ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/ઉપરિચર
પ્રાચીન કાળમાં ઉપરિચર નામનો ધર્મભીરુ રાજા થઈ ગયો, તેણે મૃગયાનું જાણે વ્રત લીધું હતું. પૌરવનંદન રાજા વસુએ (ઉપરિચરનું મૂળ નામ) ચેદિ નામના સુંદર પ્રદેશ પર રાજ કરવા માંડ્યું હતું. એક સમયે અસ્ત્ર — શસ્ત્રનો ત્યાગ કરીને આશ્રમમાં કઠોર તપ કરવા માંડ્યું, એ રાજા પાસે સ્વયં વજ્રધારી ઇન્દ્ર જઈ પહોંચ્યા, આ રાજા તપ કરીને ઇન્દ્રનું પદ લઈ શકે એમ વિચારી ઇન્દ્રે રાજાને તપસ્યાથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો.
ઇન્દ્રે કહ્યું, ‘પૃથ્વી પર ધર્મનો નાશ ન થાય એવો પ્રયત્ન કરો, તમે ધર્મરક્ષા કરો, એટલે પછી ધર્મ જગતને ધારણ કરી શકશે. તમે નિત્ય ઉત્સાહી અને સમાહિત બનીને લોકરક્ષા કરનારા ધર્મનું પાલન કરો, આ રીતે ધર્મયુક્ત થઈને શાશ્વત અને પવિત્ર લોકને પ્રાપ્ત કરી શકશો. મર્ત્યલોકમાં રહેનારા તમે મારા પ્રિય સખા બનીને આ ધરતીનો અતિ ઉત્તમ પ્રદેશ જે સુંદર છે, પશુઓ માટે મંગલકારી છે, પવિત્ર છે, સુસ્થિર છે, ધનધાન્યથી સમૃદ્ધ છે, સ્વર્ગ સમાન છે, સૌમ્ય અને ધરતી પર પ્રાપ્ત થનારાં બધાં ઐશ્વર્ય જ્યાં છે, સુંદર ભૂમિના ગુણો છે તે દેશમાં જઈને તમે વસો. હે રાજા, આ દેશ ઐશ્વર્યયુક્ત છે, અસંખ્ય ધનરત્નોથી સમૃદ્ધ છે, એટલે તમે અહીં નિવાસ કરો. આ દેશના લોકો ધાર્મિક છે, સદા સંતુષ્ટ છે, સાધુ છે. અહીં કોઈ મજાકમાંંય અસત્ય બોલતું નથી તો સાચેસાચ અસત્ય બોલવાનો પ્રશ્ન જ નથી. અહીંના મનુષ્યો પોતાના પિતાથી જુદા નથી થતા, સદા ગુરુસેવા કરે છે, અહીં કોઈ દૂબળા પશુ પર ભાર લાદતું નથી, તેને હળ સાથે જોતરતા નથી, અહીં લોકો નબળા બળદોને પુષ્ટ કરે છે. આ ચેદિ દેશમાં બધા વર્ણના લોકો પોતાના ધર્મમાં લીન રહે છે, ત્રણે લોકમાં જે કંઈ બને છે તે સઘળું તમે જાણો છો. દેવોના ભોગ માટે વપરાતું આ દિવ્ય આકાશગામી, સ્ફટિકનું બનેલું મોટું વિમાન સદા તમારી સેવામાં રહેશે. આ પૃથ્વી પર તમે આ વિમાનમાં બેસીને શરીરધારી દેવતાઓની જેમ વિહરી શકશો. હું તમને કદી મ્લાન ન થનારી, કમળવાળી વૈજયંતી માલા આપું છું, તે માલા યુદ્ધભુમિ પર શસ્ત્રોથી તમારું રક્ષણ કરશે. હે રાજન્, આ માલા તમારું અનિત્ય, ધન્ય ઓળખચિહ્ન બની રહેશે, તે ઇન્દ્રમાલા નામે વિખ્યાત થશે.’
આમ કહીને પ્રિય વસ્તુ આપવાની ઇચ્છાથી વૃત્રહર્તા ઇન્દ્રે ઉપરિચર રાજાને સજ્જનોની રક્ષા કરવાવાળી એક લાકડી આપી. એક વર્ષ વીત્યા પછી રાજાએ ઇન્દ્રપૂજાના નિમિત્તે એ વાંસની લાકડીને ધરતીમાં દાટી દીધી. ઉપરિચર રાજાએ જેવી રીતે લાકડી દાટી હતી તેવી રીતે આજે પણ રાજાઓ લાકડી દાટે છે, અને બીજે દિવસે સુગંધી માળા, વસ્ત્ર, આભૂષણથી લાકડી સુશોભિત કરીને એને માળા પહેરાવે છે. મહાત્મા વસુની પ્રીતિ માટે સ્વયં હંસના રૂપને ધારણ કરી પૂજા સ્વીકારી. દેવરાજ મહેન્દ્રે વસુ દ્વારા થતી આ પૂજા જોઈને અને પ્રસન્ન થઈ કહ્યું, ‘જે લોકો, જે રાજાઓ ચેદિરાજની જેમ પ્રેમથી અને ઉત્સવથી મારી પૂજા કરાવશે તેમની સમૃદ્ધિ વધશે, તેમને વિજય પ્રાપ્ત થશે. તેમનું રાજ્ય વિસ્તરતું રહેશે. મહાત્મા અને ઐશ્વર્યશાળી મહેન્દ્રે આ પ્રકારે પ્રેમપૂર્વક મહારાજ વસુનો સત્કાર કર્યો, જે માનવી ભૂમિદાન, વરદાન વગેરે દાનોથી મહાયજ્ઞ તથા ઇન્દ્રના ઉત્સવથી સદા મહેન્દ્રનો ઉત્સવ કરશે તે રાજા વસુની જેમ પવિત્ર થઈ જશે.’
ચેદિરાજ વસુ ઐશ્વર્યશાળી ઇન્દ્રથી સત્કૃત કરીને ચેદિ દેશમાં નિવાસ કરતા ધર્માનુસાર આ ધરતીને પાળવા લાગ્યા, ઇન્દ્ર ઉપર સ્નેહ વ્યક્ત કરીને ભૂમિપતિ વસુ ઇન્દ્રનો મહોત્સવ કરવા લાગ્યા. અત્યંત તેજસ્વી વસુના મહા પરાક્રમી પાંચ પુત્રો હતા. તે સમ્રાટે પોતાના પુત્રોનો વિવિધ રાજ્યોમાં રાજ્યાભિષેક કર્યો. તેમાં મુખ્ય રથી બૃહદ્રથ પુત્ર મગધ દેશનો રાજા થયો. તેના બીજા પુત્રોનાં નામ પ્રત્યગ્રહ, કુશામ્બ (મણિવાહન), મચ્છિલ અને યદુ હતાં, યદુ રાજા શત્રુઓથી પરાજિત થતો ન હતો. આ રાજર્ષિના પાંચ તેજસ્વી પુત્રોએ પોતાના નામથી રાજ્ય અને રાજધાનીઓ વસાવ્યા હતાં. વસુના આ પાંચ પુત્રોથી અતિ વિસ્તૃત ભિન્ન ભિન્ન પાંચ વંશોની ઉત્પત્તિ થઈ અને તે વંશ ઘણો સમય ટકી રહ્યા.
ઇન્દ્રે આપેલા અને આકાશમાં ઊડતા સ્ફટિકમહેલ સમા વિમાનમાં બેસતા ઉદાર ચિત્તવાળા વસુરાજાની સેવા ગંધર્વો અને અપ્સરાઓ કરતા હતા. એટલે તે સંસારમાં ‘ઉપરિચર’ નામે પ્રસિદ્ધ થયો. તેમની રાજધાની પાસેથી વહેતી શુક્તિમતી નામની નદીને કોલાહલ નામના એક ચેતનયુક્ત પર્વતે કામવશ રોકી, ત્યારે વસુ રાજાએ તે કોલાહલ પર્વતને પાદપ્રહાર કર્યો, તેના પ્રહારથી પર્વતમાં જ્યાં કાણું પડ્યું તેમાંથી શુક્તિમતી વહેવા લાગી. કોલાહલ પર્વતે આ નદી સાથેના મિલનથી એક પુત્રી અને પુત્રને જન્મ આવ્યો. નદીએ મુક્તિ મળી તેના આનંદમાં પુત્રપુત્રી રાજાને આપી દીધા. એ નદીમાંથી ઉત્પન્ન થયેલા શત્રુનાશક પુત્રને રાજર્ષિશ્રેષ્ઠ વસુએ પોતાનો સેનાપતિ બનાવ્યો અને ગિરિકા નામની તે કન્યાને પોતાની પ્રિય પત્ની બનાવી.
એક વેળા વસુની રાણી ગિરિકા ઋતુકાળમાં આવી અને ઋતુસ્નાન કરીને શુદ્ધ થઈને પતિ પાસે પોતાની અભિલાષા પ્રગટ કરી. તે દિવસે પિતૃઓએ પ્રસન્ન થઈને બુદ્ધિમાન અને રાજવીશ્રેષ્ઠ વસુને મૃગોને મારવાની આજ્ઞા આપી. તે રાજાએ પિતૃઓની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરતાં, જાણે લક્ષ્મી જ બીજી કાયા ધારણ કરીને આવી છે એમ અતીવ રૂપસંપન્ન ગિરિકાનું સ્મરણ કરતાં કરતાં કામી રાજાએ શિકાર કર્યો. તે સુંદર વનમાં વિહાર કરતાં કરતાં તેનું વીર્ય સ્ખલિત થયું અને રાજાએ વૃક્ષપત્રમાં એ ઝીલી લીધું, રાજાએ વિચાર્યું — આ મારું વીર્ય નિષ્ફળ ન થાય અને મારી પત્નીનો ઋતુકાળ પણ મિથ્યા ન થાય. રાજાએ વારંવાર વિચાર કર્યો — આ મારું વીર્ય નિષ્ફળ ન થાય, મારી રાણીનો આ ગર્ભાધાન સમય છે, એ રાજાએ એ વીર્યને મંત્રોથી અભિસિક્ત કર્યું, સૂક્ષ્મ ધર્માર્થને જાણનારા રાજાએ પાસેના શ્યેન (બાજ)ને કહ્યું, ‘હે સૌમ્ય, મારું હિત કરવા માટે તું મારું આ વીર્ય લઈને મારે ઘેર જા અને મારી પત્ની ગિરિકાને આપ, અત્યારે તેનો ઋતુકાળ છે.’
તે વેગવાન બાજ એ વીર્ય લઈને શીઘ્ર આકાશ માર્ગે નીકળ્યો અને ઝડપથી ઊડવા લાગ્યો. આ પ્રકારે તેને ઊડતો બીજા એક બાજે જોયો અને ચાંચમાં માંસ છે એમ માનીને તેની પાછળ ઊડવા લાગ્યો. ત્યારે આકાશમાં જ બંને વચ્ચે ભયંકર લડાઈ થઈ, આ લડાઈને કારણે પેલું વીર્ય યમુના નદીમાં પડી ગયું. ત્યાં બ્રહ્મશાપને કારણે અદ્રિકા નામથી પ્રસિદ્ધ અપ્સરા માછલી રૂપે વિહાર કરતી હતી. બાજના પંજામાંથી પડી ગયેલું તે વીર્ય મત્સ્યરૂપિણી અદ્રિકાએ ઝડપી લીધું અને આરોગી ગઈ. તે પછી દશ મહિને એક દિવસ માછીમારોએ તે માછલીને જાળમાં ફસાવી અને તેનું પેટ ચીરતાં તેમાંથી એક કન્યા અને એક કુમાર નીકળ્યા. એ માછીમારોએ આશ્ચર્ય પામીને રાજાને કહ્યું, ‘મહારાજ, માછલીના શરીરમાંથી બે મનુષ્યો પ્રગટ્યા છે.’ રાજા ઉપરિચરે એ બાળકોમાંથી પુત્રને લઈ લીધો, તે પાછળથી મત્સ્ય નામે સત્યવાન ધાર્મિક રાજા બન્યો. તે અપ્સરા તે જ વખતે શાપમુક્ત થઈ ગઈ, જ્યારે અદ્રિકા શાપથી ભ્રષ્ટ થઈને મત્સ્યરૂપે અવતરી હતી, ત્યારે ભગવાને તેને કહ્યું હતું, ‘હે કલ્યાણી, તું બે મનુષ્યોને જન્મ આપીને શાપમુક્ત થઈશ.’ તે પછી આ સુંદર અપ્સરા બે મનુષ્યને જન્મ આપીને માછીમારોએ મારી નાખેલી તે મત્સ્ય સ્વરૂપ ત્યજીને દિવ્યરૂપ ધારણ કરી સિદ્ધ અને ચારણોના પથે આકાશમાં ઊડી ગઈ.
રાજાએ મત્સ્યગંધવાળી તે કન્યા માછીમારને આપી દીધી અને કહ્યું, ‘રૂપયૌવનસંપન્ન આ કન્યા તારી પુત્રી રહેશે. સુંદર સ્મિતવાળી સત્યવતી નામની કન્યા માછીમારને ત્યાં ઉછરવાને કારણે તેનું નામ મત્સ્યગંધા પડ્યું.
એક વાર પિતાની સેવામાં નૌકા ચલાવતી મત્સ્યગંધાને તીર્થયાત્રાએ નીકળેલા પરાશર ઋષિએ જોઈ. અત્યંત સુંદર, સિદ્ધોને પણ મોહિત કરનારી વસુપુત્રીને જોતાંવેંત પરાશર મુનિ કામવશ થઈ ગયા. કન્યાએ કહ્યું, ‘નદીને બંને કાંઠે ઋષિઓ છે, એમના દેખતાં આપણું મિલન કેવી રીતે થાય?’ મત્સ્યગંધાએ આમ કહ્યું એટલે પરાશરે ધુમ્મસ સર્જ્યું અને એેને કારણે આખો વિસ્તાર અંધકારમય થઈ ગયો. આ જોઈને આશ્ચર્ય પામેલી તે કન્યા બોલી, ‘હું હંમેશાં પિતાને આશ્રયે રહું છું. મારો વિવાહ નથી થયો. તમારી સાથેના સહવાસથી મારું કૌમાર્ય નષ્ટ થઈ જશે. અને જો એવું થાય તો હું મારે ઘેર કેવી રીતે જઈ શકું? આ વિચારીને જે યોગ્ય લાગે તે કરો.’
આ સાંભળીને પરાશર બોલ્યા, ‘મારું પ્રિય કરવા છતાં તું કુંવારી જ રહીશ. જે ઇચ્છા થાય તે વર માગ. મારી પ્રસન્નતા પહેલાં ક્યારેય નિષ્ફળ નથી ગઈ.’
એટલે તે કન્યાએ પોતાના શરીરમાંથી સુગંધ પ્રસરતી રહે એવી ઇચ્છા વ્યક્ત કરી. મુનિએ તથાસ્તુ કહી એ વરદાન આપ્યું. અને એ ઋતુમતિ બનેલી તથા વરદાનથી પ્રસન્ન થયેલી સત્યવતીએ મુનિ સાથે સમાગમ કર્યો. ત્યારથી મત્સ્યગંધાનું નામ જગતમાં ‘ગંધવતી’ પડ્યું. નવ નવ યોજન દૂરથી પણ તેની સુવાસ આવવા માંડી એટલે તેનું નામ યોજનગંધા પડ્યું. પછી ભગવાન પરાશર ઋષિ પોતાના સ્થાને ચાલ્યા ગયા. ઉત્તમ વરદાન પામેલી સત્યવતી બહુ જલદી સગર્ભા થઈ અને યમુના નદીમાં પુત્ર કૃષ્ણ દ્વૈપાયનને જન્મ આપ્યો. જન્મતાવેંત તપસ્યા કરવામાં તે લીન થયા અને માતાને કહ્યું, ‘જ્યારે કામ પડે ત્યારે મને યાદ કરજે. હું આવી પહોંચીશ.’
આમ પરાશર અને સત્યવતીના પુત્રે દ્વીપમાં જન્મ લીધો એટલે તેમનું નામ દ્વૈપાયન પડ્યું. તેમણે વેદના વ્યાસ (વિભાગ) પાડ્યા એટલે તેમનું નામ વેદવ્યાસ પડ્યું.
(આદિ પર્વ, ૫૭)