ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/ધૌમ્ય ઋષિ અને તેમના ત્રણ શિષ્યોની કથા

From Ekatra Wiki
Revision as of 16:37, 23 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધૌમ્ય ઋષિ અને તેમના ત્રણ શિષ્યોની કથા

એક સમયે ધૌમ્ય નામના ઋષિ થઈ ગયા. તેમના ત્રણ શિષ્યો: ઉપમન્યુ, આરુણિ અને વેદ. તેમણે પાંચાલ દેશના શિષ્ય આરુણિને આજ્ઞા કરી, ખેતરમાં જઈ ક્યારીઓના પાળા બાંધી દે. ઉપાધ્યાયની આજ્ઞા થઈ એટલે પાંચાલ દેશનો આરુણિ ત્યાં ગયો પરંતુ ક્યારીઓના બંધ બાંધી શક્યો નહીં; અતિ પરિક્ષમ કર્યા પછી તેને એક ઉપાય સૂઝ્યો, અને તે ક્યારીમાં આડો સૂઈ ગયો. સૂઈ જવાને કારણે તે પાણી પણ રોકાઈ ગયું, ત્યાર પછી ધૌમ્ય ઋષિએ શિષ્યોને પૂછ્યું, ‘પાંચાલ દેશનો આરુણિ ક્યાં જતો રહ્યો છે?’

તેમણે કહ્યું, ‘ભગવન્, આપે તો ક્યારી બાંધવા મોકલ્યો હતો.’ આમ કહ્યું એટલે ધૌમ્ય ઋષિએ શિષ્યોને કહ્યું, ‘ચાલો તે જ્યાં ગયો છે ત્યાં બધા જઈએ.’ ત્યાં જઈને તેઓ તેને મોટેથી સાદ પાડવા લાગ્યા, ‘હે આરુણિ, તું ક્યાં છે? વત્સ, ચાલ્યો આવ.’ ઉપાધ્યાયનું બોલવું સાંભળીને આરુણિ ક્યારી પરથી ઊભો થઈને ગુરુ પાસે આવ્યો. તેમને કહ્યું, ‘હું આ રહ્યો. ક્યારીમાંથી નીકળતા અને ન રોકાતા પાણીને અટકાવવા માટે હું સૂતો હતો અને ત્યાં મેં તમારો બોલ સાંભળ્યો, તરત જ ક્યારી તોડ્યા વિના જ અહીં આવી પહોંચ્યો છું. હું આપનું અભિવાદન કરું છું. મને આજ્ઞા આપો. હું શું કરું?’

ઉપાધ્યાયે તેને કહ્યું, ‘તું ક્યારીને ભાંગ્યા વિના જ બહાર આવ્યો છું એટલે તું ઉદ્દાલક નામથી પ્રસિદ્ધ થઈશ.’ ઉપાધ્યાયે તેના પર કૃપા કરી. ‘તેં મારી આજ્ઞા પાળી છે એટલે તારું શ્રેય થશે અને સંપૂર્ણ વેદ, ધર્મશાસ્ત્રોમાં તું નિપુણ થઈશ.’ આમ ગુરુની આજ્ઞાથી તે પોતાના મનગમતા પ્રદેશમાં ગયો.

ધૌમ્ય ઋષિના બીજા શિષ્યનું નામ ઉપમન્યુ હતું.

ઉપાધ્યાયે તેને આશ્રમ બહાર મોકલ્યો, ‘વત્સ, તું ગાયોની રક્ષા કર.’ ઉપમન્યુ ગુરુની આજ્ઞા પ્રમાણે ગાયોનું રક્ષણ કરવા લાગ્યો. આખો દિવસ ગાયોની રક્ષા કરીને દિવસના અંતે ઉપાધ્યાય પાસે આવીને નમન કરતો. ગુરુએ તેને પુષ્ટ જોઈને પૂછ્યું, ‘વત્સ ઉપમન્યુ, તું કેવી રીતે ગુજરાન ચલાવે છે? હું તને ખૂબ જ પુષ્ટ જોઉં છું.’ તેણે ઉપાધ્યાયને કહ્યું, ‘હું ભિક્ષા માગીને નિર્વાહ કરું છું.’

ઉપાધ્યાયે કહ્યું, ‘મારી આજ્ઞા સિવાય ભિક્ષાન્ન ખાવું ન જોઈએ.’

‘ભલે, એમ કરીશ.’ કહીને તે ફરી ગાયોની રક્ષા કરવા લાગ્યો. ગાયોની રક્ષા કરીને તે ઉપાધ્યાય પાસે જઈને નમન કરતો હતો. ત્યારે પણ ઉપાધ્યાયે તેને પુષ્ટ જોઈને કહ્યું, ‘વત્સ, ઉપમન્યુ, તું બધી જ ભિક્ષા મને આપી દે છે. હવે તું કેવી રીતે નિર્વાહ ચલાવે છે?’ આ સાંભળીને ઉપાધ્યાયને તેણે કહ્યું, ‘પહેલી ભિક્ષા આપને આપી દઈ બીજી વાર ભિક્ષા લાવું છું, એ રીતે મારો નિર્વાહ ચાલે છે.’

ઉપાધ્યાયે તેને કહ્યું, ‘ગુરુકૂલમાં આ ન્યાયપૂર્ણ ન કહેવાય. આમ કરીને બીજા ભિક્ષાર્થીઓની વૃત્તિનો અંત લાવે છે. તું લોભી બન્યો છે.’

‘ભલે.’ એમ કહીને ગાયોની રક્ષા કરવા લાગ્યો, ગોરક્ષા કરીને ફરી તે ઉપાધ્યાય પાસે આવીને નમન કરતો, ત્યારે પણ ઉપાધ્યાયે તેને પુષ્ટ જોઈને પૂછ્યું, ‘હું તારી બધી ભિક્ષા લઈ લઉં છું. તું બીજી વાર ભિક્ષા માગતો નથી અને છતાં તું પુષ્ટ છે. તું તારો નિર્વાહ કેવી રીતે કરે છે?’

ઉપમન્યુએ ગુરુને કહ્યું, ‘આ ગાયોનું દૂધ પીને હું નિર્વાહ કરું છું.’

ત્યારે ઉપાધ્યાયે તેને કહ્યું, ‘મારી આજ્ઞા વિના તારે દૂધ પીવું ન જોઈએ.’

તે ‘ભલે’ કહીને ગાયોની રક્ષા કરવા લાગ્યો અને ફરી ઉપાધ્યાયના ઘરે જઈને નમન કરતો રહ્યો. ત્યારે ઉપાધ્યાયે તેને પુષ્ટ જોયો. તેમણે કહ્યું, ‘તું ભિક્ષા નથી લેતો, બીજી વાર ભિક્ષા માગતો નથી, દૂધ નથી પીતો, અને પુષ્ટ છે. તું નિર્વાહ કેવી રીતે ચલાવે છે?’

આ સાંભળીને તેણે ઉપાધ્યાયને કહ્યું, ‘વાછરડાં જ્યારે ગાયોને ધાવે છે ત્યારે જે ફીણ કાઢે છે તે પીને જીવું છું.’

એટલે ઉપાધ્યાયે તેને કહ્યું, ‘આ બધા ગુણવાન વાછરડા અનુકંપાથી વધારે ફીણ પાડે, એમ કરીને તું વાછરડાનો ભાગ છિનવે છે. ફીણ પીવું પણ તારે માટે યોગ્ય નથી.’

‘ભલે’ એમ કહીને તે ભૂખ્યા પેટે ગાયોની રક્ષા કરતો રહ્યો.

આમ તે ભિક્ષા માગતો ન હતો, બીજી વાર ભિક્ષા માગતો ન હતો, દૂધ પીતો ન હતો, દૂધનું ફીણ પીતો ન હતો. એક સમયે અરણ્યમાં ખૂબ જ ભૂખ્યો હતો એટલે તેણે આકડાનાં પાન ખાધાં. ખારાં, કડવાં અને ગરમ એવાં એ પાંદડાં ખાઈને તે આંખો ગુમાવી બેઠો. અંધ હોવા છતાં ફર્યા કરતો હતો, અને કૂવામાં પડી ગયો.

ઉપમન્યુ પાછો ન ફર્યો એટલે ઉપાધ્યાયે શિષ્યોને કહ્યું, ‘મેં ઉપમન્યુને બધા જ પ્રકારના ભોજનની ના કહી હતી. નિશ્ચિત તે ક્રોધે ભરાયો હશે. એટલે જ ઘણા સમયથી ગયો હોવા છતાં તે હજુ પાછો ફર્યો નથી.’ આમ બોલીને વનમાં જઈને ઉપમન્યુને સાદ દેવા લાગ્યા, ‘અરે ઉપમન્યુ, તું ક્યાં છે? વત્સ, તું ચાલ્યો આવ.’ ત્યારે ઉપમન્યુ ગુરુનો પોકાર સાંભળીને મોટેથી કહેવા લાગ્યો, હે ઉપાધ્યાય, હું કૂવામાં પડ્યો છું.’

ઉપાધ્યાયે પૂછ્યું, ‘તું કૂવામાં કેવી રીતે પડ્યો?’

તેણે તેમને કહ્યું, ‘આકડાનાં પાંદડાં ખાવાથી હું અંધ થઈ ગયો છું. એટલે કૂવામાં પડી ગયો છું.’

એટલે ઉપાધ્યાયે તેને કહ્યું, ‘તું અશ્વિનીકુમારોની સ્તુતિ કર. દેવતાઓના વૈદ તને આંખો આપશે.’

ઉપાધ્યાયની વાત સાંભળીને ઉપમન્યુ ઋગ્વેદની ઋચાઓ વડે અશ્વિનીકુમારોની સ્તુતિ કરવા લાગ્યો.

(ઉપમન્યુ ઋગ્વેદ અંતર્ગત અશ્વિનીકુમાર દેવોની સ્તુતિ કરે છે.)

આ સ્તુતિથી અશ્વિનીકુમાર ત્યાં આવ્યા અને ઉપમન્યુને કહ્યું, ‘અમે તારી સ્તુતિથી પ્રસન્ન થયા છીએ, આ પૂડો લે અને ખા!’ આ સાંભળીને ઉપમન્યુએ કહ્યું, ‘તમે કદી અસત્ય બોલતા નથી પરંતુ હું ગુરુને અર્પ્યા વિના આ પૂડો નહીં ખાઈ શકું.’

ત્યારે અશ્વિનીકુમારોએ તેને કહ્યું, ‘આ પહેલાં તારા ગુરુએ પણ સ્તવન કર્યું હતું અને પોતાના ગુરુને આપ્યા વિના પૂડો ખાધો હતો. એટલે તારા ગુરુએ જેમ કર્યું હતું તેમ તું પણ કર.’

એ સાંભળીને ઉપમન્યુ ફરી બોલ્યો, ‘હે અશ્વિનીકુમારો, હું અનુનય કરીને કહું છું: ઉપાધ્યાયને ધરાવ્યા વિના હું આ પૂડો નહીં ખાઉં.’

અશ્વિનીકુમારોએ તેને કહ્યું, ‘આવી ગુરુભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ, તારા ગુરુના દાંત લોખંડના હતા. તારા દાંત સોનાના થશે. તું નેત્રવાળો થઈશ અને તારું કલ્યાણ થશે.’

અશ્વિનીકુમારોએ આમ કહ્યું, એટલે નેત્રો પ્રાપ્ત કરીને ઉપમન્યુ ગુરુ પાસે આવીને પ્રણામ કરવા લાગ્યો. બધી વાત કરી. ઉપાધ્યાય પ્રસન્ન થયા. અશ્વિનીકુમારોએ જેવું કહ્યું છે તેવું જ થશે, બધા વેદોનું જ્ઞાન તને પ્રાપ્ત થશે.’

આ પ્રમાણે ઉપમન્યુની પરીક્ષા થઈ.

(આદિ પર્વ, ૩)