ભારતીયકથાવિશ્વ−૪/મત્સ્યપુરાણ/શંકર અને પાર્વતી-વીરકની કથા
એક વેળા બ્રહ્માએ રાત્રિદેવીને બોલાવીને કહ્યું, ‘અત્યારે દેવતાઓ માટે એક મોટું કાર્ય કરવાનું આવ્યું છે અને તે તારે પાર પાડવાનું છે. દૈત્યરાજ તારક દેવતાઓનો મોટો શત્રુ છે. તેના વિનાશ માટે શંકર-પાર્વતીના પુત્રની પ્રતીક્ષા છે. દક્ષપુત્રી પોતાના શરીરને અગ્નિકુંડમાં હોમીને ભસ્મ કરી બેઠી છે. તે કન્યા હવે હિમાચલની કન્યારૂપે જન્મશે. ભગવાન શંકર સતીના મૃત્યુ પછી તપ કરતા બેઠા છે. શંકર અને પાર્વતીનો પુત્ર તારકાસુરનો વધ કરશે. આ બંને પતિપત્ની વચ્ચે થોડો ઝઘડો પણ થશે. હવે તારે પાર્વતીની માતા મેનાના ગર્ભાશયમાં પ્રવેશી તેના ઉપર તારા રૂપની છાયા નાખી દેજે, શંકર ભગવાન મજાકમાં પાર્વતીની નિંદા કરશે અને દેવી ક્રોધે ભરાઈ તપ કરવા જશે. તપમાંથી નિવૃત્ત થઈને તે પાછી આવશે ત્યારે શંકરના સંપર્કથી એક પુત્રને જન્મ આપશે, તે દેવશત્રુઓનો સંહાર કરશે. તારી પણ કીર્તિ થશે, પ્રજા તને એકાનંશા તરીકે પૂજશે.’
બ્રહ્માની આજ્ઞા થઈ એટલે વિભાવરી દેવી હિમાચલભવને જઈ પહોેંચી. ત્યાં વિશાળ અગાશી પર દીવાલને અડેલીને બેઠેલી મેનાને જોઈ, તે થોડી ફ્ક્કીિ પડી ગઈ હતી. ત્યાં દિવસ પૂરો થયો અને બધા નિદ્રાધીન થયા ત્યારે રાત્રિદેવી મેનાના મેંમાં પ્રવેશી અને મેનાના ઉદરમાં સાકાર થઈ રહેલી પાર્વતીને પોતાના રંગે રંગી દીધી. બ્રાહ્મમુહૂર્તમાં મેનાએ કન્યાને જન્મ આપ્યો. પાર્વતી પ્રગટી એટલે ત્રણે લોક સુખી થયા, ક્રૂર પ્રાણીઓ શાન્ત થઈ ગયાં, જ્યોતિર્ગણોનું તેજ વધ્યું, જંગલી ઔષધિઓ ફાલી, પુષ્પોની સુગંધ વધી. તે સમયે હિમાચલ પાસે નારદ મુનિ બેઠા હતા, મેનાએ લજ્જાવશ બનીને નારદને વંદન કર્યાં. નારદે મેનાને આશીર્વાદ આપ્યા. પાર્વતી આ જોઈ ચકિત થઈ. અદ્ભુત રૂપવાન નારદ મુનિ સામે તે એકીટશે જોઈ રહી હતી. નારદે તેને પોતાની પાસે બોલાવી પણ તે પિતાના ખોળામાં જ બેસી રહી. મેનાએ પાર્વતીને કહ્યું, ‘પુત્રી, નારદમુનિને પ્રણામ કરો. તને યોગ્ય પતિ મળશે.’ પછી પાર્વતીએ મેં વસ્ત્રથી ઢાંકી દીધું, પણ કશું બોલી નહીં, માતાએ ફરી તેને કહ્યું, ‘તું જો ઋષિને પ્રણામ કરીશ તો તને એક સુંદર વસ્તુ ભેટ આપીશ.’ એટલે પાર્વતીએ નારદ મુનિના બંને પગ ઊંચકીને પોતાના મસ્તકે મૂક્યા.
પછી મેનાએ પોતાની સખી દ્વારા મુનિને વિનંતી કરી, એટલે મુનિએ સ્મિત કરીને કહ્યું,‘ આનો પતિ તો જગતમાં હજુ જન્મ્યો જ નથી. તે પોતાની છાયા સાથે એકલી જ રહેશે.’
આ સાંભળીને હિમાચલ તો ખૂબ જ વ્યથિત થયા, એટલે નારદે તેમને ધીરજ બંધાવી સમજાવ્યા. ‘મારી વાત ધ્યાનથી સમજો. મેં એમ કહ્યું કે આનો પતિ જન્મ્યો જ નથી. એટલે મહાદેવ જન્મ્યા જ નથી. તે અનાદિ, અનંત છે. તેમનો જન્મ ન થાય. એટલે આ કન્યાના પતિ શંકર થશે. આ કન્યાનો હાથ હમેશા ઉપર જ રહેશે, તે બધા માટે, વરદાયિની રહેશે. શંકર પાર્વતીનું મિલન થશે એટલે દેવતાઓનું કાર્ય પણ સિદ્ધ થશે.’
નારદજીની વાત સાંભળી હિમાચલ હળવા થઈ ગયા. નારદ ત્યાંથી વિદાય લઈને સ્વર્ગમાં ઇન્દ્ર પાસે ગયા. ત્યાં કામદેવની સહાય જોઈશે એવી વાત કરી. ઇન્દ્રે કામદેવને યાદ કર્યા એટલે તે દેવ પોતાની પત્ની રતિને લઈને આવી ગયા. ઇન્દ્રે તેમને કહ્યું, ‘હવે સ્વર્ગવાસીઓ માટે એક કામ કરવાનું છે. તું ઋતુરાજ વસંતને લઈને શંકર ભગવાન પાસે જા, પાર્વતી સાથે તેમનો સંયોગ થાય એવો પ્રયત્ન કર.’
આ સાંભળી કામદેવે કહ્યું, ‘બધાને માટે ભયજનક સામગ્રીથી શંકર ભગવાનને વશમાં ન કરી શકાય. આમ કરવામાં તો બહુ મોટી આપત્તિ ઊભી થાય.’ પણ ઇન્દ્રે કામદેવને સમજાવ્યા એટલે તે કૈલાસ પર્વત પર ગયા અને પોતાનું કાર્ય કેવી રીતે સિદ્ધ કરવું તેનો વિચાર કરવા લાગ્યા. કૈલાસ પર્વત પર ભગવાનના આશ્રમે તે ગયા અને ત્યાં આસપાસનું પ્રકૃતિસૌંદર્ય જોયું. શંકર ભગવાનની બાજુમાં એક વીરક નામનો પુરુષ બેઠો હતો, ઘાસ પર નંદીશ્વર બેઠા હતા. પછી ધીરે રહીને શંકર ભગવાન પર દૃષ્ટિ ફેરવી. આસપાસનું વાતાવરણ અદ્ભુત હતું. તે વેળા કામદેવ શંકરના કાનમાં થઈ તેમના મનમાં પ્રવેશ્યા. ભમરાઓનો ગુંજારવ સાંભળી ભગવાનનું મન કામદેવના પ્રભાવમાં આવી ગયું. તેમને સતીની સ્મૃતિ થઈ. સમાધિભાવના ધીમે ધીમે ઓગળવા માંડી. પણ એકાએક જિતેન્દ્રિય હોવાને કારણે કામજન્ય વિકાર સમજી ગયા, અને કામદેવના પ્રભાવમાંથી મુક્ત થવા યોગમાયાનો આશ્રય લીધો. એને કારણે કામદેવ પ્રજ્વળવા લાગ્યા, પછી તે શંકરના હૃદયમાંથી નીકળીને બહાર ઊભા રહી ગયા. ત્યાં તેમનો મિત્ર વસન્ત હતો જ. તરત જ કામદેવે શંકર ભગવાન પર મોહક બાણ છોડ્યું અને તેમના હૃદયને વાગ્યું. તેમની ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ. તે કામોન્મુખ થયા પણ છતાં સંયમી રહ્યા.
ક્રોધાગ્નિ પ્રગટવાને કારણે તેમનું ત્રીજું નેત્ર ખૂલ્યું. તે જગતનો સંહાર કરે એવું ભયાનક રૂપ હતું. અને ત્યાં તેમણે પોતાની પાસે ઊભેલા કામદેવ પર દૃષ્ટિપાત કર્યો અને કામદેવ ભસ્મ થઈ ગયો. આ જોઈ દેવતાઓએ હાહાકાર મચાવ્યો. કામદેવને ભસ્મ કરી ચૂકેલી જ્વાળા જગતને પ્રજ્વલિત કરવા આગળ વધી. શંકર ભગવાને જગતનું કલ્યાણ કરવા એ અગ્નિને આમ્રવૃક્ષ, વસંત ઋતુ, ચંદ્ર, સુવાસિત પુષ્પો, ભમરા, કોયલનાં મુખોમાં સ્થાપ્યો.
કામદેવને ભસ્મ થયેલો જોઈ રતિ બહુ રુદન કરવા લાગી. તેના એક હાથમાં ભમરાઓવાળી આમ્રશાખા હતી, બીજા હાથમાં કોયલ બેઠી હતી. પોતાના વાંકડિયા વાળને જટાજૂટ કરીને તેણે બાંધી દીધા, અને કામદેવની ભસ્મ શરીરે લગાડી. તે પૃથ્વી પર ઘુંટણ ટેકવીને શંકર ભગવાનની સ્તુુતિ કરવા લાગી. એનાથી પ્રસન્ન થઈને ભગવાને કહ્યું, ‘થોડા જ સમયમાં તને તારો પતિ અનંગ રૂપે મળશે.
નારદ ઋષિના કહેવાથી પર્વતરાજ હિમાલય આનંદિત થઈને પાર્વતીને તથા તેની બે સખીઓને લઈને કૈલાસ જવાની તૈયારી કરવા લાગ્યા. પાર્વતીને અલંકારમંડિત કરી હતી. તેનાં બધાં મંગલ કાર્યો આટોપ્યાં હતાં. પાર્વતીના મસ્તકે સ્વર્ગીય પુષ્પોનો હાર હતો, શ્વેતરંગની રેશમી સાડી પહેરી હતી. તેઓ કાનનો, વન-ઉપવનમાંથી પસાર થયા ત્યારે તે સુંદર પ્રદેશમાં એક અત્યંત તેજસ્વી, અનુપમ રૂપવાન સ્ત્રીને રડતી જોઈ. હિમાલયે તેની પાસે જઈને જિજ્ઞાસાવશ પૂછયું, ‘કલ્યાણી, તું કોણ છે? કોની પત્ની છે? શા માટે રુદન કરે છે?’ હિમાલયની વાત સાંભળીને રતિએ શોકાર્ત સ્વરે કહ્યું,
‘હું કામદેવની પત્ની રતિ છું. આ પર્વત પર ભગવાન શંકર તપશ્ચર્યા કરી રહ્યા છે. તેમના તપમાં વિઘ્ન ઊભું થયું એટલે તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને મારા પતિ કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. હું ભયભીત થઈને તેમને પગે પડી. મેં તેમની સ્તુતિ કરી. એટલે પ્રસન્ન થયેલા ભગવાને મને કહ્યું,‘ હું તારા પર પ્રસન્ન છું. તારો મનોરથ પૂરો થશે. મારા શરણે આવેલા જે તેં કરેલી સ્તુતિનો પાઠ કરશે તેની મનોવાંછિત ઇચ્છા પૂરી થશે. હવે તું મૃત્યુનો વિચાર ત્યજી દે.’ હું અત્યારે ભગવાનના વચનની રાહ જોતી થોડા સમય માટે આ શરીરની રક્ષા કરીશ.’
રતિએ આમ કહ્યું એટલે હિમાલય ડરી ગયા. તેઓ પોતાની કન્યાનો હાથ પકડીને ઘેર જવા તૈયાર થયા. પછી જે થવાનું છે તે થવાનું જ છે એમ વિચારી પાર્વતી લજ્જા પામીને પિતાને કહેવા લાગી.
‘પિતાજી, આ અભાગી શરીર ધારણ કરી રાખવાથી મને શો લાભ થશે? હું સુખી કેવી રીતે થઈશ, કેવી રીતે ભગવાન શંકર સાથે મારું લગ્ન થશે? એવું સાંભળ્યું છે કે તપ કરવાથી ઇચ્છા ફળે છે, તપસ્વી માટે કશું અસાધ્ય નથી. આવું ઉત્તમ સાધન હોવા છતાં લોકો દુર્ભાગ્ય કેમ વેઠી લે છે? તપ ન કરનારે ભાગ્યહીન જીવન જીવવાને બદલે મૃત્યુ પામવું વધુ સારું છે. એટલે હવે હું તપ કરીશ, નિયમો પાળીને મારું શરીર સૂકવી નાખીશ. પ્રયોજન સિદ્ધ કરવું હોય તો નિ:શંક ઉદ્યમ કરવો જોઈએ. એટલે મારી દુર્લભ ઇચ્છા પાર પાડવા મારે તપ કરવું પડશે.’
પાર્વતીની આ વાત સાંભળીને હિમાલય સ્નેહથી ગદ્ગદ થઈ ગયા અને તે બોલ્યા, ‘દીકરી, તું તો ખૂબ જ ચંચળ છે. ઉ-મા. આમ ન કર. તારું આ શરીર ક્લેશપૂર્ણ તપ માટે યોગ્ય નથી. તારે તપ કરવાની કશી જરૂર નથી. ચાલો, આપણે ઘેર જઈએ. પછી આપણે વિચારીશું.’ આમ કહ્યું છતાં પાર્વતી ઘેર જવા તૈયાર ન થઈ. હિમાલય ચિંતા કરતા કરતા પુત્રીની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે આકાશવાણી સંભળાઈ, ‘શૈલરાજ, હમણાં તમે પુત્રીને ઉ-મા કહ્યું છે એટલે વિશ્વમાં તેનું ઉમા નામ વિખ્યાત થશે, તે ભક્તોને મનવાંછિત સિદ્ધિ આપશે.’ આ સાંભળીને કાશપુષ્પ જેવા ઊજળા હિમાલયે પુત્રીને તપ કરવાની હા પાડી, પોતાને ઘેર ગયા. પાર્વતી પણ નિયમોનું પાલન કરતી બંને સખી સાથે દેવતાઓ માટે પણ દુર્લભ શિખરની દિશામાં ગઈ. હિમાલયનું આ શિખર અસંખ્ય ધાતુઓવાળું હતું. બધે જ દિવ્ય પુષ્પોની લતા હતી. ત્યાં સિદ્ધો અને ગંધર્વો હતા. અનેક જાતિનાં મૃગ ભમતાં હતાં. વૃક્ષો પર ભમરાઓ ગુંજારવ કરતા હતા. ત્યાં દિવ્ય ઝરણાં અને વાવ હતાં. અનેક પક્ષીઓનાં કૂજન સંભળાતાં હતાં. ચક્રવાક પણ હતાં. જળમાં અને સ્થળમાં ઊગતાં પુષ્પોથી પ્રદેશ સુશોભિત હતો. વિચિત કંદરાઓ હતી, ગુફાઓમાં ચિત્તાકર્ષક ગૃહ છતાં ગાઢ કલ્પવૃક્ષો ઊગ્યાં હતાં. ત્યાં પાર્વતીએ એક વિશાળ શાખાઓવાળું વૃક્ષ જોયું, ત્યાં છયે ઋતુઓનાં પુષ્પોવાળું તે હતું, અનેકવિધ ફળ હતાં, અને સૂરજનાં કિરણ ધરતી પર જરાય પડતાં ન હતાં, એટલું તે વૃક્ષ ગાઢ હતું. એ વૃક્ષ નીચે પાર્વતીએ પોતાનાં અલંકારો, વસ્ત્રો ઉતારી વલ્કલો પહેરી લીધાં, અને વર્ષો સુધી અનેક પ્રકારનાં તપ કર્યાં અને એ તપને કારણે પ્રગટેલા અગ્નિથી ત્રણે લોક કાંપી ઊઠ્યાં. ઇન્દ્રે સપ્તષિર્ઓને બોલાવીને પાર્વતીની અભિલાષા પૂર્ણ કરવા કહ્યું. એટલે સપ્તષિર્ઓએ પાર્વતી પાસે જઈને તેના તપનું કારણ પૂછ્યું. એટલે પાર્વતીએ શંકરને પતિ રૂપે પામવા માગે છે એ વાત કરી. સપ્તષિર્ઓએ પાર્વતીની પરીક્ષા કરવા શંકરની ટીકા કરી. તેમનો દેખાવ, સ્મશાનનિવાસ, સર્પ, વ્યાઘ્રચર્મની અનેક વાતો કરીને વિષ્ણુની પ્રશંસા કરી. તે ઉપરાંત અગ્નિ, વાયુ જેવા દેવતાઓની પણ પ્રશંસા કરી.
પરંતુ પાર્વતી ઉપર એ બધી વાતોની કશી અસર ન થઈ. છેવટે સપ્તષિર્ઓએ આનંદપૂર્વક પાર્વતીની પ્રશંસા કરી અને પછી શંકરને મળવા માટે તેઓ તેમના આશ્રમમાં ગયા. ત્યાં દ્વારપાલ તરીકે વીરક હતો. ઋષિઓએ વીરકને વિનંતી કરી. તે વેળા શંકર ભગવાન મધ્યાહ્ન સંધ્યા કરવા મંદાકિની કાંઠે ગયા હતા એટલે ત્યાં સુધી પ્રતીક્ષા કરવા કહ્યું.
વર્ષાઋતુમાં ચાતક જલભર વાદળની પ્રતીક્ષા કરે તેમ ઋષિઓ શંકરની પ્રતીક્ષા કરવા લાગ્યા. શંકર ભગવાન સંધ્યા પૂરી કરીને આવ્યા એટલે વીરકે તેમને સપ્તષિર્ઓના આગમનની જાણ કરી. એટલે શંકર ભગવાને વીરકને સંમતિ આપી. સપ્તષિર્ઓએ ભગવાનને પ્રણામ કર્યાં અને તેમની સ્તુતિ કરી. પછી પાર્વતીની તપસ્યાની વાત કરી. શંકર અને પાર્વતીના પુત્ર દ્વારા જ તારકાસુરનો વધ થાય એવું વિધિનિર્માણ પણ જણાવ્યું.
પછી શંકર ભગવાને કહ્યું, ‘વિશ્વમંગલ કરવા માટે તે કન્યા તપ કરી રહી છે તેની મને જાણ છે. તે હિમાલયપુત્રી છે. બધાની ઇચ્છા પણ છે. પણ આમાં થોડો સમય લાગશે.’
પછી સપ્તષિર્ઓ હિમાલય પાસે ગયા અને શંકર ભગવાન પાર્વતીને ઇચ્છે છે એ વાત કહી. એટલે દેવતાઓનું આ કાર્ય વેળાસર થાય એ માટે હિમાલયને વિનંતી કરી. હિમાલય તો હર્ષાવેશને કારણે કશું બોલી ન શક્યા પણ તેમની પત્ની મેનાએ કહ્યું, ‘જે વર ઉત્તમ કુલ, જન્મ, રૂપ, ઐશ્વર્ય ધરાવતો હોય તેને પોતાને ઘેર બોલાવી કન્યા આપવી જોઈએ પણ કન્યા માગનારને કન્યા ન અપાય. ઘોર તપ કરી રહેલાને મારી પુત્રી કેવી રીતે અપાય? એટલે મારી પુત્રીનું હિત જ્યાં વિશેષ હોય ત્યાં વિચારજો.
આ સાંભળી ઋષિઓએ કહ્યું,‘ જેઓ શંકરને પૂજે છે તે દેવ-દાનવો પાસેથી તમે શંકર ભગવાનના ઐશ્વર્ય વિશેની માહિતી મેળવો. તમારી કન્યા શંકરની પ્રાપ્તિ માટે તપ કરી રહી છે. તેને ભગવાનનું એ રૂપ જ જોઈએ છે.’
એમ કહી ફરી ઋષિમુનિઓ પાર્વતી પાસે ગયા. ‘પુત્રી, હવે તારી અભિલાષા પૂરી થશે એટલે તારા રૂપને દગ્ધ કરનાર તપ ન કર. શંકર તારું પાણિગ્રહણ કરશે. અમે તેમની પાસે ગયા હતા, પછી તારા પિતા પાસે પણ જઈ આવ્યા. એટલે હવે તું પિતાને ત્યાં જા.’
પાર્વતી આ સાંભળી પિતાને ત્યાં જઈ પહોેંચી, ત્યાં તેને શંકરના દર્શન માટેની ઝંખના જાગી.
પછી બ્રાહ્મમુહૂર્તમાં પાર્વતીને શણગારવામાં આવી. પછી તો બધી જ કામનાઓને સંતોષનારી છ ઋતુઓ શરીર રૂપ ધારણ કરીને હિમાચલની સેવામાં આવી પહોેંચી. લક્ષ્મીદેવી પણ અનેક પ્રકારની સામગ્રીઓ લઈને આવ્યાં હતાં. કલ્પવૃક્ષ, ઔષધિ, વિવિધ રસ, વિવિધ ધાતુ પણ ત્યાં હતાં. બધા આજ્ઞાપાલન માટે આતુર હતા. બધા સમુદ્ર, બધી નદીઓ, સ્થાવર-જંગમ પ્રાણીઓ પણ હિમાલયની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં.
ગંધમાદન પર્વત પર શંકરના વિવાહોત્સવમાં ઋષિમુનિઓ, નાગ, યક્ષ, ગંધર્વ, કિન્નર, દેવતાઓ ભેગા થયા. બધા નિર્મલ વેશ ધારણ કરીને શ્રુંગારસામગ્રી સજ્જ કરી રહ્યા હતા. બ્રહ્માએ શંકરના મસ્તકે ચન્દ્ર સજાવ્યો, ચામુંડાએ મસ્તક પર વિશાળ કપાલમાલા બાંધી અને કહ્યું, ‘દૈત્યરાજ તારકાસુરના કુલનો સંહાર કરે એવા પુત્રને જન્મ આપો અને હું રક્તપાન કરી તૃપ્ત થાઉં.’ ભગવાન વિષ્ણુ તેજસ્વી, રત્નજડિત મુકુટ તથા બીજાં આભૂષણો લઈને આવ્યા. ઇન્દ્રે ગજચર્મ આણ્યું, પ્રસન્નતાથી ઇન્દ્રના મેં પર પ્રસ્વેદ બિંદુઓ પ્રગટ્યાં. વાયુએ નન્દીને અલંકૃત કર્યો. નંદી વિશાળકાય હતો,શંગિડાં તીક્ષ્ણ હતાં. હિમાલય જેવી ઉજ્જ્વલ કાંતિ હતી. સૂર્ય, અગ્નિ, ચન્દ્ર શંકર ભગવાનનાં નેત્રોમાં પ્રવેશ્યા. પ્રેતરાજ યમે શંકરના મસ્તકે ચાંદી જેવી ચિતાભસ્મ લગાવી અને માનવઅસ્થિની બનાવેલી માળા પહેરાવી. કુબેર અનેક કિંમતી રત્નોવાળાં આભૂષણ લઈને આવ્યા હતા. વરુણ ન કરમાય એવી પુષ્પમાળા લાવ્યા હતા. શંકર ભગવાને પોતે વાસુકિ અને તક્ષકનાં કુંડળ પહેર્યાં. ગણાધીશોએ વીરકને કહ્યું, ‘શંકર ભગવાનને અમારા આગમનના સમાચાર આપો. અમે સુંદર રીતે સજાવેલા ભગવાનને ફરી શ્રુંગારસજ્જ કરીશું.’
એટલામાં સાતે સમુદ્ર દર્પણ બનવા ત્યાં આવ્યા. મહાસાગરનાં જળમાં રૂપ જોઈને ભગવાન કેશવ પૃથ્વી પર ઘૂંટણિયે પડીને બોલ્યા, ‘તમે તો જગતને આનંદ પમાડતું રૂપ ધરાવો છો.’ માતૃકાઓએ યોગ્ય સમય જાણીને વૈધવ્યચિહ્નો ધરાવતી રતિને શંકર ભગવાન પાસે મોકલી. માતૃકાઓ હસતાં હસતાં બોલી, ‘દેવ, તમારી સામે ઊભી રહેલી રતિ કામદેવ વિના શોભતી નથી.’ ભગવાને ડાબા હાથે તેને સાંત્વન આપ્યું અને તે વેળા તેઓ ગિરિજાનું મેં જોવા આતુર હતા.
પછી હિમાચલની વિશાળ ગુફા જેવા અને પ્રમથગણોની સામે જોઈ રહેલા નંદી પર સવાર થઈને ધીમે ધીમે તેઓ આગળ વધ્યા. એમની યાત્રાને કારણે ધરતી ધૂ્રજી રહી હતી, જાણે વજ્રપ્રહારથી પર્વતો કાંપતા ન હોય! ધરતીની ધૂળથી મલિન થઈ ગયેલાં આભૂષણોવાળા શ્રીહરિએ ઉતાવળે ચાલીને વૃક્ષો નીચે થાકેલા લોકોને આરામ કરતા જોઈ કહ્યું, ‘અરે ચાલો, રસ્તે આવી ભીડ ન કરો.’ પછી વીરકે પણ ભગવાનની વાતને બેવડાવી મોટેથી કહ્યું, ‘અરે આકાશમાં એવી કઈ સુંદર વસ્તુ છે જે તમે બધા જોઈ રહ્યા છો. ચાલો ચાલો…એકબીજાથી છૂટા પડીને ચાલો. મહાસાગરો, તમે રાક્ષસોના આગમનને કારણે કીચડવાળા પાણીનાં ચોસલાં કરી દો. ગણેશ્વરો, ચંચળ બનીને ન ચાલો. સુરેશ્વરોએ તો સ્થિર ગતિએ ચાલવું જોઈએ. શંકરની આગળ આગળ વિશાળ પાનપાત્ર લઈને ચાલનારા ભૃંગી પોતાના શરીરનું ધ્યાન આપતા નથી. યમ, તમે બહાર નીકળેલા દાંતને નાહક ધારણ કરો છો. નિર્ભય થઈને ચાલો. શંકર ભગવાનના રથના અશ્વ ઘણી બધી માતાઓને કારણે માર્ગ સરખો મૂકતા નથી. શંકર ભગવાનના પ્રિય દેવગણ પૃથક્ પૃથક્ અનુયાયીઓથી ઘેરાઈને પગપાળા જઈ રહ્યા છે.
દેવતાઓ, તમે બધા આમોદનાં સાધનોથી સંપન્ન છો, તમારાં વાહનો પર ધજા લહેરાઈ રહી છે, હવે તમે છૂટા છૂટા ચાલો. તમે ત્રણે લયને અનુસરનારા ઊર્જસ્વી રાગ વિશે કેમ વિચારતા નથી? કિન્નરો આભૂષણોથી સર્જાતા ધ્વનિને પરાસ્ત નથી કરી શકતા. ગણેશ્વરો, અત્યારે ષડ્જ, મધ્યમ અને પૃથુ સ્વરવાળાં ગીત વધુ કેમ ગાતા નથી? ગૌડ રાગના જાણકાર લોકો ઉતાવળે આગળ આગળ કેમ ચાલતા નથી? શંકર ભગવાનની આ વરયાત્રામાં રખે ને કોઈ વિઘ્ન ઊભું થાય એમ માનીને તેઓ વર્તી રહ્યા છે. વિવિધ જાતિઓના નાગ શંકર ભગવાનના રથનો વિસ્તાર કરનારા મનોહર ધ્વનિવાળા સંગીતના ભિન્ન ભિન્ન પ્રયોગ કરી રહ્યા છે. પત્નીઓ સાથે આવેલા સંગીતજ્ઞ કેવું સંગીત રેલી રહ્યા છે! કોણ જાણે મૃદંગનાં ધ્વનિની જાતિઓ પ્રગટે છે કે મૂર્છના? આરોહ અવરોહ યુકત સ્વરનો જ પરિચય થાય છે. તંતુવાદ્યો કેમ વાગતાં નથી? વીણા, મૃદંગ વગેરે વાદ્ય પણ કેમ વાગતાં નથી?’
આમ આ સુંદર વાણી સાંભળીને દેવદાનવ પ્રસન્ન થઈ ગયા. પછી વીરકની આજ્ઞા માનીને નિયમબદ્ધ રીતે આગળ ચાલવા લાગ્યા. આ શીઘ્ર ગતિવાળી યાત્રાને લીધે દિશાઓમાં કોલાહલ થયો, મહાસાગરોમાં ભરતી આવી, વાદળો ગરજ્યાં, પર્વતોની કંદરા નષ્ટભ્રષ્ટ થઈ, જગતમાં તુમુલ ધ્વનિ થયો. હિમાચલ વ્યાકુળ થયા. આમ શ્રેષ્ઠ દેવદાનવો વડે પ્રશંસિત થતા શિવ તત્કાલ હિમાચલના નગરમાં જઈ પહોેંચ્યા, તે નગર તપ્ત કાંચનનાં તોરણોથી સુશોભિત હતું. વચ્ચે વચ્ચે મરકત મણિની વેદિકાઓ હતી. ક્યાંક નિર્મલ વૈડૂર્ય મણિથી ભૂમિ શોભતી હતી. વાદળ જેવાં ઝરણ હતાં. તે નગર ઊંચી ઊંચી લહેરાતી ધ્વજાઓથી શોભી ઊઠ્યું હતું. ક્યાંક ચબૂતરા પર કલ્પવૃક્ષોનાં પુષ્પો હતાં. શ્વેત, કૃષ્ણ, રાતા રંગની ધાતુઓથી તે નગર રંગાયેલું હતું. તેની ઉજ્જ્વળ છટા ફેલાઈ હતી. ત્યાંના રસ્તા, ચૌટા પહોળા હતા. ઊમટી આવેલાં વાદળ ગરજતાં હતાં. સુવાસિત વાયુ વાવાને કારણે તે નગર બહુ શોભી ઊઠ્યું હતું.
નગરમાં શંકર ભગવાનનો પ્રવેશ થયો અને આખું નગર વ્યાકુળ થઈ ઊઠ્યું. કુલવધૂઓ આમતેમ દોડવા લાગી. રસ્તા પર, શેરીઓમાં લોકોની ભીડ થઈ ગઈ. કોઈ દેવાંગના અગાશી પરના ઝરૂખામાં બેસીને પોતાનાં કમલસમાન નેત્રોથી શોભામાં અભિવૃદ્ધિ કરી રહી હતી. કોઈ સુંદરી પોતાને અલંકૃત કરીને, સખીના પ્રેમને અવગણીને ભગવાન શિવને જ જોઈ રહી હતી. કોઈ સ્ત્રીએ અભિમાન છોડીને કહ્યું, ‘અરે, સખી, ગુસ્સે ન થા. શંકરે ભલે કામદેવને ભસ્મ કર્યો હોય પણ તે પોતે જ વિહાર કરવા માગે છે.’ કોઈ સુંદરી વિરહિણી સ્ત્રીને કહેતી હતી, ‘અરે તું ભૂલેચૂકેય શંકરની સાથે કામદેવના સંયોગની વાત ન કર.’ આમ બધી સ્ત્રીઓ વિવિધ રીતે શંકર ભગવાનની પ્રશંસા કરી હતી. કોઈ કહેતું હતું, જુઓ, પદ્મમાંથી જન્મેલા બ્રહ્મા શંકરના કાનમાં કશું કહી રહ્યા છે. બધી સ્ત્રીઓનો સૂર એકસરખો હતો, શંકર ભગવાન સાથે લગ્ન કરીને પાર્વતીએ પોતાના જન્મને સાર્થક કર્યો છે.
પછી વિશ્વકર્માએ નિર્માણ કરેલા ભવનમાં શંકર ભગવાન પ્રવેશ્યા. તેમાં નીલમણિના સ્તંભ હતા, તેની છો તપાવેલા સુવર્ણની હતી, મોતીઓની ઝાલરથી તથા પ્રજ્વલિત અગ્નિથી બધું પ્રકાશિત લાગતું હતું. ત્યાં સહો ક્રીડોદ્યાન હતાં, વાવનાં પગથિયાં સોનાનાં હતાં. આ અદ્ભુત ભવનને જોઈ ઇન્દ્ર અને બીજા દેવોને પોતાનાં નેત્ર સફળ થયેલાં લાગ્યાં. આ ભવનના પ્રવેશદ્વારે વિષ્ણુ બધાને રોકતા હતા. એટલે ભીડ ભીડ થઈ, કેટલાકના કેયૂર એકબીજા સાથે અથડાવાને કારણે ચૂરચૂર થઈ ગયા હતા. કેટલાક મુખ્ય સ્વર્ગદેવતાઓ કોઈક રીતે અંદર પ્રવેશ્યા. પછી પર્વતરાજ હિમાલયે નમ્રતાપૂર્વક બ્રહ્માની પૂજા કરી. વિધિવત્ મંત્રોચ્ચાર કરીને બધું કાર્ય સંપન્ન કર્યું. શંકર ભગવાને અગ્નિને સાક્ષી રાખીને પાર્વતીનું પાણિગ્રહણ કર્યું. આ વિવાહોત્સવમાં હિમાચલ દાતા, બ્રહ્મા હોતા, શંકર વર અને પાર્વતી કન્યા. બધાં નિયમ ત્યજીને આનંદ મનાવવા લાગ્યા. મનોરમ ભાવોથી પૂર્ણ પૃથ્વીદેવી બધા પ્રકારના અન્ન, રસ અને ઔષધિઓ પ્રગટાવવા લાગી. બધાં પ્રાણીઓને આનંદ આપનારા વરુણદેવતા આભૂષણોથી સજ્જ હતા, અને અનેક રત્ન, આભૂષણો લઈને આવી ચઢ્યા. એવી જ રીતે કુબેર પણ દિવ્ય આભૂષણો લઈને આવ્યા. સુખદ અને સુવાસિત પવન વાવા લાગ્યો. ઇન્દ્ર અનેક આભૂષણોવાળા હાથમાં ચંદ્રકિરણ જેવા ઉજ્જ્વળ છત્ર ધારણ કરીને ઊભા હતા. મુખ્ય ગંધર્વ ગીત ગાતા હતા, અપ્સરાઓ નૃત્ય કરતી હતી, કેટલાક ગંધર્વો અને કિન્નરો વાજિંત્રો વગાડતા મધુર સ્વરથી રાગ ગાતા હતા. છયે ઋતુઓ શરીર ધારણ કરીને ગાતી હતી. ચંચળ પ્રકૃતિવાળા પ્રમથગણ હિમાચલને વિચલિત કરતા ત્યાં ઊભા હતા. પછી શિવે અને પાર્વતીએ વિવાહવિધિ સંપન્ન કર્યો. હિમાચલે તેમને અર્ઘ્ય અર્પ્યો, પછી દેવતાઓ વિનોદવાર્તાઓ કહેવા લાગ્યા. ત્રિપુરારિ ભગવાન શંકરે તે રાત પત્ની સાથે ત્યાં જ વીતાવી. પ્રાત:કાળ થયો એટલે ગંધર્વગીતો, અપ્સરાઓનાં નૃત્ય, દેવદાનવની સ્તુતિઓથી જાગેલા દેવાધિદેવ પર્વતરાજ હિમાચલની આજ્ઞા લઈને ઉમા સાથે વાયુવેગી નંદીશ્વર પર સવાર થઈને મંદરાચલ પર જવા નીકળ્યા. શંકરપાર્વતી જતા રહ્યા એટલે સ્વજનો સમેત હિમાચલ ઉદાસ થઈ ગયા, કન્યાવિદાય પ્રસંગે મન ઉદાસ ન થાય એવા કોઈ પિતા જગતમાં હશે ખરા? મંદરાચલ પર શંકર ભગવાનનું નગર પહેલેથી જ સજ્જ હતું. મણિ, સ્ફટિક શિલાઓ અને સુવર્ણથી અંકિત હોવાને કારણે તે સુંદર હતું, કાંતિમાન હતું. ત્યાં પહોેંચીને દેવતાઓને વિદાય કરી શંકર ભગવાન પોતાના નગરમાં પ્રવેશ્યા.
ત્યાં શંકર ભગવાન ઉમા સાથે નગરના સુંદર ઉદ્યાનો અને નિર્જન વનોમાં વિહાર કરવા લાગ્યા. ભગવાનનું હૃદય કામાવેગવાળું હોવાને કારણે પાર્વતી પ્રત્યે અતિશય ભાવપૂર્ણ બન્યું. ઘણો સમય વીત્યો એટલે પાર્વતીના મનમાં પુત્રની ઝંખના જાગી. સખીઓ સાથે કૃત્રિમ પુત્ર બનાવીને રમવા લાગી. એક વખત પાર્વતીએ સુવાસિત તેલ શરીરે લગાડ્યું, સુગંધિત ચૂર્ણનો લેપ કર્યો. પછી એ બધાને ભેગા કરી હાથી જેવા મોઢાવાળી પુરુષાકૃતિ તૈયાર કરી. પછી તેની સાથે રમત રમીને પાર્વતીએ પોતાની સખી જાહ્નવીના પાણીમાં ફેંેંકી દીધી. ત્યાં તે વિશાળ શરીરવાળો થયો અને આખા જગતને આવરી લીધું. પાર્વતી તથા જાહ્નવી — બંનેએ તેને પુત્ર કહીને બોલાવ્યો. એટલે તે ગજાનન ગાંગેય નામથી દેવો દ્વારા સન્માનિત થયો. બ્રહ્માએ તેને વિનાયકોનો અગ્રણી બનાવ્યો. પછી સુંદર પાર્વતીએ ફરી પુત્રકામનાથી અશોકવૃક્ષની કૂંપળોમાંથી રમકડું બનાવ્યું, પછી બૃહસ્પતિ, ઇન્દ્ર વગેરે પાસે તેના માંગલિક સંસ્કાર કરાવ્યા અને તેનું પોષણ કર્યું. આ જોઈ દેવતાઓએ અને ઋષિઓએ કહ્યું, ‘ભવાની, તમે તો પરમ સુંદર રૂપવાન છો, લોકકલ્યાણ માટે પ્રગટ્યાં છો. સમગ્ર સંસાર પુત્ર ઇચ્છે છે. જગતમાં પુત્રહીન લોકો પ્રારબ્ધને કારણે એવા છે. આ કાલ્પનિક પુત્રોથી કયો લાભ?’
આ સાંભળીને પાર્વતી હર્ષઘેલી થઈ ગઈ. તે બોલી, ‘જે જળ વિનાના પ્રદેશમાં કૂવો બનાવે છે તે કૂવાના પ્રત્યેક જળબિંદુ જેટલાં વરસ સ્વર્ગમાં વસે છે. દસ કૂવા બરાબર એક વાવ, દસ વાવ બરાબર એક સરોવર, દસ સરોવર બરાબર એક પુત્ર અને દસ પુત્ર બરાબર એક વૃક્ષ. લોકકલ્યાણની આ મર્યાદા હું નિયત કરી રહી છું.’
આ સાંભળીને બૃહસ્પતિ વગેરે ભવાનીને વંદન કરીને પોતપોતાના નિવાસે ગયા. એ બધાની વિદાય પછી શંકર ભગવાને પાર્વતીને ડાબા હાથે ઝાલી પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. ચિત્તને પ્રસન્ન કરનાર ભવન દ્વાર પાસે જ હતું. તેમાં મોતીઓની લાંબી લાંબી ઝાલરો હતી. વેદિકાઓ પુષ્પહારથી શોભતી હતી, મોટા ભાગના કિન્નરો ત્યાં ઉપસ્થિત રહેતા હતા. મોતીઓના તેજથી શોભતી, પદ્મરાગ મણિની દીવાલો હતી, એનાથી દાડમનો આભાસ પ્રગટતો હતો અને શુકસમૂહો તેને ચાંચ મારતા હતા. આવા ભવનમાં પાર્વતી દ્યૂતક્રીડા કરવા લાગી. નિર્મલ ઇન્દ્રનીલ મણિના તે ક્રીડાસ્થાને શિવપાર્વતી વિનોદવાર્તા કરતા કરતા એકબીજાની કાયાની સહાય લેતા હતા.
આમ પાર્વતી-શંકરની ક્રીડાવાળા તે ગૃહમાં ભયંકર ધ્વનિ પ્રગટ્યો. આ સાંભળી રૂપવાન પાર્વતીએ અચરજ પામીને શંકર ભગવાનને પૂછ્યું, ‘આ શું છે?’
‘તેં આ કદી જોયું નથી. મારા પ્રિય ગણેશ્વર આ પર્વત ઉપર નિત્ય ક્રીડા કરે છે. જે બધા તપસ્યા, બ્રહ્મચર્ય, નિયમપાલન, તીર્થસેવનથી પવિત્ર થયા છે તે શ્રેષ્ઠ પુરુષો અહીં છે. તેઓ ઇચ્છાનુસાર રૂપ ધરે છે, મહાઉત્સાહી છે. અતિ સુંદર છે. આ બળવાનોની લીલાથી મને પણ બહુ અચરજ થાય છે. તે આ જગતમાં સર્જન-વિસર્જનની શક્તિ ધરાવે છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, ગંધર્વ, કિન્નર અહીં ન હોય તો પણ મને તેમની ખોટ સાલતી નથી. પણ જો આ લોકોનો વિરહ થાય તો મને આનંદ નથી થતો. સર્વાંગસુંદર અંગ ધરાવતા આ બધા મારા પ્રિય છે. તેઓ અહીં ક્રીડા કરી રહ્યા છે.
આ સાંભળીને પાર્વતીએ દ્યૂતક્રીડા બાજુ પર મૂકી અને ઝરૂખામાં બેસીને તે તેમને જોવા લાગ્યાં.
તે બધામાં કેટલાક દૂબળા હતા, કેટલાક લાંબા તો કેટલાક વિશાળ ઉદરવાળા હતા. કેટલાકનાં મોેેં સુંદર, કેટલાકનાં ભયંકર, કેટલાકનાં સ્મિતવાળા — કેટલાક હાથી જેવા, કેટલાક ઘેટાબકરા જેવા. કેટલાકના મેંમાંથી અગ્નિજ્વાળા પ્રગટતી હતી. કેટલાકના વર્ણ પીળા તો કેટલાકના કાળા, કેટલાકના શરીરે રેશમી વસ્ત્રો, તો કેટલાક નગ્ન હતા. તો કેટલાકે ચામડાં વીંટાળ્યાં હતાં. કેટલાકની જટા કાળી, કેટલાકની પીળી. કેટલાકનાં મેં પક્ષી જેવાં, તો કેટલાકનાં પશુ જેવાં હતાં. કેટલાક ભયાનક કદરૂપા હતા. કેટલાકના કાન ગાય જેવા, કેટલાકના હાથી જેવા, કેટલાક અનેકમુખી, અનેકનેત્રી, અનેકઉદરી હતા, કેટલાકને ઘણા પગ, હાથ હતા. તેમના હાથમાં દિવ્ય અસ્ત્રો હતાં. કેટલાકના મસ્તકે વિવિધ પુષ્પ હતાં, કેટલાકે સાપને આભૂષણ બનાવ્યા હતા. કેટલાક વર્તુળાકાર અસ્ત્ર લઈને બેઠા હતા, કેટલાક કવચધારી હતા. કેટલાક ચિત્રવિચિત્ર વાહનો પર બેસીને આકાશમાં વિહરતા હતા. કેટલાક મોઢાથી વીણા વગાડતા હતા, કેટલાક નૃત્ય કરતા હતા. આ બધા ગણેશ્વરોને જોઈને પાર્વતી બોલ્યાં,
‘ભગવન્, આ ગણેશ્વરો કેટલા છે? તેમના સ્વભાવ કેવા? મને તે બધાનો પરિચય કરાવો.’
શંકરે કહ્યું, ‘આમ તો તે અસંખ્ય છે, પણ મુખ્ય ગણેશ્વરો એક કરોડ છે. તેમના ભિન્ન પુરુષાર્થોથી તે ખ્યાત છે. મહાબળવાન, ભયંકર ગણ સર્વત્ર છે. વિવિધ પ્રકારના આહારવિહાર કરતા આ ગણેશ્વર આનંદપૂર્વક સિદ્ધ ક્ષેત્રો, શેરીઓ, જૂનાં ઉદ્યાન, ગૃહો, દાનવશરીરો, બાળકો, ઉન્મત્તોમાં પ્રવેશે છે તે બધા ઉષ્મા, ફીણ, ધુમાડા, મધ, રક્ત, વાયુ શરીરમાં લે છે. તેમનું ભોજન એટલે જળ. તે સર્વભક્ષી છે. નાચગાનથી પ્રસન્ન થનારા, અનેક વાજિંત્રોના શોખીનો છે. અનંત હોવાથી તેમના ગુણો વર્ણવી શકાતા નથી.
દેવીએ પૂછ્યું, ‘જેણે મૃગચર્મ ઓઢેલું છે, જેનાં બધાં અંગ શુદ્ધ છે, જેણે ગુંજમેખલા ધારણ કરી છે, જેના ડાબા ખભે થેલી છે, જે અત્યંત ચંચળ છે, રંગીન મેંવાળો છે, જેની દાઢ સિંહ જેવી છે, જેણે કમળપુષ્પોની માળા ધારણ કરી છે, જે કાંસાના વાજિંત્ર પર તાલ આપે છે, જેની પાછળ પાછળ કિન્નરો ચાલે છે, જે બીજા ગણો દ્વારા ગવાતાં ગીતો ધ્યાન દઈને સાંભળે છે તેમનું નામ શું છે?’
શંકરે ઉત્તર આપ્યો, ‘તે મારો પ્રિય ગણ વીરક છે. તેનામાં આશ્ચર્યકારક ગુણો છે, બધા ગણેશ્વરો તેને પૂજે છે.’
પાર્વતી બોલ્યાં, ‘હે ભગવન્, મારા મનમાં આવો જ પુત્ર પામવાની અદમ્ય ઝંખના છે. હું ક્યારે એવો પુત્ર પામીશ?’
શંકરે કહ્યું, ‘આ નેત્રોને પ્રસન્ન કરનાર વીરક જ તારો પુત્ર થાય, તે પણ તારા જેવી માને પામીને ધન્ય થશે.’
આ સાંભળી પાર્વતીએ આનંદિત થઈને વિજયાને કહી વીરકને બોલાવ્યો, વિજયાએ તરત જ ગગનચુંબી ભવનમાંથી નીચે ઊતરી ગણોની વચ્ચે જઈને વીરકને બોલાવ્યો, ‘વીરક, અહીં આવ. તારી ઉછળકૂદથી ભગવાન ક્રોધે ભરાયા છે. તારા આ નૃત્યગીત વિશે માતા પાર્વતી પણ શું કહે છે?’
વિજયાની વાત સાંભળીને વીરકે પાષાણખંડ ફેંકી દીધો, મેં ધોઈને વિજયાની પાછળ પાછળ ચાલી નીકળ્યો. માતાએ શા માટે બોલાવ્યો હતો એ વિચારતો એ પાર્વતી પાસે જઈ પહોેંચ્યો. વિકસિત થયેલા રાતા કમળપુષ્પની કાંતિવાળાં પાર્વતીએ વીરકને જોયો એટલે તેમના સ્તનમાંથી દૂધ ટપકવા લાગ્યું. પછી મધુર સ્વરે ગિરિજાએ કહ્યું,
‘વીરક, અહીં આવ, દેવાધિદેવે મને તારી સોેંપણી કરી છે. હવે તું મારો પુત્ર જ છે.’ પછી વીરકને પોતાના ખોળામાં બેસાડી તે મધુરભાષી પુત્રના ગાલને ચૂમી ભરી. પછી તેનું મસ્તક ચૂમીને સારી રીતે નવડાવ્યો. કિંકિંણી, કંદોરો, નૂપુર, કેયૂર, હાર વગેરે દિવ્ય આભૂષણોથી અલંકૃત કર્યો. પછી અત્યંત સુંદર વિચિત્ર રંગની કૂંપળો, શ્વેત સરસવથી તેનાં અંગોનું રક્ષાવિધાન કર્યું. પછી તેના મોઢે ગોરોચનની અર્ચા કરી, માથે માળા મૂકી કહ્યું, ‘હવે તું જા, સાથીઓ સાથે રમ. તેમની સાથે કપટહીન બનીને રહેજે. તારા બીજા સાથી વ્યાલસમૂહોથી વ્યાકુળ થઈ ગયા છે. પર્વતશિખર, વૃક્ષ ગજરાજોથી પરાજિત થઈ રહ્યાં છે. ગંગાનું પાણી ઊછળે છે, કિનારાઓને તોડી ફોડી નાખ્યા છે. વાઘથી ભરચક વનમાં જતો નહીં. આ વીરક પર દુર્ગાદેવી સદા પુત્રવત્ સ્નેહ પ્રગટાવતી રહે. તને ભવિષ્યમાં ભવ્યતા પ્રાપ્ત થશે.’
પછી બાલક્રીડામાં મસ્ત થઈને વીરક બધા સાથીઓને કહેવા લાગ્યો, ‘જુઓ-જુઓ. માતા પાર્વતીએ જાતે મારો શૃંગાર કર્યો છે. તેમણે જ આ ગુલાબી ટપકાંવાળું વસ્ત્ર પહેરાવ્કહ્યું છે. માલતી અને સિન્દુવાર પુષ્પોની માળા મારા માથે મૂકી છે. આ આતોદ્ય કોણ વગાડે છે? હું મારા હાથે તેને એ રમકડું આપીશ.’
આ તરફ સખીની સાથે પાર્વતી ઘડીમાં દક્ષિણમાંથી પશ્ચિમે, ઘડીમાં પશ્ચિમમાંથી ઉત્તરે, ઘડીમાં ઉત્તરમાંથી પૂર્વમાં — આમ ચારે બાજુ ફરીને બહાર રમતા વીરકને જોઈ રહ્યાં હતાં. જો જગન્માતા પાર્વતીના ચિત્તમાં આવો મોહ જન્મતો હોય તો પછી અલ્પબુદ્ધિના, શરીરમાં અનેક પ્રકારની અશુદ્ધિ ધરાવતા માનવીના મનમાં પુત્ર માટે મોહ પ્રગટે એમાં આશ્ચર્ય શાનું? આ દરમિયાન દેવતાઓ ભગવાન ચન્દ્રશેખરનાં દર્શન કરવા કક્ષમાં પ્રવેશ્યા અને પ્રમથગણ પોતપોતાનાં વાહનોમાં બેઠા. તેમનાથી ઘેરાયેલાં વીરકે તલવાર કાઢીને કહ્યું, ‘બતાવો, કોનો વધ કરવા કૃતાન્ત માગે છે? તમે મૌન કેમ છો? અસ્ત્રથી શું અલભ્ય છે? આ પર્વત પર અસ્ત્ર વડે ન સિદ્ધ થાય એવું કશું કાર્ય છે?’
વીરક આમ બોલ્યો એટલે દેવતાઓએ તેને કહ્યું, ‘વીરક, તારે આ પ્રકારે લોકપાલોના ચિત્તનું અનુગમન નહીં કરવું જોઈએ.’ પછી લક્ષણાદેવી વીરકને કહેવા લાગી, ‘તમે પ્રાણીઓની રક્ષા કરતા કરતા વન, પર્વત, નિર્ઝર, અગ્નિસ્થાનો પર વિહાર કરો અને ઝરણાનાં પાણીથી સ્નાન કરો, પુષ્પોથી સજ્જ ભવનોમાં શયન કરો, ઊંચા ઊંચા પર્વતમાં ઝંઝાવાતના ધ્વનિનું અનુકરણ કરતા ગર્જના કરો.’
વીરકનો પુણ્યોદય થઈ ગયો. એટલે તો પાર્વતીપુત્ર બની ગયો. આવી અવસ્થામાં તેને રમતગમતથી સંતોષ કેવી રીતે મળે? બ્રહ્મા દ્વારા તેજના અંશમાંથી તેનું સર્જન થયું હતું. તે નિરંતર ગીત સાંભળતો હતો અને એ પ્રકારે પોતે નૃત્ય પણ કરતો હતો. બધા ગણેશ્વર તેની આગળ મસ્તક ઝુકાવતા હતા. તે રમત વાતમાં સિંહનાદ કરતો, ક્યારેક રત્નોની ખાણ ધરાવતા પર્વત પર, ક્યારેક ખીલેલા તમામ વૃક્ષો પાસે, એ વૃક્ષોવાળા વનનો એ ભાગ કાળો દેખાતો હતો, વીરક ક્યારેક રાજહંસ પર સવાર થતો, ક્યારેક કમળથી ભરેલા, થોડા કાદવકીચ્ચડવાળા પાણીમાં, ક્યારેક માતાના ખોળામાં. આમ દેવતાઓને આનંદ આપનાર ગણેશ્વરોનો તે અધિપતિ નિકુંજોમાં વિદ્યાધરો સાથે ગાનમાં જોડાતો. ક્યારેક ભગવાનની જેમ ક્રીડા કરતો.
પછી બધાં જ ભુવનોને પ્રકાશિત કરનારા સવિતાનારાયણ સાંજે અસ્ત પામ્યા. ઉદયાચલ અને અસ્તાચલ — આ બંને પર્વત ભૂતકાળની નિશ્ચિત યોજના પ્રમાણે ત્યાં છે. સૂર્ય અસ્તાચલ સામે મિત્રભાવ રાખે છે. એટલે નિત્ય સૂર્ય દ્વારા આરાધિત, શોભાવાન, એવા જ ઊંચા મેરુએ આથમતા સૂર્ય માટે કોઈ ઉપહાર ન આપ્યો. પાણીમાં પણ આવી જ વ્યવસ્થા. બુદ્ધિમાનોને શંકા થાય. સંધ્યા સમયે મુનિલોકો હાથ જોડીને સૂર્ય સામે ઊભા રહ્યા, અને શીઘ્ર પુનરાગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. આમ સૂર્યાસ્ત થયો, સમગ્ર સંસારમાં રાત્રિનો અંધકાર ધીમે ધીમે વૃદ્ધિ પામવા લાગ્યો, જેવી રીતે કુુટિલ મનુષ્યના હૃદયમાં પાપ મનને દૂષિત કરતું પ્રસરી જાય છે તેવી રીતે.
પછી ભવનની દીવાલો પર દીવાઓનું તેજ પડતું હતું, શય્યા પર ચંદ્રપ્રભા જેવી ચાદર હતી, વિવિધ રત્નોની કાંતિથી સુશોભિત હોવાને કારણે ઇન્દ્રધનુષને ઝાંખી કરતી હતી. આવી સુંદર શય્યા પર મંદગતિથી ચાલતા ભગવાન શંકર પાર્વતી સાથે બેઠા. તેમના ખભે પાર્વતીનો હાથ હતો. ચંદ્રશેખરની ઉજ્જ્વળ અને નિર્મલ પ્રભા બધે પ્રસરી હતી. કાજળઘેરા નેત્રો ધરાવતી પાર્વતીની છબિ ભૂરા કમળદળ જેવી હતી. રાત્રિ હોવાને કારણે તે વિશેષરૂપે તમોગુણી લાગતી હતી. તે વેળા શંકર ભગવાન ક્રીડા કેલિની કળાથી પાર્વતીને આમ કહેવા લાગ્યા,
‘કૃશાંગી, કૃષ્ણ કાન્તિવાળી તું મારા શ્વેત શરીરે વીંટળાયેલી કેવી દેખાય છે? ચંદનના વૃક્ષે વીંટળાયેલી કાળી નાગિની જેવી દેખાય છે. કૃષ્ણ પક્ષમાં ચાંદનીની પાછળ આકાશ અને અંધારી રાત્રિની જેમ મારી દૃષ્ટિને દૂષિત કરી રહી છે.’
આ સાંભળી પાર્વતી તરત જ શંકરથી અળગાં સરી ગયાં, ક્રોધને કારણે તેમનાં નેત્ર રાતાચોળ થઈ ગયાં. પછી મેં મચકોડીને બોલ્યાં,
‘ચન્દ્રભૂષણ, બધા લોકો પોતાની મૂર્ખતાનું પરિણામ ભોગવતા હોય છે. સ્વાર્થી માનવી સમાજમાં અપમાનિત થાય છે. દીર્ઘકાલીન તપસ્યા વડે જે મનોરથની કામના મેં કરી હતી એને પરિણામે આજે ભારે તિરસ્કૃત થઈ રહી છું. હું નથી કુુટિલ કે નથી વિષમ. પણ તમે સ્પષ્ટ રીતે વિષમય છો, દોષોના સમૂહ(ચંદ્ર)ને આશ્રય આપો છો. બાર ભાગમાં વિભક્ત સૂર્ય મને સારી રીતે જાણે છે. હું સૂર્યના દાંત નથી, ચંદ્રનું નેત્ર નથી. તમે દોષિત છો અને મારા પર દોષ ઢોળી મારું માથું પકવો છો. તમે મને કૃષ્ણા કહી તો તમે પણ મહાકાલથી પ્રસિદ્ધ છો. હવે હું જીવનનો મોહ ત્યજીને તપ કરવા પર્વત પર જઈશ. તમારા જેવા ધૂર્ત દ્વારા અપમાનિત થયા પછી જીવવાની કોઈ ઇચ્છા નથી.’
પાર્વતીના આ ક્રોધાવેશથી ભરેલા શબ્દો સાંભળી મહાદેવ બોલ્યા, ‘ગિરિજા, તું પર્વતપુત્રી છે, હું તારી નિંદા કેવી રીતે કરું? આ તો ભક્તિપૂર્ણ બુદ્ધિથી તારા નામનું કારણ બતાવ્યું. મારા સ્વસ્થ ચિત્તમાં તારે કોઈ વિકલ્પની કલ્પના નહીં કરવી જોઈએ. જો તું આમ ક્રોધે ભરાઈશ તો ભવિષ્યમાં હું તારી સાથે મજાકમશ્કરી નહીં કરું. જો તારી આગળ હાથ જોડ્યા છે, નતમસ્તકે ઊભો છું. જે પ્રેમયુકત અપમાનના અને વ્યાજસ્તુતિથી ક્રોધે ભરાય તેની સાથે કદી મજાક નહીં કરવી.’
આમ પાર્વતીને અનેક રીતે શંકરે સમજાવ્યાં પણ પાર્વતીનો ક્રોધ મટ્યો નહીં. શંકરના વચનથી તેમનું મર્મસ્થળ વીંધાઈ ગયું હતું. પછી શંકર ભગવાને પાર્વતીના વસ્ત્રનો છેડો પકડી રાખ્યો હતો તે છોડાવી, કેશકલાપ વિખેરી ત્યાંથી ઉતાવળે ચાલી જવા માંડ્યાં. પછી ક્રોધે ભરાઈને જતા રહેવા તત્પર થયેલા પાર્વતીને શંકરે કહ્યું, ‘તું સાચેસાચ પિતા જેવી જ છે. જેવી રીતે ઘનઘોર ઘટાને કારણે છવાયેલાં પર્વતશિખરોથી આકાશ ઢંકાઈ જાય છે તેવી રીતે તારું હૃદય પણ દુઃખી હૃદયોથી પણ વધુ કઠોર છે. તારા બધાં લક્ષણ વનો કરતાંય કઠિન છે. તારી ગતિમાં પહાડી માર્ગો કરતાંય વધુ કુટિલતા છે. તારું સેવન હિમથી પણ કઠિન છે. પાર્વતી, તારા આ બધા ગુણ હિમાચલમાંથી તારામાં આવ્યા છે.’
ભગવાન શિવે આમ કહ્યું એટલે પાર્વતી વધુ ક્રોધે ભરાયાં, હોઠ ફફડવા લાગ્યા, ફરી તે બોલ્યાં,
‘ભગવન્, તમે બીજા ગુણીજનોને દોષિત બનાવી તેમની નિંદા ન કરો. તમારામાં પણ બધા ગુણ દુષ્ટોના સંસર્ગમાંથી પ્રવેશ્યા છે. સાપના સંપર્કથી વધુ વક્રતા, ભસ્મથી પ્રેમહીનતા, ચંદ્રથી હૃદયની કાલિમા અને નંદીથી દુર્બોધતા છલકાય છે. વધારે તો શું કહેવું? વાણીનો વ્યય થશે. તમે સ્મશાનમાં રહેવાને કારણે નિર્ભીક થઈ ગયા છો. નગ્ન રહેવાને કારણે તમારામાં લાજ રહી નથી. કપાલી છો એટલે નિર્મમ થઈ ગયા છો, અને દયાનો તો છાંટોય રહ્યો નથી.’
આમ કહીને પાર્વતી ત્યાંથી ચાલી નીકળ્યાં. તેમને આમ જતાં જોઈ બધા ગણ રુદન કરવા લાગ્યા, ‘મા, અમને મૂકીને તમે ક્યાં જાઓ છો?’ પછી વીરકે માતાના પગ પકડી લીધા. ‘માતા, આ શું થઈ ગયું? ક્રોધે ભરાઈને ક્યાં જાઓ છો? તમે જો આમ જતા રહેશો તો હું પણ તમારી પાછળ પાછળ આવીશ, અથવા તમે અમને ત્યજી દેશો તો પર્વતશિખર પરથી કૂદીને આત્મહત્યા કરીશ.’
પછી પાર્વતીએ જમણા હાથે વીરકનું મેં પકડીને ઊંચું કર્યું, ‘પુત્ર, શોક ન કર. તારે પર્વતશિખર પરથી કૂદવાનું ન હોય, મારી સાથે આવવાનું પણ ન હોય. જે માટે જઈ રહી છું તે કારણ કહું છું. હું અનિન્દિતા હોવા છતાં ભગવાને મને કૃષ્ણા કહી. હવે હું તપ કરીશ, જેથી હું ગૌર વર્ણની થઈ જઉં. મારા ગયા પછી ભગવાન સ્ત્રીલંપટ ન થઈ જાય એટલે તારે બધે ધ્યાન રાખીને રક્ષા કરવાની, કોઈ સ્ત્રી અહીં પ્રવેશવી ન જોઈએ. કોઈ બીજી સ્ત્રી આવી ચઢે તો તારે મને જાણ કરવી. પછી જે ઉચિત હશે તે હું કરીશ.’
વીરકે માતાની વાત માની લીધી. માતાની આજ્ઞાનું અમૃત મળ્યું એટલે તેને આનંદ થયો અને અંત:પુરની રક્ષા તે કરવા લાગ્યો.
પાર્વતી આગળ ચાલ્યાં એટલે મેનાની સખી અને પર્વતરાજની કુળદેવી કુસુમામોદિની દેવી મળ્યાં. પાર્વતીને જોઈને તે દેવી સ્નેહભીનાં થઈ ગયાં. પાર્વતીને ભેટીને પૂછ્યું, ‘ક્યાં જાય છે?’ પછી પાર્વતીએ શંકર ભગવાન સાથે થયેલો કલહ કહી સંભળાવ્યો. માતૃવત્સલ દેવીએ કહ્યું,
‘તમે મારા પિતા પર્વતરાજનાં કુળદેવી છો, એટલે તમારો અહીં નિત્ય નિવાસ છે. તમારો મારા ઉપર અનહદ પ્રેમ છે. એટલે અત્યારે જે કરવાનું છે તે હું તમને કહું. અહીં તમારે સાવધાન રહેવાનું, શંકર ભગવાન પાસે ભૂલેચૂકે કોઈ સ્ત્રી આવી ન ચઢે તે જોજો. અને જો કોઈ આવે તો મને વિના વિલંબે જાણ કરજો.’ પછી તે દેવી એમાં સંમતિ બતાવી પર્વતની દિશામાં ગયાં. ગિરિરાજકુમારી પણ વાદળમાં ચમકતી વીજળીની જેમ આકાશમાર્ગે થઈ પિતાના ઉદ્યાનમાં પહોેંચ્યાં. આભૂષણો ઉતારી તેમણે વલ્કલ પહેરી લીધાં. પાર્વતી ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તપ કરવા લાગ્યાં, વર્ષાકાલે પાણીમાં ઊભાં રહ્યાં અને શિયાળામાં સૂકી ધરતી પર સૂૂઈ રહ્યાં. વનનાં ફળ-મૂળ તેમનો ખોરાક, વચ્ચે વચ્ચે તે નિરાહાર પણ રહેતાં. આમ કઠોર સાધના કરતાં કરતાં તેઓ તપ કરવા બેઠાં.
આ દરમિયાન અંધકાસુરનો પુત્ર અને બકાસુરનો ભાઈ આડિ પાર્વતીને તપ કરતાં સાંભળી તે ત્યાં આવી ચઢ્યો! તે ભગવાનનો વાંક જોયા કરતો હતો, દેવતાઓનો શત્રુ હતો, પોતાના પિતાના મૃત્યુને યાદ કરી, યુદ્ધભૂમિ પર જ્વલંત વિજય મેળવી ત્રિપુરારિ શંકર ભગવાનના નગરમાં આવી પહોેંચ્યો. ત્યાં દ્વાર આગળ વીરકને જોયો. ભૂતકાળમાં બ્રહ્માએ આપેલા વરદાન વિશે વિચારવા લાગ્યો. શંકર ભગવાને દેવશત્રુ અન્ધકાસુરનો વધ કર્યો એટલે આડિએ ઘણો સમય તપ કરી બ્રહ્માને પ્રસન્ન કર્યા. ‘દાનવશ્રેષ્ઠ આડિ, તપ દ્વારા તારે શું જોઈએ છે?’
તેણે બ્રહ્મા પાસે અમરતાનું વરદાન માગ્યું. એટલે બ્રહ્માએ કહ્યું, ‘આ સૃષ્ટિમાં કોઈ મનુષ્ય અમર નથી. શરીરધારીએ એક ને એક દિવસ તો મૃત્યુ પામવું જ પડે.’ આ સાંભળી આડિએ પદ્મોદ્ભવ બ્રહ્માને કહ્યું, ‘જ્યારે મારું રૂપપરિવર્તન થાય ત્યારે મારું મૃત્યુ થાય, ત્યાં સુધી હું અમર રહું.’
આમ સાંભળી બ્રહ્માએ પ્રસન્ન થઈને તેને કહ્યું, ભલે. જ્યારે તારું રૂપપરિવર્તન થશે ત્યારે તારું મૃત્યુ થશે, ત્યાં સુધી નહીં થાય.’ પછી તો આડિ પોતાને અમર માનવા લાગ્યો. તેણે પોતાના મૃત્યુનો એ ઉપાય જાણી વીરકના દૃષ્ટિપથમાંથી બચવા સાપનું રૂપ ધારણ કરી એક દરમાં પ્રવેશ્યો. અને એ રીતે શંકર ભગવાન પાસે પહોેંચી ગયો. પછી શંકર ભગવાનને છેતરવા સાપના રૂપનો ત્યાગ કરી ઉમાનું રૂપ ધારણ કર્યું. તેણે માયાની સહાયથી પાર્વતીનું અકલ્પ્ય અને મનોહર રૂપ ધારણ કરી લીધું. પછી તે દૈત્યે મેંની અંદર સુદૃઢ અને તીક્ષ્ણ અગ્રભાગવાળા દાંતોનું નિર્માણ કર્યું, પછી મૂર્ખ બનીને શંકરનો વધ કરવા તત્પર થયો.
સુંદર રૂપ અને ચિત્રવિચિત્ર આભૂષણો, વસ્ત્રો વડે ઉમાનું રૂપ લીધું અને તે ભગવાન પાસે ગયો. તેને જોઈ ભગવાન તો આનંદિત થઈ ગયા. તેને પાર્વતી માનીને આલિંગન આપ્યું. ‘ગિરિજા, હવે તો મારા માટે સાચી લાગણી છે ને? પાર્વતી, તું મારું મન જાણીને અહીં આવી ગઈ છે, એ તારું ઉચિત જ કાર્ય છે.’ આમ સાંભળી દાનવેન્દ્ર આડિ સ્મિતપૂર્વક ધીરે રહીને બોલ્યો. શંકરે પાર્વતીના શરીરે કરેલાં ચિહ્નો તે જાણતો ન હતો.
આડિ બોલ્યો, ‘તમારો મનુષ્ય પ્રેમ પ્રાપ્ત કરવા હું તપ કરવા ગઈ હતી પણ તપમાં મારું મન લાગ્યું નહીં. એટલે પાછી આવી.’
તેણે આમ કહ્યું એટલે ભગવાનના મનમાં શંકા થઈ પણ તે હૈયામાં દાટીને બોલ્યા, ‘તું તો મારા પર ક્રોધે ભરાઈને તપ કરવા ગઈ હતી ને? તું તો દૃઢ પ્રતિજ્ઞાધારી, પછી અભિલાષા પૂરી કર્યા વિના કેમ આવી ગઈ? મને તો શંકા થાય છે.’ શંકર વિચારે ચઢ્યા. પાર્વતીના શરીરના ડાબા ભાગે કેશ હટાવીને પદ્માકાર ચિહ્ન બનાવ્યું હતું તે દેખાયું નહીં. એટલે મહાદેવે માની લીધું કે આ દાનવી માયા છે. પછી વજ્રાસ્ત્ર સંધાન કરીને દૈત્યને મારી નાખ્યો. આડિની વાત વીરકે ન જાણી. સાચી વાત ન જાણનારી કુસુમામોદિનીએ શંકર દ્વારા સ્ત્રીવેશી દાનવને મારી કાઢેલો જોઈ વાયુદૂત વડે પાર્વતીને સમાચાર આપ્યા. આ સાંભળી પાર્વતી દેવીનાં નેત્ર રાતાંચોળ થયાં અને દુઃખી હૃદયે વીરકને શાપ આપ્યો.
‘તેેં મારો ત્યાગ કરીને સ્નેહથી વિકલ થઈને શંકરના એકાંતમાં સ્ત્રીઓને પ્રવેશ કરવાનો અવસર આપ્યો છે. એટલે અત્યંત કઠોર, સ્નેહહીન, મૂર્ખ, હૃદયહીન, રાખસદૃશ શુષ્ક શિલા તારી માતા બનશે.’ વીરક શિલામાંથી જન્મ્યો તેનું મૂળ અહીં છે. આગળ આ શાપ ચિત્રવિચિત્ર કથાઓનું આશ્રયસ્થાન બન્યો. પાર્વતીએ શાપ આપ્યો પછી તેમનો ક્રોધ મોંમાંથી મહાબળવાન સિંહરૂપે બહાર આવ્યો. તે સિંહનું મેં અતિ વિકરાળ હતું. ખભે યાળ હતી, લાંબું પૂંછડું ઉપર ઊઠેલું હતું. મેંની વચ્ચે બાજુ ભયંકર દાઢ હતી. તેની કમર ખૂબ પાતળી હતી, મોઢું પહોળું કરીને જીભ લપલપાવતો હતો. આ જોઈ પાર્વતી તેના પર આરૂઢ થવાનો પ્રયત્ન કરવાં લાગ્યાં. તેમના મનોભાવને જાણીને બ્રહ્મા આવ્યા અને તેમણે ગિરિજાને કહ્યું, ‘હવે તું મારી આજ્ઞા માનીને આ કષ્ટદાયક તપનો માર્ગ ત્યજી દે. તારે શું પ્રાપ્ત કરવું છે? તને કઈ દુર્લભ વસ્તુ આપું?’
આ સાંભળી ગિરિજાએ બ્રહ્માને પોતાનો મનોરથ સ્પષ્ટ શબ્દોમાં કહ્યો. ‘મેં કઠોર તપ કરીને શંકરને મેળવ્યા. પણ તેઓ મને ઘણી વખત કૃષ્ણા કહીને અપમાનિત કરે છે. એટલે હું ઇચ્છું કે મારો વર્ણ કાંચનવર્ણ થઈ જાય. હું તેમની પરમ વલ્લભા થઉં. હું તેમના શરીરમાં તેમનું જ અંગ બનીને પ્રવેશું.’
પાર્વતીની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું, ‘ભલે, તું આવી ગૌરવર્ણી થઈ તેમના જ શરીરનો અડધો ભાગ બની જા.’
આવું વરદાન મળ્યું એટલે પાર્વતીએ પોતાના ભ્રમર સરખા શ્યામ અને વિકસિત નીલકમલ જેવી ત્વચાને ત્યજી દીધી. તેમની ત્વચા ત્રિનેત્રવાળી બની ગઈ. તેમણે પોતાના શરીરને વિવિધ આભૂષણોથી શણગારી પીળી રેશમી સાડી પહેરી, હાથમાં ઘંટ લીધો. પછી બ્રહ્માએ કહ્યું,
‘નિશા, તું પહેલેથી એકાનંશા નામે વિખ્યાત છે, અત્યારે પાર્વતીના શરીરનો સંપર્ક થવાથી તું ધન્ય થઈ ગઈ. પાર્વતીના ક્રોધમાંથી પ્રગટેલો સિંહ તારું વાહન થશે, તારી ધ્વજા પર આ મહાબળવાનની આકૃતિ થશે. હવે તું વિંધ્યાચલ જઈ દેવોનું કાર્ય કર. એક લાખ યશ જેવા અનુયાયી છે તે પંચાલ નામનો યક્ષ હું તને કિંકરરૂપે આપું છું. તે સેંકડો માયાઓનો જાણકાર છે.’ બ્રહ્માની આજ્ઞા સાંભળીને તે કૌશિકી દેવી વિંધ્યાચળ જતી રહી.
અહીં ઉમા મનવાંછિત વરદાન પામીને શંકર પાસે જવા નીકળ્યાં. દ્વાર પર સુવર્ણદંડ લઈ વીરક ઊભો હતો. તેણે પ્રવેશ કરતાં પાર્વતીને અટકાવ્યાં, ગૌરવર્ણી આ કોઈ બીજી સ્ત્રી છે એમ માનીને કહ્યું, ‘અહીં તારું કોઈ પ્રયોજન નથી, હું તારા પર હાથ ઉગામું તે પહેલાં તું અહીંથી જતી રહે. અહીં મહાદેવને છેતરવા એક દૈત્ય માતા પાર્વતીનું રૂપ ધારણ કરીને પ્રવેશ્યો હતો, તે મેં જોયો ન હતો. પણ ભગવાને તેને યમલોક મોકલી આપ્યો. તેને માર્યા પછી મહાદેવે ક્રોધે ભરાઈને મને સાવચેતીપૂર્વક પહેરો ભરવા કહ્યું છે. એટલે હવે સાવધાન થઈને અહીં ઊભો છું. હું અહીં છું. એટલે તું વર્ષો સુધી પ્રવેશી નહીં શકે. તું અહીંથી જતી રહે. મારી માતા પાર્વતીએ પણ મને આવી જ આજ્ઞા આપી છે કે કોઈ પરસ્ત્રીને ભવનની અંદર પ્રવેશવા ન દેશો.’
આ સાંભળી પાર્વતી વિચારવા લાગ્યાં કે મને પેલાં દેવીએ જણાવેલું તે સ્ત્રી નહીં પણ દૈત્ય હતો. ક્રોધે ભરાઈને મેં મૂર્ખની જેમ નાહક વીરકને શાપ આપ્યો. ક્રોધ કરવાથી કાંતિ જતી રહે છે, લક્ષ્મીનો નાશ થાય છે. એટલે સાચી ઘટના જાણ્યા વિના જ મેેં પુત્રને શાપ આપ્યો. જેની બુદ્ધિ વિપરીત અર્થ ગ્રહણ કરે છે તેને માટે વિપત્તિઓ આવી ચઢે છે. આમ વિચારી કમળ સમાન મુખ ધરાવતાં પાર્વતીએ લજ્જા અનુભવતાં વીરકને કહ્યું. ‘તું મારા માટે ખોટી શંકા ન કર. હું હિમાચલપુત્રી, શંકરની પત્ની અને તારી માતા છું. આ ગૌરવર્ણ બ્રહ્માના વરદાનને કારણે છે. મને દૈત્યવાળી વાતની જાણ ન હતી. એટલે ભગવાનના એકાંતમાં સ્ત્રીનો પ્રવેશ થઈ ગયો એ જાણીને મેં તને શાપ આપ્યો. હવે એ શાપ તો મિથ્યા નહીં થાય, પણ તેની મુક્તિનો ઉપાય તને બતાવું છું. તું મનુષ્યજાતિનો જન્મ લઈ તારો મનોરથ પૂર્ણ કરી પાછો અહીં આવી જઈશ.’
પછી વીરકે પૂણિર્માના ચંદ્ર જેવી કાંતિ ધરાવતાં પાર્વતીની સ્તુતિ કરી.
એ સ્તુતિથી પાર્વતી પ્રસન્ન થઈને ભવનમાં પ્રવેશ્યાં. ત્યાં ભગવાનનાં દર્શન કરવા આવેલા દેવોને વીરકે કહ્યું, ‘અત્યારે ભગવાનનાં દર્શન નહીં થાય. તેઓ પાર્વતી સાથે એકાંતમાં વિહાર કરે છે.’ એટલે દેવતાઓ આવ્યા હતા તેવા જતા રહ્યા.
(૧૫૪-૧૫૮)