ન્યોછાવર કરી રહી હતી. રુક્મિણીની અદ્ભુત સુંદરતા, તેનું સ્મિત જોઈને મોટા મોટા રાજાઓ મોહ પામી બેસુધ થઈ ગયા, તેમના હાથમાંથી અસ્ત્રશસ્ત્ર નીચે પડી ગયાં. તેઓ પોતે પણ રથ, હાથી, ઘોડા પરથી પડીને નીચે આવી ગયા. રુક્મિણી શ્રીકૃષ્ણના આગમનની પ્રતીક્ષા કરતી પોતાના કમળ સમા પગ ધીરે ધીરે આગળ મૂકતી હતી.

તેણે પોતાના ડાબા હાથની આંગળીઓથી મોઢા પર આવી ગયેલી કેશલટોને હટાવી અને ત્યાં આવેલા રાજાઓને લજ્જા પામીને જોયા. તે જ વેળા રાજકુમારીએ શ્રીકૃષ્ણને જોયા. તે રથ પર બેસવા જતી જ હતી ત્યાં શ્રીકૃષ્ણે બધા શત્રુઓના દેખતાં રુક્મિણીને ઊંચકી લીધી અને બધા રાજાઓના માથા પર પગ મૂકીને રાજકુમારીને ગરુડના ચિહ્નવાળા પોતાના રથ પર બેસાડી દીધી, જેવી રીતે સિંહ શિયાળવાંની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય એવી રીતે રુક્મિણીને લઈને શ્રીકૃષ્ણ બલરામ સાથે નીકળી પડ્યા. જરાસન્ધના આશ્રિત અભિમાની રાજાઓ પોતાના તિરસ્કાર અને કીર્તિનાશ સહી ન શક્યા. તેઓ બોલવા લાગ્યા, ‘અરે, આપણને ધિક્કાર છે, અત્યારે ધનુષ ઝાલીને આપણે ઊભા રહી ગયા અને જેવી રીતે સિંહના ભાગને હરણ લઈ જાય એવી રીતે આપણો યશ આ ગોવાળિયા ધૂળમાં મેળવતા ગયા.’

આમ બધા રાજા ક્રોધે ભરાયા, કવચ પહેરીને પોતપોતાનાં વાહન પર, સેના લઈને શ્રીકૃષ્ણની પાછળ દોડ્યા. જ્યારે યાદવોએ જોયું કે શત્રુદળ આપણા પર હુમલો કરવા આવે છે ત્યારે તેમણે પણ ધનુષટંકાર કર્યો અને તેમની સામે ઊભા રહી ગયા. જરાસન્ધના સૈનિકો ઘોડા પર, હાથી પર, રથ પર આરૂઢ હતા, તે બધા ધનુર્વિદ્યા સારી રીતે જાણતા હતા. જેવી રીતે વાદળ પહાડો પર મુસળધાર વરસાદ ઝીંકે તેવી રીતે તેઓ યાદવો પર બાણવર્ષા કરતા હતા. રુક્મિણીએ જોયું કે શ્રીકૃષ્ણની સેના બાણવર્ષા નીચે ઢંકાઈ ગઈ છે ત્યારે ભયભીત થઈને તેણે શ્રીકૃષ્ણ સામે જોયું. શ્રીકૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘સુન્દરી, ગભરાઈશ નહીં. હમણાં જ મારી સેના દુશ્મનોની સેનાનો નાશ કરી નાખશે.’ ગદ, સંકર્ષણ વગેરે યાદવો શત્રુઓનાં પરાક્રમને વેઠી ન શક્યા. તેઓ બાણવર્ષા કરીને રથ, ઘોડા, હાથી પર બેઠેલા શત્રુઓ મારી નાખવા લાગ્યા. શત્રુઓનાં અંગ પૃથ્વી પર પડવાં લાગ્યાં. આમ તેમના હાથી, ઘોડા, ખચ્ચર, મનુષ્યોનાં મસ્તક પર કપાઈ કપાઈને જમીન પર પડવાં લાગ્યાં. આમ વિજયની સાચી આકાંક્ષાવાળા યાદવોએ શત્રુઓને છિન્નભિન્ન કરી નાખ્યા, જરાસન્ધ અને બીજા રાજાઓ પીઠ બતાવીને ભાગી ગયા.

શિશુપાલ તો પોતાની ભાવિ પત્ની છિનવાઈ ગઈ એટલે સાવ ભાંગી પડ્યો. ન તો મોં પર કશો ઉત્સાહ રહ્યો, ન શરીર પર કાન્તિ. તેની પાસે જઈને જરાસન્ધે કહ્યું, ‘શિશુપાલ, તમે તો મહાપુરુષ છો, આ ઉદાસીનતા દૂર કરો. કોઈ ઘટના સર્વદા મનને અનુકૂળ હોય — પ્રતિકૂળ હોય — તો કોઈ પણ પ્રાણીના જીવનમાં સ્થિરતા નથી જોવા મળતી. જેવી રીતે કઠપૂતળી તેના કસબીની ઇચ્છા પ્રમાણે નાચે છે એવી રીતે બધાં પ્રાણીઓ પણ ભગવદ્ ઇચ્છાને વશ થઈને જીવે છે. જુઓ, શ્રીકૃષ્ણે મને સત્તર વાર હરાવ્યો, મેં માત્ર એક જ વાર તેમને હરાવેલ, પણ એ વાતે હું જરાય શોક નથી કરતો, નથી આનંદ પામતો. હું જાણું છું કે પ્રારબ્ધ પ્રમાણે કાળભગવાન આ ચરાચર જગતને ચલાવે છે. આપણે બહુ મોટા સેનાપતિઓના નાયક છીએ વાત સાચી, અત્યારે યાદવોની નાની સેનાએ આપણને હરાવી દીધા છે. શત્રુઓનો વિજય થયો છે. કાળ એમને અનુકૂળ છે. જ્યારે કાળ આપણને અનુકૂળ થશે ત્યારે આપણે પણ એમને જીતી લઈશું.’ મિત્રોએ આવી રીતે શિશુપાલને સમજાવ્યો ત્યારે તે પોતાની રાજધાનીમાં ચાલ્યો ગયો અને બીજા રાજાઓ પણ પોતપોતાનાં નગરોમાં ગયા.

રુક્મિણીનો મોટો ભાઈ રુક્મી ભગવાન શ્રીકૃષ્ણનો મોટો દ્વેષી હતો. મારી બહેનનું અપહરણ શ્રીકૃષ્ણ કરી જાય એ વાત તે સહી શક્યો ન હતો. તે બળવાન તો હતો જ. એક અક્ષૌહિણી સેના લઈને તેણે શ્રીકૃષ્ણનો પીછો કર્યો. તે ક્રોધે રાતોપીળો થઈ ગયો હતો. કવચ પહેરીને, ધનુષ લઈને તેણે બધા રાજાઓ આગળ પ્રતિજ્ઞા કરી કે ‘હું તમારા બધાના દેખતાં પ્રતિજ્ઞા કરું છું કે હું જો યુદ્ધમાં શ્રીકૃષ્ણનો વધ ન કરી શકું અને મારી બહેનને પાછી ન આણી શકું તો મારા નગર કુંડિનપુરમાં પગ નહીં મૂકું.’ એમ કહી રથમાં બેઠો અને તેણે સારથિને કહ્યું, ‘જ્યાં કૃષ્ણ હોય ત્યાં તું મારો રથ લઈ જા. હવે આજે હું એની સાથે યુદ્ધ કરીશ. આજે મારાં તમતમતાં બાણોથી એ મૂરખ ગોવાળિયાનું અભિમાન ઉતારી દઈશ. એની હિંમત તો જુઓ, મારી બહેનને જોરજુલમથી લઈ ગયો છે.’

રુક્મીની બુદ્ધિ બહેર મારી ગઈ હતી, તે શ્રીકૃષ્ણના પ્રભાવને જરાય જાણતો ન હતો. એટલે જ આવો બકવાસ કરી રહ્યો હતો. પછી તે શ્રીકૃષ્ણની પાસે પહોંચીને બોલ્યો, ‘ઊભો રહે — ઊભો રહે.’ તેણે ત્રણ બાણ મારીને કહ્યું, ‘એક ક્ષણ મારી સાથે ઊભો તો રહે. યદુવંશીઓના કુલાંગાર, જેવી રીતે કાગડો હોમની સામગ્રી ચોરી જાય એવી રીતે તું મારી બહેનને ચોરીને લઈ જાય છે. તું માયાવી છે, કપટયુદ્ધમાં કુશળ છે. આજે હું તારું અભિમાન ઓગાળી નાખીશ. તને મારાં બાણ ધરતી પર સૂવડાવી ન દે ત્યાં સુધી આ કન્યાને મૂકીને ભાગી જા.’

રુક્મીની વાત સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા. તેમણે તેનું ધનુષ ભાંગી નાખ્યું અને છ બાણ માર્યાં. આઠ બાણ ચાર ઘોડા પર, બે બાણ સારથિ પર માર્યાં. ત્રણ બાણ વડે તેના રથની ધજા કાપી નાખી. રુક્મીએ બીજું ધનુષ લઈને શ્રીકૃષ્ણને પાંચ બાણ માર્યાં. શ્રીકૃષ્ણે તેનું બીજું ધનુષ પણ ભાંગી નાખ્યું. રુક્મીએ ત્રીજું ધનુષ લીધું, તે પણ શ્રીકૃષ્ણે ભાંગી નાખ્યું. આમ રુક્મીએ જેટલાં જેટલાં શસ્ત્ર લીધાં તે બધાં ભગવાને તોડી જ નાખ્યાં. હવે ક્રોધે ભરાઈને રુક્મી હાથમાં તલવાર લઈને શ્રીકૃષ્ણને મારી નાખવાની ઇચ્છાથી રથમાંથી કૂદી પડ્યો, જેવી રીતે પતંગિયું આગમાં ઝંપલાવે તેમ તે તૂટી પડ્યો. જ્યારે શ્રીકૃષ્ણે જોયું કે રુક્મી મારા પર હુમલો કરવા આવી રહ્યો છે ત્યારે બાણ મારીને તેનાં ઢાલ-તલવાર ભાંગી નાખ્યાં અને તેને મારી નાખવા હાથમાં તીક્ષ્ણ તલવાર લીધી. રુક્મિણીએ જોયું કે હવે તો શ્રીકૃષ્ણ મારા ભાઈને મારી જ નાખશે. ત્યારે તે ભયવિહ્વળ થઈને તેમને પગે પડીને બોલી, ‘દેવતાઓના આરાધ્ય દેવ, તમે તો યોગેશ્વર છો. તમારા સ્વરૂપનો તાગ તો કોણ પામી શકે? તમે મહાવીર છો, પણ સાથે સાથે કલ્યાણકારી છો. મારા ભાઈનો વધ કરવો તમને શોભશે નહીં.’

રુક્મિણીનું આખું શરીર ભયને કારણે ધૂ્રજી રહ્યું હતું. શોકને કારણે તેનું મોં સુકાઈ ગયું હતું, ગળું રુંધાઈ ગયું હતું. તેનો સુવર્ણહાર ગળામાંથી પડી ગયો, અને આમ જ ભગવાનના પગે પડી હતી. શ્રીકૃષ્ણ તેને ભયભીત જોઈને દયાળુ બની ગયા. તેમણે રુક્મીનો વધ કરવાનો વિચાર જતો કર્યો, છતાં રુક્મી અનિષ્ટ કરવામાંથી ઊંચો આવ્યો જ નહીં.

શ્રીકૃષ્ણે રુક્મીને તેના ખેસ વડે જ બાંધી દીધો. તેનાં દાઢીમૂછ મૂંડીને તેને વિકૃત બનાવી દીધો. ત્યાં સુધીમાં તો યાદવોએ રુક્મીની સેનાનો સર્વનાશ કરી દીધો. પછી તેઓ શ્રીકૃષ્ણ પાસે આવ્યા, તેમણે જોયું તો રુક્મી ખેસ વડે બંધાયેલો છે. તેને જોઈને બલરામને બહુ દયા આવી, તેનાં બંધન કાપી નાખ્યાંં. શ્રીકૃષ્ણને તેમણે કહ્યું, ‘આવું નિંદાજનક કાર્ય તારે કરવાનું ન હતું. આવી રીતે આપણા સંબંધીનાં દાઢીમૂછ મૂંડી કાઢવાં એ પણ એક પ્રકારની હત્યા છે.’

પછી બલરામે રુક્મિણીને કહ્યું, ‘તારા ભાઈને વિરૂપ કર્યો છે એ જોઈને અમારા પર ગુસ્સે ન થઈશ. જીવને સુખદુઃખ આપનાર બીજું કોઈ જ નથી.’

પછી શ્રીકૃષ્ણ અને રુક્મિણી સાથે પેટછૂટી વાતો કરી. છેવટે રુક્મિણીના મનનું સમાધાન થયું. રુક્મીની સેનાનો નાશ થયો, તેનો ભંગ થયો. માત્ર તેનો જીવ જ બચ્યો હતો. તેની બધી અભિલાષાઓ ખતમ થઈ ગઈ હતી, તેમ છતાં તે પોતાની વિકૃત અવસ્થા ભૂલી શકતો ન હતો. તેણે પોતાના માટે ભોજકટ નામની એક નગરી વસાવી. તેણે પહેલાં પ્રતિજ્ઞા કરી જ હતી કે હું શ્રીકૃષ્ણને મારીશ નહીં અને બહેનને છોડાવીશ નહીં ત્યાં સુધી કુંડિનપુરમાં પગ નહીં મૂકું.’ એટલે નવી નગરીમાં ક્રોધે ભરાઈને રહેવા લાગ્યો.

ભગવાન શ્રીકૃષ્ણે આમ બધા રાજાઓને જીતી લીધા અને વિદર્ભ રાજકુમારી રુક્મિણીને દ્વારકા આણીને વિધિપૂર્વક તેની સાથે લગ્ન કર્યું. તે વખતે દ્વારકામાં મોટો ઉત્સવ થયો, બધાને શ્રીકૃષ્ણ માટે કેટલો બધો પ્રેમ હતો… બધાં સ્ત્રીપુરુષોએ કાને મણિનાં કુંડળ પહેર્યાં હતાં. બધાંએ પતિપત્નીને ઘણી બધી ભેટસોગાદ આપી. દ્વારકાની શોભા અદ્ભુત હતી, મોટી મોટી ધજાપતાકા લહેરાતી હતી. સુંદર માળા, વસ્ત્રો અને રત્નોનાં તોરણ બાંધ્યાં હતાં. ઘેર ઘેર દૂધ દહીં વગેરે શુભ પદાર્થો હતાં. પાણી ભરેલા કળશ, અગર, ધૂપની સુંગધ હતી. અનેક મિત્રરાજાઓને આમંત્રિત કર્યા હતા. દરેક ઘરના દરવાજે કેળના થાંભલા, સોપારીનાં ઝાડ હતાં. બધા વેશના લોકો આનંદોત્સવ મનાવી રહ્યા હતા. જ્યાં ને ત્યાં રુક્મિણીહરણની કથા ગવાઈ રહી હતી. એ સાંભળીને બધાને ખૂબ અચરજ થયું. ભગવતી લક્ષ્મી રુક્મિણીના રૂપે આવેલાં જોઈ, લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણની સાથે જોઈને દ્વારકાનાં સ્ત્રીપુરુષોને ખૂબ જ આનંદ થયો.