ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/અંગિરાની કથા
એક વેળા મહાઋષિ અંગિરા પોતાના આશ્રમમાં બેસીને અગ્નિથી પણ વધુ તેજસ્વી બનવાનો પ્રયત્ન કરવા લાગ્યા. થોડા જ સમયમાં અંગિરા અગ્નિ જેવા થઈ ગયા. તેમના તેજથી આખા જગતમાં અજવાળું અજવાળું થઈ ગયું. અંગિરા ઋષિના તેજથી અગ્નિ ખૂબ જ કાળા પડી ગયા, પણ આનું કારણ તે જાણી ન શક્યા. અગ્નિએ માની લીધું કે બ્રહ્માએ બધા લોકોના લાભાર્થે નવા અગ્નિનું સર્જન કર્યું છે, અને તપ કરતાં કરતાં મારું તેજ ઝાંખું થઈ ગયું છે. હવે પહેલાંના જેવો હું કેવી રીતે થઈશ? આવો વિચાર કરતા હતા ત્યારે અગ્નિ જેવા થઈને જગત આખાને તપાવનારા મહામુનિ અંગિરાને જોયા. અગ્નિ બીતાં બીતાં, ધીરે ધીરે અંગિરા ઋષિ પાસે ગયા. અંગિરા ઋષિ બોલ્યા, ‘તમે ફરી અગ્નિ થઈ જાઓ, જગતને પ્રકાશિત કરનારા બનો. કારણ કે તમે ત્રણે લોકમાં ઘૂમનારાં પ્રાણીઓમાં બહુ જાણીતા છો. અંધકારનો નાશ કરનારા બ્રહ્માએ સૌથી પહેલાં તમારા વડે જ અંધકારનો નાશ કર્યો હતો, એટલે ફરી પાછા તેજસ્વી અગ્નિ બની જાઓ.’
આ સાંભળીને અગ્નિએ કહ્યું, ‘ઋષિવર્ય, જગતમાં મારી કીતિર્ તો ઝાંખી થઈ ગઈ છે. એટલે હવે જગતના બધા માનવીઓ મને નહીં પણ તમને જ અગ્નિ માનવાના. હું મારું અગ્નિપણું ત્યજી દઉં છું, તમે જ અગ્નિ બનો. હું બીજા ક્રમનો અગ્નિ બનીશ.’
અંગિરાએ કહ્યું, ‘અગ્નિદેવ, તમે પુણ્ય કરો. અંધકારનો નાશ કરનારા અગ્નિ બનીને પ્રજાને સ્વર્ગ સંપડાવો. તમે મને તમારો પહેલો પુત્ર બનાવો.’
અંગિરાની વાત સાંભળીને અગ્નિએ એમ કર્યું. પછી અંગિરાને પણ બૃહસ્પતિ નામે પુત્ર જન્મ્યો. અંગિરાને પહેલો પુત્ર જન્મ્યો એટલે બધા દેવતાઓએ ત્યાં જઈને તેનું કારણ પૂછ્યું. પછી તેમણે દેવતાઓને બધું કારણ કહ્યું.
(હવે અગ્નિનું વર્ણન કરવામાં આવે છે.)