ભારતીયકથાવિશ્વ−૪બ્રહ્મપુરાણ/શૂરસેન રાજાના પુત્રની કથા

From Ekatra Wiki
Revision as of 12:21, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શૂરસેન રાજાના પુત્રની કથા

પ્રતિષ્ઠિતપુરમાં શૂરસેન નામનો રાજા થઈ ગયો. રાજાએ પુત્રપ્રાપ્તિ માટે બહુ પ્રયત્ન કર્યા અને છેવટે જ્યારે પુત્ર જન્મ્યો ત્યારે તે સર્પની આકૃતિ ધરાવતો હતો. રાજકુમાર સર્પ છે તે વાત કોઈ જાણી ન જાય તેટલા માટે રાજાએ પુત્રને છુપાવી રાખ્યો હતો. કોઈ કરતાં કોઈને આ વાતની જાણ થઈ જ ન હતી. અમાત્ય અને પુરોહિત પણ આ વાત જાણતા ન હતા. રાજારાણીને એ સર્પપુત્રને જોઈને ભારે સંતાપ થયા કરતો હતો. આના કરતાં તો પુત્ર ન હોય તે સારું એવું તેમને લાગતું હતું. સર્પાકૃતિ હોવા છતાં તે મનુષ્યની જેમ વાતો કરી શકતો હતો. તેણે જ પિતાને પોતાના ચૂડાસંસ્કાર, ઉપનયન, વેદાધ્યયન સંસ્કાર કરવા પણ જણાવ્યું હતું. જે વેદાભ્યાસ ન કરે તે શૂદ્ર કહેવાય. આ જાણીને રાજાને બહુ દુઃખ થયું છતાં કોઈ બ્રાહ્મણને બોલાવી આ બધા સંસ્કાર રાજાએ કરાવ્યા. પછી તે પુત્રે કહ્યું, ‘રાજન્, મારી ઇચ્છા સ્ત્રીની છે. પુત્ર વિના નરક પ્રાપ્ત થાય.’ પુત્રની વાત સાંભળીને રાજાને બહુ નવાઈ લાગી. તેણે સર્પાકૃતિ ધરાવતા પુત્રને કહ્યું, ‘ભલભલા શૂરવીરો પણ સર્પના ફૂંફાડાથી બીએ છે તો કોણ તને કન્યા આપશે? તું જ કહે, હું શું કરું?’

આ સાંભળી પુત્રે કહ્યું, ‘રાજાઓ તો ઘણી બધી રીતે વિવાહ કરતા હોય છે. કોઈ કન્યાનું અપહરણ પણ કરી શકાય અથવા કોઈ શસ્ત્ર સાથે પણ કન્યાનું લગ્ન થાય. પુત્રનો વિવાહ કર્યા પછી પિતાનો જન્મ સાર્થક થાય. જો તમે આમ નહીં કરો તો હું ગંગામાં કૂદીને આત્મહત્યા કરીશ. આમાં જરાય શંકા ન કરતા.’

પુત્રનો આવો નિર્ધાર સાંભળીને રાજા ચંતાિતુર થયો પછી વિવાહ કરાવવા માટે તેણે પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું, ‘મારો આ પુત્ર નાગેશ્વર છે અને તે ગુણોનો ભંડાર છે. આ પૃથ્વી પર તેનો બરોબરિયો કોઈ નથી. અતિશય ગુણવાન છે, શત્રુઓને સંતાપ આપનારો છે. ધનુવિર્દ્યામાં તેને કોઈ હરાવી નહીં શકે. હું વૃદ્ધ થયો છું એટલે તેનો વિવાહ કરવો આવશ્યક છે. હું રાજ્યનો બધો કારભાર તેને સોંપી દેવા માગું છું. મારો પુત્ર છે ત્યાં સુધી મારે હવે નવી પત્નીઓ નથી કરવી. તે બાલભાવ ત્યજી શકતો નથી. એટલે તમે મારા હિતનો વિચાર કરીને તેના વિવાહ માટે પ્રયત્ન કરો. તેનો વિવાહ થશે એટલે મારી બધી ચંતાિઓ દૂર થઈ જશે. પછી હું વનમાં જઈને તપ કરી શકીશ.’

મંત્રીઓએ રાજાની વાત બહુ હર્ષપૂર્વક સાંભળી અને તેમણે કહ્યું, ‘તમારો પુત્ર તો ગુણવાન છે અને તમને તો બધા સારી રીતે જાણે છે, તમારે કશી ચંતાિ કરવાનું કારણ નથી.’ પછી રાજાએ તેમને પોતાના પુત્રની વાસ્તવિકતા કહી, તેઓ એ કશું જાણતા ન હતા. રાજાએ તેમને ગુણવાન કન્યા શોધવા કહ્યું, તથા સંબંધ રાખવા યોગ્ય રાજાની શોધ કરવા પણ કહ્યું.

રાજાની આ વાત મંત્રીઓમાં સૌથી વધુ બુદ્ધિશાળી અને રાજાનો હિતચંતિક જે હતો તેણે કહ્યું, ‘પૂર્વ દેશમાં અગણિત હાથીઘોડા અને રત્નો ધરાવતો વિજય નામનો એક રાજા છે. આ રાજાના આઠ ધનુર્ધારી અને બળવાન પુત્ર છે, આ બધા ભાઈઓ વચ્ચે એક ભોગવતી નામની લક્ષ્મીસદૃશ બહેન છે, તે આપના પુત્રને શોભે તેવી છે.’

વૃદ્ધ પ્રધાનની વાત સાંભળીને રાજા બોલ્યા, ‘તે રાજાની પુત્રી મારા પુત્રની પત્ની કેવી રીતે થશે તે મને કહો.’

પ્રધાને કહ્યું, ‘તમારા મનની વાત મેં જાણી લીધી. મારે જે કરવાનું છે તે માટે મને આજ્ઞા આપો.’

તેમની વાત સાંભળીને રાજાએ તેમને વસ્ત્રાભૂષણ આપ્યાં અને મોટી સેના આપીને મોકલ્યા. મંત્રી પૂર્વદેશમાં ગયા અને રાજાને મળીને બધી વાત કરી. શૂરસેન રાજાના પુત્ર સાથે ભોગવતીનો વિવાહ કરવા રાજાને બધી રીતે સમજાવ્યા અને તે રાજાએ વિવાહની હા પણ પાડી.

પ્રધાને કહ્યું, ‘શૂરસેન રાજાનો પુત્ર વિખ્યાત છે અને પરમ બુદ્ધિમાન છે, તે અહીં આવવા માગતો નથી. ક્ષત્રિયોના વિવાહ ઘણી વખત આ રીતે થતા હોય છે. વસ્ત્ર અને અલંકાર સાથે વિવાહ થતા હોય છે. તો તમે પણ એ પ્રમાણે વિવાહ કરવાની અનુમતિ આપો.’

વિજય રાજાએ તેમની વાત માની લીધી અને ભોગવતીનો વિવાહ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્યો, પુત્રીને પણ વળાવી. પહેરામણી પણ સારી એવી આપી.

ભોગવતી સાસુસસરાની સેવા સારી રીતે કરતી થઈ. તેનો પતિ નિર્જન પ્રદેશમાં રહેતો હતો, તેણે વારે વારે કહેવડાવ્યું હતું કે મારી પત્નીને અહીં મોકલો. એટલે રાણીએ તેની એક દાસીને કહ્યું, ‘હવે તું ભોગવતીને કહજે કે તારો પતિ સાપ છે. આ સાંભળીને તેનો કેવો પ્રતિભાવ છે તે પણ જોજે.’

દાસીએ આ વાત કહેતાં જણાવ્યું, ‘હું તો તમારા પતિને એક દેવતા માનું છું, પણ તમે આ વાત કોઈને જણાવતા નહીં.’

આ સાંભળી ભોગવતીએ કહ્યું, ‘સામાન્ય રીતે મનુષ્યસ્ત્રીઓનો પતિ મનુષ્ય જ હોય પણ જો તેનો પતિ દેવ હોય તો તો વાત જ શી! આવો પતિ તો બહુ પુણ્યશાળીને જ મળે.’

ભોગવતીની આ વાત દાસીએ શબ્દશ: રાજમાતાને અને રાજાને કહી. રાજા આ સાંભળીને અશ્રુપાત કરવા લાગ્યા.

ભોગવતીએ તે દાસીને બોલાવી કહ્યું, ‘મને તું મારા પતિનું દર્શન તો કરાવ. મારું યૌવન વેડફાઈ રહ્યું છે.’

પછી દાસીએ તેને તેનો પતિ દેખાડ્યો. સુવાસિત પુષ્પો અને રત્નોથી સુશોભિત શય્યા પર એક ભીષણ સર્પ હતો. તેણે બંને હાથ જોડ્યા અને કહ્યું, ‘હું ધન્ય છું કે આવો દેવતા મને પતિ તરીકે મળ્યો.’

આમ કહીને તે પલંગ પર બેસી ગઈ. અને ગીતો સંભળાવી પતિને આનંદ કરાવ્યો. પછી તેણે પત્નીને કહ્યું, ‘તમે તો રાજકન્યા છો, પછી મને જોઈને તમને બીક કેમ ન લાગી?’

આ સાંભળી ભોગવતી બોલી, ‘વિધાતાના લેખ કોણ મિથ્યા કરી શકે? સ્ત્રી માટે તો તેનો પતિ જ સર્વસ્વ.’

સર્પે કહ્યું, ‘તારી ભક્તિભાવનાથી હું બહુ સંતુષ્ટ છું. બોલ, તને શું આપું? તારા કારણે જ મારી સ્મૃતિ પાછી આવી છે. ભયાનક ક્રોધી શંકર ભગવાને મને શાપ આપ્યો હતો. હું શેષપુત્ર મહેશ્વર પ્રભુને ત્યાં રહેતો હતો. તું મારી જ પત્ની હતી. ભગવાન શંકર ઉમાદેવીની કોઈ વાત સાંભળીને હસી પડ્યા હતા. એમને જોઈને મને પણ હસવું આવ્યું. એટલે ભગવાને ક્રોધે ભરાઈને મને શાપ આપ્યો, ‘જા, તું મનુષ્યયોનિમાં સર્પ થઈશ પણ જ્ઞાની રહીશ.’ તે સમયે મારી સાથે તેં પણ ભગવાનને પ્રસન્ન કર્યા હતા. ભગવાને આપણને ગૌતમીમાં સ્નાન કરવા કહ્યું હતું. એટલે તું મને ગૌતમીમાં સ્નાન કરાવ અને આપણે શાપમુક્ત થઈએ.’

એટલે ભોગવતી પોતાના પતિ સાથે નદીકાંઠે ગઈ અને નદીમાં સ્નાન કરી શિવપૂજા કરી, શાપમુક્ત થયા પછી તેણે માતાપિતા પાસે શિવલોક જવા આજ્ઞા માગી ત્યારે તેના પિતાએ રાજ્યનું શાસન કરવા જણાવ્યું. પુત્રે તેમની વાત માની, રાજ્યનું અને સંસારનું સુખ ભોગવી તે પત્ની સાથે શિવલોક ગયો.


(બીજો ખંડ)