ભારતીયકથાવિશ્વ-૫/રાભા લોકકથાઓ/સીતાની અગ્નિપરીક્ષા

From Ekatra Wiki
Revision as of 05:08, 22 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સીતાની અગ્નિપરીક્ષા

લંકાના રાજા રાવણે પંચવટીમાંથી સીતાનું અપહરણ કર્યું, રાક્ષસોના રાજા રાવણનો વધ કરીને રામચન્દ્રે સીતાને છોડાવ્યાં અને તેમને તે અયોધ્યા લઈ આવ્યા. અયોધ્યાના કાર્યકારી રાજા ભરતે રામને રાજ્યની સોંપણી કરી, અને પરમ્પરાગત રીતે રામ અયોધ્યાની ગાદી પર બેઠા. પરન્તુ કેટલાક પ્ર્રજાજનો સીતાની પવિત્રતા વિશે શંકાશીલ બન્યા, તેમને લાગ્યું કે દુષ્ટ રાવણે સીતાને દૂષિત કરી જ હશે. રામચન્દ્રને લાગ્યું કે અયોધ્યાની રાણી તરીકે આવી સીતા ન ચાલે.

રૂપે અને ગુણે સીતા અપૂર્વ હતાં. એ ઉપરાન્ત તે સરસ ચિત્રકાર પણ હતાં. એક દિવસ સીતાની દેરાણીઓ અને બીજી સખીઓ લંકા અને રાવણ વિશે વાતોએ ચઢી હતી. વાતો કરતાં કરતાં તેમણે સીતાને પૂછ્યું, ‘દેવી, દુષ્ટ રાવણ દેખાવે કેવો હતો તે તો કહો. બધા કહે છે તેને દસ માથાં અને વીસ હાથ હતા, એ વાત સાચી?’

સીતાએ ઉત્તર આપ્યો, ‘ખરેખર તો તે પાપીને, મેં જોયો જ નથી પરંતુ પંચવટીમાંથી મારું હરણ કરીને લઈ ગયો ત્યારે ભૂરા સમુદ્ર પરથી પસાર થતી વખતે પાણીમાં પડેલા તેના પ્રતિબિમ્બને જોઈને તેના દેખાવનો ખ્યાલ આવ્યો.’

સખીઓએ પૂછયું, ‘એમ? તો તમે પ્રતિબિમ્બનું ચિત્ર દોરો.’ સખીઓએ વારંવાર આગ્રહ કર્યો તો પણ સીતા ન માન્યાં. છેવટે સખીઓની વિનંતીને વશ થઈને સીતાએ રાવણનો દાઢી મૂછવાળો ચહેરો દોર્યો, તેના દસ મસ્તક, વીસ હાથ અને તેનું વિશાળ શરીર દોર્યાં, ચિત્ર જોઈને બધાં દંગ રહી ગયાં. સીતા એ ચિત્ર ભૂંસી નાખવા માગતાં હતાં પણ સખીઓએ એ ચિત્ર સારી રીતે જાળવી રાખ્યું. સામાન્ય રીતે સ્ત્રીઓ કશી વાત પેટમાં રાખી શકતી નથી. શરૂઆતમાં આ ચિત્રની વારતા નગરની સ્ત્રીઓના કાને પહોંચી. પછી એ વાત પુરુષવર્ગ સુધી પહોંચી અને પછી તો લગભગ બધાં એ ચિત્ર જોવા આવી ચઢ્યાં.

રાજ્યના ઘણા પ્રજાજનો પહેલેથી સીતાના ચરિત્ર વિશે શંકાશીલ હતા, હવે તેમની શંકા સાચી ઠરી. આ બધી વાતો રામચન્દ્રના કાને પણ પહોંચી. તેઓ અયોધ્યાના આદર્શ રાજા બની રહેવા માગતા હતા. છેવટે તે સમયે દુ:ખદ પરિસ્થિતિ ઊભી થઈ. જાણે તેમની માનસિક સમતુલા ખોરવાઈ ગઈ. અવિશ્વાસ, અધીરાઈ અને વેદના તેમના સ્વસ્થ ચિત્તને ઘેરી વળ્યાં.

તેમણે સીતાને સ્પષ્ટ બનીને કહ્યું, ‘તેં રાવણનું જે ચિત્ર દોર્ગયું તેનાથી પ્રજાજનો શંકાશીલ બન્યાં છે. મને પણ શંકા થાય છે. નિખાલસ બનીને તું કહે. તું લંકામાં હતી ત્યારે તે દુષ્ટ રાવણે તને દૂષિત તો કરી નહોતી ને?’

સીતા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં, કશું બોલી જ ન શક્યાં. રડતાં રડતાં તેઓ ધીમે ધીમે બોલ્યાં, ‘મારી પવિત્રતા સાથે ચેડાં કરવાની દુષ્ટ રાવણમાં હિંમત જ ન હતી. તેની ખાત્રી રાખો. હું શુદ્ધ હૃદયે આ વાત કહું છું.’

રામચન્દ્રે કહ્યું, ‘તો પછી તારે પ્રમાણ આપવું પડશે. તારી પવિત્રતાનું સાક્ષી કોણ?’

સીતાએ કહ્યું, ‘હું કોની સાક્ષી લાવું? મારો બચાવ કોણ કરશે?’

‘કોઈ પ્રમાણ નહીં મળે તો હું તને અયોધ્યાની મહારાણીપદે બેસાડી નહીં શકું. રાજા કરતાં પ્રજા મહાન છે. જો પ્રજા રાજા વિરુદ્ધ જાય તો રાજા નામશેષ થઈ જાય. એટલે તું કોઈ વિશ્વાસપાત્ર સાક્ષી લાવીને આ કલંકને દૂર કર. ખરેખર તો હું ઉદાર અને પ્રજાપ્રિય રાજા તરીકે જીવવા માગું છું. તો તારો સાક્ષી લાવ. આ બાબતમાં તને કોણ સાક્ષી તરીકે મદદ કરશે?’

સીતાએ ગમ્ભીર બનીને કહ્યું, ‘મારા સ્વામી, આ જગતમાં મારું કોઈ સાક્ષી નથી. જો તમે સંમત થતા હો તો મારા સાક્ષી તરીકે સૂર્યદેવને આમંત્રું. તેઓ આકાશમાં રહે છે અને આ ધરતી પર જે કંઈ બને છે તે તેઓ જુએ છે.’

રામચન્દ્રે કહ્યું, ‘હા, એ યોગ્ય સાક્ષી છે. સૂર્ય સિવાય બીજા કોઈ સાક્ષીનો વિચાર મને પણ નથી આવતો. હું તેમને રાજસભામાં આવવા કહીશ. સભાજનો, મન્ત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તારી પરીક્ષા લઈને યોગ્ય ન્યાય કરીશ.’ પછી રામચન્દ્રે દિવસ નક્કી કરીને સૂર્યદેવને સભામાં આમંત્ર્યા. સભાજનો, મંત્રીઓ અને અધિકારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રજાજનો ભેગા થયા. ત્યાં રામ, રાણી અને સૂર્યદેવ આસન પર બેઠા. આ સમ્માનનીય સભામાં રાજા રામચન્દ્રે કહ્યું, ‘મારા માનવંતા પ્રજાજનો, મન્ત્રીઓ, અધિકારીઓ અને સભાસદો. આ અયોધ્યાની જાહેર રાજસભા છે. દુષ્ટ રાવણે મારી પત્ની સીતાનું અપહરણ કર્યું. હનુમાન, સુગ્રીવ, વિભીષણ અને બીજા ઘણા સેનાનીઓની સહાયથી મેં સીતાને છોડાવી. અમે લંકાથી પાછા ફર્યા એટલે મારી સાથે અયોધ્યાના સિંહાસન પર રાજરાણી તરીકે બેસાડી. આપણાં પ્રજાજનોમાંથી કેટલાંયને એવી શંકા છે કે રાવણે તેને દૂષિત કરી હશે. એને કારણે તેનું ચારિત્ર્ય શંકાસ્પદ બન્યું છે. મારી રાણી તરીકે અપવાદ ધરાવતી સીતા હોય તો હું અયોધ્યા પર રાજ કરવા સુપાત્ર નથી. હું પ્રજાનાં શાન્તિ અને સુખ ઇચ્છું છું. આ કલંક દૂર કરવા મેં પરીક્ષા ગોઠવી છે. સાક્ષી તરીકે મેં સૂર્યદેવતાને બોલાવ્યા છે.’

એકત્રિત થયેલા પ્રજાજનોએ આનન્દ આનન્દ વ્યક્ત કર્યો અને તાળીઓ પાડી. રામચન્દ્રે સૂર્યભગવાનને પૂછ્યું, ‘હે સર્વવ્યાપી સૂર્યદેવતા, સીતા જ્યારે લંકામાં હતી ત્યારે દુષ્ટ રાવણે કોઈ રીતે તેને અપવિત્ર કરી હતી?’

રામચન્દ્ર પ્રત્યે ભારે આદર દાખવીને સૂર્યે કહ્યું, ‘હે અયોધ્યાના લોકલાડીલા રાજા, આ જગતમાં દિવસે જે કંઈ બને છે તે આકાશમાં રહ્યો હું જોઈ શકું છું. આ સમય દરમિયાન પાપી રાવણ સીતાના વાળનો છેડો પણ સ્પર્શી શક્યો નથી. પણ રાતે શું થયું તે હું કહી શકતો નથી.’

સૂર્યદેવની આ વાત સાંભળીને સભાજનો કશું બોલ્યા નહીં. તે વખતે રામચન્દ્રે કહ્યું, ‘હે સૂર્યદેવ, તમારી વાત બરાબર છે અને એ ધ્યાનમાં લીધી. તમારા ધારવા પ્રમાણે રાત્રિના સમયનો સાક્ષી કોણ હોઈ શકે?’

‘હે રાજન્, મારી દૃષ્ટિએ આ વિશે ચન્દ્રની સાક્ષી યોગ્ય ગણાશે. રાણી સીતા માટે તમે ચન્દ્રને સાક્ષી તરીકે આવવાની વિનંતી કરો.’ પરિસ્થિતિનો તાગ મેળવીને રામચંદ્રે રાજસભા વિખેરી નાખી અને બીજા કોઈ સમયે બોલાવેલી સભામાં ચન્દ્રને સાક્ષી તરીકે સાંભળવામાં આવશે એવું ઠરાવ્યું.

સૂર્યની સૂચના પ્રમાણે રામચન્દ્રે રાજસભાની બીજી બેઠક બોલાવી. સીતાના કલંકને દૂર કરવા માટે ચન્દ્રદેવને સભામાં બોલાવવામાં આવ્યા. આગલી સભામાં ઉદ્બોધન કર્યું હતું તેવી રીતે ઉદ્બોધન કર્યું અને બધાંને આવકાર્યા.

ચન્દ્રને સંબોધીને રાજાએ કહ્યું, ‘હે ચન્દ્રદેવ, મારા પ્રજાજનો સીતાના ચારિત્ર્ય વિશે શંકાશીલ છે. અમે આ પહેલાં સૂર્યદેવને સાક્ષી પૂરવા બોલાવ્યા હતા. સીતા લંકામાં હતી તે દરમિયાન દુષ્ટ રાવણ દિવસે તેેને દૂષિત કરી શક્યો ન હતો. પરંતુ સૂર્ય તો આકાશમાં દિવસે જ હોય છે. રાત્રે શું બન્યું તે વિશે તે કશો નિર્ણય આપી ન શક્યા. તે દિવસે તેમણે કહ્યું કે રાત્રે બનેલી ઘટના વિશે ચન્દ્ર સાક્ષી પૂરી શકે. એટલે તમને આમંત્ર્યા છે. હવે આ વિશે તમે સાક્ષી પુરાવો.’

રાજસભામાં યોગ્ય આદર સાથે ચન્દ્રદેવે કહ્યું, ‘હે રાજા રામચન્દ્ર, સૂર્યદેવની વાત સાચી છે. દિવસે જે બને તે બધાની જાણ તેમને હોય છે. રાત્રિ વિશે તેઓ કશું કહી ન શકે. રાતે જે બને તે વિશે હું કહી શકું. રાત્રે દુષ્ટ રાવણે સીતાને હાથ પણ અડકાડ્યો નથી. પણ રાજા અંધારિયામાં હું એક દિવસ આકાશમાં હોતો નથી. અમાસની રાતે રાવણે સીતા સાથે કેવો વ્યવહાર કર્યો તે હું કહી ના શકું.’

સભામાં હાજર રહેલા લોકોએ ચન્દ્રની વાત ચુપચાપ સાંભળી લીધી.

રામચન્દ્રે જણાવ્યું કે અમાસની રાતને માટે કોઈક સાક્ષી તો હોવો જોઈએ, પછી ફરી સીતાની પરીક્ષા સભામાં થશે. એ રીતે રાજસભા વિખેરાઈ ગઈ.

રામચન્દ્ર તો ભારે ચિન્તામાં પડી ગયા. તેમના મનની સ્વસ્થતા છિનવાઈ ગઈ. એક બાજુ સીતાનું કલંક દૂર કરવું હતું અને બીજી બાજુ પ્રજાજનોનાં હૃદય જીતવાં હતાં. સતત થતી ચિન્તાને કારણે રાજ્ય પ્રત્યેનાં કર્તવ્યો સરખી રીતે બજાવી ન શકાતાં. એક રાત્રિનો સાક્ષી કોણ? એ સાક્ષી ક્યાંથી લાવવો? કોઈ ઉકેલ ન મળ્યો એટલે તેમણે હનુમાન, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને બીજા અધિકારીઓને બોલાવી સ્વર્ગ, પૃથ્વી, નરક, સમુદ્ર, આકાશમાં શોધ ચલાવી આવો સાક્ષી શોધી લાવવા જણાવ્યું. પણ કોઈ સાક્ષી મળ્યો નહીં. બધા આશાભંગ થઈ ગયા. રામચન્દ્રે છેવટે સીતાના કલંકને દૂર કરવા અગ્નિપરીક્ષાનું આયોજન વિચાર્ગયું.

અગ્નિપરીક્ષાનો દિવસ ઠરાવવામાં આવ્યો. રાજ્યમાં ઢંઢેરો પીટાવીને બધા પ્રજાજનોને, સભાજનોને, ઉચ્ચ અધિકારીઓને આ પરીક્ષામાં આમંત્ર્યા. સભામાં મોટી ચિતા ખડકાવવામાં આવી. ભવ્ય વેશભૂષાવાળી સીતાને ચિતા પર બેસાડી. કેવું કરુણ દૃશ્ય. બાળકોથી માંડીને વૃદ્ધો આ પ્રસંગે રુદન કરી રહ્યાં હતાં, ક્ષિતિજ સુધી એના ભણકારા સંભળાતા હતા. ચિતાને અગ્નિથી પ્રગટાવી. સીતા આંખો મીંચીને, ભડભડતા અગ્નિમાં સ્વસ્થ રહીને બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં. ચિતા પ્રગટી. સીતાની ચારે બાજુ અગ્નિજ્વાળાઓ અને ધુમાડો, થોડા સમય પછી અગ્નિજ્વાળાઓ શમી ગઈ. ચિતાના અંગારામાંથી ધીમે ધીમે સીતા પ્રગટ્યાં, શરૂઆતમાં મસ્તક, પછી મોં અને છેલ્લે તેમની કાયા. અંગારાઓ વચ્ચે સીતાદેવી, જરાય આંચ પામ્યા વિના ઊભાં હતાં. બધાંએ સીતાને સૌએ પવિત્ર સ્ત્રી તરીકે સ્વીકાર્યાં. રામચંદ્રના મનને શાતા વળી, તેઓ પ્રસન્ન થયા.